લખાણ પર જાઓ

ઇન્દુકુમાર

વિકિપીડિયામાંથી
(સભ્ય:Sushant savla/ઇન્દુકુમાર થી અહીં વાળેલું)

ઇન્દુકુમાર એ એક ગુજરાતી નાટક છે. ગુજરાતી કવિ ન્હાનાલાલનું આ પ્રથમ નાટક છે.

સારાંશ

[ફેરફાર કરો]

આ નાટક કાન્તિકુમારી અને ઇન્દુકુમારની પ્રેમકથા વર્ણવે છે. તેમના ચિત્ત-સંઘર્ષો અને એમની જીવન-પરિણતિ નાટકમાં દર્શાવાયા છે. નાટકના ત્રણ અંકો: (૧) લગ્ન, (૨) રાસ અને (૩) સમર્પણ છે.[]

કથા નાયક ઇન્દુકુમાર કૌટુંબિક આપત્તિને કારણે પોતાનું વતન અમૃતપુર છોડી ગયો હતો અને એક વર્ષના અજ્ઞાતવાસ પછી તે અમૃતપુર પાછો આવે છે. ત્યાં તે કાન્તિકુમારીને મળે છે અને ત્યાર બાદ વિશ્વોદ્ધારની પ્રેરણાઓ અને સ્નેહની મનોભાવનાઓ વચ્ચે તીવ્ર સંઘર્ષ અનુભવે છે. નેપાળી જોગણ ઇન્દુકુમારને ઊંચા કર્તવ્યોની પ્રેરણામાં દૃઢ કરવા મથે છે ને અંતે અજ્ઞાતવાસ પૂરો થતાં તેને ઓંકારનાથના મંદિરના મહંતપદે સ્થાપે છે.[]

કાન્તિકુમારીને એનાં કુટુંબીજનો પરણાવી દેવા માગે છે, પણ કાન્તિકુમારી જેને આત્માથી વરેલી તે ઇન્દુકુમારને માટે ઝૂર્યાં કરે છે. તેની ભાભી પ્રમદા અમાસના ગ્રહણના દિવસે તેને વિલાસકુંજોમાં ઘસડી જવામાં અને દેહભ્રષ્ટ બનાવવામાં સફળ થાય છે. એના આઘાતમાંથી ઊગરીને કાન્તિકુમારી નેપાળી જોગણ સાથે જોગણ બની જગત્યાત્રાએ નીકળી પડે છે.[]

આ નાટકમાં સાચા દામ્પત્યસ્નેહ, ભોગનિષ્ઠ દેહસંબંધ અને ઉચ્ચ આશયોથી પ્રેરિત વૈધવ્યનાં વગેરે ચરિત્રો દર્શાવ્યા છે; સંસારનાં રૂઢિલગ્નોની સામે આત્માની ઓળખ પર નિર્ભર એવા સ્નેહલગ્નનો જ મહિમા એ આ નાટકનો હાર્દ છે.[]

મુખ્ય પાત્રો ઇન્દુકુમાર અને કાન્તિકુમારી સિવાય રાજ, યશ, પ્રમદા, જોગણ અને પાંખડી અન્ય મુખ્ય પાત્રો છે. નાટકમાં દુષ્ટ સામે સારા પાત્રોના મુકાબલાથી વિપરીત ન્હાનાલાલે દુષ અને દાનવના અંશો માનવ શરીરમાં જ રહેલા છે એમ દર્શાવ્યું છે.[]

અન્ય માહિતી

[ફેરફાર કરો]

આ નાટક ઈ. સ. ૧૮૯૮માં લખાવું શરૂ કરવામાં આવ્યું હતું. આ નાટક આગળ જતાં ત્રણ અંકોમાં પુસ્તકો રૂપે પ્રકાશિત (અનુક્રમે ૧૯૦૯, ૧૯૨૫, ૧૯૩૨) કરવામાં આવ્યું હતું આ કૃતિને ન્હાનાલાલે ભાવપ્રધાન (lyrical) શ્રાવ્યનાટક તરીકે ઓળખાવ્યું હતું. તેમાં ડોલનશૈલીનો ઉપયોગ થયો છે. આત્મલગ્નની ભાવનાને પુરસ્કારતા નાટક ‘જયા અને જયંત’ને લેખકે પોતે ‘ઇન્દુકુમાર’ના ચોથા અંક તરીકે કલ્પાયેલા નાટક તરીકે ઓળખાવેલ છે.[]

આ નાટક ભજવવામાં પણ આવ્યું હતું. લેખક ધનસુખલાલ મહેતા અનુસાર આ નાટક મુંબઈથી કરાચી સુધી ભજવાયું હતું.[]

બાહ્ય કડી

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "ઇન્દુકુમાર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2021-09-20.
  2. Trivedi Nanalal J. (1941). Navan Vivechano. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય.
  3. Dave, Ishvarlal Ratilal (1963). Kavi Nhānālānāṃ bhāvapradhāna nāṭako: eka adhyayana.