ગોપાળભાઈ ર. પટેલ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ગોપાળભાઈ ર. પટેલ | |
---|---|
જન્મની વિગત | ડીસેમ્બર ૧૨, ૧૮૯૩ બારાસાડી, બારડોલી,ગુજરાત, ભારત |
મૃત્યુની વિગત | એપ્રિલ ૨૭ ૧૯૮૦ બારાસાડી, બારડોલી,ગુજરાત, ભારત |
રહેઠાણ | બારાસડી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
હુલામણું નામ | દાદા |
નાગરીકતા | ભારતીય |
અભ્યાસ | ૬ પાસ |
વ્યવસાય | સમાજ સેવક |
સક્રિય વર્ષ | ૩૯ |
વતન | બારાસડી |
ખિતાબ | બા.સુ.ફે.ના આદ્યસ્થાપક |
ધર્મ | હિન્દુ |
ગોપાળભાઈ પટેલ (અંગ્રેજી : Gopalbhai R. Patel) બારડોલી પ્રદેશના અગ્રણી સમાજ સેવક, ભારતની આઝાદીના સ્વતંત્રસેનાની અને બારડોલી સુગર ફેક્ટરીના આધસ્થાપક તરીકે જાણીતા છે.
જન્મ અને કૌટુંબીક જીવન
[ફેરફાર કરો]ગોપાળભાઈ પટેલનો જન્મ એક ખેડૂત પરિવારમાં ૧૨ ડીસેમ્બર ૧૮૯૩ના રોજ ત્યારના મુંબઈ સ્ટેટના બારડોલી કસ્બા નજીક આવેલ બારાસડી ગામે થયો હતો. બારાસડી તથા ડુંગરા(કામરેજ) ની ગામઠી શાળામાં ફક્ત ધોરણ ૬ સુધી અભ્યાસ કર્યો. પંદર વર્ષના થયા ત્યારે પિતાજીનું અવસાન થતા ઘરની જવાબદારી તેમના શિરે આવી તેમજ નાની ઉમરમાં વિધુર થયા.
ભારતની આઝાદીની લડત
[ફેરફાર કરો]ઈ.સ. ૧૯૨૧માં બારડોલી ભૂમિ પર પુ. ગાંધીજી અને શ્રી.સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ આઝાદીની ચળવળમાં ઝુકાવ્યું. ઈ.સ. ૧૯૨૮માં શ્રી.સરદાર વલ્લભભાઈના નેતૃત્વ હેઠળ બારડોલી સત્યાગ્રહ થયો તેમાં સક્રિય ભાગ ભજવી પોતાનું યોગદાન આપ્યું. ઈ.સ. ૧૯૩૦માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ ના-કરની લડત ઉપાડી.
બાબેન જીનની શરૂવાત
[ફેરફાર કરો]ત્યારે બારડોલી પ્રદેશના ખેડૂતોનો મુખ્ય પાક કપાસ હતો. ખેતીપાકનું વધુ ઉત્પાદન થાય અને સારી વેચાણ વ્યવસ્થા કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે દ્રષ્ટીએ ખેડૂતોએ સહકારી પદ્ધતિએ જીન ઉભું કરવુ જોઈએ એવો વિચાર ગોપાળદાદાએ આપ્યો અને આ વિચારને મૂર્તિમંત કરવા બારાસડી, ખરવાસા ગામની નજીકના બાબેન ગામે જીન શરૂ કરવા જમીન ની ખરીદી કરી અને ૨૫ જૂન ૧૯૩૩ના રોજ સહકારી કાયદા હેઠળ મંડળી રજીસ્ટર કરવામાં આવી. શરૂવાતમાં ૨૪ ચરખાથી કરી ૬૨ ચરખાનું વિસ્તરણ કર્યું. આજે આ મંડળી ખેતી માટે રસાયણિક ખતરો, ખેતીના ઓજારો, અનાજ, કઠોળ, કાપડ, પેટ્રોલ-ડીઝલ પંપ વિ. જીવનઉપયોગી ચીજ વસ્તુઓ પૂરી પાડે છે.
ઈ.સ. ૧૯૪૨માં આઝાદીની લડતના પુરજોશમાં મંડાણ થયા, ત્યારે સ્વરાજ આશ્રમ-બારડોલીનું દફતર સાચવણીનું કાર્ય બાબેન જીને કર્યું હતું. સ્વતંત્રની લડાઈમાં બાબેન જીનના કાર્યકર્તાઓએ અંગત આર્થિક અને સામાજિક રીતે અનેકવિધ રીતે ઘણું સહન કર્યું.
ઉકાઈ અને કાકરાપાર નહેર યોજના
[ફેરફાર કરો]દક્ષિણ ગુજરાતમાં આજે જે ઉકાઈ અને કાકરાપારની નહર યોજના થકી હરિયાળી ક્રાંતિનું સર્જન થયું છે તે યોજના ત્યારની મુંબઈ સરકારે ઈ.સ. ૧૯૪૯-૫૦માં શરૂ કરી પણ પૈસા વગર કામ અટકી પડ્યું. આથી બારડોલીના સપૂતો એવા પૂ. કલ્યાણજીકાકા, પૂ. ગોપાળદાદા અને પૂ. નારણજીકાકા વિસ્તારના ગામડે ગામડે ઘુમીને એ યોજનાના ફાયદાનો પ્રચાર કર્યો અને લોકમત જાગૃત કરી લોકો પાસેથી, કર્મચારીઓ પાસેથી, શિક્ષકો પાસેથી શાળાના ફંડની રકમમાંથી સો-સો રૂપિયાનો શેર લેવડાવ્યો. પૈસાની ટહેલ લોન દ્વારા પૂરી કરી અને આ યોજનાને સુપેરે પાર પાડી પોતાની દૂરંદેશીના દર્શન કરાવ્યા.
