જોરાવરસિંહ જાદવ
જોરાવરસિંહ જાદવ | |
---|---|
વ્યવસાય | બાળસાહિત્ય લેખક |
સહી | |
જોરાવરસિંહ દાનુભાઈ જાદવ ગુજરાતના વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક છે. તેમણે લોકસંસ્કૃતિ, લોકકલા અને લોકસાહિત્ય પર આધારિત ૯૦ જેટલી કૃતિઓનું સંપાદન અને રચના કરી છે.[૧]
જન્મ
[ફેરફાર કરો]જોરાવરસિંહ જાદવનો જન્મ ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ ધંધુકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દાનુભાઈ હલુંભાઈ અને માતાનું નામ પામબા હતું. જેઓ વ્યવસાયે ખેડૂત હતા. જોરાવરસિંહ છ ભાઈ-બહેનોમાં બીજા ક્રમના બાળક હતા.[૧][૨] તેમનું બાળપણ આકરું ગામમાં વીત્યું અને તેમનો ઉછેર તેમની સાવકી માતા ગંગાબાએ કર્યો. જોરાવરસિંહને બાળપણમાં લોકસાહિત્ય અને લોકકલાઓનો ઊંડો અનુભવ પ્રાપ્ત થયો હતો.[૧][૩]
શિક્ષણ
[ફેરફાર કરો]જોરાવરસિંહે ૧ થી ૪ ધોરણનું પ્રાથમિક શિક્ષણ આકરુમાં લીધા બાદ ધોરણ ૫ થી ૯ સુધીનું શિક્ષણ ધોળકામાં શેઠ હસનઅલી હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ઉચ્ચશિક્ષણ ગુજરાત વિદ્યાપીઠમાંથી મેળવ્યું હતું.[૪] તેઓ ઇ.સ .૧૯૬૧માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી અને ઇતિહાસ વિષય સાથે સ્નાતક થયા. ત્યારબાદ ઇ.સ. ૧૯૬૩માં ભો.જે વિદ્યાભવનમાંથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષય સાથે અનુસ્નાતક થયા. આ અભ્યાસના કારણે તેમની લોકસાહિત્ય અને લોકકલા પ્રત્યે વધારે રુચિ પ્રગટી. ઇ.સ ૧૯૬૪માં તેઓ ગુજરાત રાજ્ય સરકારી સંઘમાં પ્રકાશક તરીકે જોડાયા.[૧]
લગ્ન જીવન
[ફેરફાર કરો]જોરાવરસિંહના લગ્ન મે, ૧૯૬૩માં દાંતા તાલુકાના ભવાનગઢ ગામના વદનસિંહ ચાવડાની પુત્રી સજ્જનબા સાથે થયા હતા. તેમને બે સંતાન થયા હતા.( ચિત્રાદેવી અને રાજેશ્રી) પરંતુ અકસ્માતમાં સજ્જનબાનું અવસાન થતાં તેમણે ઇ.સ. ૧૯૬૯ના રોજ હેમકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. હેમકુંવરબા અને જોરાવરસિંહને ત્રણ સંતાન ( સુપ્રિયા, રાજકુમારી અને નરેન્દ્રસિંહ ) થયા હતા. ઇ.સ. ૧૯૬૩માં અનુસ્નાતક થયા પછી તેઓ પંચશીલ હાઈસ્કૂલ, સરસપુરમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે સેવા બજાવી હતી.[૫]
સાહિત્યિક કાર્યો
[ફેરફાર કરો]જોરાવરસિંહે ગ્રામજીવનને અનુલક્ષીને વાર્તાઓ લખી. જેમાં તેમની ખ્યાતનામ વાર્તાઓમાં મરદ કસુંબલ રંગ ચડે, મરદાઈ માથા સાટે (૧૯૭૦), લોકસાહિત્યની ચતુરાઈ કથાઓ (૧૯૭૪) અને રાજપૂત કથાઓ (૧૯૭૯)નો સમાવેશ થાય છે. તેમણે ભાતીગળ લોકકથાઓ (૧૯૭૩) અને મનોરંજક કથામાળા (૧૯૭૭) નામના બાળવાર્તાઓના પુસ્તકો પણ લખ્યાં. આ ઉપરાંત તેમણે સંદર્ભસાહિત્યની પણ રચના કરી જેમાં આપણા કસબીઓ (૧૯૭૨), લોકજીવનના મોભ (૧૯૭૫), ગુજરાતની લોકસંસ્કૃતિ (૧૯૭૬) લોકસંસ્કૃતિમાં પશુઓ (૧૯૭૯) અને પ્રાચીન ભારતનાં શસ્ત્રાસ્ત્રો (૧૯૮૧) નો સમાવેશ થાય છે. ત્યારબાદ સજે ધરતી શણગાર (૧૯૭૨), લોકસાહિત્યની નાગકથાઓ (૧૯૮૪) જેવા લોકસાહિત્ય સંપાદનના ગ્રંથોની પણ રચના કરી.[૧]
