ક્રિકેટનો દડો
આ લેખમાં વધુ સંદર્ભોની જરૂર છે.(December 2008) |
ક્રિકેટ દડો એ એક પ્રકારનો સખત અને કડક દડો છે જેનો ઉપયોગ ક્રિકેટ રમવા માટે થાય છે. પ્રથમ શ્રેણીના ક્રિકેટના સ્તર પર રમવા માટેના કોર્ક અને લેધરના બનેલા ક્રિકેટના દડા માટે અનેક નિયમો ઘડાયેલા છે. જોકે આમ છતાં અનેક ભૌતિક પરિબળોની મદદથી પ્રમાણિત દડા સાથે છેડછાડ કરીને બોલિંગને વધારે ધારદાર કરવાના અને બેટ્સમેનને મૂંઝવણમાં મૂકી દેવાના પ્રયોગો થતા રહે છે. દડો હવામાં અને મેદાનમાં કઈ રીતે ઉછળે છે એનો મોટો આધાર દડાની સ્થિતિ અને દડો ફેંકનારા બૉલરના પ્રયાસો પર હોય છે. જ્યારે ક્રિકેટના દડાની ઉપર અનુકૂળ પરિસ્થિતી મેળવવા માટે કામ કરવામાં આવે છે ત્યારે ફિલ્ડીંગ બાજુએ અનુકૂળ પરિસ્થિતી એક ચાવીરૂપ ભૂમિકા બને છે. ક્રિકેટનો દડો એવું પ્રાથમિક માધ્યમ છે જેને ફટકારીને રન લેવું સલામત છે કે પછી દડાને બાઉન્ડ્રીની બહાર મેળવી શકાય છે એ નક્કી કરીને પછી બેટ્સમેન રન બનાવી શકે છે.
ટેસ્ટ ક્રિકેટ અને બીજી સ્થાનિક કક્ષાએ રમાતી મોટાભાગની રમત અનેક દિવસો સુધી ચાલે છે અને એમાં વપરાતો દડો પરંપરાગત રીતે લાલ રંગનો હોય છે. ઘણી એક દિવસીય ક્રિકેટ મેચોમાં, દડાનો રંગ સફેદ હોય છે. આ સિવાય તાલીમ દરમિયાન અથવા તો બિનસત્તાવાર મેચોમાં વિન્ડ બૉલ અથવા તો ટેનિસ દડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ક્રિકેટ મેચો દરમિયાન દડાની ગુણવત્તા એ રમવા માટે નકામો થઈ જાય એ સ્તર સુધી બદલાતી હોય છે અને આ બદલાવના દરેક તબક્કા દરમિયાન એના ગુણધર્મોમાં સતત ફેરફાર થતો રહે છે જેની મેચના પરિણામ પર ભારે અસર પડે છે. આ કારણે જ મેચ દરમિયાન ક્રિકેટના સત્તાવાર નિયમોમાં જેટલી મંજૂરી આપવામાં આવી છે એની લક્ષ્મણરેખાની બહાર દડામાં ફેરફાર કરવા પર પ્રતિબંધ છે અને આ કારણે જ જ્યારે દડા સાથે નિયમોની બહાર જઈને છેડછાડ કરાય છે ત્યારે બૉલ ટેમ્પરિંગનો મુદ્દો અગણિત વિવાદોનું કારણ બને છે.
155.9 થી 163.0 ગ્રામ જેટલા વજનનો ક્રિકેટનો દડો એની સખતાઈ તથા એને વાપરતી વખતે થતી ઇજાને કારણે જાણીતો છે. ક્રિકેટ રમતી વખતે રક્ષણાત્મક સાધનોની શોધ માટેનું મુખ્ય કારણ ક્રિકેટનો જોખમી દડો છે. ક્રિકેટ મેચો દરમિયાન દડાને કારણ ઘણીવાર ઇજા થવાના પ્રસંગ બને છે અને આ દડો ગણ્યાગાંઠ્યા કિસ્સાઓમાં તો જીવલેણ પણ સાબિત થયો છે.
