બુંદેલખંડનાં ગુફાચિત્રો
બુંદેલખંડનાં ગુફા ચિત્રો મધ્ય ભારતમાં આવેલા બુંદેલખંડ વિસ્તારમાં જોવા મળે છે. આ વિસ્તાર પ્રાચીન કાળથી જ પહાડી, પઠારી, વનાંચલીય ભૂપૃષ્ઠ ધરાવે છે, પહાડોની તળેટીમાંથી અથવા પહાડોની ખીણોમાંથી અથવા બે પહાડોના મધ્ય ભાગમાંથી અહિયાં નદીઓ પ્રવાહિત થાય છે. પહાડી નદી નાળાંઓના કિનારે પ્રાચીન કાળથી જ આદિમાનવ રહેતો આવ્યો છે. એમનું નિવાસસ્થાન પહાડી ગુફાઓ (કંદરાઓ)માં રહેતું હતું. પહાડી ગુફાઓમાં રહેવું અને પથ્થરનાં ઔજારો વડે વન્ય પશુઓના શિકાર કરી તેના માંસનો આહાર કરી જીવન ચલાવવું, આદિમાનવની નિયતિ હતી. આદિમાનવ નગ્ન રહેતા હતો અને હિંસક પશુઓની જેમ ગુફાઓમાં જીવન વ્યતીત કરતો હતો, વન્ય પશુઓને મારીને ગુફાઓમાં લાવી અને તેને કરડીને ખાવું એ આદિમાનવની પ્રારંભિક પરિસ્થિતિ હતી.
જે ગુફામાં તે રહેતો, તેની દિવાલો પર કે પથ્થરો પર પશુઓની આકૃતિનું ચિત્રાંકન કરી તેણે પોતાની ભાવનાઓને પ્રદર્શિત કરી. આ પ્રકારનાં આદિમાનવ દ્વારા બનાવવામાં આવેલાં ગુફાચિત્રો બુંદેલખંડ ક્ષેત્રમાં આવેલી પહાડી ગુફાઓમાં આજના સમયમાં પણ સુરક્ષિત છે, જેને જો પર્યટક ચાહે તો તેને જોવા મળી શકે છે. આ પ્રકારની ગુફાઓમાં કેટલીક આવચંદ ખાતેની ગુફાઓ છે, જે સાગરથી ગડાકોટા જવાના માર્ગ પર સુનાર નદી અને ગંધેરી નદીના સંગમ સ્થળની પાસે આવચંદ ગામની નજીકના પહાડોની ગુફાઓમાં પ્રાપ્ય ભિંત ચિત્રો છે. આ પથ્થરો પર આજે પણ લાલ અને કથ્થાઈ કાળા રંગોમાં જોઇ શકાય છે. ગુફાઓમાં રેખાઓ (લકીરો)ના રૂપમાં માનવ આકૃતિઓ નિર્મિત છે, તો હરણ, મોર અને વાઘોની આકૃતિઓ આવેલી છે.
સાગરથી બીના જતા માર્ગ સાથે સંલગ્ન ખાનપુરની પહાડી ગુફામાં પણ લાલ અને ગેરૂ રંગની પુતળીઓ જોવા મળે છે. છતરપુર જિલ્લામાં આવેલા દેવરા ખાતેની પહાડી ગુફામાં લાલ રંગની પુતળીઓ જોવા મળે છે. જેને ત્યાંના સ્થાનીક લોકો 'પોરકાદાતા' અને 'પુતલી કા દાતા' નામથી ઓળખાવે છે. દેવરા બિજાવરથી કિશનગઢ જતા માર્ગ પર આવેલું છે. દેવરા નજીકના પહાડી નાળામાં આ ગુફા ખુલે છે. બિજાવર તાલુકામાં જ પિપરિયા ગામની સેહોં ઘાટીની પહાડીમાં પણ ગુફાઓ આવેલી છે, જે એક નાળા સાથે સંલગ્ન છે. આ ગુફાઓમાં લાલ રંગનો માનવી, હરણ જેવી આકૃતિઓની પુતળીઓ બનાવવામાં આવેલી છે. બુંદેલખંડ ક્ષેત્રમાં બાંદા અને અન્ય ક્ષેત્રમાં આવેલી પહાડી ગુફાઓમાં એવી પુતળીઓ જોવા મળે છે, જેને ત્યાંના સ્થાનીક આદિવાસી લોકો લોહીની (રકતની) લાલ પુતળી કહે છે.