કાવો (કાશ્મીરી ચ્હા)

વિકિપીડિયામાંથી
કાવો

કાવો (અંગ્રેજી:Kahwah,Urdu: قہوہ‎), એ એક પીણું છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા કાશ્મીર ખીણના લોકો રોજબરોજ પીએ છે. તેને ક્‌હાવો, કાહ્‌વો અથવા કાહવો પણ કહેવાય છે. રશિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવા દેશોના પર્વતીય ક્ષેત્રોના લોકો પણ આ પીણાનો ઉપયોગ કરે છે. ભારતમાં પણ કાશ્મીરી પંડિતો કે જેઓ હાલ અન્ય રાજ્યોમાં વસવાટ કરે છે, તેઓ પણ આ પીણાનો ઉપયોગ કરે છે.

કાવો બનાવવા માટે પાણીમાં કેસર નાંખી ઉકાળવામાં આવે છે. એમાં ઇલાયચી, તજ, ગુલાબની પાંખડીઓ વગેરે નાંખી તેને લહેજતદાર અને ખૂશ્બુદાર બનાવવામાં આવે છે. ઉકળીને તૈયાર થયેલા કાવામાં મધ અથવા ખાંડ ઉમેરવામાં આવે છે. પરંપરાગત રીતે વપરાતા બ્રાસના સુરાહીદાર પાત્રમાં આ પીણું તૈયાર કરવામાં આવે છે, જેને સમોવર કહેવામાં આવે છે. સામાન્ય કાવાને વિશિષ્ટ રીતે એટલે કે બદામ અને અખરોટના ટુકડા ઉમેરી બનાવવામાં આવે તો તેને અમીરી કાવો કહેવાય છે.