લખાણ પર જાઓ

સાલીમ અલી

વિકિપીડિયામાંથી
સાલીમ અલી
બર્ડમેન ઓફ ઇન્ડિયા, સાલીમ અલી
જન્મની વિગત૧૨ નવેમ્બર ૧૮૯૬
બોમ્બે, બ્રિટીશ ભારત
મૃત્યુની વિગત૨૦ જૂન ૧૯૮૭ (૯૦ વર્ષ)
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
મૃત્યુનું કારણપ્રોસ્ટેટ કેન્સર
રાષ્ટ્રીયતાભારતીય
હુલામણું નામબર્ડમેન ઓફ ઇન્ડિયા
ક્ષેત્રઓર્નિથોલોજી, નેચરલ હિસ્ટરી
વ્યવસાયપક્ષી અભ્યાસ
જીવનસાથીતેહમીના
માતા-પિતાઝિનત- ઉન- નિસા, મોઈઝુદ્દીન
પુરસ્કારોપદ્મભૂષણ ૧૯૫૮, પદ્મવિભૂષણ ૧૯૭૬

સાલીમ અલી (૧૨ નવેમ્બર ૧૮૯૬ – ૨૦ જૂન ૧૯૮૭) [૧] એ ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા. તેઓ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. સમગ્ર ભારતના પક્ષીઓની મોજણી કરનારા સાલીમ અલી પહેલા ભારતીય હતા. તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે. ભરતપુર પક્ષી અભયારણ્ય એ સાલીમ અલીની દેન છે. હાલ સાઇલેન્ટ વેલી નેશનલ પાર્ક તરીકે જાણીતા ઉદ્યાનનું નિકંદન અટકાવવામાં સાલીમ અલીનો સિંહ ફાળો છે. સીડની ડીલ્લોન રીપ્લે ની સાથે મળીને તેમણે હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ના દસ દળદાર ભાગ તૈયાર કર્યા. જેની બીજી આવૃતિ તેમના મૃત્યુ બાદ પ્રકાશિત કરવામાં આવી. ૧૯૫૮માં પદ્મભૂષણ અને ૧૯૭૬માં પદ્મવિભૂષણ એમ ભારતના અનુક્રમે ત્રીજા અને બીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન તેમણે મેળવ્યાં.[૨] પક્ષીઓની કેટલીક જાતિઓ, કેટલાંક પક્ષી અભયારણ્યો અને સંસ્થાઓને તેમનું નામ અપાયું છે.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

સાલીમ અલી એ મૂળ ખંભાતના સૂલેમાની વ્હોરા હતા. તેમનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. ૧૮૫૭થી તેમનો પરિવાર મુંબઇ ખાતે સ્થાયી થયો હતો.[૧] તેઓ તેમના પિતા મોઈઝુદ્દીનના નવમા અને સૌથી નાના સંતાન હતા. જન્મના પહેલાં વર્ષે જ એમણે પિતાનું છત્ર ગુમાવી દીધું અને ત્રીજા વર્ષે તેમના માતા ઝિનત– ઉન– નિસા પણ ખુદાને પ્યારા થઈ ગયાં. માતાપિતાના નિધન બાદ તેઓ તેમના નિઃસંતાન મામા અમીરુદ્દીન તૈયબજી અને મામી હમીદાની સાથે ખેતવાડી, મુંબઈ ખાતે રહેવા લાગ્યાં.[૩] તેમના અન્ય એક સંબંધી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજી હતાં. અલીને શરુઆતમાં શિકાર વિષયક પુસ્તકોમાં બહુ જ રસ હતો. તેમના પાલક અમીરુદ્દીનએ તેમના આ રસને પીઠબળ આપ્યું. અલી આસપાસના બાળકો સાથે પક્ષીઓના શિકારની રમત રમતાં. તેમના બાળપણના એ વખતના ભેરુઓમાં દૂરના પિતરાઇ ઇસ્કન્દર મિર્ઝા પણા હતા જે વર્ષો પછી પાકિસ્તાનના પહેલાં રાષ્ટ્રપતિ બનેલાં.[૪] એક વાર એરગનથી રમતાં રમતાં એક પક્ષી ને ઢાળી દીધું. મૃત પક્ષીને જોઇ તેમને બાળસહજ જિજ્ઞાસા થઇ. મૃત રંગીન ચકલીને જોઇને તેમના મામા અમીરુદ્દીન કે જેઓ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના સભ્ય હતા એમની જિજ્ઞાસા સંતોષવા અલીને ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ના મંત્રી મિ. મિલાર્ડ પાસે લઇ ગયા. ત્યાં તેમણે પંખીઓના વિધ વિધ નમૂના અને પુસ્તકો જોયાં. મિલાર્ડે તેમણે કેટલાંક પક્ષી વિષયક પુસ્તકો પણ ભેટ આપ્યાં જેમાં ઇહા દ્વારા લિખિત બોમ્બેના સામાન્ય પક્ષીઓનો (કોમન બર્ડ્સ ઓફ બોમ્બે) પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત મિલાર્ડે તેમને પક્ષીઓનો સંગ્રહ બનાવવા માટે પ્રેર્યાં. સાથોસાથ મૃત પક્ષીઓને કેમ જાળવવાં, તેમની છાલ કેમ ઉતારવી તે વિષેની પ્રાથમિક સમજ આપી. આમ, એક બાળસહજ જિજ્ઞાસા એક બાળમનને પક્ષી વિશારદ બનાવી ગઇ.[૧]આ બાબતનો ઉલ્લેખ તેમણે તેમની આત્મકથા ધ ફોલ ઓફ સ્પેરોમાં કર્યો છે.[૫][૬]