ઉત્પાદન
[ફેરફાર કરો]ક્રિકેટના દડો કોર્કની અંદરના ભાગ દ્વારા બને છે, જેની આસપાસ કઠણ રીતે બાંધેલી દોરીનુ આવરણ હોય છે. આ રચનાને સહેજ ઊંચા સિલાઈના ઓટણ વડે લેધરથી આવરી લેવામાં આવે છે. ઉચ્ચ સ્તરની રમત માટે હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળા દડાની જ પસંદગી કરવામાં આવતી હોય છે. ક્રિકેટના દડાનું લેધરનું આવરણ લેધરના ચાર ટુકડાઓની મદદથી સંયુક્ત રીતે બનાવવામાં આવે છે અને આ રચના નારંગીની છાલને મળતી આવે છે. જોકે ક્રિકેટના દડાની બનાવટની ખાસિયત એ છે કે એનો અર્ધગોળાકારભાગ બીજા અર્ધગોળાકારની સરખામણીમાં કાટખૂણે ફેરવેલો હોય છે. બોલની નજરે પડે એવી સિલાઈ બનાવવા માટે કુલ ટાંકાઓની છ હારો સાથે બોલના બેય અર્ધગોળાકારોને દોરી સાથે સીવવામાં આવે છે. લેધરના ટુકડાઓના બાકી બચેલા બે ટુકડાઓની સિલાઇ આંતરિક રીતે જ કરી લેવામાં આવે છે. બે ટુકડાના આવરણવાળા નીચી ગુણવત્તાવાળા દડા તાલીમ માટે અને એની ખરીદ કિંમત પણ ઓછી હોવાના કારણે નીચલા સ્તરની રમતમાં વપરાશ માટે બહુ લોકપ્રિય છે.
પુરુષોના ક્રિકેટ માટે દડાનું વજન ફરજિયાતપણે 5.5 અને 5.75 ઔંસ (155.9 અને 163.0 ગ્રામ) અને પરિઘનું માપ 8 13/16 અને 9 (224 અને 229 મિલીમીટર) હોવું જરૂરી છે. મહિલાઓ અને યુવાનોની મેચમાં વપરાતો દડો થોડો નાનો હોય છે.
ક્રિકેટના દડાને સામાન્ય રીતે લાલ રંગથી રંગવામાં આવે છે અને લાલ દડાનો ઉપયોગ ટેસ્ટ ક્રિકેટ અને પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં થાય છે. આ સિવાય જ્યારથી વન-ડે મેચો રાત્રે ફ્લડલાઇટમાં પણ રમાવા લાગી ત્યારે આ પ્રકારની લાઇટમાં સ્પષ્ટ દેખાય એવા સફેદ દડાનું આગમન થયું હતું. હવે વ્યવસાયિક વન-ડે મેચો રાત્રે ન રમાતી હોય તો પણ એમાં સફેદ રંગના જ ક્રિકેટના દડાનો ઉપયોગ થાય છે. આ સિવાય રાતની મેચોમાં સ્પષ્ટપણે જોઈ શકાય એવા દડાની દૃષ્ટિક્ષમતા વધારવા માટે પીળા અને નારંગી રંગના દડાનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જોકે આ રંગથી રંગવાની પ્રક્રિયાને કારણે એવા દડા ક્રિકેટ માટેના માપદંડ જેવા દડાથી અલગ પડી જતો હોવાના કારણે એ વ્યવસાયિક રમત માટે નકામા ગણી લેવામાં આવ્યા હતા. ક્રિકેટની આંતરરાષ્ટ્રીય રમતમાં સૌથી પહેલીવાર ગુલાબી દડાનો ઉપયોગ 2009ના જુલાઈ મહિનામાં કરવામાં આવ્યો હતો જ્યારે વોર્મસ્લી ખાતે [૨] ઇંગ્લેન્ડની મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી હતી. સફેદ અને લાલ દડાના ઉત્પાદકો એવો દાવો કરે છે બન્ને પ્રકારના દડા એકસરખી પદ્ધતિથી સમાન વસ્તુઓ વાપરીને બનાવવામાં આવે છે, પણ જોવા મળ્યું છે કે દાવના શરૂઆતના તબક્કા દરમિયાન લાલ દડાની સરખામણીમાં સફેદ દડો વધારે સ્વિંગ થાય છે અને એ સરખામણીમાં વધારે ઝડપથી ખરાબ થઈ જાય છે.[૧]
