લખાણ પર જાઓ

જયંતિ દલાલ

વિકિપીડિયામાંથી

જયંતિ દલાલ ગુજરાતી સાહિત્યકાર, સ્વાતંત્ર્યસેનાની અને સમાજ સુધારક હતા. લીયો ટૉલસ્ટૉયના પ્રખ્યાત પુસ્તક WAR and PEACEનો તેમણે કરેલ ગુજરાતી અનુવાદ યુદ્ધ અને શાંતિ એ તેમને અનન્ય પ્રસિદ્ધિ અપાવી હતી. તેઓના ગુજરાતી સાહિત્યમાં પ્રદાન બદલ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.

જયંતી ઘેલાભાઈ દલાલ , ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘બંદા’, ‘મનચંગા’ (૧૮-૧૧-૧૯૦૯, ૨૪-૮-૧૯૭૦) : નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પિતા ઘેલાભાઈ ‘દેશી નાટક સમાજ’ ના સંચાલક હતા તેથી આ ફરતી નાટક કંપનીને લીધે, એમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયેલું. ૧૯૨૫માં મૅટ્રિક થઈ ઉચ્ચ-અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં જોડાયેલા, પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ૧૯૩૦માં બી.એ.ના છેલ્લા વર્ષથી અભ્યાસ છોડયો. એ વખતથી આરંભાયેલી એમની રાજ્કીય કારકિર્દી, ૧૯૫૬ માં તેઓ મહાગુજરાતની લડતમાં જોડાયા અને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા ત્યારે શિખરસ્થાને પહોંચી અને ૧૯૬૨ માં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી. અમદાવાદની રાજ્કીય-સામાજિક પ્રવૃત્તિઓ સાથે, અલબત્ત એક સમાજવાદી વિચારકરૂપે, છેક સુધી સંકળાયેલા રહ્યા. વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિંદગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ ઉપરાંત જુદાજુદા સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિઓ કરી. ‘રેખા’ (૧૯૩૯-૪૦) અને ‘એકાંકી’ (૧૯૫૧) નામનાં સાહિત્ય-રંગભૂમિના સામયિકોનું સંપાદન કર્યુ. ‘ગતિ’ સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત’ દૈનિક એ બે વિચારપત્રો ચલાવ્યાં. નાટ્યક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધો અને દ્રશ્યકલાની શક્યતાઓ પ્રત્યેના વિશ્વાસથી પ્રેરાઈ દિલ્હીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી’ નામક ગુજરાતી ફિલ્મનું નિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. આમ છતાં એમની નોંધપાત્ર સેવા તો સાહિત્યકાર તરીકેની જ રહી. સાહિત્યને એમણે કરેલા પ્રદાન માટે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૯) અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. અમદાવાદમાં અવસાન.

વ્યવસાયી રંગભૂમિ પર જ ઉછેર થયો હોવાથી તખ્તાની ઊંચી જાણકારી ધરાવતા એમણે ‘જવનિકા’ (૧૯૪૧), ‘પ્રવેશ બીજો’ (૧૯૫૦), ‘પ્રવેશ ત્રીજો’ (૧૯૫૩) અને ‘ચોથો પ્રવેશ’ (૧૯૫૭) એ ચાર સંગ્રહોમાં કુલ તેતાલીસ પ્રયોગશીલ એકાંકી નાટકો આપીને એ ક્ષેત્રે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની બૌદ્ધિક સજ્જતાએ અને નાટક સાથેની ઊંડી નિસ્બતે એમના અત્યંત સાહસિક પ્રયોગને પણ એળે જવા દીધો નથી. ‘સોયનું નાકું’, ‘દ્રોપદીનો સહકાર’, ‘જોઈએ છે, જોઈએ છીએ’ જેવી એકાંકીઓ એમની સમર્થ અને સફળ પ્રયોગશીલતાના નમૂના છે. જીવનનો ઊંડો સંસ્પર્શ પ્રતીત કરાવતું વસ્તુ, કટાક્ષની પ્રતીત કરાવતું વસ્તુ, કટાક્ષની ચમકવાળા અને જીવનરહસ્યને ઉઠાવ આપતા સંવાદો, બોલચાલની છટાઓથી પ્રગટતી માર્મિકતા, ઉક્તિલાઘવ તથા વસ્તુને તખ્તા પર પ્રભાવક રીતે રજૂ કરતી અરૂઢ નિરૂપણરીતિ એમની વિશેષતાઓ છે. અતિસૂક્ષ્મ વળોટવાળી લાઘવયુક્ત શૈલીને લીધે એમના સંવાદો કવચિત્ દુર્બોધ પણ રહ્યા છે. ‘અવતરણ’ (૧૯૪૯) એક વિલક્ષણ પ્રયોગરૂપ વિચારકેન્દ્રી ત્રિ-અંકી નાટક તથા વિવિધ વયજૂથનાં બાળકો-કિશોરો માટે કરેલા ‘રંગતોરણ’ આદિ ચાર સંગ્રહો (૧૯૫૮)માં એમણે બાળનાટકો પણ આપ્યાં છે. ડાહ્યાભાઈ ધોળશાજીના ‘વીણાવેલી’ ના એક પાત્રને કેન્દ્રમાં રાખીને એમણે ‘ધમલો માળી’ (૧૯૬૨) નામે રેડિયો સંકલન કરેલું તથા તેમનાં નાટકોનું સંપાદન-પ્રકાશન (ભા.૧, ૧૯૬૪; ભા.૨, ૧૯૬૬; ભા.૩, ૧૯૬૯) કરેલું.

વાર્તાકાર તરીકે પણ જયંતી દલાલ પ્રયોગનિષ્ઠ અને ઉત્તમ સર્જકશક્તિવાળા લેખક હતા. ૧૯૪૧ થી ૧૯૬૮ સુધી વાર્તાસર્જન કરી ‘ઉત્તરા’ (૧૯૪૪), ‘જૂજવાં’ (૧૯૫૦), ‘કથરોટમાં ગંગા’ (૧૯૫૦), ‘મુકમ્ કરોતિ’ (૧૯૫૩), ‘આ ઘેર, પેલે ઘેર’ (૧૯૫૬), ‘અડખેપડખે’ (૧૯૬૪) અને ‘યુધિષ્ઠિર ?’ (૧૯૬૮) એ સાત સંગ્રહોમાં કુલ ૧૩૫ વાર્તાઓ એમણે આપી છે. ૧૯૬૩ સુધીની વાર્તાઓમાંથી ૨૪ વાર્તાઓ પસંદ કરીને એમણે પોતે ‘ઈષત્’ (૧૯૬૩) નામનો સંગ્રહ સંપાદિત કરેલો.

આરંભમાં ‘નિર્વાસિત’ ઉપનામથી લખેલી વાર્તાઓમાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ લેખકે એ પછી કથા-આલેખનના ને રચનારીતિના અનેકવિધ પ્રયોગો કર્યા. બાહ્ય ઘટનાની ચમત્કૃતિ પર મદાર બાંધતી વાર્તારીતિને બદલે મનઃસૃષ્ટિમાં ગુજરાતી ઘટનાને અવલંબતી કથા-નિરૂપણરીતિ, સંવેદનનાં વિવિધ પરિમાણોને ઉપસાવી આપતાં દ્રશ્યકલ્પનોનું આલેખન, બોલચાલની સહજતાવાળી ઉપસાવી પણ અર્થસંતર્પક ને માર્મિક ભાષાનો વિનિયોગ-એમની વાર્તાકલાના વિશેષો છે. વાર્તારચનાની વિવિધ ટેકનિકોની અજમાયશ છતાં એમની વાર્તાઓનું કેન્દ્ર અનુભૂતિની સચ્ચાઈ ને બૌદ્ધિક પ્રતીતિ હોઈને તથા એમની બહુસ્તરીય સમાજને ઓળખવાની ક્ષમતા ને વ્યક્તિના આંતરવિશ્વને પામવાની પટુતાને લીધે એમની સર્જકતાનું ફલક ઘણું વિશાળ હતું.

એમની બે નવલકથાઓ પૈકી પહેલી ‘ધીમુ અને વિભા’ (૧૯૪૩) બુદ્ધિનિષ્ઠ જીવનદ્રષ્ટિવાળા નાયકના દ્વિધાત્મક આંતરસંવેદનને તથા નાયિકાના પ્રેમસમર્પણને, પ્રથમપુરુષ-કથનની પદ્ધતિએ નિરૂપતી કરુણાન્ત કથા છે. બીજી ‘પાદરનાં તીરથ’ (૧૯૪૬) નિર્દય પોલીસદમનનો ભોગ બનેલા સમુદાયની મુખ્ય ઘટનાની ભીતરમાં માનવીય ને મમતાજન્ય સંવેદનને તથા સૂક્ષ્મ નૈતિક મૂલ્યો વચ્ચેની દ્વિધામાં પ્રગટ થતા સંકુલ જીવનરહસ્યને ઉપસાવી આપતી સુબદ્ધ ને પ્રભાવક કથા છે.

એમણે રૂઢ રંગભૂમિના જીવનની વાસ્તવિકતાને ‘પગદીવાની પછીતેથી’ (૧૯૪૦)માં અને અમદાવાદના મધ્યમવર્ગીય જીવનની વિષમતાને ‘શહેરની શેરી’ (૧૯૪૮)માં વાર્તાત્મક તેમ જ નિબંધાત્મક રેખાચિત્રોથી નિરૂપી આપ્યાં છે, તેનું ગદ્યચિત્રો લેખે તેમ દસ્તાવેજી ઘણું મૂલ્ય છે. ‘બંદા’ ઉપનામથી ‘નવગુજરાત’ માં, એમણે ગુજરાતના રાજ્કીય-સામાજિક જીવનને કેન્દ્રમાં રાખીને કરેલાં ટૂંકા વ્યક્તિચિત્રો ને લઘુલેખોના બે સંગ્રહો ‘મનમાં આવ્યું’ (૧૯૬૧) અને ‘તરણાની ઓથ મને ભારી’ (૧૯૬૩)માં એમની ઉત્તમ કટાક્ષશક્તિનો પરિચય મળે છે.

નાટક અને રંગભૂમિના સ્વરૂપ ને ઇતિહાસને લગતા તથા નાટ્યકારો અને નાટ્યકૃતિઓ વિશે ૧૯૪૦થી લખાતા રહેલા એમના અનુભવમૂલક-અભ્યાસપૂર્ણ વિવેચનલેખો ‘કાયા લાકડાની, માયા લૂગડાની’ (૧૯૬૩) તથા ‘નાટક વિશે’ (સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રાધેશ્યામ શર્મા, પ્રકાશ શાહ, ૧૯૭૪)માં ગ્રંથસ્થ થયા છે. એમના વાર્તાસંગ્રહોમાં પ્રસ્તાવનારૂપે, વાર્તાવિવેચનના લેખો પણ છે. દલાલનું આ નાટ્ય-વાર્તાવિવેચન એમાંની નિજી દ્રષ્ટિથી ને સર્જકની હેસિયતથી થયેલી વિચારણાથી જુદું તરી આવે છે.

એમની અભ્યાસી અનુવાદક તરીકેની કામગીરી પણ નોંધપાત્ર છે. જયૉર્જ ઓરવેલની ‘ધ એનિમલ ફાર્મ’, ટૉલ્સ્ટોયની ‘વૉર એન્ડ પીસ’, ચાર્લ ડિકન્સની ‘ગ્રેટ ઍક્સપેકટેશન્સ’ એ નવલકથાઓના અનુવાદો અનુક્રમે ‘પશુરાજ્ય’ (૧૯૪૭), ‘યુદ્ધ અને શાંતિ’- ભા.૧-૪ (૧૯૫૪-૫૬) અને ‘આશા બહુ લાંબી’ (૧૯૬૪); તેમ જ ગ્રીક નાટ્યકાર એસ્કાઈલસનું નાટક ‘ઍગેમેમ્નોન’ (૧૯૬૩) તથા અન્ય નાટકો અને કેટલાંક જીવનચરિત્રો એમ કુલ બેતાલીસ પુસ્તકોના અનુવાદ આપીને એમણે સાતત્યથી તેમ જ પૂરી ચીવટ અને નિષ્ઠાથી, જગતની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓને ગુજરાતીભાષાઓ માટે સુલભ બનાવી છે.

જવનિકા (૧૯૪૧) : જયંતિ દલાલના, બાર એકાંકીઓના આ સંગ્રહમાં લેખકનું સૂક્ષ્મ જીવનનિરીક્ષણ માનવ-સંબંધોને સમજવાના એમના પ્રશ્નાકુલ અભિગમમાં વિશિષ્ટ રીતે નિરૂપાયું છે. પ્રથમ છ એકાંકીઓમાં સ્ત્રી-પુરુષ-સંબંધોનું, સ્ત્રીની હૃદયવિદારક મૂક વેદનાનું નિરૂપણ થયું છે. ‘પત્નીવ્રત’ અને ‘કજળેલાં’માં એ વેદના વધુ ધારદાર બની છે. ‘અંધારપટ’ યુદ્ધની પાર્શ્વ ભૂમિકા પર રચાયેલું, તખ્તાને નવું પરિમાણ આપતું પ્રયોગશીલ એકાંકી છે. ‘સરજત’ અને ‘અ-વિરામ’ ની લાંબી એકોકિતમાં-લાઘવયુક્ત ભાષામાં સફળ પ્રયોગશીલતાનું દર્શન થાય છે.

તંત્રવિધાનની ચુસ્તતા, સંવાદોની સૂક્ષ્મ છટા તથા વેધકતા, માર્મિક લાઘવયુક્ત સચોટ સંવાદો, ભુલાઈ ગયેલી-ભુલાઈ જતી ગુજરાતી બોલચાલની ભાષા, રૂઢિપ્રયોગો તથા કહેતીનો યથોચિત ઉપયોગ, જીવનનું માર્મિક સંવેદન, પાત્રોનું વૈવિધ્ય, વિશેષ કરીને સ્ત્રીપાત્રોની તેજસ્વિતા, સૂક્ષ્મ કાર્યવેગ દ્વારા સર્જકને અપેક્ષિત એવા ‘વર્ટિકલ ડ્રિલિંગ’ દ્વારા સર્જાતી પરાકોટિ અને અંતે ડંખ મૂકી જતી ચોટ એ આ એકાંકીઓની વિશેષતા છે. સંગ્રહમાં ‘નેપથ્યે’ નામે મૂકેલો એકાંકીના તંત્રવિધાન વિશેનો લેખ અભ્યાસપૂર્ણ છે.

ધીમુ અને વિભા (૧૯૪૩) : સત્યાગ્રહની પશ્ચાદભૂ પર લખાયેલી, પણ માનવમનની સંકુલતા પર લક્ષ્ય કેન્દ્રિત કરીને નવી દિશા ચીંધતી જયંતી દલાલની નવલકથા. આર્થિક જવાબદારી ઉઠાવવાની અશક્તિ, કર્તવ્યની લગની અને સમયના અભાવને કારણે સત્યાગ્રહી ધીમુ પરણવા ઈચ્છતો નથી, પરંતુ એની સભાઓમાં અચૂક હાજરી આપતી અને એના પ્રત્યે આકર્ષણ અનુભવતી વિભા એને પ્રેમાકુલ કરતી રહે છે. ધીમુ જેલમાં જતા વિભાને જીવન ખોઈ બેઠા જેવું લાગે છે, તો બીજી બાજુ તે છટકી જતા જીવનને પકડી રાખવા ફાંફાં મારે છે; અને છતાં ધીમુના લગ્નનો પ્રસ્તાવ તે સ્વીકારતી નથી, કેમ કે એને એવા સાહસ પાછળ સ્નેહ અને શ્રદ્ધાના બળની અપેક્ષા છે. ધીમુના સાંનિધ્યમાં તે મૃત્યુનો સ્વીકાર કરે છે. ધીમુની મનોદશાઓની જુદી જુદી ભૂમિકાઓ અહીં રચાયેલી છે, તો વિભાની વ્યક્તિતા આકાર લે છે એનાં વાણી, વર્તન અને દેખાવમાં. મનોવૈજ્ઞાનિક અભિગમને લઈને બંને પાત્રો સંકુલ બન્યાં છે. કથા સ્મૃતિધારારૂપે વહી આવી હોય અને ધીમુએ ડાયરીમાં એને શબ્દસ્થ કરી હોય એ રીતની ટેક્નિક સૂઝપૂર્વક યોજાયેલી છે. બૌદ્ધિકતા, સંવેદનપટુતા, યુગચેતનાની સમજ, માનવમનની જાણકારી, વસ્તુના અંશોની ઉચિત પસંદગી, શબ્દવિવેક, નિરૂપણરીતિ અંગેની સૂઝ-એમ, સારી નવલકથાના સર્જન માટે કેટકેટલી સજજ્તાની જરૂર પડે છે તેનો ખ્યાલ આ કૃતિ આપે છે.

પાદરનાં તીરથ (૧૯૪૬) : ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદોલનના પરિવેશમાં કલ્પેલી એક ઘટનાને વર્ણવતી જયંતી દલાલની નવલકથા, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્ત થતી માનવમનની વિલક્ષણતાને ઉપસાવે છે. અંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલન દરમિયાન એક ગામનો માનવસમુદાય ઉત્તેજનાની પળોમાં, પાસેના નાનકડા રેલવેસ્ટેશનને સળગાવી મૂકે છે. એ પછી તપાસ માટે આવેલી પોલીસના એ ગામલોકો પર એકાએક થતા અત્યાચારોમાં પ્રગટતી હિંસા અને વાસનાની પાશવી વૃત્તિ મોટા આતંક ફેલાવે છે. ફોજદારે મનસ્વી રીતે પકડેલા કેદીઓ માટે ભોજનાદિની વ્યવસ્થા કરતા અનુકંપાશીલ ને ઊંડી સમજ ધરાવતા ડૉકટર નગીનદાસ સમક્ષ ફોજદાર આ ત્રસ્ત કેદીઓને મોટી રકમની લાંચના બદલામાં છોડવાનો પ્રસ્તાવ મૂકે છે. એક તરફ દેશનિષ્ઠા ને સદ્-નિષ્ઠા તથા બીજી તરફ દમિત માનવો પ્રત્યેની કરુણા ડૉકટરના મનમાં દ્વિધા જગવે છે ને ભલાઈના તંતુને વળગી રહી એ આંતર-બાહ્ય અનેક વિપત્તિઓને વેઠતા રહે છે. લગભગ પ્રત્યેક કેદી ને એનાં ગરીબ સ્વજનો, સ્વરાજભાવનાનેય ભૂલી જઈ આ ભયાનક વેદનાની ભીંસમાંથી છૂટવા માટેના પૈસા ભેગા કરવા વલખાં મારે છે ત્યારે એક ક્રાંતિવાદી યુવક કેદી જગુ સ્વમાનભેર જેલ વેઠવાનું પસંદ કરે છે. એની એવી જ અડગ ને ગૌરવવંત માતા પશી ડોશી પણ પુત્રવત્સલતાથી સહેજ દ્વિધામાં જરૂર મુકાય છે પણ વિચલિત થતાં નથી. એક સ્વાર્થી વકીલ ને લોભી વેપારી આ પરિસ્થિતિનો, વચલા માણસો તરીકે ગેરલાભ લે છે. ન છૂટતા કેડીઓને સાથે લઈ જતા ગણતરીબાજ ફોજદાર છેલ્લી ઘડીએ સ્વેચ્છાએ કોઈ સમજદારીથી પ્રેરાઈ જગુને છોડી દે છે એવા લાક્ષણિક અંત સાથે નવલકથા પૂરી થાય છે.

