સિદ્ધહેમશબ્દાનુશાસન
સિદ્ધહેમશબ્દાનુશાસન અથવા શબ્દાનુશાસન સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનો વ્યાકરણગ્રંથ છે જેની રચના હેમચંદ્રાચાર્યે કરી હતી.[૧] અપભ્રંશનું વ્યાકરણ ધરાવતો આ એક માત્ર ગ્રંથ છે.[૨]
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવા વિજય કરી આવ્યા ત્યારે તેમણે જીતેલા પુસ્તક ભંડારમાં ભોજ રચિત 'સરસ્વતી-કંઠાભરણ' ગ્રંથ જોયો હતો પણ ગુજરાતી વિદ્વાનના હાથે આ ગ્રંથ ન રચાયો હોવાથી તેઓ ખિન્ન થયા. ત્યારબાદ હેમચંદ્રાચાર્યે આ કાર્યને સ્વીકાર્યું, પૂર્ણ કર્યું અને ગ્રંથનું નામ 'સિદ્ધહેમશબ્દાનુશાસન' રાખવામાં આવ્યું.[૧]
વિષય
[ફેરફાર કરો]આઠ અધ્યાયોમાં વર્ગીકૃત એવા આ ગ્રંથમાં દરેક અધ્યાયને ચાર પાદ છે. આઠમો અધ્યાય પ્રાકૃત અને અપભ્રંશની માહિતી ધરાવે છે તથા કુલ ૧,૧૧૯ શ્લોકોથી તે રચાયેલ છે.[૧] પ્રથમ સાત અધ્યાયમાં સંસ્કૃત વ્યાકરણને લગતા કુલ ૩,૫૫૬ શ્લોકો છે તે વિવિધ વિષયો જેવા કે સંજ્ઞા, સ્વરસંધિ, વ્યંજનસંધિ, સમાસ, કારક વગેરેની વિગતે ચર્ચા કરે છે.[૧]
હેમચંદ્રાચાર્યે પૂર્વ રચાયેલા વ્યાકરણગ્રંથોના જે સૂત્રો યોગ્ય લાગ્યાં તેમનો તેમ જ સ્વીકાર કર્યો છે; જે સૂત્રમાં ફેરફાર કરવાની આવશ્યકતા લાગી તેમાં યથોચિત ફેરફાર કરી ખામી દૂર કરી છે; જે સૂત્રો નવાં ઉમેરવાની જરૂરિયાત લાગી ત્યાં નવાં ઉમેર્યાં છે.[૧]
આઠમા પ્રકરણમાં કુલ છ ભાષાઓની ચર્ચા છે: પ્રાકૃત (મહારાષ્ટ્રી પ્રાકૃત), શૌરસેની (હિંદીની પૂર્વભાષા), માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ. નગીન શાહના મતાનુસાર, "અપભ્રંશવિભાગ ગુજરાતી ભાષાના વિકાસનો અભ્યાસ કરનાર માટે ઘણું મહત્વ ધરાવે છે."[૧]
હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ સિવાય તેના ઉપરની લઘુવૃત્તિ અને બૃહદવૃત્તિ પણ લખી છે. સાથે જ, તેમણે પતંજલિનું મહાભાષ્ય પણ લખ્યું.[૧] 'સિદ્ધહેમશબ્દાનુશાસન'ના અધ્યાપનનું કાર્ય કક્કલ નામના વિદ્વાનને સોંપાયું હતું તથા સિદ્ધરાજ જયસિંહે આ ગ્રંથની નકલો કરાવી વિવિધ પંડિતોને મોકલી હતી.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ શાહ, નગીન જી. ઠાકર, ધીરૂભાઈ, સંપા. ગુજરાતી વિશ્વકોશ (ખંડ ૨૩). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃ:૩૨૮–૩૨૯
- ↑ Amaresh Datta; various (૧ જાન્યુઆરી ૨૦૦૬). The Encyclopaedia Of Indian Literature (Volume One (A To Devo). ૧. Sahitya Akademi. પૃષ્ઠ ૧૫–૧૬. ISBN 978-81-260-1803-1.