વિજયસિંહ ચાવડા

વિકિપીડિયામાંથી

વિજયસિંહ કિશનસિંહ ચાવડા ગુજરાતી ઇતિહાસકાર અને ઇતિહાસના પ્રોફેસર હતાં. તેઓ ગુજરાતી સાહિત્યકાર કિશનસિંહ ચાવડાના પુત્ર હતાં. તેમનાં પુસ્તકો ગુજરાતી તેમજ અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ છે.

જીવન[ફેરફાર કરો]

વિજયસિંહ ચાવડાનો જન્મ કેટલીક પેઠીઓથી વડોદરા સ્થાયી થયેલા રાજપૂત પરિવારમાં ૬ ફેબ્રુઆરી ૧૯૨૭ના રોજ વડોદરા ખાતે થયો હતો. એમના પિતા કિશનસિંહ ચાવડા ગુજરાતી ભાષાના જાણિતા સાહિત્યકાર અને સ્વાતંત્રસૈનિક હતા. માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં લઈ તેઓએ ૧૯૪૯માં બી.એની ઉપાધી મેળવી હતી. ત્યારબાદ તેઓ બોમ્બે સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ ઍન્ડ સોશિયોલૉજીમાં જોડાયા અને ૧૯૫૧માં એમ.એ.ની ઉપાધી મેળવી. આ સંસ્થામાં હિસ્ટોરિકલ રેકૉર્ડ્ઝના સભ્ય અને ગુજરાતી સાહિત્યકાર બળવંતરાય ઠાકોરના પ્રોત્સાહનથી તેમણે ઇતિહાસના સંશોધનમાં રસ લેવા માંડ્યો. તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના ઇતિહાસ વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. આ જ વિશ્વવિદ્યાલયમાંથી જ તેમણે "ગાયકવાડ્ઝ ઍન્ડ ધ બ્રિટીશ" વિષય પર મહાનિબંધ લખ્યો અને ૧૯૫૮માં પીએચ.ડી.ની ઉપાધી મેળવી.[૧]

ઇંગ્લેન્ડની લીડ્ઝ યુનિવર્સિટીના પ્રોફેસર બ્રિગ્સ અવારનવાર વડોદરા આવતા હતા. તેમણે ચાવડાને ઇંગ્લેન્ડ જઈને બ્રિટીશ ઇતિહાસમાં સંશોધન કરવા પ્રેર્યા. આ તકનો લાભ લઈ ચાવડા ઇંગ્લેન્ડ ગયા અને "ઇન્ડિયા, બ્રિટન, રશિયા : અ સ્ટડી ઑફ બ્રિટિશ ઓપિનિયન, ૧૮૩૮-૧૮૭૮" વિષય પર મહાનિબંધ લખીને, ૧૯૬૧માં લીડ્ઝ યુનિવર્સિટીમાંથી બીજીવાર પીએચ.ડી થયા. ત્યાથી પાછા ફરીને તેઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ઇતિહાસ વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૮૭માં ત્યાથી ઇતિહાસના પ્રોફેસર અને ઇતિહાસ વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયાં.[૧]

લેખન કાર્ય[ફેરફાર કરો]

વિજયસિંહ ચાવડાએ અંગ્રેજીમાં સાત તથા ગુજરાતીમાં ચાર ઇતિહાસના પુસ્તકો તથા આશરે વીસ સંશોધન લેખો લખ્યા છે. તેમણે મુખ્યત્વે રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસલેખનમાં પ્રદાન કર્યું છે.[૧]

તેમનો ગ્રંથ "ગાયકવાડ્ઝ ઍન્ડ ધ બ્રિટિશ : અ સ્ટ્ડી ઑફ ધેર પ્રૉબ્લેમ્સ, ૧૮૦૦-૧૯૨૦" તેમના પીએચ.ડી.ની ઉપાધી માટે લખાયેલ મહાનિબંધ પર આધારિત છે. નેશનલ બૂક ટ્રસ્ટની જીવનચરિત્રોની શ્રેણીમાં ચાવડાએ "સર સયાજીરાવ ગાયકવાડ થર્ડ નામનું જીવનચરિત્ર લખ્યું છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ શુક્લ, જયકુમાર ર. (2013). અર્વાચિન ઇતિહાસકારો અને તેમનુ ઇતિહાસલેખન. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૧૩૫–૧૩૮. ISBN 9788184809558. OCLC 875555202.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]