વસ્તુગત સહસંબંધક
વસ્તુગત સહસંબંધક (અંગ્રેજી: Objective correlative) અથવા વસ્તુલક્ષી સહસંયોજક એ અંગ્રેજી કવિ ટી. એસ. એલિયટે સ્થાપેલો પશ્ચિમના વિવેચન-સાહિત્યનો મહત્ત્વનો સિદ્ધાંત છે. એલિયટે આ સંજ્ઞા સૌપ્રથમ ૧૯૧૯માં શેક્સપિયરના કરુણ નાટક હૅમ્લેટ અંગે લખેલા 'હૅમ્લેટ અને એની સમસ્યાઓ' નામક લેખમાં પ્રયોજી હતી. પોતાને પ્રગટ કર્યા વગર પોતાની વાત કરવામાં, પોતાના અંગત ભાવને કલાત્મક ભાવમાં રૂપાન્તરિત કરવામાં, પોતાના અંગત ઈતિહાસમાં નહિ પણ કવિતામાં ભાવનો પ્રાણ રોપવામાં એલિયટે વસ્તુલક્ષી સહસંબંધકને એક મહત્ત્વનું રચનાતંત્ર ગણ્યું હતું. એલિયટે આપેલી આ સંજ્ઞા પાછળ એલિયટનો ભાવલોપ અને વ્યક્તિલોપનો સિદ્ધાંત, એનો બિનંગત કવિતાનો સિદ્ધાંત પડેલો છે.[૧][૨]
સર્જકમાં પ્રવર્તતી ચોક્કસ એવી લાગણીઓને પ્રસ્તુત કરવાની પ્રતિભા રૂપે કે લાગણીની અભિવ્યક્તિ માટે એનાથી સંબંધિત વસ્તુઓની શોધ તરીકે એલિયટની પૂર્વે વૉશિંગ્ટન ઑલ્સ્ટને અને સારોયાન સન્તયાને આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ એલિયટની વિચારણામાં પ્રવેશ્યા પછી આ સંજ્ઞાએ સાહિત્યસિદ્ધાંત તરીકેનું રૂપ ધારણ કર્યું. ગુજરાતી સાહિત્યમાં આ સંજ્ઞાના વિવિધ પર્યાયો રચવામાં આવ્યા છે. નગીનદાસ પારેખે એને 'પદાર્થરૂપ નિત્યસંબંધ' એવું નામ આપ્યું છે, તો અન્ય વિદ્ધાનોએ 'વસ્તુનિષ્ઠ સમીકરણ', 'પરલક્ષી સહસંબંધક', 'વસ્તુલક્ષી સહસંયોજક' તેમજ 'વસ્તુગત સમવાય સંબંધ' તરીકે એની ઓળખ આપી છે. પાછળથી એલિયટને આ સંજ્ઞા અપ્રસ્તુત લાગી હતી, પણ સાહિત્ય-વિવેચનક્ષેત્રે એ ખાસ્સી ચલણમાં રહી છે.[૨]
પૂર્વભૂમિકા
[ફેરફાર કરો]ટી. એસ એલિયટ નવી પરંપરાના કવિ-વિવેચક હતા. તેમની વિવેચનાને કારણે જ્યૉર્જિયન વાતાવરણમાં વર્ચસ્વ ધરાવતી રોમૅન્ટિક અને વિક્ટૉરિયન પરંપરાની કવિતાનો વિરોધ કર્યો. આને કારણે કવિતામાં અંગત ભાવ નહિ પરંતુ કલાત્મક પ્રક્રિયાની ઉત્કટતાથી રૂપાન્તરિત બિનંગત ભાવ, કલાત્મક ભાવ મહત્ત્વના બન્યા. કવિતા પરના અને કલાત્મક પ્રક્રિયાની ઉત્કટતા પરના ભારને કારણે ભાવ અને વ્યક્તિલોપની ક્રિયા આગળ આવી. પોતાને સહેજ પણ પ્રગટ કર્યા વિના પોતાના અંગે વાત કરવાનું, પોતાના અંગત ભાવને કલાત્મક ભાવમાં રૂપાન્તરિત કરવાનું કવિતા દ્વારા શરૂ થયું.[૨]
ઈતિહાસ
