મુકુન્દરાય પટ્ટણી

વિકિપીડિયામાંથી

મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી, ‘પારાશર્ય’, ‘મકનજી’, ‘માસ્તર’, ‘અકિંચન’ (૧૩-૨-૧૯૧૪, ૨૦-૫-૧૯૮૫) : કવિ, ચરિત્રકાર. જન્મ મોરબીમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૪૦માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે. શામળદાસ કૉલેજ, ભાવનગરથી બી.એ. પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન. ૧૯૪૬માં ડેપ્યુટી કંટ્રોલર. ૧૯૪૮માં એ ક્ષેત્રમાંથી છૂટા થઈ ભારત લાઈન લિ., સ્ટીમર કંપની, ભાવનગરમાં કલાર્ક. ૧૯૭૬માં નિવૃત્ત.

ભારતીય પરંપરા સાથે અનુસંધિત પ્રશિષ્ટ સંસ્કૃત પ્રૌઢિ અને અધ્યાત્મપુટને પ્રગટ કરતું એમનું સાહિત્ય વિવિધ સ્વરૂપોમાં મળ્યું છે. પ્રબોધ ભટ્ટ સાથે ‘અર્ચન’ (૧૯૩૮) અને ‘સંસૃતિ’ (૧૯૪૧) એમના પૂર્વવયના કાવ્યસંગ્રહો છે; તો ગીતસંગ્રહ ‘ફૂલ ફાણસનાં’ (૧૯૫૬), મુક્તકસંગ્રહ ‘દીપમાળા’ (1960) તથા પદભજનના સંગ્રહો ‘કંઠ ચાતકનો’ (૧૯૭૦) અને ‘પ્રાણ પપૈયાનો’ (૧૯૭૯) ઉત્તરવયના કાવ્યસંગ્રહો છે. ‘ભદ્રા’ (૧૯૮૧)માં પ્રૌઢિ છે. ‘અલકા’ (૧૯૮૧) ‘મેઘદત’ પરથી સૂઝેલું કાવ્ય છે.

‘સત્યકથા’ (૧૯૬૬), ‘સત્ત્વશીલ’ (૧૯૭૮), ‘મારી મોટી બા અને સત્યકથાઓ’ (૧૯૮૧) ‘પ્રભાશંકર પટ્ટણી’ : વ્યક્તિત્વદર્શન’ (૧૯૮૩) જેવા વ્યક્તિચિત્રોના ગ્રંથોમાં લેખકની સજ્જતા અને શિષ્ટ ગદ્યની ગરિમા ધ્યાન ખેંચે છે.આ ઉપરાંત નવલકથા ‘ઊર્મિલા’ (૧૯૪૩), વિવેચનસંગ્રહ ‘આલેખનની ઓળખ’ (૧૯૮૦), પૌરાણિક કથાઓ આપતો ગ્રંથ ‘દેવકુસુમ’ (૧૯૪૪) અને નિબંધસંગ્રહ ‘મારા ગુરુની વાતો’ (૧૯૭૬) પણ એમણે આપ્યાં છે. ‘શિવસ્તુતિ’ (૧૯૭૮) એમની સંસ્કૃત રચના છે.

આ સિવાય એમણે પિતા વિજયાશંકર કાનજીની છ જેટલી કૃતિઓનાં તેમ જ મિત્ર પ્રબોધ ભટ્ટ અને કેશવરામ હરિરામની કૃતિઓમાં સંપાદનો કર્યાં છે. ‘સ્વામી રામદાસનો ઉપદેશ’ એમનો અનુવાદગ્રંથ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]