ધનસુખલાલ મહેતા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ધનસુખલાલ મહેતા
જન્મધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા
(1890-10-20)20 October 1890
વઢવાણ, ગુજરાત, ભારત
મૃત્યુAugust 29, 1974(1974-08-29) (ઉંમર 83)
વ્યવસાયનવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, હાસ્યકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થાવીરમાતા જિજાબાઇ ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યુટ
લેખન પ્રકારટૂંકી વાર્તા, નવલકથા
નોંધપાત્ર સર્જનોઅમે બધાં (૧૯૩૫)
નોંધપાત્ર પુરસ્કારો
સહી

ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા, ‘દીન’, ‘નર્મદાશંકર વ્યાસ’, ‘ભરથરી’ (૨૦-૧૦-૧૮૯૦, ૨૯-૮-૧૯૭૪) ગુજરાતી હાસ્યકાર, વાર્તાલેખક અને નાટ્યકાર હતા.

તેમનો જન્મ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)માં. વતન સુરત થયો અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ, પાલીતાણા અને સુરતમાં થયું. મુંબઈની વિકટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટમાંથી ઇલેકિટ્રકલ ઍન્જિનિયરિંગમાં એળ.ઈ.ઈ.નો ડિપ્લોમાં. ૧૯૧૪-૧૯૨૫ દરમિયાન મુંબઈમાં વિવિધ સ્થળે નોકરી. ૧૯૨૫ થી સિંધિયા સ્ટીમ નેવિંગેશન કંપનીમાં. ૧૯૪૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક.

સર્જન[ફેરફાર કરો]

ધૂમકેતુ પૂર્વે ગુજરાતી ટૂંકીવાર્તાનું ગજું કાઢવામાં જે સર્જકોએ ફાળો આપ્યો તેમાં અને રમણભાઈ નીલકંઠ પછીના ધ્યાનપાત્ર હાસ્યકારોમાં આ લેખકને સ્થાન આપી શકાય. ‘હું, સરલા અને મિત્રમંડળ’ (૧૯૨૦), ‘હાસ્યકથામંજરી’- ભા. ૧,૨ (૧૯૨૨, ૧૯૨૪), ‘હાસ્યવિહાર’ (૧૯૩૧), ‘ભૂતના ભડકા’ (૧૯૩૨), ‘વાર્તાવિહાર’ (૧૯૩૨), ‘સાસુજી’ (૧૯૩૪), ‘છેલ્લો ફાલ’ (૧૯૪૦), ‘વાર્તાવિહાર’ અને ‘હાસ્યવિહાર’ની કેટલીક વાર્તાઓ સંકલિત કરી પ્રગટ કરેલો સંગ્રહ ‘પહેલો ફાલ’ (૧૯૪૭), પોતાની પસંદ કરેલી પ્રતિનિધિવાર્તાઓનો સંગ્રહ ‘સન્ધ્યાટાણે’ (૧૯૫૦), ‘અમારો સંસાર’ (૧૯૫૧), ‘ભૂતના પગલાં’ (૧૯૫૧), ‘ડૉકટર જમાઈ’ (૧૯૫૧), ‘રામનાં રખવાળાં’ (૧૯૫૪), પૂર્વે ના વાર્તાસંગ્રહોમાંથી કેટલીક વાર્તાઓ સંચિત કરી થયેલો ‘શમતી સંધ્યા’ (૧૯૫૪), ‘ખોળો ભર્યો’ (૧૯૫૬), ‘ફૂરસદના ફટાકા’ (૧૯૫૭), પૂર્વેના વાર્તાસંગ્રંહોમાંથી કેટલીક હાસ્ય વાર્તાઓનું સંકલન ‘ઘડીભર ગમ્મત’ (૧૯૫૮), ‘અંતરનાં અમી’ (૧૯૬૧) અને ‘રાત્રિના ઓછાયા’ (૧૯૬૬)- આ પુસ્તકોમાં એમનાં મૌલિક, રૂપાંતરિત કે અનૂદિત વાર્તાઓ-નાટકો-નિબંધો સંગૃહીત છે. અલબત્ત, એમાં નાટક-નિબંધ કરતાં મૌલિક-રૂપાંતરિત વાર્તાઓનું પ્રમાણ વધુ છે. શહેરનાં મધ્યવર્ગીય મનુષ્યોનાં જીવનને વિષય બનાવી રચાયેલી મૌલિક વાર્તાઓમાં હળવી અને ગંભીર બંને શૈલીનો વિનિયોગ છે ને એમાં પ્રસંગકથન કરતાં માનવમનના વ્યાપારોને આલેખવા તરફ એમનું વિશેષ લક્ષ છે. હાસ્ય નિષ્પન્ન કરવા માટે નિબંધ કરતાં વાર્તાનો પ્રકાર એમને વિશેષ અનુકૂળ આવ્યો છે. સામાન્ય પ્રસંગ અને સામાન્ય વ્યક્તિતના કોઈ સ્વભાવવિશેષને આલંબન બનાવીને તેઓ હાસ્ય નિષ્પન્ન કરે છે. સર્વગમ્ય પરિસ્થિતિ અને ભાષા એમની હાસ્યપ્રધાન રચનાઓની મુખ્ય લાક્ષણિકતા છે. અમે બધાં (૧૯૩૫) એ જ્યોતિન્દ્ર દવે સાથે લખેલી સુરતના જનજીવનને ઉપસાવતી નોંધપાત્ર હાસ્યપ્રધાન નવલકથા છે.

