સામાજિક ક્રિયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સામાજિક ક્રિયા (અંગ્રેજી: Social action) એટલે સમાજના સંદર્ભમાં વ્યક્તિ દ્વારા થતી ક્રિયા. સામાજિક ક્રિયા એ એવી ક્રિયા છે જેને કોઈ ચોક્કસ અર્થ હોય છે અને અન્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સામાજિક ક્રિયા માટે એક વ્યક્તિથી વધારે વ્યક્તિઓનું ભૌતિક સ્વરૂપમાં ઉપસ્થિત રહેવું આવશ્યક નથી, પરંતુ તે માટે અન્ય વ્યક્તિઓના સંદર્ભમાં કોઈ વ્યવહાર હોવો આવશ્યક છે. વ્યક્તિ દ્વારા થતી સામાજિક ક્રિયાઓ સમાજની અસરો કે તેનાં ધોરણો અને મૂલ્યોથી પ્રભાવિત થયેલી હોય છે. ઉદાહરણ તરીકે, કોઈ વિધવા પોતાના મૃત પતિને યાદ કરીને રડતી હોય, કોઈ વિદ્યાર્થી પરીક્ષાને ધ્યાનમાં રાખીને વાંચતો હોય તો તે અનુક્રમે ભૂતકાળ અને ભવિષ્યકાળને ધ્યાનમાં રાખીને થતી સામાજિક ક્રિયાઓ છે.[૧][૨]

પ્રકારો[ફેરફાર કરો]

સમાજશાસ્ત્રી મેક્સ વેબરે સામાજિક ક્રિયાના ચાર મુખ્ય પ્રકારો દર્શાવ્યા છે:[૨]

  • ભાવાત્મક સામાજિક ક્રિયા — વ્યક્તિના મગજ અથવા મનોદશા દ્વારા તરત પ્રભાવિત થતી ક્રિયા ભાવાત્મક અથવા સંવેદનાત્મક સામાજિક ક્રિયા કહેવામાં આવે છે. માતા દ્વારા પોતાના બાળકના અનિચ્છનીય વર્તન બદલ ગુસ્સે થવું અથવા લપડાક મારવાની ક્રિયા ભાવાત્મક સામાજિક ક્રિયાનું ઉદાહરણ છે.
  • મૂલ્યાંકનાત્મક સામાજિક ક્રિયા — સમાજનાં મૂલ્યો તથા સાંસ્કૃતિક આદર્શો અને માન્યતાઓથી પ્રભાવિત ક્રિયા મૂલ્યાંકનાત્મક સામાજિક ક્રિયા કહેવામાં આવે છે. હિન્દુ વિધવા સ્ત્રી દ્વારા પોતાના પતિની ચિતા પર સતી થઈ જવાની ક્રિયા મૂલ્યાંકનાત્મક સામાજિક ક્રિયાનું ઉદાહરણ છે.
  • બુદ્ધિસંગત સામાજિક ક્રિયા — પૂર્વ નિશ્ચિત કોઈ બાહ્ય લક્ષ્ય તથા તેને સંબંધિત પ્રાપ્ત સાધનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી ક્રિયાને બુદ્ધિસંગત સામાજિક ક્રિયા કહેવામાં આવે છે. આ પ્રકારની ક્રિયામાં કર્તા કોઈ લક્ષ્ય પ્રાપ્તિ માટે બધાં જ પાસાંનો તુલનાત્મક વિચાર કરે છે અને ઉપલબ્ધ સાધનોની ઉપયોગિતાનું મૂલ્યાંકન પણ કરે છે.
  • પરંપરાગત સામાજિક ક્રિયા — પ્રથાઓ, રૂઢિઓ, વિશ્વાસ દ્વારા પ્રભાવિત ક્રિયાઓને પરંપરાગત સામાજિક ક્રિયા કહેવામાં આવે છે. આ પ્રકારની ક્રિયાઓ સામાન્ય રીતે એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે લાંબા સમયથી કરવામાં આવતી હોય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. વાઘેલા, અનિલ એસ. (૨૦૧૫). સમાજશાસ્ત્રનો પરિચય (તૃતિય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૨૮–૩૧. ISBN 978-93-81265-50-5. Check date values in: |year= (મદદ)
  2. ૨.૦ ૨.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧૮૧–૧૮૨. ISBN 978-93-85344-46-6. Check date values in: |year= (મદદ)