લખાણ પર જાઓ

ઘુડખર

વિકિપીડિયામાંથી
ભારતીય ઘુડખર
કચ્છનું નાનું રણ, ગુજરાત, ભારત
સ્થાનિક નામજંગલી ગધેડૉ, ઘુડખર
અંગ્રેજી નામAsiatic Wild Ass
વૈજ્ઞાનિક નામEquus hemionus khur
આયુષ્ય૨૦ વર્ષ
ઉંચાઇ૫૫ થી ૬૦ ઇંચ
વ્યાપકચ્છનું નાનું રણ

ગુજરાત રાજ્યનો વનવિસ્તાર ઓછો હોવા છતાં વન્યપ્રાણીસૃષ્ટિની બાબતમાં આ રાજ્ય ઘણું જ સમૃદ્ધ છે. દેશ, ખંડ કે વિશ્વકક્ષાએ દુર્લભ અને નાશપ્રાયઃ ગણાતાં ઘણાં વન્યપ્રાણીઓ ગુજરાત રાજ્યમાં અસ્તિત્વ અને સંરક્ષણ ધરાવે છે. એશિયાટિક સિંહો, કેટલાક દરિયાઇ જીવો, સુરખાબ (ફ્લેમિંગો) અને ઘોરાડ (ગ્રેઇટ ઇંડિયન બસ્ટાર્ડ) જેવાં પક્ષીઓની સાથે જંગલી ગધેડાં એટલેકે ઘુડખર એવા વન્યજીવો છે. ઘુડખર સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છમાં જ જોવા મળે છે.

વિવિધ નામો[ફેરફાર કરો]

ઘુડખર કરોડવાળાં (વર્ટેબ્રેટા) ઉપસમુદાયના સસ્તન (મેમલિયા-મમલ્સ) વર્ગના શફગણનું પ્રાણી છે. ગુજરાતીમાં તેને “જંગલી અથવા રાની ગધેડાં(ખર)” અને “ઘુડખર” કહેવામાં આવે છે. જ્યારે હિન્દીમાં તેને “ગોરખર” અને અંગ્રેજીમાં ”એશિયાટિક વાઇલ્ડ ઍસ” કહે છે. તેનું જીવશાસ્ત્રીય(લૅટિન) કે વૈજ્ઞાનિક નામ “ઇકવસ હેમિઓનસ ખર (Equus hemionus khur)” છે. ઘુડખરની બીજી એક ઉપજાતિ તિબેટ અને લડાખમાં મળી આવે છે. જેને અંગ્રેજીમાં ”તિબેટિયન વાઇલ્ડ ઍસ” કહે છે. અને તેનું જીવશાસ્ત્રીય નામ ”ઇકવસ હેમિઓનસ કિંગ (Equus hemionus king)” છે. ઘુડખરની આફ્રિકાના રણવિસ્તારોમાં એક ત્રીજી ઉપજાતિ પણ મળી આવે છે. જેને "સોમાલી વાઈલ્ડ ઍસ" એવું અંગ્રેજી નામ મળેલું છે. આ ત્રણેય જાતિઓની રહેણીકરણી એટલે કે જીવનપદ્ધતિ લગભગ એકસરખી જ છે.

ઘુડખર અને ખચ્ચર[ફેરફાર કરો]

આપણે ત્યાં કેટલાક લોકો ઘુડખરને ખચ્ચર કહે/ગણે છે. કેમ કે, ઘુડખર પણ ખચ્ચરની જેમ ઘોડા અને ગધેડા બંનેનાં લક્ષણોની યાદ અપાવે છે. વળી તેના ગુજરાતી નામ ઘુડખરમાં પણ આ બંને પ્રાણીઓનો ઉલ્લેખ થયેલો છે, ઘુડ(ઘોડો) અને ખર(ગધેડો). પણ હકીકતમાં એવું નથી. ખચ્ચર અને ઘુડખરને કશો જ સંબંધ નથી. જીવશાસ્ત્રીય-વૈજ્ઞાનિક રીતે જોઇએ તો ઘુડખર એક સ્વતંત્ર પ્રાણીજાતિ છે.