ક્રિકેટના દડા ખર્ચાળ છે. 2007માં ઇંગ્લેન્ડમાં પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં વપરાયેલા પ્રત્યેક દડાની કિંમત 70 પાઉન્ડ સ્ટર્લિંગ આંકવામાં આવી હતી. ટેસ્ટ મેચ ક્રિકેટમાં એક દડો ઓછામાં ઓછી 80 ઓવર (સૈદ્ધાંતિક રીતે રમતના પાંચ કલાક અને 20 મિનિટ) માટે વપરાય છે. વ્યવસાયિક વન-ડે ક્રિકેટમાં દરેક મેચમાં ઓછામાં ઓછા બે દડાનો વપરાશ થાય છે. શીખાઉ ક્રિકેટરો મોટાભાગે જૂના દડાનો અથવા તો એના સસ્તા વિકલ્પનો ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં દડાની પરિસ્થિતિમાં આવતા ફેરફારોને કારણે એવો અનુભવ નથી થતો જેવો અનુભવ વ્યવસાયિક ક્રિકેટના દાવ વખતે થાય છે.
તમામ ઓ.ડી.આઈ. મેચો (એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો) કોકાબુર્રા દડાઓની મદદથી રમવામાં આવે છે પણ ભારતમાં ટેસ્ટ મેચો એસજી (SG) ક્રિકેટ દડાઓની મદદથી રમવામાં આવે છે. ઇંગ્લેન્ડ જ્યારે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચનું આયોજન કરે છે ત્યારે તે "ડ્યુક ક્રિકેટ દડા"ઓનો ઉપયોગ કરે છે જ્યારે બાકીના બધી ટેસ્ટ મેચોમાં કોકાબુર્રા દડાઓનો વપરાશ થાય છે. [૨][૩]
1996ના વર્લ્ડ કપ દરમિયાન જ્યારે એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ હતી ત્યારે બેય અમ્પાયરો પાસે તેમના દડા હતા. દરેક ઓવર પછી મુખ્ય અમ્પાયર પાસેથી દડો લેગ અમ્પાયરને આપવામાં આવતો હતો અને તેઓ જ ફિલ્ડિંગ કરી રહેલી ટીમને એક ઓવર એટલે કે છ સત્તાવાર દડાની બોલિંગ કરવા માટે દડો આપતા હતા અને ઓવર પછી દડો પાછો લઈ લેતા હતા. બીજો અમ્પાયર પણ આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે... અને બસ આ રીતે જ એ સમયે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાતી હતી, કારણ કે સફેદ દડો વારંવાર ગંદો થઈ જતો હતો.[૪]
ક્રિકેટના દડાનાં ભયસ્થાનો
