અમે બધાં

વિકિપીડિયામાંથી
અમે બધાં
લેખક
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારહાસ્ય નવલકથા, આત્મકથનાત્મક નવલકથા
પ્રકાશન સ્થળસુરત
પ્રકાશિત૧૯૩૬
માધ્યમ પ્રકારમુદ્રિત
OCLC20524493
દશાંશ વર્ગીકરણ
891.477

અમે બધાં ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે દ્વારા લખવામાં આવેલ ગુજરાતી હાસ્ય નવલકથા છે. ૧૯૩૬ના વર્ષમાં પ્રગટ થયેલ આ નવલકથા આત્મકથનાત્મક શૈલીમાં લખવામાં આવી છે. આ નવલકથાને ગુજરાતી સાહિત્યમાં, રમણભાઈ નીલકંઠની ભદ્રંભદ્ર પછીની, બીજા ક્રમની હાસ્ય નવલકથા માનવામાં આવે છે. તે ઉપરાંત, બે લેખકો દ્વારા સંયુક્ત રીતે લખાઈ હોય તેવી આ પ્રથમ ગુજરાતી નવલકથા છે.[૧]

કથાવસ્તુ[ફેરફાર કરો]

'અમે બધાં' નવલકથા સત્યાવીસ પ્રકરણોમા વહેંચાયેલી છે, જેમાંથી બાર પ્રકરણ ધનસુખલાલ મહેતાએ અને પંદર પ્રકરણ જ્યોતીન્દ્ર દવેએ લખ્યાં છે. બંને લેખકો પોતાનુ પ્રયોજન જણાવતાં નોંધે છે:[૨]

'અમારા વતન સુરતનાં અદ્રશ્ય થતાં જતાં જીવન અને વાતાવરણ પૂરેપૂરાં અદ્રશ્ય થઈ જાય તે પહેલાં તેમનું આછું ચિત્ર ઝીલી લેવું એવો વિચાર અમને બંનેને જુદો-જુદો આવેલો અને તે પ્રમાણે અમે જુદી-જુદી થોડી નોંધ પણ તૈયાર કરેલી...'

સમગ્ર નવલકથા પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાઈ છે. નવલકથામાં કોઈ સળંગ કથા કહેવામાં નથી આવી, પરંતુ સુરતના જીવન વિષયક પ્રસંગો કૃતિના કેન્દ્રમાં છે. સમાગ્ર કથા ત્રણ આયામોમાં વિકાસ પામે છે: સુરત શહેર, એમાં વસતા એક નાગર જ્ઞાતિનો સંયુક્ત પરિવાર ને એ પરિવારમાં જન્મથી માંડીને લગ્નવયે પહોંચતા કથાનાયક વિપિને અનુભવેલાં આનંદો, મૂંઝવણો, ચઢાવ-ઊતાર અને વિષાદો. આમ કથામાં વિપિનના જન્મથી તેના લગ્ન સુધીના પ્રસંગો આલેખવામાં આવ્યા છે.[૩]