નિવાસ અને ઓળખ[ફેરફાર કરો]

આપણે ત્યાં ઘુડખર ખાસ કરીને કચ્છના નાના રણમાં જોવા મળે છે. ઘુડખર માંસલ અને ખડતલ પ્રાણી છે. તેનો વજન 70 થી 90 કિલોગ્રામ જેટલો હોય છે, અને તેની ઊંચાઈ પાંચેક ફૂટ (આશરે 55 થી 60 ઇંચ) હોય છે. તેના કાન મોટા અને લાંબા હોય છે. તેની પૂંછડી ઉપર ઘોડાના પૂંછડા ઉપર હોય છે તેવા વાળ નથી હોતા પણ પૂંછડીના છેડે થોડાક વાળનો ગુચ્છ હોય છે. ઘુડખરના શરીરનો ઉપરનો ભાગ પીળાશ પડતા રંગનો હોય છે, જ્યારે તેનાં જડબાં, મોં પાસેનો ભાગ તથા પેટ અને પગની અંદરના ભાગો સફેદ રંગના હોય છે. તેના હોઠ અને નાક કાળા રંગનાં હોય છે. ગધેડાં અને ઝીબ્રાના પગ ઉપર અંદરના ભાગમાં હોય છે તેવું એક ગોળ કાળુ ચાઠું/ધાબું ઘુડખરના પગ ઉપર પણ હોય છે. તેની પીઠ પર ખભાથી લઈને છેક પૂંછડી સુધી એક લાંબો કાળા રંગનો પટ્ટો હોય છે. કેટલાક (ઓછી ઉંમરના) ઘુડખરોમાં આ પટ્ટો છીંકણી રંગનો હોય છે. ઘુડખરમાં નરમાદા બંને સરખાં રંગરૂપ ધરાવે છે.

વિશેષતાઓ[ફેરફાર કરો]

ઘુડખર ટોળામાં રહેવા ટેવાયેલું છે. તે હંમેશાં 25/30 લઈને 50/60 ના ટોળામાં જ જોવા મળે છે. કાળિયારની જેમ ઘુડખરના ટોળામાં પણ નેતા-સરદારપ્રથા જોવા મળે છે. પ્રત્યેક નર ઘુડખર આશરે 20 થી 25 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર (ટેરેટરી) ધરાવે છે. પોતાના ચરિયાણ અને સંવનનની સુવિદ્યા માટે મોટાભાગનાં શિકારી પ્રાણીઓ, હરણો અને ઝીબ્રા જેવાં પ્રાણીઓ પણ આ રીતે કોઇ એક ચોક્કસ વિસ્તાર પર પોતાનો કબજો-હક જમાવે છે. તેઓ પોતાના વિસ્તારની હદ નક્કી કરવા તીવ્ર અને વિશેષ પ્રકારની વાસ મારતા, મળ-મૂત્ર તથા શરીરના ખાસ ભાગોમાં આવેલી ગ્રંથિઓમાંથી ઝરતા ચિકણા પ્રવાહી પદાર્થોની મદદથી નિશાન (ટેરેટરી માર્કસ) કરતાં હોય છે. ઘુડખર આ નિશાન કેવી રીતે કરે છે તે તો જાણવા મળ્યું નથી, પણ તેનો પોતાનો એક ચોક્કસ વિસ્તાર હોય છે તે વાત નિઃસંદેહ છે. વળી આ વિસ્તારમાં રહેતાં તમામ ઘુડખરો, નેતા-સરદાર (જે તે વિસ્તાર પર આધિપત્ય ધરાવતા નર ઘુડખર)ની આજ્ઞાઓને શિરોમાન્ય ગણે છે. વધુમાં નેતા ઘુડખર પોતાના વિસ્તારની તમામ માદાઓને પોતાની પત્નીઓ બનાવવાનો અબાધિત હક ધરાવે છે. અન્ય નરોને માદાઓની પાસે જવાની પણ છૂટ નથી હોતી. ખડતલ અને ઝડપી ગતિવાળું હોવા છતાં ઘુડખર સ્વભાવે શરમાળ અને અત્યંત ડરપોક પ્રાણી છે. શક જેવું લાગતાં કે માણસને જોતાંવેંત તે પવનવેગે ભાગી છૂટે છે. તે કલાકે 60 થી 70 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. દોડતી વખતે ઘુડખર હરણોની જેમ વચ્ચે વચ્ચે છલાંગો પણ મારે છે. તેની શક્તિ અને ઝડપી ગતિ જોતાં તેને કેળવીને ઉપયોગમાં લેવામાં આવે તો તે માણસ માટે ખૂબ જ ફાયદાકારક બની રહે તેમ હોઇ પહેલાંના જમાના (સમય)માં તેને પકડવાના અને કેળવવાના પ્રયાસો ઘણી વખત થઇ ચૂક્યા છે. પણ તેમાં નિષ્ફળતાઓ જ મળી છે. તેને પકડવાનું કામ ભારે કઠિન છે, તેમ છતાં ભૂતકાળમાં ઘોડા કે ઊંટ ઉપર સવાર થઇ તેનો પીછો પકડીને તેને ખૂબ દોડાવવામાં આવતું, આખરે તે જ્યારે થાકીને જમીન પર ફસડાઇ પડતું ત્યારે તેને પકડી લેવામાં આવતું.

