લખાણ પર જાઓ

કન્યાકુમારી

વિકિપીડિયામાંથી
કન્યાકુમારી ખાતે સમુદ્રમાં ખડક પર આવેલાં સ્થાપત્યો

ભારત દેશની હિંદ મહાસાગરમાંની ભૂશિર કન્યાકુમારી તરીકે ઓળખાય છે. ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના કન્યાકુમારી જિલ્લાના મુખ્યમથક નાગરકોઇલ શહેરની નજીકમાં આવેલું નાનું નગર છે.

કન્યાકુમારી હિન્દ મહાસાગર, બંગાળની ખાડી તથા અરબ સાગરનું સંગમ સ્થળ છે. અહીં અલગ અલગ સાગર પોતાના વિભિન્ન રંગો વડે મનોરમ્ય છટા વિખેરે છે. દક્ષિણ ભારતના અંતિમ છેડા પર વસેલું કન્યાકુમારી વર્ષોથી કલા, સંસ્કૃતિ, સભ્યતાનું પ્રતીક રહ્યું છે. ભારત દેશના પર્યટક સ્થળના રૂપમાં પણ આ સ્થળનું ઘણું જ મહત્વ રહેલું છે. દૂર દૂર ફેલાયેલા સમુદ્રની વિશાળ લહેરોની વચ્ચે અહીં સૂર્યોદય તેમ જ સૂર્યાસ્તનો નજારો બેહદ આકર્ષક લાગે છે. સમુદ્ર બીચ પર ફેલાયેલ રંગ બિરંગી રેતી આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

    બંગાળની ખાડી તેમજ હિન્દ અને અરબી સમુદ્રના સંગમ પર પાર્વતીજીના કુમારી રૂપનું મંદિર છે. કન્યાકુમારીને તેનું નામ આ મંદિર પરથી મળ્યું છે. કન્યાકુમારીનું અમ્મન મંદિર દેવીની 52 શક્તિપીઠોમાંની એક છે. એવું મનાય છે કે, દેવી સતીનાં કરોડરજ્જુનું એક હાડકું અહીં પડ્યું હતું. આ મંદિરના પૂજારી સુબ્રમણ્યમ કહે છે કે, અહીં દેવીની શર્વની (શિવનાં પત્ની)ના રૂપમાં પૂજા થાય છે. નવરાત્રિમાં વિશેષ પૂજા સવારે 5 વાગે શરૂ થાય છે. શૃંગારમાં તેમનાં વાહનો પણ બદલાય છે. જે અંતર્ગત ક્યારેક તેમને ચાંદીના હરણ પર તો, ક્યારેય ચાંદીની કામધેનુ પર બિરાજમાન કરાય છે.
    15 ઓક્ટોબરે દશેરાના દિવસે તેઓ ચાંદીની ઘોડાગાડી પર સવાર થઈને દર્શન આપશે. આ મંદિર ત્રણ હજાર વર્ષ જૂનું છે. તેના ગર્ભગૃહમાં સ્થાપિત અમ્મન દેવીની પ્રતિમાની નાકની નથમાં એક હીરો જડેલો છે, જે એટલો ચમકદાર છે કે, એક જમાનામાં સમુદ્રમાર્ગથી આવતાં જહાજો રાત્રે તેના થકી જ દિશાની માહિતી મેળવતા હતા. મંદિરમાં દર્શન માટે પુરુષોએ શરીરનું ઉપવસ્ત્ર કાઢીને જવું પડે છે. 
   
  પૌરાણિક કથા પ્રમાણે, પરશુરામજીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એક કિંવદંતી એ પણ છે કે ભગવાન શિવ કન્યાકુમારીથી લગ્ન કરવા નીકળ્યા હતા, પરંતુ સમયસર અહીં પહોંચી ના શક્યા તેથી નારાજ કન્યાકુમારીએ દુલ્હનના રૂપમાં પોતાનો શૃંગાર અહીંના પાણીમાં ધોઈ નાખ્યો એટલે અહીંના પાણીમાં અનેક રંગો દેખાય છે. એક કથા છે કે અસુર રાજ બાણાસુરને શિવનું વરદાન મળ્યું હતું કે, કોઈ કુંવારી કન્યા જ તેનો વધ કરી શકશે. એટલે પરાશક્તિએ કન્યાકુમારીનો અવતાર લઈને તેનો વધ કર્યો હતો.
     આ મંદિર પાસે દેવીનાં પદચિહ્નો ધરાવતો પથ્થર શ્રીપાદપરાઈ છે, જેને વિવેકાનંદ રોક મેમોરિયલ પણ કહે છે. અહીંથી જ દેવીનાં આશીર્વાદ લઈને 1892માં સ્વામી વિવેકાનંદે ધર્મ અને લોકજાગરણ મિશન શરૂ કર્યું હતું. ઈતિહાસવિદ્ ત્યાગરાજન કહે છે કે, ભગવાન રામ શ્રીલંકા જવા અહીં સેતુ બનાવવા ઈચ્છતા હતા, પરંતુ કન્યાકુમારીએ રામને સલાહ આપી કે રામેશ્વરમમાં સેતુ નિર્માણ કરો. એટલે આ સ્થળને ‘આદિ સેતુ’ એટલે કે પ્રથમ સેતુ પણ કહેવાય છે.