ઇ.સ. ૧૯૫૮થઈ તેમણે લખેલા લોકસાહિત્ય અને સંસ્કૃતિ પરના સંશોધનાત્મક લેખો પણ છાપવા લાગ્યા. તેમના લેખો બુદ્ધિપ્રકાશ, નૂતન ગુજરાત, રંગતરંગ, અખંડ આનંદ અને ગુજરાત સમાચાર જેવા સમાચાર પત્રો અને સામયિકોમાં પ્રગટ થતા હતા. આથી તેમને લોકસાહિત્યના સંશોધક અને પ્રચારક તરીકેની નામના પ્રાપ્ત થઈ.[૧]
જાદવે ઇ.સ ૧૯૬૪થી સરકાર સાપ્તાહિક અને ગ્રામસ્વરાજ તથા જિનમંગલ માસિકના સંપાદનની જવાબદારી સંભાળી હતી. તેમણે કલાને લોકો સમક્ષ રજુ કરવા સામયિકોની સાથે રેડિયો અને ટેલિવિઝનમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન-સંચાલન કર્યું હતું. તેમણે ઇ.સ. ૧૯૭૮માં 'ગુજરાત લોકકલા ફાઉન્ડેશન' નામની સંસ્થાની સ્થાપના કરી જેના દ્વારા ગુજરાત અને રાજસ્થાનની અભણ, શોષિત અને વિચરતી જાતીના લોકકલાકારોને લોકો સમક્ષ આવવાની અને પોતાની અભિવ્યક્તિ કરવાની તક મળી હતી.[૧]
પુરસ્કાર અને સન્માન
[ફેરફાર કરો]- મેઘાણી સુવર્ણચંદ્રક(૧૯૭૫)
- ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક
- ગુજરાત સરકારનું પારિતોષિક
- એન.સી.ઈ. આર. ટી. નું પ્રથમ પારિતોષિક
- ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર (૨૦૧૨)
- પદ્મશ્રી (૨૦૧૯)[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ મડિયા, અમિતાભ (૨૦૦૨). ગુજરાતી વિશ્વકોશ. ૧૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૮૩-૮૮૪.
- ↑ વાઘેલા, વિરભદ્રસિંહ જે. (સપ્ટેમ્બર ૨૦૧૧). શ્રી જોરાવરસિંહ:જાદવ એક અધ્યયન (પી.એચડી થિસીસ). સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. પૃષ્ઠ ૮-૯.[હંમેશ માટે મૃત કડી]
- ↑ વાઘેલા, વિરભદ્રસિંહ જે. (સપ્ટેમ્બર ૨૦૧૧). શ્રી જોરાવરસિંહ:જાદવ એક અધ્યયન (પી.એચડી થિસીસ). સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. પૃષ્ઠ ૧૨-૧૩.[હંમેશ માટે મૃત કડી]
- ↑ વાઘેલા, વિરભદ્રસિંહ જે. (સપ્ટેમ્બર ૨૦૧૧). શ્રી જોરાવરસિંહ: જાદવ એક અધ્યયન (પી.એચડી થિસીસ). સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. પૃષ્ઠ ૧૭-૧૮.[હંમેશ માટે મૃત કડી]
- ↑ વાઘેલા, વિરભદ્રસિંહ જે. (સપ્ટેમ્બર ૨૦૧૧). શ્રી જોરાવરસિંહ:જાદવ એક અધ્યયન (પી.એચડી થિસીસ). સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. પૃષ્ઠ ૨૦-૨૧.[હંમેશ માટે મૃત કડી]