ખોરાક[ફેરફાર કરો]

આશરે 20 (એક અન્ય અંદાજ મુજબ 50) વર્ષનું સરેરાશ આયુષ્ય ધરાવતું ઘુડખર સૂર્યોદય પહેલાં, મળસ્કે ચરવાનું પસંદ કરે છે. તે પોતાના ખોરાકમાં રણમાં ઊગતી વનસ્પતિ-ઘાસનો ઉપયોગ કરે છે. ચોમાસા દરમ્યાન રણમાં ઠેર ઠેર ઘાસ અને અન્ય લીલોતરી ઊગી નીકળે છે. જે ઘુડખરનો મનભાવન અને પૌષ્ટિક ખોરાક બને છે. લીલોતરી ઓછી થાય છે ત્યારે ઘુડખરનાં ટોળાં પોતાના વિસ્તારમાં આવેલા એક બેટથી બીજા બેટ પર ખોરાકની શોધમાં ફરતાં રહે છે. આવી રીતે ખોરાક શોધવા માટે ક્યારેક તેઓ માત્ર એક જ દિવસમાં 100 થી 150 કિલોમીટરનો લાંબો પ્રવાસ પણ ખેડી નાખે છે. તેઓ માટે ચોમાસા પછી, જ્યારે ક્યાંય ઘાસ બચતું નથી ત્યારે તેઓ રણમાં થતા ગાંડા બાવળ (કેટલીક જગ્યાએ તેને “હડકાયો બાવળ”ના નામથી ઓળખવામાં આવે છે તે)ની કુંપળો અને શિંગો (પૈડિયા)નો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

પ્રજનન[ફેરફાર કરો]

ચોમાસા દરમ્યાન રણમાં પાણી ભરાઈ જાય છે. આથી ઘુડખરનાં ટોળાં પોતપોતાના વિસ્તારમાં આવેલા નાનામોટા બેટમાંથી એકાદ સુરક્ષિત બેટ ઉપર જતાં રહે છે. ચોમાસું તેમની પ્રજનનઋતુ છે. પ્રજનનઋતુ એટલે સંવનન કરીને બચ્ચાં પેદા કરવાની અને તેમને ઉછેરવાની ઋતુ-સમયગાળો. પ્રજનનઋતુની શરૂઆત થતાં જ પ્રત્યેક સજીવમાં નવચેતન પ્રગટે છે. કુદરત તેમને હોય તેનાથી વધુ સુંદર અને આકર્ષક કરવા માટે તેમને અવનવા પોષાકો, શણગારથી સજાવે છે.

ચિત્રદર્શન[ફેરફાર કરો]