લખાણ પર જાઓ

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

વિકિપીડિયામાંથી

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ એ ૧૯૯૨માં પ્રકાશિત થયેલું મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર છે, જેના લેખક એમના જ પુત્ર નારાયણ દેસાઈ છે.[]

પુસ્તક

[ફેરફાર કરો]

મહાત્મા ગાંધીના હનુમાન અને ગણેશ તરીકે ઓળખાતા ગાંધીજીના અંગત સચિવ[] મહાદેવભાઈના જન્મથી અવસાન પર્યંતનાં, એટલે કે ૧૮૯૨થી ૧૯૪૨ સુધીના તેમનાં જીવનનું ૪ ખંડો અને ૪૪ પ્રકરણોમાં વર્ણન કરવામાં આવ્યું છે.[] પુસ્તકના કુલ ચાર ખંડ છે જેનાં શીર્ષક છે: પ્રસ્તુતિ, પ્રીતિ, દ્યુતિ અને આહુતિ. શરૂઆતમાં ‘સ્મૃતિ’ શિર્ષકથી લખેલું મહાદેવભાઈના અંતનું પ્રકરણ અત્યંત લાગણીસભર છે. આ પ્રકરણ ગાંધીજી અને મહાદેવભાઈ વચ્ચેના સ્નેહસેતુનો ખયાલ છે. આ ગ્રંથમાં ઠેકઠેકાણે મહાદેવભાઈનાં લખાણો સીધેસીધાં મૂકવામાં આવ્યાં છે. આને કારણે અપાયેલા પ્રસંગ વિશે મહાદેવભાઈનું લખેલું વર્ણન જ વાંચવા મળે છે. પુસ્તકના અંતે મૂકાયેલાં પરિશિષ્ટ ‘મહાદેવભાઈની જીવનયાત્રા’ અને ‘મહાદેવભાઈની અક્ષરસંપદા’ સંદર્ભ તરીકે ઘણાં ઉપયોગી છે.[]

આ પુસ્તક લગભગ ૧૫૦૦ જેટલાં પાનાં ધરાવે છે.[] આ જીવન ચરિત્રમાં મહાદેભાઈ સાથે ગાંધીજીની આધ્યાત્મિક, સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓની કથા અને સ્વાતંત્ર્યયુગની પણ કથા છે. આ પુસ્તકમાં મહાદેવભાઈ અને ગાંધીજી સાથે હરિભાઈ, નરહરિભાઈ, દુર્ગાબહેન, સરદાર પટેલ વગેરે પણ ચરિત્રો વર્ણવેલા છે. આ ચરિત્રકથા મહાદેવભાઈની બહુમુખી પ્રતિભાને ઉજાગર કરે છે. મહાદેવભાઈની ડાયરી-લેખક, લોકધર્મી મૂલ્યનિષ્ઠ પત્રકાર, શ્રેયોધર્મી સમાજસેવક, ધર્મ-અધ્યાત્મના પથ્ય રસના આસ્વાદક અને ચિંતક, પ્રશિષ્ટ સાહિત્યના રસિક વાચક, વિચારક અને આલેખક, સત્યાગ્રહી અને આશ્રમી જીવનના સંયમી સાધક એવી જુદી જુદી પ્રતિભાઓ આ પુસ્તકમાં દેખાઈ આવે છે. ગાંધીજીનાં સાન્નિધ્યને લેખકે અગ્નિકુંડ સાથે સરખાવી છે તથા મહાદેવભાઈએ પોતાની પ્રતિભાનું ગુલાબીપણું જાળવી રાખ્યું તેથી તેમને ગુલાબની ઉપમા આપી છે. આ પુસ્તક અનેક પત્રો, નોંધો, મુલાકાતો, આદિની પ્રચુર સંદર્ભસામગ્રીનું અવલંબન લઈને લખવામાં આવી છે. મહાદેવભાઈના મુલાયમ સ્વભાવ અને ઋજુ વ્યવહારને કારણે પણ તેમને ગુલાબ સાથે સરખાવ્યા છે. આ ચરિત્રકથામાં મહાદેવભાઈને ગાંધીજી થકી સત્યાગ્રહનાં સત્ત્વ-સામર્થ્યનો જે સાક્ષાત્કાર થયો છે તેની કથા છે. આ ગ્રંથને ગુજરાતના ઉત્તમ ચરિત્રગ્રંથોમાંનો એક માનવામાં આવે છે.[]

આ પુસ્તક વિષે લેખકે લખ્યું છે કે,[]

મહાદેવભાઈની ડાયરી કહેવાય મહાદેવભાઈની, પણ એમાં રજમાત્ર જીવનવિગત મહાદેવભાઈની ન જડે! એટલે મારે મહાદેવભાઈ બીજે જ ખોળવા પડયા!

આવૃત્તિઓ

[ફેરફાર કરો]

આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૨ ઓક્ટોબર ૧૯૯૨ના દિવસે નવજીવન મુદ્રણાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.[]

પુરસ્કારો

[ફેરફાર કરો]

આ પુસ્તકને ૧૯૯૪નો સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીનો શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકનો ખિતાબ મળ્યો હતો. આ પુસ્તકને અન્ય સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા પણ સન્માન આપવામાં આવ્યું છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – ૧.૦૨ : અખરોટથી અગ્નિરોધન". મેળવેલ 2021-10-11.
  2. "ત્રણ મૂલ્યો— સમાનતા, બંધુતા અને લોકતંત્રને ગાંધીના". www.akilanews.com. મૂળ માંથી 2021-10-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-11.
  3. "અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ - Book Summary". Gujaratilexicon. મેળવેલ 2021-10-11.
  4. ૪.૦ ૪.૧ "અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ". www.ekatrafoundation.org. મેળવેલ 2021-10-11.
  5. "અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ". www.ekatrafoundation.org. મેળવેલ 2021-10-11.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]