અવિનાશ વ્યાસ સાથે રચેલું ‘અર્વાચીના’ (૧૯૪૬), ‘છેલ્લી ઘડીએ’ (૧૯૪૯), ‘લહેરી ડોસાજી’ (૧૯૫૨), બચુભાઈ શુકલ સાથે રચેલું ‘વાવાઝોડું’ (૧૯૫૬), ધીરુબહેન પટેલ સાથે રચેલું ‘પંખીનો માળો’ (૧૯૫૭), ‘ગરીબની ઝૂંપડી’ (૧૯૫૮)- આ એમનાં અનેકાંકી નાટકો છે. ‘ધૂમ્રસેર’ (ગુલાબદાસ બ્રોકર સાથે, ૧૯૪૮) સાત દ્રશ્યોમાં અને સમયના લાંબા પટ પર આગળ પાછળ વિસ્તરતું, ગુલાબદાસ બ્રોકરની વાર્તા પરથી રચાયેલું લાંબું નાટક છે. એ અને ‘વાવાઝોડું’ ગંભીર નાટકો છે; જ્યારે બાકીનાં પ્રહસનો છે. સંઘર્ષમૂલક નાટ્યસામગ્રી કે નાટ્યાર્થને ઉપસાવતા વસ્તુવિધાનની ઊણપને લીધે તથા નાટ્યાત્મકતાને બદલે તખ્તાલાયકી તરફ લેખકનો વિશેષ ઝોક હોવાને લીધે આ નાટકો બહુ પ્રભાવક ભલે નથી, અભિનયક્ષમ જરૂર છે.

‘પ્રેમનું પરિણામ’ (૧૯૫૧), ‘રંગોત્સવ’ (૧૯૫૭), ‘રંગમાધુરી’ (૧૯૫૮), ‘રંગરંજન’ (૧૯૫૯), ‘રસરંજન’ (૧૯૫૯), ‘પહેલું અને છેલ્લું’ (૧૯૬૦), ‘જમાઈ આવ્યા’ (૧૯૬૩), ‘રજનુ ગજ’ (૧૯૬૬), ‘પીછેહઠ’ (૧૯૬૮)- એ એમના એકાંકીસંગ્રહમાં રૂપાંતરિત રચનાઓની તુલનાએ મૌલિક રચનાઓ ઓછી છે. મોટા ભાગની રચનાઓ હળવી છે. ઓછા કાર્યતત્ત્વવાળી અને વિશેષ શબ્દચાતુરીવાળી આ રચનાઓ રંગભૂમિ પર ખૂબ ભજવાઈ છે.

‘બિચારો અને ભૂલના ભોગ’ (૧૯૨૧), ‘સરી જતું સૂરત’ (૧૯૪૨), ‘સ્નેહનાં ઝેર’ (૧૯૫૦), ‘મનુની માસી’ (૧૯૫૧), ‘દસ મિનિટ’ (૧૯૫૧), ‘આંધળો ન્યાય’ (૧૯૫૬), ‘ખંડેયેરમાં રહેનારા’ (૧૯૬૨) અને ‘બંગલો રાખ્યો’ (૧૯૬૩) એ એમના ગ્રંથસ્થ તથા ‘રંગીલો રાજજા’, ‘આવ્યાગયા’, ‘નસોગાસો’, ‘મામાજીનો મોરચો’ વગેરે અગ્રંથસ્થ એવાં રંગભૂમિ પર વખતોવખત ભજવાયેલાં અનૂદિત-રૂપાંતરિત નાટકો છે.

