બોધાત્મક વિસંવાદિતા

વિકિપીડિયામાંથી
ઇસપની કથાઓ પૈકીની જાણીતી "શિયાળ અને ખાટી દ્રાક્ષ" કથામાં પહેલાં શિયાળ દ્રાક્ષ મેળવવા પ્રયત્ન કરે છે પણ ન મેળવી શકતા એવું વિચારે છે કે એને તો દ્રાક્ષ જોઈતી જ ન હતી કેમકે દ્રાક્ષ ખાટી છે. આમ પોતાની જ ઈચ્છાને ન પામી શકતા તે ઇચ્છા પામવા યોગ્ય જ ન હતી એમ વિચારી શિયાળ તે પોતાની ઈચ્છા પૂરી ન થઇ શકવાની માનસિક અસમંજસ અને ચિંતાને ઘટાડે છે.

બોધાત્મક વિસંવાદિતા અથવા માનસિક અસમંજસ (અંગ્રેજી: cognitive dissonance) એ એક એવી અણગમતી માનસિક સ્થિતિ છે, કે જેમા વ્યક્તિ બે પરસ્પર અસંગત માન્યતાઓ અનુભવે છે.

માણસ આસપાસના વિશ્વનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતો હોય છે. તે અત્યારે પ્રાપ્ત થતા અનુભવોને ભૂતકાળના તેમજ બીજા લોકોના અનુભવો સાથે સરખાવતો રહે છે. એ તુલના દ્વારા તે પોતાના અનુભવોમાં સુસંગતતા શોધે છે, પદાર્થો, વ્યક્તિઓ અને સમૂહો વિશેની પોતાની સમજ અને માન્યતાઓ સાચી છે તેની ખાતરી મેળવવનો પ્રયત્ન કરે છે; પણ ઘણી વાર તેની માન્યતાઓ અન્ય હકીકતો સાથે બંધબેસતી હોતી નથી. તેથી તેના બોધનમાં વિસંવાદિતા સર્જાય છે.

આ પ્રમાણે જ્યારે વ્યક્તિનાં બોધનોમાં વિસંગતતા સર્જાય ત્યારે શું બને એ અંગે ફેસ્ટિંજરે આપેલો સિદ્ધાંત જાણીતો બન્યો છે. આ સિદ્ધાંત કહે છે કે જ્યારે વ્યક્તિને પોતાના વિવિધ બોધનો વચ્ચે તાર્કિક વિરોધ છે એવું લાગે ત્યારે તેના મનમાં વ્યગ્રતા ઊપજે છે. પોતાની આ વ્યગ્રતાને દૂર કરવા માટે વ્યક્તિ એ રીતે વિચારે કે ક્રિયા કરે છે, જેથી બોધનો વચ્ચે અનુભવાતી વિસંવાદિતા દૂર થાય અને તેનાં બોધનો તર્કસંગત તેમજ તેની જરૂરિયાતો સાથે સુસંગત બને.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. દવે, ચંદ્રાશુ (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોશ. ૧૪. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૮.