પ્રથમ પ્રકરણ 'પૃથ્વી પર પનોતાં પગલાં'માં બિપિન પોતે જ પોતાનો જન્મ કેવી રીતે થયો તેની કથા કહે છે. એ પછી તે પોતાના જન્મ માટે જવાબદાર પૂર્વજોનાં હાસ્યરસિક પરાક્રમો વર્ણવે છે અને મોસાળમાં ગાળેલા દિવસોની હાસ્યરસિત નોંધ આપે છે. 'નામકરણ' પ્રકરણમાં નામ પાડતી વખતે જે ગમ્મતો થાય છે તે વર્ણવી છે. 'મૃત સંસ્થાનાં સ્મરણો'માં જૂના જમાનાના વડીલો, વસવાયાં, વાળંદ, દરજી વગેરેના રમૂજી અનુભવો છે. 'શૈશવ: ગં.સ્વ. ગુલાબડોશી'માં શૈશવનાં સ્મરણો સાથે દાદા, દાદીમા ને ગુલાબડોશીના રેખાચિત્રો આપ્યાં છે. 'પતંગ પૂરમાં' નામના પ્રકરણમાં સુરતના પ્રખ્યાત પતંગપર્વની ઉજવણીનો રસિક વૃત્તાંત આલેખવામાં આવ્યો છે. 'હોળી: દાદાનું અવસાન' પ્રકરણમાં તે કાળે હોળીપ્રસંગે થતી જૂથ-મારામારીના પ્રસંગને અંતે દાદાનું એ મારને કારણે થયેલું મૃત્યુ દર્શાવાયું છે જે કરૂણપ્રસંગ છે. 'વિદ્યાના વમળમાં' શાળા અને શિક્ષકોનાં રમૂજી ચિત્રો છે. 'બહેનના વિવાહ'માં એ સમયના રીતિરિવાજની ઝાંખી છે.[૪]

પાત્રો[ફેરફાર કરો]

કથાના મોટાભાગના પાત્રો કથાનાયક વિપિનના સ્વજનો છે જેમાં માતા મંગળા, પિતા ધનસુખરામ, નાની વેણીગવરી, ચીમુ તથા છબુમાશી, નાના સેવકલાલ, દાદા દલસુખરામ, દાદી શોભા, કાકા નારણરામજી, ચંદન ફોઈ તેમજ પડોશી ગુલાબ ડોશી વગેરેનો સમાવેશ થાય છે.[૨]

આવકાર[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્યની આ એક સીમાસ્તંભરૂપ હાસ્ય-નવલકથા છે.[૪]

વિવેચક દર્શના ધોળકિયા આ કૃતિને 'ભદ્રંભદ્ર' સાથે સરખાવતા નોધે છે કે, "'ભદ્રંભદ્ર' હેતુલક્ષી નવલકથા હોવાથી તેણે સાહિત્યજગતમાં ઠીકઠીક ઊહાપોહ જગવેલો" અને તેઓ કનૈયાલાલ મુનશીનું કથન ટાંકે, "આ કૃતિ ['અમે બધાં']નો વિનોદરસ જુદા પ્રકારનો છે. તેનો આધાર વસ્તુસ્થિતિ પર નથી. તેના કર્તાઓએ જીવનના સર્વસામાન્ય પ્રસંગોમાંથી હાસ્ય નિપજાવ્યું છે. ઝીણવટભરી નિરિક્ષણકલાથી ને કિનારે ઊભીને નીરખનારનાં અદભુત તાટસ્થ્યથી, એટલે જ અહીં સૌની લાક્ષણિકતાઓ એકસરખાં સમત્વથી ઝિલાઈ છે."[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. મકવાણા, ચંદ્રેશ (૨૦૧૭). ગ્રંથોત્સવ. ગાંધીનગર: માહિતી નિયામક, ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૮.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ધોળકિયા, દર્શના (જાન્યુઆરી ૨૦૨૧). પારેખ, મધુસૂદન; શાહ, રમેશ, સંપા. "પ્રશિષ્ટ હાસ્યનવલ : 'અમે બધાં'". બુદ્ધિપ્રકાશ. Vol. ૧૬૭ no. ૧. અમદાવાદ: ગુજરાત વિદ્યા સભા. pp. ૪૩–૪૬.
  3. વાળા, હરિ (૨૦૧૧). "પ્રકરણ ૨". ગુજરાતી હાસ્યનવલકથાઓ: એક સમિક્ષાત્મક અધ્યયન (Ph.D). વલ્લભ વિદ્યાનગર: ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી. પૃષ્ઠ ૬૮.
  4. ૪.૦ ૪.૧ પટેલ, બહેચરભાઈ (૨૦૧૮). ગુજરાતીના ગૌરવગ્રંથો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૭૧–૧૭૩. ISBN 978-81-7468-210-9.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]