[ફેરફાર કરો]એલિયટે આ સંજ્ઞા ૧૯૧૯માં શેક્સપિયરના કરુણ નાટક હૅમ્લેટ અંગે લખેલા 'હૅમ્લેટ અને એની સમસ્યાઓ' નામક લેખમાં પ્રયોજી છે. હૅમ્લેટના ઓઢી લીધેલા ગાંડપણ સંબંધે ઊભી થતી સમસ્યાને કારણે હૅમ્લેટ પૂરેપૂરી રીતે પોતાને વ્યક્ત કરી શક્યો નથી અને એ રીતે હૅમ્લેટનું પાત્ર રચવામાં શેક્સપિયર નિષ્ફળ નીવડ્યા છે, કારણ કે શેક્સપિયર હૅમ્લેટ અંગેની કોઈ વસ્તુગત અભિવ્યક્તિની પૂરતી સામગ્રી એટલે કે વસ્તુગત સહસંબંધક (ઑબેજેક્ટિવ કૉરિલેટિવ) શોધી શક્યા નથી, એવા તારણ પર એલિયટ આવે છે.[૨]
હૅમ્લેટ પરના લેખમાં એલિયટે વસ્તુગત સહસંબંધક સંજ્ઞાની સમજ આપી છે:[૨]
"કલાના સ્વરૂપમાં લાગણીને અભિવ્યક્ત કરવાની એકમાત્ર રીત એને અંગે વસ્તુગત સહસંબંધકની શોધ છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ચોક્કસ લાગણી કે ભાવ સૂત્રિત થઈ શકે, બાહ્ય હકીકતો સંવેદનશીલ કે ઈન્દ્રિયસંવેદ્ય અનુભવમાં ઢળી શકે એવી વસ્તુઓ, પરિસ્થિતિઓ કે ઘટનાઓની શ્રેણીઓ રજૂ થતાં, એ લાગણી કે ભાવ તાત્કાલિક જન્મી શકે છે."
— ટી. એસ. એલિયટ
દેખીતી રીતે જ એલિયટ અહીં કહેવા માંગે છે કે, સર્જક લાગણીને સીધેસીધી પ્રગટ ન કરે. વસ્તુગત સહસંબંધક સંજ્ઞા આ રીતે કૃતિની સંરચના પર ભાર મૂકે છે. કવિ પોતાની લાગણીઓ કે વિચારો પોતાના ચિત્તમાંથી સીધી વાચકચિત્તમાં પહોંચાડી શકતો નથી, વાચક સુધી પહોંચવા માટે વસ્તુઓ પરિસ્થિતિઓ અને ઘટનાઓની શ્રેણીઓનું અવલંબન જરૂરી છે. આ અવલંબન દ્વારા જ સર્જક અને ભાવક વચ્ચેનું સંક્રમણ શક્ય બને છે. અહીં સર્જકને જે કહેવું છે તે વસ્તુલક્ષી રૂપ ધારણ કરે છે.[૨]
વિવેચન
[ફેરફાર કરો]એલિયટનો આ સિદ્ધાંત વિવાદાસ્પદ રહ્યો છે. એલિસીઓ વિવાસે કહ્યું હતુ કે, કવિ શબ્દસ્થ કરતાં કરતાં પોતાની લાગણીને પામતો હોય છે, જ્યારે એલિયટના સિદ્ધાંતમાં કોઈ ચોક્કસ લાગણી અને પછી એની અભિવ્યક્તિની વાત આવે છે, જે બરાબર નથી. વધુમાં એલિયટની બિનંગત કલા વિશેની માન્યતા પણ લેખકના અને વાચકના મનોવિજ્ઞાનને બાદ કરીને ચાલે છે.[૨]
વધુ વાચન
[ફેરફાર કરો]- એલિયટ, ટી. એસ. (1919). "Hamlet and His Problems".
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ટોપીવાળા, ચન્દ્રકાન્ત (૧૯૯૬). ગુજરાતી સાહિત્યકોશ. ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૫૧૫. Missing or empty
|title=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ટોપીવાળા, ચન્દ્રકાન્ત (December 2004). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૯ (લે-વાં). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૧૮-૬૧૯. Missing or empty
|title=
(મદદ)