[ફેરફાર કરો]ક્રિકેટના દડાઓ તોફાની કહી શકાય એ હદના સખત હોય છે અને અત્યંત ઘાતક બનવાની ક્ષમતા ધરાવે છે જેના કારણે આજના બેટ્સમેન અને નજીકના ફિલ્ડરો ઘણીવાર માથાનું રક્ષણ કરતા સુરક્ષાકવચ પહેરેલા જોવા મળે છે. 1998માં બાંગ્લાદેશની ક્લબ કક્ષાની મેચમાં ક્રિકેટર રમણ લાંબાને ફોરવર્ડ શોટ લેગ ખાતે ફિલ્ડિંગ ભરતી વખતે માથામાં દડો વાગ્યો હતો અને આ મરણતોલ ફટકાને કારણે તેનું અવસાન થઈ ગયું હતું. આ સિવાય પ્રથમ કક્ષાની મેચમાં મેદાનમાં ઇજા થવાને કારણે ક્રિકેટરનું મૃત્યુ થયું હોય એવા અત્યાર સુધી માત્ર બે કિસ્સાઓ જ નોંધાયા છે. આ બેય ઇજાઓ બેટિંગ કરતી વખતે જ થઈ છે. 1870માં લોડ્સના મેદાન ખાતે માથામાં દડો વાગવાને કારણે નોટિંગહામશાયરના જ્યોર્જ સમરનું અને 1958-59માં કાયદા-એ-આઝમની ફાઇનલ મેચ વખતે હૃદય પર દડો વાગવાને કારણે કરાંચીના વિકેટ કિપર અબ્દુલ અઝીઝનું અવસાન થયું હોવાની ઘટનાઓ નોંધાઈ છે. આ સિવાય લેન્કેશાયરના ઇયાન ફોલીનું 1993માં વાઇટહેવન વતી રમતી વખતે દડો વાગ્યા પછી મૃત્યુ થયું હતું.
ચર્ચા પ્રમાણે પ્રિન્સ ઓફ વેલ્સ, ફ્રેડરિકનું મૃત્યુ પણ ક્રિકેટ દડો વાગવાને કારણે ઊભી થયેલી અનેક શારીરિક જટિલતાઓને કારણે થયું હતું. જોકે આ વાત સાવ ખોટી સાબિત થઈ હતી. હકીકતમાં ફ્રેડરિકને માથા પર એક દડો વાગ્યો તો હતો, પણ તેના મૃત્યુનું કારણ ફેફસાંમાં ફાટેલી એક ગાંઠ હતી. આ સિવાય 1971માં ફિલ્ડિંગ ભરતી વખતે ગ્લેમોર્ગન ખેલાડી રૉજર ડેવિસને માથા પર દડો વાગવાને કારણે તે મૃત્યુના મુખમાં પહોંચી ગયો હતો. ભારતીય ખેલાડી નરીમાન કોન્ટ્રાક્ટરને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ વખતે માથામાં દડો વાગતા તેમણે ફરજિયાત નિવૃત્તિ લેવી પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.
1998માં ઢાકામાં ક્લબ કક્ષાની મેચમાં ભારતીય ક્રિકેટર રમણ લાંબાને તેના માથા પર ક્રિકેટનો દડો વાગવાથી અવસાન થયું હતું. લાંબા હેલ્મેટ પહેર્યા વગર શોર્ટ લેગ ફિલ્ડિંગ ભરતો હતો અને બેટ્સમેન મેહરાબ હુસેને ફટકારેલો દડો માથામાં વાગ્યો અને તે માથામાં અથડાઈને વિકેટ કિપર ખાલીદ મસુદ પાસે ઉછળીને આવ્યો હતો.
2009માં સાઉથ વેલ્સ ખાતે ફિલ્ડર દ્વારા ફેંકવામાં આવેલો દડો ક્રિકેટ અમ્પાયરના માથા પર વાગતા અમ્પાયરનું મૃત્યુ થઈ ગયું હતું.[૫]
વૈશ્વિક સ્તરે ક્રિકેટના દડાથી પહોંચેલી ઇજાઓમાં મૃત્યુ સિવાય પણ અનેક શારીરિક ઇજાઓ નોંધાઇ છે. આ ઇજાઓમાં ઓક્યુલર (નેત્ર સંબંધી) (જેમાં કેટલાક ખેલાડીઓએ દ્રષ્ટિક્ષમતા ગુમાવી છે), ક્રેનિયર (માથાને લગતી), ડેન્ટલ (દાંતને લગતી), ડિજીટલ (આંગળીઓને અને અંગુઠાને લગતી) અને ટેસ્ટીક્યુલર (વૃષણોને લગતી) ઇજાઓનો સમાવેશ થાય છે.
