ભારતીય દંડ સંહિતા

વિકિપીડિયામાંથી

ભારતીય દંડ સંહિતા એ ભારતની મુખ્ય અપરાધ સંહિતા છે. તે વ્યક્તિના હક્કોનું અન્ય વ્યક્તિ દ્વારા થયેલ અતિક્રમણ વિરુદ્ધ રક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં આ રક્ષણ માટેના નિયમો અને તે નિયમો ભંગ થતાં થવાપાત્ર સજાની જોગવાઇઓ કરવામાં આવી છે. તેનો હેતુ સબળ સામે નિર્બળને રક્ષણ આપવાનું છે અને તેને કારણે સમાજની સ્વતંત્રતા વિસ્તૃત અને સબળ બને છે.[૧]

તે આપરાધિક કાયદાના તમામ પાંસાને આવરવાના હેતુથી બનાવાયેલ સર્વગ્રાહી સંહિતા છે. ૧૮૩૩ના ચાર્ટર કાયદા અંતર્ગત ૧૮૩૪માં થોમસ બાબિંગ્ટન મેકોલેના વડપણ હેઠળ સ્થાપિત ભારતના પ્રથમ કાયદા પંચની ભલામણના આધારે ૧૮૬૦માં સંહિતાનો મુસદ્દો ૧૮૬૦માં તૈયાર કરવામાં આવ્યો.[૨][૩][૪] તે અંગ્રેજ રાજના શરુઆતના તબક્કામાં ૧૮૬૨ના વર્ષમાં અંગ્રેજ તાબા હેઠળના ભારતમાં લાગુ કરવામાં આવ્યું.જોકે, તે રજવાડાંઓમાં આપોઆપ લાગુ ન થયું કારણ કે ૧૯૪૦ના દાયકા સુધી તેઓની અદાલતો અને ન્યાય પ્રક્રિયા અલગ હતી. સંહિતામાં શરુઆતથી હાલ સુધી સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે અને તેને અન્ય અપરાધિક જોગવાઈઓ દ્વારા આધાર આપવામાં આવ્યો છે.

સ્વતંત્રતા સમયે ભારતના ભાગલા થતાં ભારતીય દંડ સંહિતા તેના અનુગામી રાષ્ટ્રોને વારસામાં મળી, પાકિસ્તાનમાં તે સ્વતંત્ર રીતે પાકિસ્તાન દંડ સંહિતા તરીકે ઓળખાતી રહી. જમ્મુ અને કાશ્મીર ખાતે લાગુ થયેલ રણબીર દંડ સંહિતા પણ આ સંહિતા પર આધારિત છે.[૩] પાકિસ્તાનના ભાગલા થઈ અને બાંગ્લાદેશ સ્વતંત્ર થતાં ત્યાં પણ દંડ સંહિતા લાગુ રહી. આ દંડ સંહિતાને અંગ્રેજ તાબા હેઠળના બર્મા, સિલોન (આધુનિક શ્રીલંકા), સામુદ્રધુનીની સમજૂતીઓ (હાલના મલેશિયાનો ભાગ), સિંગાપુર અને બ્રુનેઈમાં અપનાવાઇ અને તેના આધારે તેમની હાલની દંડ સંહિતાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો.

ઈતિહાસ[ફેરફાર કરો]

પ્રથમ કાયદા પંચની ભલામણો આધારિત દંડ સંહિતાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો અને તે ૧૮૩૫માં ગવર્નર-જનરલ સમિતિને સોંપવામાં આવ્યો. તેને તૈયાર કરવામાં ઇંગ્લેન્ડના કાયદો તેની અનાવશ્યકતાઓ, સુક્ષ્મતાઓ અને સ્થાનિક વિચિત્રતાઓને બાદ કરતાં આધારભૂત હતો. તેમાં નેપોલિઅનિક સંહિતા અને એડવર્ડ લિવિંગસ્ટનના ૧૮૨૫ના લુઇશિયાના મુલકી સંહિતાના તત્ત્વોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ગવર્નર-જનરલની સમિતિને ૧૮૫૦ સુધી વિવિધ સુધારાઓ સાથે મુસદ્દા સોંપવામાં આવ્યા અને ૧૮૫૬માં આખરી મુસદ્દો વિધાન પરિષદને સોંપવામાં આવ્યો. પરંતુ, તે અંગ્રેજ ભારતની ધારા પોથીમાં સમાવેશ ન પામ્યો અને તે ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ બાદ સમાવેશ પામ્યો. તે દરમિયાન મુસદ્દામાં બાર્ન્સ પિકોક, જે પાછળથી કલકત્તા વડી અદાલતના પ્રથમ સર્વોચ્ચ ન્યાયધીશ બન્યા, ના હસ્તે કાળજીપૂર્વકનો ફેરફાર પામ્યો. તેમનો સાથ ભવિષ્યના કલકત્તા વડી અદાલતના અન્ય ન્યાયધીશો, જે તત્કાલીન વિધાન પરિષદના સભ્યો હતા તેમણે આપ્યો. આ કાર્યવાહીના અંતે ઓક્ટોબર ૬, ૧૮૬૦ના રોજ ખરડો પરિષદે પસાર કર્યો અને કાયદાનું સ્વરુપ પામ્યો.[૫] સંહિતા જાન્યુઆરી ૧, ૧૮૬૨માં લાગુ કરાઈ. મેકોલે તેમના શ્રેષ્ઠ સર્જનને સક્રિય અવસ્થામાં જોવા જીવિત રહ્યા અને તેઓ ૧૮૫૯ના અંતે મૃત્યુ પામ્યા હતા.

