મહાદેવભાઈ દેસાઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મહાદેવભાઈ દેસાઈ
Mahadev Desai and Gandhi 2 1939.jpg
જન્મની વિગત 1 January 1892 Edit this on Wikidata
સુરત જિલ્લો Edit this on Wikidata
મૃત્યુની વિગત 15 August 1942 Edit this on Wikidata
અભ્યાસનું સ્થળ એલફીસ્ટન મહાવિદ્યાલય Edit this on Wikidata
વ્યવસાય લેખક&Nbsp;edit this on wikidata
બાળકો નારાયણ દેસાઈ Edit this on Wikidata
પુરસ્કાર સાહિત્ય અકાદમી પુરસ્કાર Edit this on Wikidata

મહાદેવભાઈ દેસાઈ (૧ જાન્યુઆરી, ૧૮૯૨ - ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૨) સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક હતા. તેઓ મહાત્મા ગાંધીનાં અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ સરસ (મુળગામ દિહેણ) (જિ. સુરત)માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. બી.એ. એલએલ. બી. થઈ અમદાવાદમાં વકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી બન્યા. તેમને સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર અર્પણ થયો હતો.

૧૯૪૨માં કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે તેમનું અવસાન થયું હતું.

સર્જન[ફેરફાર કરો]

‘અંત્યજ સાધુનંદ’ (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ’ (૧૯૨૮), ‘સંત ફ્રાંસિસ’ (૧૯૨૪) અને ‘બે ખુદાઈ ખિદમતગાર’ (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે. ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’ (ચંદ્રશેખર શુક્લ સાથે, ૧૯૪૬)પણ એમનો ચરિત્રગ્રંથ છે. સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ’ (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે; ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ (૧૯૨૮) અને ‘ગોખલેનાં વ્યાખ્યાનો’ (૧૯૧૬) પણ હકીકતોને ભાવવાહી રીતે રજૂ કરતા હોઈ ધ્યાનાર્હ છે. બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ (૧૯૩૬) એમની સ્વાધ્યાયનિષ્ઠાના ઉદાહરણરૂપ છે. ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’ (નરહરિ પરીખ સાથે, ૧૯૩૭) તથા ‘ખેતીની જમીન’ (માર્તન્ડ પંડ્યા સાથે, ૧૯૪૨) એમના એ વિષયના પ્રકીર્ણ ગ્રંથો છે.

આ ઉપરાંત તેઓ વિશેષ જાણીતા છે એમના ડાયરીલેખનને કારણે. ૧૯૪૮માં ‘મહાદેવભાઈની ડાયરી’ – ભા. ૧ પ્રકાશિત થયા પછી ક્રમશઃ ૧૯૮૦માં ભા. ૧૭ પ્રકાશિત થયેલો છે. ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી મહાદેવભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યક્તિશક્તિનું ઉદાહરણ છે.

‘ચિત્રાંગદા’ (૧૯૧૫), ‘પ્રાચીન સાહિત્ય’ (નરહરિ પરીખ સાથે, ૧૯૨૨), ‘ત્રણ વાર્તાઓ’ (૧૯૨૩) અને ‘વિરાજવહુ’ (૧૯૨૪) એમના અનુવાદો છે. ‘મારી જીવનકથા’ (૧૯૩૬) જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ છે. મૂળ ભાવ ક્યાંય ખંડિત ન થાય એની પૂરી કાળજી રાખીને રસળતી શૈલીમાં તેઓએ કરેલા આ અનુવાદો લોકપ્રિય નીવડેલા છે. ‘ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ’ (૧૯૨૭), ‘વીથ ગાંધીજી ઈન સિલોન’ (૧૯૨૮), ‘ધ સ્ટોરી ઑવ બારડોલી’ (૧૯૨૧), ‘અનવર્ધી ઑવ વર્ધા’ (૧૯૫૩) જેવા એમના અંગ્રેજી ગ્રંથોમાં અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વનો પરિચય મળી રહે છે. ઉપરાંત, ગાંધીજીના પુસ્તકોના અને વ્યાખ્યાનોના એમણે કરેલા ઘણા અંગ્રેજી અનુવાદો પણ પ્રકાશિત થયેલા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]