લખાણ પર જાઓ

વ્યક્તિત્વ

વિકિપીડિયામાંથી

વ્યક્તિત્વ એટલે જે-તે વ્યક્તિની વર્તનશૈલી, તેની બૌદ્ધિક શક્તિઓ, અભિયોગ્યતાઓ, વિચારો, ટેવો, આવેગો, મનોવલણો અને બીજાં એવાં વિશિષ્ટ પાસાંઓના ગત્યાત્મક સંગઠનથી ઊપજેલું સુગ્રથિત સ્વરૂપ. સામાન્યરીતે એક વ્યક્તિની બીજી વ્યક્તિ ઉપર જે છાપ પડે છે તેના 'સામાજિક ઉદીપનના મૂલ્ય'ને પણ વ્યક્તિત્વ કહેવામાં આવે છે. વ્યક્તિત્વ એ અનેક પાસાંઓના સંગઠનથી ઊપજેલી અજોડ અને જટિલ સંરચના છે. વ્યક્તિત્વ એ વ્યક્તિનું વાતાવરણ સાથેનું સુસંગત વૈયક્તિક અનુકૂલન છે.[૧]

વ્યક્તિત્વના અભ્યાસમાં વ્યક્તિ 'શું છે', 'તે કોણ છે', 'કેવી છે', 'કેવી રીતે છે', 'શાથી તે આવી છે' વગેરે બાબતોનો સમાવેશ થાય છે.[૧] વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ જુદા જુદા અનેક હેતુઓ, જરૂરિયાતો અને દ્રષ્ટિબિંદુથી થઈ શકે છે. આથી વ્યક્તિત્વનો અભ્યાસ કરવા માટે જુદા જુદા અનેક અભિગમો અને સિદ્ધાંતો ઉદભવ્યા છે. વ્યક્તિત્વનો અભ્યાસ જૈવીય, મનોવૈજ્ઞાનિક, વિકાસાત્મક, ગત્યાત્મક વગેરે અનેક અભિગમો દ્વારા કરવામાં આવે છે.[૨]

વ્યાખ્યા

[ફેરફાર કરો]

વ્યક્તિત્વ માટેનો અંગ્રેજી શબ્દ 'Personality' છે, જે ગ્રીક શબ્દ 'Persona' પરથી ઊતરી આવ્યો છે. 'Persona' એટલે 'બુરખો' અથવા 'ચહેરા ઉપર પહેરવાનું મહોરું'. એ સમયના ગ્રીકમાં નાટકના અદાકારો તેમણે ભજવવાના પાત્રને અનુરૂપ મહોરું પહેરતા; જેથી પ્રેક્ષકો મહોરાના દેખાવ ઉપરથી કોણ 'નાયક' છે અને કોણ 'ખલનાયક' છે તે ઓળખી શકતા. આ ઉપરથી વ્યક્તિત્વ એટલે 'માણસનો બાહ્ય દેખાવ' એવો અર્થ પ્રચલિત થયો.[૨]

સામાન્યરીતે એક વ્યક્તિની બીજી વ્યક્તિ ઉપર જે છાપ પડે છે તેના 'સામાજિક ઉદીપનના મૂલ્ય'ને વ્યક્તિત્વ કહે છે; જેમ કે, જે વ્યક્તિ પોતાનાં વાણી, વર્તન, દેખાવ, પહેરવેશ ઉપરથી અન્ય માણસોને પ્રભાવિત કરે કે આંજી નાખે તેને પ્રભાવશાળી 'વ્યક્તિત્વ' છે એમ કહેવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વ્યક્તિનું વ્યક્તિત્વ એટલે તેની વર્તનશૈલી, તેની બૌદ્ધિક શક્તિઓ, અભિયોગ્યતાઓ, વિચારો, ટેવો, આવેગો, મનોવલણો અને બીજાં એવાં વિશિષ્ટ પાસાંઓના ગત્યાત્મક સંગઠનથી ઊપજેલું સુગ્રથિત સ્વરૂપ.[૨]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ પરીખ, ડૉ. બી. એ. (૨૦૧૪). પ્રગત સામાન્ય મનોવિજ્ઞાન (4th આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૪૫૨, ૫૦૩. ISBN 978-81-929772-6-3.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ પરીખ, ભાનુપ્રસાદ અમૃતલાલ (April 2006). "વ્યક્તિત્વ (personality)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ 21 (વૉ - ષ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૧-૫૫. OCLC 162213102.