ફક્ત ૧૦ વર્ષની ઉંમરથી જ તેમણે એક ડાયરી નિભાવી હતી જેમાં તેમણે પોતાના પક્ષી અવલોકનો વિશે લખ્યું હતું. એરગનથી પક્ષીના શિકારની ઘટના સંદર્ભે તેઓ નોંધે છે કે કેવી રીતે મૃત નર પક્ષીના સ્થાન પર અન્ય નર પક્ષી ગોઠવાઇ ગયું હતું.[૭] સાલીમ અલીનું પ્રાથમિક શિક્ષણ ગીરગામ ખાતે ઝેનાના બાઇબલ એન્ડ મેડિકલ મિશન ગર્લ્સ હાઇસ્કૂલમાં તેમની બે પિતરાઇ બહેનો સાથે થયું. અને ત્યારબાદનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુબંઈથી લીધું. ૧૩ વર્ષની ઉંમરે તેમને લાંબા સમયના માથાના દુ:ખાવાની ફરિયાદ રહી જેની અસર તેમના શરુઆતના શિક્ષણ પર પડી. તેમની તબિયતના કારણે તેમને સિંધનું સૂકું વાતાવરણ મદદરુપ થશે એમ સમજાવી તેમના કાકા જોડે સિંધ મોકલાયા. આમ, શિક્ષણમાં સતત વિક્ષેપ છતાં તેઓ ૧૯૧૩માં બોમ્બે યુનિવર્સિટીમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યાં.[૮]

બર્મા અને જર્મની

[ફેરફાર કરો]

