ગોટા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચટણી સાથે ગોટા

ગોટા કે મેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે, જેમાં મેથીની લીલી ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ભોજન સાથે ફરસાણ તરીકે પણ ખવાય છે અને ક્યારેક અલ્પાહાર રૂપે એકલી પણ ખાવામાં આવે છે. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારની ચટણીનો ખાવામાં ઉપયોગ થાય છે. આ સ્વાદિષ્ટ વાનગી ભરપુર તૈલી હોય છે.

મેથીનાં ગોટા ડાકોરમાં વિશેષ રીતે બનાવવામાં આવે છે, અને તેની આ વિશેષતાને કારણે તેને ડાકોરનાં ગોટા તરીકે જ ઓળખવામાં આવે છે. ડાકોરમાં આ ગોટા મોળા દહીં સાતે ખાવા માટે પડાપડી થતી હોય છે.

બનાવવાની રીત[ફેરફાર કરો]

સામાન્ય ગોટા[ફેરફાર કરો]

 • સામગ્રી :
  • ૫૦૦ ગ્રામ મેથીની ભાજી,
  • ૨૫૦ ગ્રામ ચણાનો લોટ,
  • ૫૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ,
  • મીઠું, મરચું, હળદર,
  • ધાણાં, દહીં, તેલ.
 • રીત :
મેથીની ભાજીને સાફ કરી સમારી પાણીથી ત્રણ-ચાર વખત ધોઈને કોરી કરો. ચણાના લોટમાં ઘઉંનો કરકરો લોટ નાંખી એક ચમચો તેલ નાંખો. મેથીની ભાજી, આદુ મરચાં વાટીને નાંખો, ધાણાં, મીઠું, મરચું, હળદર, દહીં નાંખી ખીરૂ તૈયાર કરો. એક પેણીમાં તેલ મૂકી એક ચમચો ગરમ તેલ ખીરામાં નાંખી હલાવી ગોળ ગોટા તળો. ગરમ ગરમ ગોટા ચટણી સાથે ઘણાં જ સ્વાદિષ્ટ લાગે છે.

ડાકોરનાં ગોટા[ફેરફાર કરો]

 • સામગ્રી :
  • બસો ગ્રામ ચણાનો લોટ,
  • પચાસ ગ્રામ ઘઉં નો કકરો લોટ,
  • પચાસ ગ્રામ દહીં, મીઠું,
  • મરચું, હળદર, ખાંડ, લીંબુ,
  • વાટેલ આદુ મરચાં, આખા ધાણા,
  • ખાંડેલા મરી , તેલ.
 • રીત :
ચણા નો લોટ તથા ઘઉં નો કકરો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું, દહીં, હળદર, ખાંડ, લીંબુ, વાટેલ આદુ મરચાં, આખા ધાણા, ખાંડેલા મરી ઉમેરી તેમાં તેલનું મોણ નાંખો. થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. ખીરું ત્રણ ચાર કલાક ઢાંકીને રાખી મૂકો. એક તાવડીમાં તેલ મુકી ગરમ થાય એટલે એક ચમચો તેલ ખીરામાં રેડી બરાબર હલાવો, ગોળ મોટા મોટા ગોટા ને તાવડીમાં તળી લો.
આ ગોટા સાથે ગળી આંબળીયાની ચટણી અથવા તાજા પંજાબી દહીં સાથે પીરસો.