ફ્રાન્ઝ કાફકા
ફ્રાન્ઝ કાફકા (જ. ૩ જુલાઈ ૧૮૮૩, પ્રાગ; અ. ૩ જૂન ૧૯૨૪) આધુનિક યુરોપીય કથાસાહિત્યના અગ્રણી પ્રયોગશીલ સર્જક હતા. એમનાં લખાણો ભયાવહ અને દુઃસ્વપ્નભરી પરિસ્થિતિનું આલેખન કરે છે. યુગવૈફલ્ય અને સાર્વત્રિક ભયાવહતાનો નિર્દેશ તેમનાં લખાણોમાં ભારોભાર છે. યુદ્ધકાલીન યુરોપનો - ખાસ કરીને છિન્નભિન્ન માનવસમાજનો ચિતાર તેમનાં સાહિત્યમાં પ્રતિકાત્મક રીતે વ્યક્ત થયો છે. જેમ કે તેમની નવલકથા મેટામૉરફોસિસનો નાયક મનુષ્યમાંથી જંતુમાં રૂપાંતર પામે છે.[૧]
શરુઆતનું જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૩ જુલાઈ ૧૮૮૩ ના રોજ હરમાન કાફકા અને જુલી કાફકા ને ત્યાં પ્રાગમાં થયો હતો. તેમના પિતા હરમાન કાફકાનો સ્વભાવ અત્યંત કઠોર હતો અને કાફકાનો પ્રયત્ન પિતાની જોહુકમીમાંથી છૂટવાનો હતો. પ્રાગ યુનિવર્સિટિમાંથી તેમને કાયદાની ડિગ્રી મેળવી હતી. પણ વકિલાત ન કરતા તે વીમાની કંપનીમાં જોડાયા. તેઓ અત્યંત સંવેદનશીલ સ્વભાવના હતા અને સતત આધ્યાત્મિક વિષાદ અનુભવતા હતા. પિતાના ત્રાસમાંથી અને રોજિંદા ઑફિસ-કામમાંથી કેમ છૂટવુ તે પ્રશ્ન તેમને હંમેશા સતાવ્યા કરતો. ટી.બી ના રોગે ઊથલો મારતા જુદા જુદા આરોગ્યનિકેતનોમાં તેમને રહેવું પડ્યું હતું. ૧૯૨૨ માં તેઓ પ્રાગ છોડી બર્લિનમાં વસવાટ માટે ગયા. અહિં તેઓ લેખનનો વ્યવસાય સ્વિકારી બધો જ સમય સાહિત્યમાં પ્રવ્રુત્ત રહ્યા. વિયેનામાં ૩ જૂન ૧૯૨૪ ના રોજ કાફકા મૃત્યુ પામ્યા હતા.[૧]
સાહિત્યસર્જન
[ફેરફાર કરો]કાફકાની નવલકથાનાં પાત્રોના મનોભાવો અત્યંત રસાળ શૈલીમાં થયેલા છે પરંતુ કાફકાની પ્રતિકગૂંથણી ઘણી સંકુલ હોવાથી તેમા ભાવસંદિગ્ધતા અને અર્થસમ્દિગ્ધતા અતિશય અનુભવાય છે. બૌદ્ધિક દ્રષ્ટિએ અગ્રાહ્ય જણાતા વિશ્વ સાથે સંઘર્ષમાં ઉતરતા મનુષ્યની આત્મવિદારક અનુભૂતી કાફકાના સમગ્ર સર્જનના કેન્દ્રમાં રહેલી છે. તેમના જીવન દરમ્યાન તેમના અમુક જ પુસ્તકો પ્રગટ થયા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી લેખક તરીકે તેમની ખ્યાતિ આખા યુરોપમાં વિસ્તરી હતી. કાફકાએ પોતાના મિત્ર મેક્સબ્રૉડને સૂચન કરેલું કે પોતાના મૃત્યુ બાદ અપ્રગટ હસ્તપ્રતોનો નાશ કરવામાં આવે પણ મેક્સ બ્રૉડ, જે સ્વયં એક પ્રકાશનસંસ્થાના સલાહકાર હતા, તેમણે કાફકાના સૂચનને ન ગણકારતાં કાફકાની હસ્તપ્રતોને પ્રકાશિત કરી અને આ રીતે કાફકાની બે નવલકથાઓ ધ ટ્રાયલ અને ધ કાસલ પ્રકાશિત થઈ હતી.[૧]
ધ ટ્રાયલ (૧૯૨૫) કાફકાની વિશ્વ પ્રસિદ્ધિ પામેલી કૃતિ છે. આ નવલકથા નાયક જોસેફ કે. ની આસપાસ રચાયેલી છે, જેને પોતાને ખબર નથી એવા અપરાધના સંદર્ભમાં બે શખ્સોએ એને પકડ્યો છે. એક્ મોટા ગોદામ જેવા મકાનમાં એની ઉપર મુકદ્દમો ચાલે છે. જ્યારે એ ચૂકાદો લેવા માટે પહોંચે છે ત્યારે કૉર્ટ ખાલી હોય છે. જોસેફ કે. વકીલ રોકે છે પણ વકીલને તેના કરતા પણ ઓછી જાણકારી છે. આ પછી તે એક ચિત્રકારની સહાય લે છે પણ એ સંદિગ્ધ ભાષામાં વાત કરે છે. જોસેફ કે. ત્યારબાદ પાદરિને મળે છે પણ એને તેના અપરાધ વિશે કંઇ ખબર પડતી નથી. છેવટે બે શખ્સ આવીને જોસેફ કે. ને પકડી ઘસડીને ખૂન કરે છે. આમ, આ નવલકથા નિ:સહાયતા અને અપરાધવૃત્તિના વૈશ્વિક અર્થને પ્રતીકાત્મક રીતે રજૂ કરે છે અને જીવનની અસંગતિને તદ્દન અવાસ્તવિક ઢબે પ્રત્યક્ષ કરે છે.[૨]