એક જ ભાવપરિસ્થિતિને આલેખતી હોવાથી સુબદ્ધ બનેલી આ લઘુનવલમાં ભાવનાને વિડંબિત કરી મૂકતા સ્વાર્થના મૂળમાં પડેલી એક અવશતાની કરુણતાનું તેમ જ વિભિન્ન મનોદશા પ્રગટાવતાં પાત્રોનું જે આલેખન થયું છે તે જીવનની ઊંડી સૂઝ ધરાવતા લેખકના કૌશલનો પરિચય આપે છે. રંગદર્શી ન બનતાં સ્વસ્થ ને વાસ્તવનિષ્ઠ રહેતી છતાં ઉત્તેજિત કરી શકતી સર્જકની પ્રભાવક ગદ્યશૈલીથી તેમ જ માનવમનની અનેકસ્તરીય ગતિવિધિનો આલેખ ઉપસાવી આપતી એમની વિશિષ્ટ કથનરીતિથી આ નવલકથા એક નોંધપાત્ર સાહિત્યકૃતિ બની છે.

શહેરની શેરી (૧૯૪૮) : જયંતી દલાલનો નગરજીવન પરત્વેનાં નિરીક્ષણોનાં ગદ્યચિત્રોનો સંગ્રહ. દોરીબાંધી માનવતાનું સાદ્યંત, નખશિખ, સંપૂર્ણ દર્શન જયાં થાય છે તે શેરીના ઉદભવ ઇતિહાસનું, બહિરંગનું, તેમાં વસતા માનવીનાં માનવતા, લાચારી, કારુણ્ય, સંઘર્ષ આદિનું માનવીય, માનસશાસ્ત્રીય, વીગતભર્યુ નિરૂપણ ઘરાળુ ભાષામાં નિબંધ, લેખ અને વાર્તાસ્વરૂપે થયું છે. શેરીનો પીપળો, શેરીના નળ, ઉમરા-ઓટલા, ચાર-ચોકડી, પ્રાણીઓ-જંતુઓ, ફેરિયા, ઉત્સવો-શોક, શ્રદ્ધા-અશ્રદ્ધા તેમ જ શેરીનું લોકશાસન વગેરેનું નિજી ચિત્રાત્મક શૈલીમાં આલેખન છે. લેખકનાં શબ્દભંડોળ, ભાષાસામર્થ્ય, સચ્ચાઈ, હમદિલીની પ્રતીતિ કરાવતી આ કૃતિ અણદાવાદ શહેરની ગઈકાલ અને આજનો અચ્છો સામાજિક દસ્તાવેજ છે.

કાયા લાકડાની, માયા લુગડાની (૧૯૬૩) : જયન્તિ દલાલના નાટ્યવિષયક ચૌદ વિવેચનલેખોનો સંગ્રહ. ‘પડદો ઊપડે છે ત્યારે’ એ લેખ જૂની રંગભૂમિની ભીતરી દુનિયાનો સ્વાનુભવસભર, અરૂઢ, ચિત્રાત્મક શૈલીમાં ચિતાર આપે છે. ત્યાર પછીના લેખોમાં નાટકનો હેતુ, નાટકની વ્યાખ્યા, નાટ્યાત્મક અનુભૂતિ, વ્યવસાયી રંગભૂમિનો ઇતિહાસ, બંધાયેલાં નાટ્યગૃહોનો ઇતાહસ અને તે પૂર્વેની પરિસ્થિતિ, રમણલાલ દેસાઈ, ડાહ્યાભાઈ ધોળશાજી આદિના નાટ્યલેખનની તટસ્થ આલોચનાઓ, એકાંકીનું તંત્રવિધાન, એમાં પ્રવેશયોજનાનું પ્રયોજન અને તેનાં ભયસ્થાનો, એકાંકીમાં પ્રયોગશીલતા આદિની સૈદ્ધાંતિક-તાત્વિક વિચારણા છે. ‘સ્વાધ્યાય’ આ સંગ્રહનો ઉલ્લેખનીય લેખ છે, જેમાં સ્વગત, અતિરંજન, નાટકમાં કલ્પનાનું સ્થાન, વાકછટા અને સંવાદ, સંઘર્ષ અને કાર્ય તથા રંગસૂચનનું તાત્વિક સ્વાનુભવી મૂલ્યાંકન છે. દલાલની અરૂઢ, માર્મિક, કટાક્ષયુક્ત, તાર્કિક ગદ્યલઢણનાં દર્શન પણ અહીં થાય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]