બારડોલી સુગર ફેક્ટરી
[ફેરફાર કરો]મુખ્ય લેખ : બારડોલી સુગર ફેક્ટરી
સરકારશ્રીની ખાંડ કારખાના સ્થાપવા અંગેની નવી નીતિ જાહેર થતા બારડોલીના આ અગ્રણી કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રમાં પ્રવરાનગરનું સહકારી ખાંડનું કારખાનું અને ત્યાની શેરડી જોતા બારડોલી વિસ્તારમાં એવા ઉદ્યોગનું પગરણ કરવાની પ્રેરણા મળી.
કાકરાપાર નહેરના પાણી બારડોલી તાલુકામાં ચાલુ થવાની તૈયારી હતી તથા ભારત સરકારની ખાંડ ઉદ્યોગ વિકાસ નીતિનો આધાર પકડીને ઈ.સ. ૧૯૫૪માં ગુજરાતમાં સહુથી પ્રથમ બારડોલી વિસ્તારના ખેડૂતોએ સહકારી ધોરણે ખાંડનું કારખાનું ઉભું કરવાનો નિર્ણય લીધો અને તેમની આગેવાની ગોપાળદાદાએ લીધી અને તેમને પ્રમુખપદની સોપણી થઈ. ગોપાળદાદા અને તેમના સાથીદારોએ કપરા સમયમાં અથાગ મહેનત કરી ઈ.સ. ૧૯૫૪-૫૫ના વર્ષમાં પૂર્ણા-કુંભારિયા(સુરત) ના ખેડૂતોની મદદથી રૂ. ૩ લાખ એકત્ર કર્યા અને તા. ૯મી ફેબ્રુઆરી ૧૯૫૫ના રોજ સહકારી કાયદા હેઠળ શ્રી. ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., બાબેન-બારડોલી મંડળી નોધાઇ. તા. ૦૫ માર્ચ ૧૯૫૬ ના રોજ મા.શ્રી.મોરારજી દેસાઈના શુભ હસ્તે કારખાનાનું બાંધકામ મુહુર્ત કરી એક જ વર્ષમાં સતત રાત દીવસ કામ કરી કારખાનું ચાલુ કર્યું. ઈ.સ. ૧૯૬૦માં તેઓએ ગુજરાત રાજ્યમાં ખાંડ ઉદ્યોગનો વિકાસ સહકારી માળખામાં થતો રહે તેમાટે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડની સ્થાપના કરી તેમના આધસ્થાપક પ્રમુખની જવાબદારી અદા કરી.
સામાજિક પ્રવૃતિઓ
[ફેરફાર કરો]સહકારી પ્રવૃતિઓ અને ખાંડ ઉદ્યોગના વિકાસની સાથે આ પ્રદેશનો સર્વાંગી વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારમાં હાઈસ્કૂલો (ગંગાધરા હાઈસ્કૂલ), બારડોલી નજીક અસ્તાનમાં કન્યા કેળવણી માટે કન્યા વિદ્યાલય તથા બારડોલી પ્રદેશમાં કોલજો શરૂ કરવા અગ્રણી કાર્યકરો સાથે સહકાર સાધી કેળવણી સંસ્થાઓ સ્થાપી. પ્રદેશમાં સારી હોસ્પીટલની જરૂર જણાતા અદ્યતન સાધનો અને જરૂરી સગવડો થી સજ્જ સરદાર સ્મારક હોસ્પિટલ જેવી સંસ્થાઓ સ્થાપી તેના સંચાલન અને સવર્ધનમાં પોતાનો અમુલ્ય ફાળો આપ્યો. આ બધી સંસ્થાઓના વિકાસની સાથે બારડોલી વિસ્તારના ઘણા ગામોએ વિવિધ કાર્યકારી સહકારી સંસ્થાઓ સ્થાપી જે આજે પણ સમાજમાં જીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરે છે.
નિવૃત્તિ અને દેહાંત
[ફેરફાર કરો]તા. ૩૧ ડીસેમ્બર ૧૯૬૯ ના રોજ તેમણે પોતાની ૭૫ વર્ષની વયે સમાજના તમામ સક્રિય કામકાજમાંથી નિવૃત્તિ લઇ તરત એક વર્ષ માટે અજ્ઞાતવાસ લીધો. તા ૨૭ એપ્રિલ ૧૯૮૦ના રોજ ૮૬ વર્ષની વયે તેઓ સ્થૂળ દેહ છોડી અમરત્વ પામ્યા.
જાહેરજીવનના ૫૦થી પણ વધુ વર્ષના ઉદ્દાત જીવન દરિમયાન સતત નિઃસ્વાર્થ પ્રેમ અને કર્મનો રસ વરસાવનારા એ પવિત્ર આત્માનો સાચો વૈભવ બારડોલી પ્રદેશમાં ફૂલેલી ફાલેલી સહકારી પ્રવૃતિઓમાં, લોક પરોપકારી પ્રવૃતિઓમાં અને લોકોની સુખાકારીમાં આજે આપણે નિહાળી શકીએ છીએ.