એબ્સર્ડ

વિકિપીડિયામાંથી
સિસિફસ—જીવનની નિરર્થકતાનું પ્રતિક ફ્રાંસ સ્ટુક દ્વારા.

અસંબદ્ધ અથવા અયુક્ત (અંગ્રેજી: Absurd) એ માનવ-અસ્તિત્વ અંગેનું આધુનિક ચિંતન છે કે જેમાં એવું માનવામાં આવે છે કે વિશ્વમાં વ્યક્તિ અન્ય વ્યક્તિઓથી અલગ પડી ગયેલી છે, કશુંક પણ અર્થપૂર્ણ કાર્ય કરવામાં તે અસમર્થ છે અને તે એના કાબૂ બહારનાં બાહ્ય બળોનો ભોગ બનેલી છે. વીસમી સદીની યુરોપીય વિચારસરણીના એક ભાગ તરીકે વિકસેલું આ વલણ સાર્ત્ર અને આલ્બેર કેમ્યૂનાં ચિંતનશીલ લખાણોમાંથી પણ બહાર આવ્યું. ત્યારબાદ સેમ્યુઅલ બેકેટ, ઇઅનેસ્કો, હેરલ્ડ પિન્ટર આદિ નાટ્યલેખકોએ રંગભૂમિ ક્ષેત્રે આ વિચારધારાને આગળ વિકસાવી, જેના પરિણામરૂપ થિયેટર ઓવ ધી એબ્સર્ડનો ઉદભવ થયો. બીજા વિશ્વયુધ્ધ પછી આ અસ્તિત્વવાદી લેખકોએ નાટકો દ્વારા માનવજીવનમાં સંવાદિતા, હેતુ વગેરે વિધેયાત્મક પરિબળોના અભાવનું ચિત્ર રજૂ કર્યું. બેકેટનું વેઇટિંગ ફોર ગોદો (૧૯૫૨) અને ઇઅનેસ્કોનુ ધ ચેર્સ (૧૯૫૧) આ પ્રકારનાં નાટકો છે. ગુજરાતી રંગભૂમિમાં લાભશંકર ઠાકર અને સુભાષ શાહ લિખિત નાટક 'એક ઊંદર અને જદુનાથ' થી આ પ્રકારનું નાટ્યલેખન અસ્તિત્વમાં આવ્યું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. નાયક, પરેશ. 'ગુજરાતી સાહિત્યકોશ ભાગ - ૩' (૧૯૯૬). ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. P. ૩૫ - ૩૬