લખાણ પર જાઓ

નગરપાલિકા

વિકિપીડિયામાંથી

નગરપાલિકા એ શહેર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે.

નગરપાલિકાના વડા નગરપાલિકા પ્રમુખ હોય છે, પરંતુ વહીવટી જવાબદાર અધિકારી ચીફ ઓફીસર હોય છે. તેઓ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત હોય છે, તેથી તેઓ નગરપાલિકા પ્રમુખના તાબા મા નહી, પણ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીના તાબામાં હોય છે. રાજ્ય સરકાર નિયુક્ત હોવાથી સરકારની લોક્લક્ષી યોજનાઓ તેઓ કાર્યાન્વિત કરે છે.

માળખું

[ફેરફાર કરો]

નગરપાલિકામાં જે તે શહેરના ચૂંટાયેલા લોકો દ્વારા સંચાલન કરવામાં આવે છે. દરેક સભ્યની મુદત ૫ વર્ષની હોય છે, ત્યાર બાદ નવેસરથી ચૂંટણી યોજવામાં આવે છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ કે જે કાયદો ૧ જાન્યુઆરી, ૧૯૬૫થી અમલમાં આવ્યો હતો[૧] તેના દ્વારા નગરપાલિકાની વ્યાખ્યા, કાર્યપધ્ધતિ, હક્કો, ફરજો, નિયમો વગેરે બાબતો નક્કી કરવામાં આવી છે. ૨૦૧૫થી તમામ નગરપાલિકાઓમાં ૫૦% મહિલા અનામતના કાયદાનો અમલ થવાનો છે. વોર્ડવાઈઝ નિર્ધારિત સભ્યોને લોકો મત આપીને ચૂંટે છે. તે સભ્યો માંથી પ્રમુખ, ઉપપ્રમુખ તથા વિવિધ સમિતિઓના હોદેદારો સભ્યોની બહુમતીથી નક્કી કરવામાં આવે છે. તમામ સભ્યોનો સમૂહ નગરપાલિકાનું બોર્ડ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે દર ત્રણ મહીને મળતી સામાન્ય સભા મારફતે સભ્યોની બહુમતીથી નિર્ણયો લઈને સંચાલન કરવામાં આવે છે. બોર્ડે લીધેલા નિર્ણયોને અમલમાં મુકવા માટે મુખ્ય અધિકારીની આગેવાનીમાં વિવિધ શાખા અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરી કરે છે.

૭૪મા બંધારણીય સુધારા દ્વારા "શહેરી સ્થાનિક સરકાર" (નગરપાલિકા) માટે સુધારા કરવામાં આવ્યા હતા.[૨]

મુખ્ય સમિતિઓ

[ફેરફાર કરો]
  • કારોબારી સમિતિ
  • ટાઉન પ્લાનિંગ સમિતિ
  • પાણી સમિતિ
  • આરોગ્ય અને સફાઈ સમિતિ
  • બાંધકામ સમિતિ
  • લાઈટીંગ સમિતિ
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

કાર્યો અને ફરજો

[ફેરફાર કરો]

નગરપાલિકા દ્વારા સામાન્ય રીતે લોકોને પીવાના પાણીનું વિતરણ, શહેરમાં રોડ-રસ્તા, બગીચાઓ સહીત બાંધકામને લગતા કામો થકી શહેરના વિકાસ માટેના કામો કરવા, શહેરની નિયમિત સફાઈ અને ગટર વ્યવસ્થાનું સંચાલન કરવું, મરેલા પશુઓનો નિકાલ, અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી, જન્મ-મરણ અને લગ્નની નોંધણી, ટાઉન પ્લાનિંગ, નગર પ્રાથમિક શિક્ષણ, અગ્નિશમન વગેરે કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સ્વ-વિવેકાધીન કાર્યો, કુદરતી આપત્તિ સમયે રાહત કાર્યો,જાહેર બગીચાઓ, ટાઉન હોલ, ધર્મશાળાઓ, શહેરી બસ સર્વિસ, બાળ મંદિર, રમત ગમતના મેદાનો વગેરેનું સંચાલન અને બાંધકામ, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તળે સોંપાતી ફરજો વગેરે.

કરવેરા અને આવકનું માળખું

[ફેરફાર કરો]

નગરપાલિકા દ્વારા એરીયાબેઇઝ મિલકતની આકારની કરીને મિલકત વેરો, પાણી વેરો, દીવાબત્તી વેરો, વ્યવસાય વેરો વગેરે કરવેરા ઉઘરાવવામાં આવે છે. ઉપરાંત જન્મ-મરણ, લગ્ન નોંધણી વગેરે કાર્યો માટે નિયત ફી ઉઘરાવવામાં આવે છે. ટાઉનહોલનું ભાડું, મેદાનો ભાડે આપવા વગેરે કાર્યોથી પણ ભંડોળ એકઠું કરવામાં આવે છે, જે રકમ સ્વ-ભંડોળમાં જમા થાય છે. ઉપરાંત સરકાર દ્વારા વિવિધ કાર્યો માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩" (PDF). મૂળ (PDF) માંથી 2015-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-27.
  2. "India Constitution at Work" (PDF). National Council of Educational Research and Training. ૨૦ જાન્યુઆરી ૨૦૧૫. મૂળ માંથી ૨૯ નવેમ્બર ૨૦૧૫ પર સંગ્રહિત. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)