બદનક્ષી

વિકિપીડિયામાંથી

બદનક્ષી અથવા માનહાની એ અપકૃત્ય અને ગુનાનો એક પ્રકાર છે, કે જેમાં કોઈ પણ વ્યાજબી કારણ વિના કોઈ વ્યક્તિ વિશે તેની આબરૂને નુકસાન થાય તેવાં નિવેદનો કરવા, લખાણો પ્રગટ કરવા કે નિશાનીઓ કરવી વગેરેનો સમાવેશ થાય છે. ભારતના બંધારણ મુજબ દરેક વ્યક્તિને વાણીસ્વાતંત્ર્યનો અને અભિવ્યક્તિનો અધિકાર છે; પરંતુ એનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિની બદનક્ષી ન કરી શકે. ભારતમાં બદનક્ષી એ એક અપકૃત્ય અને ગુનો ગણવામાં આવે છે.[૧]

ભારતીય દંડસંહિતા (ઈંડિયન પેનલ કૉડ) (૧૮૬૦) મુજબ જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિની આબરુને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી તેની આબરુને નુકસાન પહોંચશે એમ જાણવા છતાં, અથવા, એમ માનવાને કારણ હોવા છતાં, બોલી અથવા વાંચી શકાય તેવા ઈરાદાવાળ શબ્દોથી, અથવા ચેષ્ટાથી, અથવા દેખી શકાય તેવી આકૃતિથી એના પર આરોપ મૂકે અથવા પ્રસિદ્ધ કરે, તો તેણે તે વ્યક્તિની બદનક્ષી કરી કહેવાય. આ ગુનાની સજા માટે ૨ વર્ષ સુધીની કેદ કે દંડ અથવા બંનેની કાયદા (કલમ: ૪૯૯, ૫૦૦)માં જોગવાઈ કરવામાં આવી છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ગાંધી, ભાનુપ્રસાદ મ. (૨૦૦૦). "બદનક્ષી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૩. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૨–૫૩. OCLC 248968520.