સાલીમ અલીનું શરુઆતનું શિક્ષણ તૂટક અને વિક્ષેપવાળું રહ્યું. જેથી તેમણે અભ્યાસ અધૂરો છોડીને તેમની કૌટુબિંક ખાણોની સંભાળ રાખવા તવોય, બર્મા ખાતે મોકલી દેવાયાં. આ ખાણોમાંથી મળી આવતુ ટંગસ્ટન ખાસ કરીને યુદ્ધના સાધનો કે શસ્ત્રોને પરત ચડાવવામાં ઉપયોગી હતું. ખાણોની આસપાસના જંગલોના પ્રાકૃતિક સૌદર્યએ અલીને તેમના પર્યાવરણપ્રેમ અને શિકારના શોખને ઉત્તેજન આપ્યું. ૧૯૧૭માં ભારતમાં પાછા ફર્યા. ત્યારબાદ તેમણે દાવર્સ કોલેજ ઓફ કોમર્સમાં વ્યવસાયલક્ષી કાયદા અને નામાના વિષયો લઈને ફરીવાર અભ્યાસ શરુ કર્યો. પરંતુ તેમના રસને પિછાણીને ફાધર એથેલબર્ટ બ્લેટરે તેમને પ્રાણીશાસ્ત્ર વિષયમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલો અપાવી દીધો. સવારના સત્રમાં દાવર્સ કોલેજના લેક્ચર્સ પૂરા કરી પછીના સમયમાં પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરતાં[૯]આ સમયગાળામાં , ડિસેમ્બર ૧૯૧૮માં તેમના લગ્ન તહેમીના સાથે થયાં.[૧૦][૧૧] ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં ઓર્નિથોલોજીસ્ટ (પક્ષી વિશેષજ્ઞ) ની જગ્યા એ ફક્ત એટલે ન મેળવી શક્યા કારણકે એમની પાસે વિદ્યાપીઠની પદવી ન હતી. પછીથી તે પદ એમ. એલ. રૂનવાલ એ સંભાળ્યું હતું. ૧૯૨૬માં મુંબઈ ખાતેના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં નૈસર્ગિક ઇતિહાસ નો નવો વિભાગ શરુ કરવામાં આવ્યો જ્યાં તેમની માસિક ૩૫૦ રુપિયાના પગારમાં માર્ગદર્શક અધ્યાપક તરીકે નિમણૂંક થઇ.[૧૨] જોકે બે વર્ષના ટૂંકા ગાળામાં જ તેમને આ પદ છોડી દીધું અને ૧૯૨૮માં વધુ અભ્યાસ માટે જર્મની ચાલ્યા ગયાં. જર્મનીમાં તેમણે પ્રો. ઇરવીન સ્ટ્રેસમેન ના માર્ગદર્શન હેઠળ બર્લિન્સ નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ (બી. એન. એચ. એસ.) ખાતે કામ શરુ કર્યું. કામગીરીના ભાગરૂપે તેમને જે. કે. સ્ટેનફોર્ડ દ્વારા બર્માથી એકત્ર કરાયેલી વિવિધ સ્પેસીસ (પ્રજાતિઓ)નો અભ્યાસ કરવાનો હતો. બર્લિનમાં તેમને તે સમયના મુખ્ય પક્ષી વિશેષજ્ઞો બર્નહાર્ડ રેન્ચ, ઓસ્કાર હેઈનરોથ અને અર્ન્સ્ટ માયર સાથે કામ કરવાની તક મળી. અલી અહિયાઅંથી જ બર્ડ રીંગીંગ વિશે જાણકાર બન્યાં.[૧૩]

પક્ષી અભ્યાસ

[ફેરફાર કરો]

૧૯૩૦માં સ્વદેશ પરત ફર્યા બાદ તેમણે જોયું કે ભંડોળના અભાવે માર્ગદર્શક અધ્યાપકનું પદ હટાવી દેવામાં આવ્યું છે. વ્યવસ્થિત નોકરીના અભાવે સાલીમ અલી અને તેમના પત્ની તેહમીના મુંબઇના કાંઠા વિસ્તાર કિહિમ ખાતે રહેવા લાગ્યાં. અહિયાં તેમને આસપાસના વિસ્તારોનાં પક્ષીઓના અભ્યાસનો પુરો અવકાશ હતો. તેમણે સુગરીના પ્રજનન અને ક્રમશ: બહુપત્નીત્વ સમાગમ સંબંધિત શોધ અવલોકન નોંધ્યું.[૧૪] આ સમયગાળામાં હૈદરાબાદ, કોચીન, ત્રાવણકોર, ગ્વાલિયર, ઇન્દોર, ભોપાલ જેવા રજવાડાઓએ પક્ષીઓની મોજાણીનું કામ સાલીમ અલીને સોંપ્યું. આ મોજણી તેમના માટે ભવિષ્યના નવા દ્વાર ખોલનારી નીવડી. જે સંસ્થાએ તેમના બાળમાનસમાં પક્ષી વિષયક જિજ્ઞાસા પોષી હતી તે જ સંસ્થાએ હૈદરાબાદની કામગીરી ના પુરસ્કાર સ્વરુપે સમગ્ર ભારતના બધા જ પ્રદેશોની મોજણીની કામગીરી સાલીમ અલી ને સોંપી.[૧]

સન્માન

[ફેરફાર કરો]
ભરતપુર પક્ષી અભયારણ્યમાં સારસ અને સાલીમ અલી (૧૯૯૬)

સાલીમ અલીએ તેમના પક્ષી અને પ્રકૃતિના અભ્યાસના સંદર્ભે અનેક એવૉર્ડ અને માનદ પદવીઓ પ્રાપ્ત કરી છે. ઘણી બધી સંસ્થાઓને તેમનું નામ આપવામાં આવ્યું છે.

