લખાણ પર જાઓ

પ્રેમ સાહેબ

વિકિપીડિયામાંથી

પ્રેમ સાહેબ (ઇ.સ. ૧૭૯ર-૧૮૬૩) રવિભાણ સંપ્રદાયના સંત કવિ હતા. દાસી જીવણ પ્રેમ સાહેબના ગુરુ હતા. રાજકોટ જિલ્લાનું કોટડા-સાંગાણી ગામ તેમનું વતન હતું અને ત્યાં રહીને જ તેમણે ભક્તિ કરી. તેમનો જન્મ વિ.સં. ૧૮૪૮ની પોષ વદ બીજના દિવસે પિતા પદમાજી અને માતા સુંદરબાઈને ઘેર કડિયા જ્ઞાતિમાં થયો હતો. મલુબાઈ નામની કન્યા સાથે તેમના લગ્ન થયા હતા જેનાથી વિશ્રામ નામે દીકરો જન્મ્યો હતો જે આગળ જતા 'વિશ્રામ સાહેબ' તરીકે ઓળખાયો.

રવિભાણ સંપ્રદાયમાં અને ખાસ કરીને પ્રેમવંશમાં વિશ્રામ સાહેબને દાસી જીવણનો અવતાર માનવામાં આવે છે. આ બાબતે પુરુષોત્તમદાસજી પોતાની એક વાણીમાં કહે છે કે:

પ્રેમવંશ વિશરામ, જાગીયા જીવણ જોગી,
ગરવા ગુણ ગંભીર, સુંન પર સુરતા પોગી.
તાકા માધવરામ, નામ કી નિષ્ટા સાચી,
કહૈ પુરુષોત્તમ દાસ, આશ માધવ રંગ રાચી.

— પુરુષોત્તમદાસ

પ્રેમ સાહેબની બુંદશિષ્ય પરંપરા વિશ્રામ સાહેબ - માધવ સાહેબ - પુરુષોત્તમદાસજી - પ્રેમવંશ ગુરુચરણદાસજી - જગદીશદાસજી એ રીતે ચાલી આવે છે. તેમના શિષ્યોમાં દાસ વાઘો (વાઘા ભગત) મુખ્ય છે.