કિશનસિંહ ચાવડા

વિકિપીડિયામાંથી
કિશનસિંહ ચાવડા
જન્મનું નામ
કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા
જન્મ(1904-11-17)17 November 1904
વડોદરા, ગુજરાત
મૃત્યુ1 December 1979(1979-12-01) (ઉંમર 75)
વડોદરા, ગુજરાત[૧]
ઉપનામજિપ્સી
વ્યવસાયલેખક, પત્રકાર, અનુવાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત વિદ્યાપીઠ, શાંતિનિકેતન
નોંધપાત્ર સર્જનો
  • અમાસના તારા
  • જિપ્સીની આંખે
નોંધપાત્ર પુરસ્કારોનર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૫૦)
સંતાનોવિજયસિંહ ચાવડા

કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા (૧૭ નવેમ્બર ૧૯૦૪ – ૧ ડિસેમ્બર ૧૯૭૯) ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમનું તખલ્લુસ નામ "જિપ્સી" હતું. તેઓએ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં અભ્યાસ કર્યો હતો. તેમણે એક મુદ્રણ પ્રેસ શરૂ કર્યો હતો અને લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવી હતી.

જીવન[ફેરફાર કરો]

કિશનસિંહ ચાવડાનો જન્મ ૧૭ નવેમ્બર ૧૯૦૪ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેમનું મૂળ વતન સુરત જિલ્લાના સચીન પાસેનું ભાંજ ગામ હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરાથી લીધું હતું. વધુ અભ્યાસ માટે તેઓ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં જોડાયા હતા. તેમણે શરૂઆતના સમયમાં ફેલોશીપ કોલેજ, મુંબઈમાં અધ્યાપન કાર્ય પણ કર્યું હતું. તેઓએ કેટલાંક દેશી રાજ્યોના શાસકોના અંગત મદદનીશ તરીકે પણ કાર્ય કર્યું હતું. તેમણે ૧૯૨૭-૧૯૨૮માં પોંડિચરી ખાતેના અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યો હતો. ૧૯૪૮માં તેઓ અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે કાર્નેગી ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (પિટ્ઝબર્ગ) ખાતે છ માસ સુધી મુદ્રણ સંયંત્ર પ્રબંધન (પ્રિન્ટિગ પ્લાન્ટ મેનેજમેન્ટ)નો અભ્યાસ કર્યો. ત્યાંથી પરત ફર્યા બાદ વડોદરા ખાતે સાધના મુદ્રણાલય નામે એક પ્રિન્ટિગ પ્રેસની સ્થાપના કરી. તેઓએ ક્ષત્રિય માસિકના તંત્રી અને નવજીવન સામયિકના સહતંત્રી તરીકે પણ કામ કર્યું હતું. ૧૯૬૦થી તેઓ અલમોડા પાસેના મિરતોલા આશ્રમમાં સ્થાયી થયા હતા.[૨][૩][૪] ૧ ડિસેમ્બર ૧૯૭૯ના રોજ અરવિંદ વ્યાખ્યાનમાળા અંતર્ગત પ્રવચન આપવા દરમિયાન જ વડોદરા ખાતે તેમનું અવસાન થયું હતું.[૧]

સર્જન[ફેરફાર કરો]