 • ૧૯૫૩ માં એશિયાટીક સોસાયટી ઓફ બંગાળ દ્વારા જોય ગોવિંદા લૉ ગોલ્ડ મેડલ એનાયત થયો.
 • ૧૯૭૦ માં ઇન્ડિયન નેશનલ સાયન્સ અકાદમી દ્વારા સુંદર લાલ હોરા પુરસ્કાર એનાયત થયો.
 • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (૧૯૫૮), દિલ્હી યુનિવર્સિટી (૧૯૭૩) અને આંધ્ર યુનિવર્સિટી (૧૯૭૮) દ્વારા માનદ ડોક્ટરેટની પદવીઓ એનાયત કરવામાં આવેલ છે.
 • ૧૯૬૭ માં બ્રિટીશ ઓર્નીથોલોજીસ્ટ્સ યુનિયન નો ગોલ્ડ મેડલ મેળવનારા પ્રથમ બિન બ્રિટીશ નાગરિક બન્યાં.
 • ૧૯૬૭ માં જ પૌલ ગેટ્ટી વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન પ્રાઇઝ મેળવ્યું.
 • ભારત સરકાર તરફથી ૧૯૫૮માં પદ્મભૂષણ તથા ૧૯૭૬માં પદ્મવિભૂષણ થી સન્માનિત કરાયાં [૧][૨]
 • ૧૯૮૫ માં રાજ્યસભાના સભ્ય બન્યા.
 • ૧૯૯૦ માં ભારત સરકાર દ્વારા કોઈમ્બતૂર ખાતે સાલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટરી (SACON) ની સ્થાપના કરવામાં આવી.
 • પૉન્ડીચરી યુનિવર્સિટી દ્વારા સાલીમ અલી સ્કૂલ ઓફ ઈકોલોજી એન્ડ એનવાયરમેન્ટલ સાયન્સીસની સ્થાપના કરાઈ.
 • ગોવા સરકારે સાલીમ અલી બર્ડ સેંચ્યૂરી ની સ્થાપના કરી
 • કેરાલા સરકારે વેમ્બનાદ પાસે થટ્ટકલ પક્ષી અભયારણ્યને સાલીમ અલીનું નામ આપ્યું.
 • બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના મુંબઈ ખાતેના મુખ્ય મથકને ડૉ. સાલીમ અલી ચૉક નામ અપાયું.
 • ૧૯૭૨ માં, કીટ્ટી થોન્ગ્લોગ્યા એ વણઓળખાયેલી પક્ષીની જાતી સાથે સાલીમ અલીનું નામ જોડ્યું. ચામાચિડિયાની જવલ્લે જ જોવા મળતી જાતિ લેટીન્ડન્સ ત્યારથી લેટીન્ડન્સ સાલીમ અલી તરીકે ઓળખાય છે. આ જ રીતે લાવરી અને સુગરીની એક એક પ્રજાતિ સાથે પણ સાલીમ અલીનું નામ જોડાયું છે. લક્કડખોદની એક પ્રજાતિને તેમની પત્ની તેહમીનાનું નામ અપાયું છે.
 • ૧૨ નવેમ્બર ૧૯૯૬ ના રોજ ભારતીય ડાક વિભાગ દ્વારા સાલીમ અલીની જન્મ શતાબ્દી પ્રસંગે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી. બે ટિકિટના આ સેટમાં એક ટિકિટ પર ભરતપુર પક્ષી અભયારણ્યમાં સારસ અને બીજી ટિકિટ પર સાલીમ અલી જોવા મળે છે. [૧૫]

સાલીમ અલીએ વિવિધ સામયિકોમાં ખાસ કરીને જરનલ ઓફ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીમાં નોંધપાત્ર સંખ્યામાં લેખ લખ્યા. ૧૯૩૦ માં લખેલો એક ખૂબ જ લોકપ્રિય લેખ સ્ટોપીંગ બાય ધ વુડ્સ ઓન સન્ડે મોર્નિંગ ૧૯૮૪માં તેમના જન્મદિવસે ઇન્ડિયન એક્સપ્રેસમાં પુન:પ્રકાશિત કરવામાં આવ્યો હતો. [૧૬] ૧૯૪૧માં તેમના લેખનના ઉત્તમ શૃંગ એવું ધ બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ પ્રકાશિત થયું હતું. જોકે ડિલોન રીપ્લેના સહયોગમાં તેમણે ૧૯૬૪ થી ૧૯૭૪ના ગાળામાં લખેલા હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાનના દસ દળદાર ભાગોને તેમના લેખનની આધારશિલા તરીકે જોવામાં આવે છે. [૧૭] ત્રાવણકોર અને કોચીનના પક્ષીઓ(પુનર્મુદ્રણ કેરળના પક્ષીઓ), સિક્કીમના પક્ષીઓ, કચ્છના પક્ષીઓ (પુનર્મુદ્રણ ગુજરાતના પક્ષીઓ), ભારતના શિખર પક્ષીઓ અને પૂર્વીય હિમાલયના પક્ષીઓ, કેટલીક ઓછી કિંમતની પુસ્તિકાઓ સામાન્ય પક્ષીઓ ના શિર્ષક હેઠળ બુક ત્રસત ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પડાઇ હતી. ૧૯૮૫માં તેમની આત્મકથા ‘ધ ફોલ ઓફ સ્પેરો’ (ચકલીનું પતન) લખી જેમાં તેમણે બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના સ્વપ્નિલ ભવિષ્ય અને પક્ષી સંરક્ષણના મહત્વ વિષે વિશદતાથી લખ્યું છે. [૧૮]૨૦૦૭માં તેમના વિદ્યાર્થી તારા ગાંધી દ્વારા તેમના ટૂંકા પત્રો અને અન્ય લખાણોનું સંપાદન પ્રકાશિત કરાયું. [૧૯]

૯૦ વર્ષની ઉંમરે ૨૦મી જૂન ૧૯૮૭ ના રોજ પ્રોસ્ટેટ કેન્સરના કારણે તેમનું મુંબઈ ખાતે અવસાન થયું.

સંદર્ભ

[ફેરફાર કરો]
 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ વ્યાસ, રજની (2012). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ 397.
 2. ૨.૦ ૨.૧ "પદ્મ એવોર્ડ્સ" (PDF). ગૃહ મંત્રાલય, ભારત સરકાર. 2015. મૂળ (PDF) માંથી 2014-11-15 પર સંગ્રહિત. મેળવેલ 21 જુલાઇ 2015.
 3. અલી (1985):1
 4. અલી (1985):18
 5. Ali, Salim (1988). The Fall of a Sparrow. Oxford University Press. ISBN 978-0-19-562127-3.
 6. અલી(1985):10
 7. અલી, સાલીમ (૧૯૬૨). "સાલીમ અલીની નોંધમાંથી તારવેલું". ન્યુઝલેટર ફોર બર્ડવૉચર. 2 (6): 4–5.
 8. અલી (1985):15
 9. યાહ્યા, એચ. એસ. એ. (1996). "સાલીમ અલી સાથેની મુલાકાત અનુલેખ". ન્યુઝલેટર ફોર બર્ડવૉચર. 36 (6): 100–102.
 10. અલી (1985):37
 11. નંદી, પ્રિતિશ (1985). ઇન સર્ચ ઓફ માઉન્ટેન ક્વીલ. ધ ઇલ્યૂસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયા. પૃષ્ઠ 8-17.
 12. અલી (1985):55
 13. અલી (1985):59-61
 14. અલી, સાલીમ (1931). "સુગરીની માળા બનાવવાની ટેવ". બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી. 34 (4): 947–967.
 15. જૈન, માણિક (2008). "ફિલા ઇન્ડિયા ગાઈડ બુક". ફિલાટેલીઆ: 141. Cite journal requires |journal= (મદદ)
 16. અલી, સાલીમ (1930). "સ્ટોપીંગ બાય ધ વુડ્સ ઓન સન્ડે મોર્નિંગ". ન્યુઝલેટર ફોર બર્ડવૉચર. 37 (6): 104–106.
 17. અલી સાલીમ અને રીપ્લે એસ. ડી (1999). "હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન" (1st આવૃત્તિ). ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ: 10. Cite journal requires |journal= (મદદ)
 18. અલી, સાલીમ (1987). "ધ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી, ભૂત, વર્તમાન અને ભવિષ્ય". ઇન્ટર ડિસીપ્લીનરી સાયન્સ રીવ્યુઝ. 12 (3): 206–210. doi:10.1179/030801887789798962.
 19. ગાંધી, તારા, સંપાદક (૨૦૦૭). અ બર્ડ્સ આઇ વ્યું: સાલીમ અલીના ચૂંટેલા ટૂંકા પત્રો અને અન્ય લખાણો. પરમેનન્ટ બ્લેક. ISBN 978-81-7824-170-8.
આત્મકથા
 • અલી, સાલીમ (૧૯૮૫) ધ ફોલ ઓફ ધ સ્પેરો. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ. ISBN 0-19-562127-1

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]