સભ્ય:Fatema Chunawala Officewala/રાહી સરનોબત

વિકિપીડિયામાંથી

રાહી જીવન સરનોબત (30 ઑક્ટોબર 1990 કોલ્હાપુર, મહારાષ્ટ્ર) 25 મીટર પિસ્ટલ શૂટિંગમાં સ્પર્ધા કરનારાં એક ભારતીય મહિલા શૂટર છે. તેઓ 2013 અને 2019 એમ બે વખત ISSF વર્લ્ડ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં વિજય મેળવી ચૂક્યાં છે. 2019માં મ્યુનીકમાં ISSF વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીત્યા બાદ તેમની 2021ના ટોક્યો ઑલિમ્પિક્સ માટે પસંદગી કરવામાં આવી છે.[૧] રાહી સરનોબતે એશિયન અને કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતેલા છે.

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

રાહી સરનોબાતનો જન્મ મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે 1990ની 30મી ઑક્ટોબરે થયો હતો. સ્કૂલમાં NCCની ટ્રેનિંગ દરમિયાન પહેલી વાર તેમનો પરિચય શસ્ત્રો સાથે થયો હતો. નાની વયથી જ તેમણે પિસ્તોલ ચલાવવાની કલાનું પ્રદર્શન કર્યું હતું.[૨]

તેમની જ સ્કૂલમાંથી અભ્યાસ કરીને આગળ વધેલાં યશસ્વિની સાવંતને 2006માં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમનાથી પ્રેરણા લઈને રાહી સરનોબતે આ રમતને ગંભીરતાથી લીધી હતી. [૨]

શરૂઆતમાં રાહી સરનોબતને કોલ્હાપુરમાં અપૂરતી સવલતોની સમસ્યામાંથી પસાર થવુ પડ્યું હતું. તેમણે સારી સવલતો માટે મુંબઈમાં તાલીમ લેવાનો નિર્ણય લીધી.[૨]

વ્યાવસાયિક સિદ્ધિઓ[ફેરફાર કરો]

રાહી સરનોબતે 2008માં પૂણે ખાતે યૂથ કૉમનવેલ્થ ગેમ્સમાં 25 મીટર પિસ્ટલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો. [૨]

રાહી સરનોબતે 2011માં ફોર્ટ બેનિંગ ખાતે ISSF વર્લ્ડ કપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો.[૧] ત્યારબાદ તેમણે 2012 ના લંડન ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં તેઓ 19મા ક્રમે રહ્યાં હતાં.[૩] 2012માં રાહી સરનોબતે સાઉથ કોરિયાના ચાંગવોન ખાતે યોજાયેલા ISSF વર્લ્ડ કપમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.[૨]

2015માં રાહી સરનોબાતને એક અકસ્માતને કારણે ઈજા થઈ હતી, તેનાથી તેમની કોણીને અસર થઈ હતી અને સાજા થતાં લગભગ બે વર્ષ લાગી ગયાં હતાં.[૨] તેમણે ભારતની નેશનલ ટીમમાં પુનરાગમન કર્યું હતું અને જર્મન કોચ માનખાબાયર ઓર્જસુરેન પાસે તાલીમ લીધી હતી જેમણે રાહીને ફરીથી શારીરિક અને માનસિક ફિટ થવામાં મદદ કરી હતી.[૨] ઓર્જસુરેન 2012માં ઑલિમ્પિક્સમાં સરનોબતનાં હરીફ હતાં.[૪]

2018માં રાહી સરનોબતે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે એશિયન ગેમ્સમાં વ્યક્તિગત કૅટેગરીમાં મેડલ જીતનારાં તેઓ પ્રથમ ભારતીય બન્યાં હતાં. 2018માં શૂટિંગમાં મેળવેલી સિદ્ધિઓને કારણે તેમને અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.[૫]

ત્યાર પછીના વર્ષે તેમણે જર્મનીના મ્યુનિક ખાતે ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતીને તેમની બીજી વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી હતી. આ સફળતાથી તેમને ટોક્યો ઑલિમ્પિક્સ માટે ટિકિટ મળી ગઈ હતી જ્યાં તેઓ ભારત માટે ગોલ્ડ મેડલનું લક્ષ્યાંક ધરાવે છે. [૩]

રાહી જીવન સારનોબાત
વ્યક્તિગત માહિતી
Nationalityભારત
જન્મ30 ઑક્ટોબર, 1990
કોલ્હાપુર, મહારાષ્ટ્ર
Sport
રમત25 મીટર શૂટિંગ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "ISSF World Cup: Rahi Sarnobat's journey takes her to Tokyo Games". The Indian Express (અંગ્રેજીમાં). 2019-05-28. મેળવેલ 2021-02-16.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ https://www.olympicchannel.com/en/athletes/detail/rahi-sarnobat/
  3. ૩.૦ ૩.૧ "રાહી સરનોબત : એ શૂટિંગ સ્ટાર જેમણે નિવૃત્તિ આરેથી પાછા વળી ટોક્યો ઑલિમ્પિકને નિશાન બનાવ્યું". BBC News ગુજરાતી. મેળવેલ 2021-02-16.
  4. "This shooting star Rahi Sarnobat has an Olympic dream". DNA India (અંગ્રેજીમાં). 2019-09-21. મેળવેલ 2021-02-16.
  5. World, Republic. ""Never ever dreamt of this award"; Rahi Sarnobat silences her critics with an Arjuna". Republic World (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-16.

મેડલ[ફેરફાર કરો]

ઇન્ડિયન નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં સંખ્યાબંધ ગોલ્ડ મેડલ

યૂથ કૉમનવેલ્થ ગેમ્સ, પૂણેમાં ગોલ્ડ મેડલ (2008)

એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ

ISSF વર્લ્ડ કપ 2013, સાઉથ કોરિયામાં ગોલ્ડ મેડલ

ISSF વર્લ્ડ કપ 2019, જર્મનીમાં ગોલ્ડ મેડલ