હરિશ્ચન્દ્ર ભટ્ટ

વિકિપીડિયામાંથી

હરિશ્ચન્દ્ર ભગવતીશંકર ભટ્ટ (૬-૧૨-૧૯૦૬, ૧૮-૫-૧૯૫૦) : કવિ. જન્મ ઓલપાડ (જિ. સુરત)માં. મુંબઈમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ. સંસ્કૃત, વેદસાહિત્ય ઉપરાંત પોલિશ, જર્મન, અંગ્રેજી જેવી ભાષાઓનો અભ્યાસ. કોઈ ખાનગી પેઢીમાં સેવાઓ આપતા. પછીથી પોલૅન્ડની રાજદૂત કચેરીમાં (પોલિશ કૉન્સ્યુલેટમાં) જોડાયેલાં. નાલંદા પબ્લિકેશન્સ નામની સંસ્કાર અને સંસ્કૃતિલક્ષી પ્રકાશન-સંસ્થાની સ્થાપના. ૧૯૪૯થી પરમાણંદ કાપડિયાના તંત્રીપદે નીકળતા સામયિક ‘યુગધર્મ’માં જોડાયેલા. છેલ્લે એચ. ઈશ્વર એન્ડ કંપનીને પરદેશથી પુસ્તકો મંગાવી આપવાની કામગીરી.

રિલ્કે, બોદલેર જેવા કવિઓનો ઊંડો અભ્યાસ કરી એમના વિશેની વિગતો ગુજરાતીમાં પ્રસ્તુત કરનારા આ પ્રથમ કવિ છે. વિશ્વના સાહિત્યથી પૂરા પ્રભાવિત અને કલાવાદી આ કવિની કવિતાનાં ભાવ, ભાષા અને અભિવ્યક્તિ ધ્યાનાર્હ છે. ‘સફરનું સખ્ય’ (મુરલી ઠાકુર સાથે, ૧૯૪૦) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે; જ્યારે ‘કેસૂડો અને સોનેરું તથા કોજાગ્રિ’ (૧૯૪૧) એમનો બીજો સંગ્રહ છે, જેમાં પોલિશકવિ વોઈચેહ બાંકનાં અઢાર કાવ્યોના ગુચ્છનો પોલિશમાંથી કરેલો અનુવાદ સમાવિષ્ટ છે. ‘સ્વપ્નપ્રયાણ’ (૧૯૫૯) ઉમાશંકર જોશી સંપાદિત એમનો મરણોત્તર કાવ્યસંચય છે. કવિના પત્રો અને એમના ભાવનાજગતનો આલેખ આપતો ઉપોદ્ઘાત, સર્જાતી કવિતાના મૂળ પાઠો, કવિવિચારો અને અર્થસંદર્ભયુક્ત ટિપ્પણ આ સંપાદનની આગવી વિશિષ્ટતા છે. કવિની લગભગ તમામ રચનાઓ અહીં સમાવિષ્ટ થઈ જણાય છે. તેમાં એમની બહુશ્રુતતા, રચનાઓનું વિષયવૈવિધ્ય, ભારતીય અને વૈશ્વિક સંદર્ભો, છંદસૂઝ, લયનું નાજુક ને કલામય સંયોજન, બહોળા માનવસંસ્કૃતિ-વિસ્તારમાંથી યોજેલા સંદર્ભો તેમ જ વિષય અને અભિવ્યક્તિની સચ્ચાઈ જાળવવા માટેનો અથાક કલાશ્રમ જોવાય છે. એક સૌંદર્યસાધક કવિ તરીકેનું તેમનું સ્થાન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં સીમાસ્તંભરૂપ છે.

સ્વપ્નપ્રયાણ (૧૯૫૯) : હરિશ્ચન્દ્ર ભટ્ટનો, ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત મરણોત્તર કાવ્યસંગ્રહ. માત્ર અંગ્રેજી નહીં બલકે યુરોપીય સાહિત્યના સંસ્કારો ઝીલતો આ સંગ્રહ ચાલીસી પછીની કવિતામાં મોટો અપવાદ છે. ભારતીય સંસ્કૃતિથી માંડી પશ્ચિમની ગ્રીક કથાઓ, ખ્રિસ્તી ધર્મ અને યુરોપીય કલાસાહિત્યના સંદર્ભો તેમ જ ઉલ્લેખોથી સમૃદ્ધ આ કવિતામાં સૌન્દર્યનિષ્ઠ ધ્યેય અગ્રેસર રહ્યું છે. લયની સૂક્ષ્મ સૂઝને કારણે ઊપસતો સઘન છંદપ્રભાવ, બિનઅંગત પ્રસ્તુતિ, પ્રેમ અને ધર્મની સામગ્રી તરફનો ઝોક આ બધાં સંગ્રહનાં સ્વાભાવિક આકર્ષણો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય