કિલાચંદ દેવચંદ

વિકિપીડિયામાંથી
કિલાચંદ દેવચંદ
જન્મની વિગત૧૦ જૂન ૧૮૫૫
પાટણ
વ્યવસાયધંધાદારી, દાનવીર, ઉદ્યોગપતિ
સંસ્થાકિલાચંદ ઍન્ડ દેવચંદ કું.
પદરાવબહાદુર
સાથી(ઓ)કરસનબાઈ (કેસરબાઈ)

રાવબહાદુર કિલાચંદ દેવચંદ (૧૮૫૫-૧૯૨૯) એક ભારતીય ઉદ્યોગપતિ અને દાનવીર હતા. ૧૮૫૫માં પાટણ ખાતે તેમનો જન્મ થયો હતો અને તેઓ ૧૫ વર્ષની ઉંમરથી મુંબઈ ધંધાર્થે ગયા હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

કિલાચંદનો જન્મ પાટણમાં રહેતા દેવચંદ વલ્લભદાસ અને જ્ઞાનબાઈને ત્યાં ૧૦ જૂન ૧૮૫૫ના રોજ થયો. આઠ વર્ષની ઉંમરે તેઓએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને નાનપણમાં પાટણમાં "સુતરાઉ કાપડ વણતી હાથસાળની દુકાને એક રૂપિયાના પગારે નોકરી" કરી. તેમનું લગ્ન કરસનબાઇ સાથે બાર વર્ષની ઉંમરે થયું.[૨]

મુંબઈ આવ્યા પછી, પ્રારંભિક રીતે તેમણે જુદી જુદી વ્યાપારી પેઢીઓમાં અલગ અલગ પ્રકારની કામગીરી બજાવી. કિલાચંદ પોતાની "કુશાગ્ર બુદ્ધિ, વ્યાપારની સૂઝ અને કુનેહ તથા સચોટ કાર્યપ્રણાલીને લીધે થોડા જ સમયમાં તે કેટલીક વ્યાપારી પેઢીઓના ભાગીદાર બન્યા અને છેવટે પોતાની માલિકીના ઔદ્યોગિક એકમો ઊભા કર્યા."[૧] શરુઆતમાં તેલીબિયાં અને કપાસના નિકાસથી તેમણે ધંધો કર્યો અને ત્યારબાદ સોનું-ચાંદીનું ખરીદ-વેચાણ તથા આગ તેમજ દરિયાઈ વીમાના ક્ષેત્રમાં પગેપસારો કર્યો. તેમણે કિલાચંદ દેવચંદ એન્ડ કું. નામે પેઢીની સ્થાપના કરી.[૨]

૧૯૨૦માં મુંબઈની એક કાપડની મિલ ખરીદી તેનું સફળ સંચાલન કર્યું હતું. ઉપરાંત ભારતના જુદા જુદા ભાગોમાં જિનીંગ અને પ્રેસિંગના કારખાનાં નાખ્યાં હતાં. અંગ્રેજોએ તેમને રાવબહાદુરની પદવીથી નવાજ્યા હતા.[૧]

તેઓ એક દાનવીર હતા. કુદરતી આફતો સમયે તેમણે પુષ્કળ સહાય આપી હતી. "કૂવા ખોદાવવા, ગરીબોને અન્નદાન, આર્થિક સહાય વગેરે રાહતકાર્યોમાં" તેમણે ખુલ્લા હાથે દાન આપ્યું છે.[૧] તેમના વડે થયેલા દાનથી કેટલાય નગરોમાં નિશાળો, દવાખાનાંઓ, ગૌશાળાઓ, પાંજરાપોળો, બહેરાં-મૂગાંની શાળાઓ ખોલવામાં આવ્યાં હતાં.[૧]

વારસો[ફેરફાર કરો]

પાટણ શહેરમાં તેમના નામનો એક ક્લોક ટાવર છે તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તેમના નામનું કારકિર્દી વિકાસ કેન્દ્ર છે.[૨] તેમના નામ પરથી પોલિટેક્નીક કોલેજ અને તેમના પત્નીના નામ પરથી ગર્લ્સ હાઇસ્કૂલ પાટણમાં આવેલી છે.[૨] ૧૯૩૯માં તેમના વારસદારોએ મહિલા શિક્ષણ માટે પાટણની પહેલવહેલી ગર્લ્સ હાઇસ્કૂલ શરૂ કરી હતી.[૨] તેમની પત્નીની સ્મૃતિમાં બહેરા-મૂંગાની શાળા પણ મહેસાણામાં ચાલે છે.[૨]

તેમના પૌત્ર તનીલ કિલાચંદે તેમનું જીવન ચરિત્ર "જીવન અને સમય : રાવ બહાદુર કિલાચંદ દેવચંદ" નામના પુસ્તકમાં આલેખ્યું છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ મૂળે, બાળકૃષ્ણ માધવરાવ. "કિલાચંદ દેવચંદ – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2022-10-22.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ દવે, વત્સલ (૨૦૨૧)."સક્સેસ સ્ટોરી:પાટણના એ બિઝનેસમેનની ગાથા જેમણે ઇતિહાસ બદલી નાખ્યો". દિવ્ય ભાસ્કર