લખાણ પર જાઓ

સભ્ય:Sushant savla/કનૈયાલાલ દવે

વિકિપીડિયામાંથી

દવે, કનૈયાલાલ ભાઈશંકર (જ. 25 જાન્યુઆરી 1907, રણુંજ, તા. પાટણ; અ. 15 જુલાઈ 1969) : ગુજરાતના પ્રસિદ્ધ પુરાતત્વવિદ. વતન પાટણ. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સંસ્કૃત પરીક્ષાઓ આપીને વડોદરાની ‘સ્માર્ત યાજ્ઞિક’ પદવી પ્રાપ્ત કરી હતી. જગદગુરુ શ્રી શંકરાચાર્ય (દ્વારકા) તરફથી ‘કર્મકાંડવિશારદ’ની પદવી પણ તેમને મળેલી. પુરાતત્વ અને ઇતિહાસના સમર્થ અભ્યાસી તરીકે તેઓ ગુજરાતમાં જાણીતા હતા. સામયિકોમાં આ વિષયના અનેક લેખો તેમણે લખ્યા. ‘સરસ્વતીપુરાણ’ને આધારે એમણે આલેખેલો સિદ્ધરાજના સહસ્રલિંગ સરોવરનો ઇતિહાસ 1935માં પ્રગટ થયો ત્યારથી તેઓ ગુજરાતના પ્રાચીન સાહિત્ય, સ્થાપત્ય, શિલ્પ ઇત્યાદિ વિવિધ પુરાવશેષોના પરિચય તથા સંશોધન વિશે અનેક ગણનાપાત્ર લેખોનું પ્રદાન કરતા રહ્યા. 1937માં ‘વડનગર’, ‘રુદ્ર-મહાલય’, ‘સરસ્વતી-તીર’ વગેરે વિશે પણ પુસ્તક લખીને સારસ્વત મંડળના પુરાતત્વને પ્રકાશમાં લાવવાનું ઉપયોગી કાર્ય કર્યું. તેમણે ‘સરસ્વતીપુરાણ’નું સંપાદન, અનુવાદ સહિત કર્યું હતું. વડોદરાની ‘શ્રી સયાજી સાહિત્યમાળા’માં એમનું ‘અંબિકા, કોટેશ્વર અને કુંભારિયાં’ (1963) નામે પુસ્તક પ્રગટ થયું છે. ‘શ્રી ગોવર્ધનધારી મંદિર – ઐતિહાસિક વિશ્લેષણ અને પરિચય’ એ વિવેચનાત્મક પુસ્તક પણ નોંધપાત્ર છે. 1963માં ‘ગુજરાતનું મૂર્તિવિધાન’ નામનો તેમનો મહત્વનો ગ્રંથ પ્રકાશિત થયો. ગુજરાતના મૂર્તિવિધાન વિશે શિલ્પગ્રંથો અને મૂર્તિશિલ્પો પરથી વિપુલ માહિતી આપતું આ પુસ્તક આ વિષયમાં ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડે છે. એ ક્ષેત્રમાં તેમનું વિશિષ્ટ પ્રદાન છે.