‘ડિટેક્ટીવ બહાદૂર શેરલોક હોમ્સ’ (૧૯૦૯), ‘ચંડાળચોકડી અને શેરલોક હોમ્સનું નવું પરાક્રમ’ (૧૯૧૩), ‘મેટરલિંકના નિબંધો’ (૧૯૨૦), ‘રણમેદાને રૂમઝુમલાલ’ (૧૯૨૦), ‘અમે ત્રણ’ (૧૯૬૦), ‘અમને ઓજાર આપો’ (૧૯૬૧), ‘અરેબિયન નાઈટ્સ’ (૧૯૬૩) એ એમના અનુવાદગ્રંથો છે.

‘વિનોદવિહાર’ (૧૯૩૧) એમના હળવાગંભીર નિબંધોનો ગ્રંથ છે. ‘મીઠી નજરે’ (૧૯૪૦)માં વિવેચનલેખો, રેખાચિત્રો અને કેટલાંક પ્રાસંગિક કાવ્યો છે. ‘આરામખુરશીએથી’ (૧૯૪૫), ‘સર્જનને આરે’ (૧૯૫૬), ‘ગુજરાતી બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ’ (૧૯૫૬), ‘નાટક ભજવતાં પહેલાં’ (૧૯૫૯), ‘નાટ્યવિવેક’ (૧૯૬૦), ‘બિચારો નાટ્યકાર’ (૧૯૬૨) એ વિવેચનગ્રંથોમાં નાટ્યવિવેચનનું પ્રમાણ વિશેષ છે.

‘સ્વ.સર લલ્લુભાઈ શામળદાસ’ (૧૯૫૪) એ જીવનચરિત્ર છે; તો ‘આથમતે અજવાળે’ (૧૯૪૪) અને ‘અતીતને ઉલેચું છું’ એ એમના આત્મકથાના ગ્રંથો છે. ‘ગુજરાતી નાટ્યશતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ’ (૧૯૫૨) અને ‘નરસિંહરાવની રોજનીશી’ (૧૯૫૩) એમના સહસંપાદનના ગ્રંથો છે.

અમે બધાં (૧૯૩૬)[ફેરફાર કરો]

જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા દ્વારા આત્મકથનાત્મક શૈલીએ લખાયેલી નવલકથા. અહીં કથાનાયક તેમ જ નિરૂપક વિપિનના જન્મ પૂર્વેની ક્ષણોથી માંડીને લગ્ન પછીની કેટલીક ક્ષણો સુધીનું કથા-કથન જોવા મળે છે. કથાની પશ્વાદભૂમાં આવતી તત્કાલીન ભૌગોલિક સાંસ્કૃતિક બાબતોની ચર્ચા રસપ્રદ છે. એમાં ભૂતકાળ-પ્રીતિની ઊંચી માત્રા જોવા મળે છે. બે સર્જકો દ્વારા થયેલું આ પ્રકારનું સહલેખન ગુજરાતી કથાસાહિત્યમાં કદાચ પ્રથમ છે. રમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’ હાસ્યનવલ પછી આપણા હાસ્યસાહિત્યમાં આ બીજી મહત્ત્વપૂર્ણ કૃતિ બને છે. સર્જકદ્વયની ઉચ્ચ કક્ષાની વ્યંગ્યવૃત્તિ, પરિષ્કૃત શૈલી, તત્કાલીન સમય અને સ્થળને અભિવ્યકત કરવા માટેનો સૂરતી બોલીનો સક્ષમ વિનિયોગ, કથાવસ્તુનું તાર્કિક અને રૈખિક નિરૂપણ, સ્થૂળ તેમ જ સૂક્ષ્મ બંને પ્રકારનાં પાત્રોનું વ્યવસ્થાબદ્ધ આલેખન વગેરેના કારણે કૃતિ આસ્વાદ્ય બની છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]