ચર્ચા:પાણીપૂરી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

જોડણી સંબંધે શંકા[ફેરફાર કરો]

હાલમાં આ લેખની જોડણી પાણીપુરી થી બદલી પાણીપૂરી કરવામાં આવી છે. મારી જાણ અનુસાર ગુજરાતી વ્યાકરણના નિયમ પ્રમાણે જો શબ્દ ત્રણ અક્ષરથી વધુનો હોય તો દીર્ઘ માત્રાની આગળનો શબ્દ લઘુ માત્રાનો હોય છે. તે હિસાબે જોડણી પાણીપુરી ઉચિત છે. જો કે ગુજરાતીમાં તળીલે રોટલી માટે "પૂરી" એવો શબ્દ છે ન કે "પુરી" આમ પાણીપુરી એ શબ્દ ભૂલ ભરેલો લાગે શકે છે. તો તેના સમાધાન સ્વરૂપે વચ્ચે એક સ્પેસ રાખી તેની જોડણી પાણી પૂરી કરવી જોઈએ. જેથી વ્યાકરણ અને શબ્દ બંને રીતે સાઅચી રહે. --sushant ૧૫:૪૧, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

માફ કરજો પણ શબ્દના અક્ષરોની સંખ્યા પ્રમાણે તેની જોડણી બદલાય તેવો કોઈ નિયમ મારા ધ્યાને આજ સુધી ચઢ્યો નથી. તપાસ કરવી પડશે. આપની પાસે વ્યાકરણના આ નિયમ અંગે કોઈક લખાણ હોય તો જણાવજો, નવું શીખવામાં આનંદ થશે. ગુજરાતીની મોટા ભાગની જોડણી સંસ્કૃત પરથી લેવામાં આવે છે, અને સંસ્કૃતમાં ધાતુના મૂળ રૂપ પર સમગ્ર જોડણીનો આધાર હોય છે, અક્ષરોની સંખ્યા પર નહી તેવી મારી માન્યતા હતી. વધુમાં આ નામ ગુજરાતી વ્યાકરણના સંધિ-સમાસના નિયમને અનુરૂપ રાખવામાં આવ્યું છે, દ્વંદ્વ સમાસ પ્રમાણે 'પાણી અને પૂરી'નો શબ્દ થાય પાણીપૂરી, આ નિયમમાં શબ્દોની જોડણી બદલવાની કોઈ જોગવાઈ નથી.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૧૮, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
ધવલજી, મેં આજે વ્યાકરણનું પુસ્તક ખોલીને જોયું, તેમાં લખેલ છે કે "વ્યુત્પતિને આધારે જુદી જોડણી ન થતી હોય તેવા ત્રણ કે વધુ અક્ષરના શબ્દમાં જો (૧)ઈ કે ઊ માત્રા પછી લઘુ અક્ષર આવે તો તે ઊ અને ઈ દીર્ઘ લખવો, (૨) ઈ કે ઊ માત્રા પછી ગુરુ અક્ષર આવે તો તે ઊ અને ઈ હ્રસ્વ લખવો. હવે આપણા શબ્દમાં "પૂરી" શબ્દ એ વ્યૂત્પતિને આધારે છે માટે તેની જોડણી બદલવાની જરૂર નથી. મારી પાસે આવી જોડણી, અનુસ્વાર આદિના નિયમો ધરાવતું એક લખાણ છે ત્ સ્કેન કરી તમને મોકલી આપીશ. --sushant ૦૪:૩૮, ૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
આભાર. તમે કહ્યો તેવો નિયમ મેં તત્સમ શબ્દોના અનુસંધાને વાંચ્યો હતો, એટલે કે જ્યારે અંગ્રેજી સ્પેલિંગનો ઉચ્ચાર લખતા હોઈએ, અથવા તો હોસ્પિટલ જેવા શબ્દો જે આપણે અંગ્રેજીમાંથી લીધા હોય ત્યારે વાપરવાના નિયમો પૈકીનો એક હોવાનો મને ખ્યાલ હતો. કદાચ તમે જે સંદર્ભ સાહિત્યમાં તે વાંચ્યો છે ત્યાં પણ "વ્યુત્પત્તિ (વ્યુત્પતિ નહી)ને આધારે જુદી જોડણી ન થતી હોય..."નો અર્થ એવા ઉછીના શબ્દો થતો હોય તેમ લાગે છે. આમે આપણા ગુજરાતી વ્યાકરણના નિયમો સહેલા છતાં અપવાદોથી ભરપૂર છે માટે જેટલું જાણ્યું તેટલું ઓછું છે. આપ સ્કેન કરીને મોકલો તેની પ્રતિક્ષા રહેશે. ત્યાં સુધીમાં જો આપ લઘુ અક્ષર અને ગુરુ અક્ષરનો તફાવત સમજાવશો તો આ નિયમ અપનાવતી વખતે ધ્યાને રખાશે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૫૫, ૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

હ્રસ્વ અક્ષરો, અકાર એ લઘુ અક્ષરો છે એટલે અ ઇ અને ઉ એ લઘુ બાકીના બધા ગુરુ. તે છંદ ના નિયમ પ્રમાણે જ હોવા જોઈએ. એમ મારું માનવું છે. --sushant ૦૮:૫૩, ૮ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)