ક્રિકેટના દડાનું સ્વિંગ
[ફેરફાર કરો]દડાની બે બાજુઓ વચ્ચે ઊભો થયેલો દબાણનો તફાવત ક્રિકેટના દડાનું સ્વિંગ થવાનું મુખ્ય કારણ છે. આ હવાનું દબાણ દડાની દરેક બાજુની હવાના પ્રવાહ પર આધાર રાખે છે. બૉલર જ્યારે અકસ્માતે કે પછી આયોજનપૂર્વક દડાની એક બાજુના હવાના પ્રવાહમાં અવક્ષેપ ઊભો કરે છે ત્યારે દડો સ્વિંગ થાય છે. દડાની એક બાજુને લીસી અને ચળકતી રાખીને અને પછી આ બાજુને આગળ રાખી તથા સાંધાને જે દિશામાં દડો સ્વિંગ કરવો હોય એ રીતે ગોઠવીને દડાને ફેંકવાથી એને સામાન્ય રીતે સ્વિંગ કરી શકાય છે. આઉટસ્વિંગ દડો ફેંકવાથી દડો જમણેરી બેટ્સમેનથી દૂર જાય છે જ્યારે ઇનસ્વિંગ દડો એની અત્યંત નજીક આવી જાય છે. દડાની ચમકતી બાજુ તરફના હવાના પ્રવાહને સંતુલિત રાખીને તેમજ સાંધા તરફના હવાના પ્રવાહમાં અસંતુલિત વિક્ષેપ ઉભો કરીને સામાન્ય સ્વિંગની અસર ઉભી કરી શકાય છે. દડો જ્યારે નવો હોય ત્યારે બોલિંગની શરૂઆત કરનાર ઓપનિંગ બૉલર માટે આ સ્વિંગની પદ્ધતિઓ ખાસ કરીને આઉટસ્વિંગ થતા દડા સફળતા અપાવતી રોજીરોટી સમાન છે. રિવર્સ સ્વિંગ એ પરંપરાગત સ્વિંગ કરતાં સાવ અલગ છે. આ પ્રકારના સ્વિંગમાં સાંધાની સ્થિતિ અને દડો ફેંકવાની પદ્ધતિ આઉટસ્વિંગર જેવી જ હોય છે, પણ દડાની ખરબચડી બાજુને આગળ રાખવામાં આવે છે જેના કારણે દડો બેટ્સમેન પાસે ઇનસ્વિંગરની જેમ ગતિ કરે છે. જ્યારે દડો એકદમ ઝડપથી ફેંકવામાં આવે છે ત્યારે રિવર્સ સ્વિંગની અસર નિપજાવી શકાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં દડાની બન્ને બાજુ હવાની સ્થિતિમાં એ સાંધા સુધી પહોંચે એ પહેલાં અસંતુલિત વિક્ષેપ ઊભો થઈ જાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ગોલાપુડી, નાગરાજ. ' ઈટસ લીગલ, ઈઝન્ટ ઈટ?' . 25 ઓગસ્ટ 2008. http://content-rsa.cricinfo.com/england/content/story/366225.html?CMP=NLC-DLY (ઉપયોગમાં ઓગસ્ટ 26, 2008થી લઈ શકાયું).
નોંધ
[ફેરફાર કરો]- ↑ ^[૧]
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-19.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-19.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-19.
- ↑ http://sports.espn.go.com/espn/news/story?id=4306916
બાહ્ય લિંકો
[ફેરફાર કરો]- ક્રિકેટ નિયમ 5 - દડો સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૨ ના રોજ વેબેક મશિન
- ક્રિકેટના દડા કેવી રીતે બને છે