સુવર્ણ મંદિર, મલાઈકોરી

વિકિપીડિયામાંથી

દક્ષિણ ભારતમાં આમ તો એક-એકથી ભવ્યાતિભવ્ય મંદિરો બનાવેલાં છે, પરંતુ તાજેતરના સમયમાં બનેલું અને અત્યારે ચારેબાજુ ચર્ચાઓ જે મંદિરની થાય છે તે સુવર્ણ મંદિર દક્ષિણ ભારતના તામિલનાડુ રાજયમાં આવેલા વેલ્લોરથી ૩ કિ.મી.ના અંતરે આવેલા મલાઈકોરી ગામે બનાવવામાં આવેલું છે.

દક્ષિણ ભારતનાં જોવાલાયક સ્થળોમાં તિરુપતિ બાલાજી કરતાં પણ વધારે લોકો દર્શને આવે છે. આ સુવર્ણ મંદિર ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું છે. આ સુવર્ણ મંદિરમાં ૧૫૦૦ કિલો સોનું વપરાયેલું છે. આ સુવર્ણ મંદિર ૬૦૦ એકર જમીનમાં પથરાયેલું છે. તેના સ્થાપક શ્રી શકિત અમ્મા (નારાયણી) છે.

વિશેષતાઓ[ફેરફાર કરો]

સુવર્ણ મંદિરમાં દર્શન કરવાની વ્યવસ્થા માટે બે વિરામ કક્ષ (વેઈટિંગ હોલ) બનાવવામાં આવ્યા છે. જેમાં બેસવાની તથા ટી.વી. દ્વારા દર્શન કરી શકાય તેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. આ કક્ષમાંથી નીકળ્યા બાદ સુંદર મનોરમ્ય બગીચા, પહાડ ઉપરથી ઝરમર પડતાં ઝરણાંઓ વગેરે દર્શન કરવા માટેની પરિસર બનાવવામાં આવેલી છે. આ પરિસરનું આયોજન દાદ માગી લે તેવું છે.

આ પરિસર તારા આકારના અષ્ટકોણનું બનાવેલું છે,અને આ પરિસરની લંબાઈ મંદિર સુધી ૧૫ કિલોમીટરની છે. તમે જયારે દર્શન કરવા કતારમાં ઉભા હોય તો પણ તમને થાક કે કંટાળા જેવું જણાતું નથી, કારણ કે ચારેબાજુ બાગ-બગીચા, હરિયાળાં વૃક્ષો, લીલાછમ ઘાસની ચાદર વગેરે દ્વારા તમારા અંતરઆત્માને ચિર શાંતિ અર્પે છે. આ મંદિરમાં દક્ષિણ ભારતના લક્ષ્મી નારાયણ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે.

આ મંદિરમાં ફોટા પાડવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે. આ સુવર્ણમંદિરનાં દર્શન કરવા જવા માટે બેંગ્લોરથી ચેન્નાઈ જતા હાઈવે ઉપર વેલ્લોર આવે છે. ત્યાંથી ૩ કિ.મી દૂર મલાઈકોરી જઈ દર્શન કરી શકાય છે. વધુમાં તિરુપતિ બાલાજી પણ અહીંથી ૧૪૦ કિ.મી દૂર છે.