જૂનું પિયેર ઘર
જૂનું પિયેર ઘર એ ગુજરાતી કવિ બળવંતરાય ઠાકોર લિખિત સૉનેટ-કાવ્ય છે. ગુજરાતી સાહિત્યની ઉત્તમ સૉનેટ રચનાઓમાં આ કાવ્ય સ્થાન પામ્યું છે. આ કાવ્યમાં કવિએ સાસરેથી પિયરના ઘરે આવેલી મુગ્ધ યુવતીના મનોભાવોનું આલેખન કર્યું છે.[૧]
કાવ્ય
[ફેરફાર કરો]બેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તી પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;
સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળૂં કંઠ જૂના,
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂના:
ભાંડૂ ન્હાનાં; શિશુસમયનાં ખટમિઠાં સોબતીઓ
જ્યાંત્યાં આવી વય બદલિ સંતાય જાણે પરીઓ.
તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાધિ લે ચક્ષુ ઘેરી,
ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તી અનેરી:
ચૉરીથી આ દિવસ સુધિમાં એવિ જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!
બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતી, નાથ મ્હારા, ત્હમારી.
બંધારણ
[ફેરફાર કરો]સ્વરભાર (લઘુ/ગુરુ) | – ગા |
– ગા |
– ગા |
– ગા |
u લ |
u લ |
u લ |
u લ |
u લ |
– ગા |
– ગા |
u લ |
– ગા |
– ગા |
u લ |
– ગા |
– ગા |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
અક્ષર | બે | ઠી | ખા | ટે | ફ | રિ | વ | ળિ | બ | ધે | મે | ડિ | યો | ઓ | ર | ડા | માં |
આ કાવ્યની રચના મન્દાક્રાન્તા છંદમાં કરવામાં આવી છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ભટ્ટ, રેખા (૨૦૨૦). પ્રથમ વર્ષ બી.એ., પેપર–૨ (મુખ્ય તથા ગૌણ), ગુજરાતી પદ્ય (GUJJM 102/GUJS 102) ભાગ–૧. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. પૃષ્ઠ ૨૨–૨૭. ISBN 978-93-89456-37-0.