વડોદરા ખાતેના પ્રેસ સંચાલન કાર્ય દરમિયાન તેઓ ઉમાશંકર જોષીના સંપર્કમાં આવ્યા. જેના પરિણામે તેઓ સાહિત્ય તરફ આકર્ષાયા. તેમણે પોતાના અનુભવોના આધારે વ્યક્તિગત નિબંધો અને આત્મકથા લખવાનુ શરૂ કર્યું.[૫] અમાસના તારા (૧૯૫૩) અને જિપ્સીની આંખે (૧૯૬૨) એ તેમના અંગત જીવનપાત્રો અને ઘટનાઓ સંબંધિત સ્મૃતિચિત્રો અને રેખાચિત્રોનો સંગ્રહ છે. હિમાલય ખાતેના તેમના વસવાટના અનુભવો હિમાલયની પદયાત્રા (૧૯૬૪)માં સંગ્રહિત થયેલાં છે. આ પુસ્તકમાં તેમનો હિમાલય પ્રત્યેનો અધ્યાત્મસંબંધ જોવા મળે છે. તારામૈત્રક (૧૯૬૪) એ તેમના ચરિત્રાત્મક લેખોનો સંગ્રહ છે. ૧૯૬૮માં પ્રગટ થયેલ સમુદ્રના દ્વિપ જીવન અને અધ્યાત્મ સંબંધિત લેખ સંગ્રહ છે. અમાસથી પૂનમ ભણી (૧૯૭૭) એ તેમની આત્મકથા છે.[૨][૩][૪] કુમકુમ (૧૯૪૨) અને શર્વરી (૧૯૫૬) એ તેમના વાર્તાસંગ્રહો છે. ૧૯૫૫માં પ્રગટ થયેલી તેમની નવલકથા ધરતીની પુત્રીના કેન્દ્રબિંદુમાં સીતા છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ (૧૯૩૦) એ તેમનો વિવેચન ગ્રંથ છે. આ ઉપરાંત, કબીર સંપ્રદાય (૧૯૩૭), તેમનો અભ્યાસ ગ્રંથ છે.[૧]

તેઓ બંગાળી તેમજ હિન્દી સાહિત્યથી પરિચિત હતા અને આ બંને ભાષાના સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં કેટલાક અનુવાદો કર્યા છે.[૬] જ્ઞાનેશ્વરી અને કૃષ્ણ પ્રેમ એ તેમના ભગવદ્‌ગીતા પરના ભાષ્ય છે. જે અનુક્રમે મરાઠી (જ્ઞાનેશ્વરી) અને અંગ્રેજી (ધ યોગા ઓફ ભગવદ્‌ ગીતા)નો ગુજરાતી અનુવાદ છે.[૨][૩] તેમણે સમાજ સુધારક ધોન્ડો કેશવ કર્વેના આત્મચરિત્ર (૧૯૨૭)નો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.[૭] આ ઉપરાંત, ગરીબીની હાય (૧૯૩૦), જીવનનાં દર્દ (૧૯૩૦), સંસાર (૧૯૩૧), અંધાપો યાને ગામડિયો સમાજ (૧૯૩૩), કુમુદિની (૧૯૩૫), ભૈરવી (૧૯૩૫), પ્રેમાશ્રમ ભાગ ૧-૨ (૧૯૩૭), સંત કબીર (૧૯૪૭), ચિત્રલેખા (૧૯૫૭), અનાહત નાદ (૧૯૬૦) વગેરે તેમના મહત્ત્વના અનુવાદ ગ્રંથો છે.[૧]

શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ અભિનંદન ગ્રંથ (૧૯૪૨, સહકાર્ય), પંચોતેરમે (૧૯૪૬), પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ (૧૯૬૯, સહકાર્ય), અરવિંદ ઘોષના પત્રો અને પ્રેમાનંદ સાહિત્ય સભા રજત મહોત્સવ ગ્રંથ એ તેમનાં કેટલાંક અગત્યના સંપાદનો છે.[૧]

સન્માન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ દેસાઈ, લવકુમાર મ. (૧૯૯૬). "ચાવડા, કિશનસિંહ ગોવિંદસિંહ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૭ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૩૯–૧૪૦. OCLC 248967600.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૪.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Amaresh Datta (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. પૃષ્ઠ 672. ISBN 978-81-260-1803-1.
  4. ૪.૦ ૪.૧ શ્રીમતી હિરાલક્ષ્મી નવનીતભાઈ શાહ ધન્ય ગુર્જરી કેન્દ્ર (૨૦૦૭). ગુજરાત. ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૮૧.
  5. Contemporary Indian Literature. 2. S.L. Shastry. 1962. પૃષ્ઠ 13.
  6. Jagmohan, Sarla (1 January 2002). Selected Stories from Gujarat. Jaico Publishing House. પૃષ્ઠ 9. ISBN 978-81-7224-955-7. મેળવેલ 25 April 2017.
  7. Ramananda Chatterjee (1928). The Modern Review. 44. Prabasi Press Private, Limited. પૃષ્ઠ 81.
  8. ત્રિવેદી, ડૉ. રમેશ એમ. (2015). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશન. પૃષ્ઠ ૪૧૫. ISBN 978-93-82593-88-1.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]