હેતુ[ફેરફાર કરો]

આ કાયદાનો હેતુ ભારતનો સર્વસામાન્ય દંડ સંહિતા આપવાનો હતો.[૬] દંડ સંહિતા કાયદાનું સ્વરુપ પામી ત્યારે અગાઉથી લાગુ દંડકીય કાયદાઓને રદ ન કરાયા અને તે કાર્યવાહી પહેલાંનો હેતુ પણ નહોતો. આમ કરવાનું કારણ એ હતું કે સંહિતામાં તમામ અપરાધોને સામેલ નહોતા કરાયા અને એ શક્ય હતું કે કેટલાક ગુનાઓ માટેની દંડ સંહિતા આ કાયદાની જોગવામાં ન આવરી શકાઈ હોય અને તે દંડકીય અપરાધ હોય. જોકે આ સંહિતા વિષયવસ્તુને સુદૃઢ રીતે પ્રસ્તુત કરતી હતી અને તે કાયદાઓને આવરવામાં સર્વગ્રાહી હતી, સંહિતાના વધારામાં અનેકવિધ ગુનાઓને આવરતા વધુ દંડકીય ધારાઓનું ગઠન કરવામાં આવ્યું.

શરુઆતમાં ગુનાઓની યાદી સીમિત હતી પરંતુ કાળક્રમે તેમાં અનુભવ મળતાં વધારો થતો ગયો. વધુમાં, ગુનાહિત કૃત્ય પાછળના ઇરાદા અને આરોપી ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ ગણવાની વિભાવનાઓ સામેલ થઈ. આમ, ભારતીય દંડ સંહિતા વ્યક્તિલક્ષી અને વ્યક્તિનિરપેક્ષના સિદ્ધાંતો પર આધારિત છે.[૧] વધુમાં, આ સંહિતામાં એ વિચારનું ખંડન કરવામાં આવ્યું કે અપરાધનો પ્રયાસ અપરાધમાં પરિણમવો જોઈએ અને આમ ન થતાં તે વ્યક્તિને નિર્દોષ ગણવી.[૧]

માળખું[ફેરફાર કરો]

૧૮૬૦ની ભારતીય દંડ સંહિતાને ૨૩ પ્રકરણોમાં વહેંચવામાં આવી છે અને તેમાં ૫૧૧ ધારાઓ સમાવાયેલ છે. તેને બે ખંડોમાં વહેંચવામાં આવે છે જેમાં પ્રકરણ ૧ થી ૫અ અને ૨૩ તથા પ્રકરણ ૬ થી ૨૨ છે. ખંડ ૧ માં કાયદાના સામાન્ય સિદ્ધાંતોનો સમાવેશ છે જ્યારે ખંડ ૨ માં વિશિષ્ટ અપરાધોનો સમાવેશ છે.[૧]

સંહિતાની શરુઆત પ્રસ્તાવના વડે કરવામાં આવી છે જેમાં સંહિતા બાબતના ખુલાસાઓ અને તેમાં રાખવામાં આવેલ અપવાદો વિશે માહિતી આપવામાં આવી છે અને તેમાં વિવિધ પ્રકારના અપરાધોનો સમાવેશ કરવામાં આવ્યો છે.[૭]

ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ (ધારાઓ ૧ થી ૫૧૧)
પ્રકરણ આવરાયેલી ધારાઓ અપરાધોનું વર્ગીકરણ
પ્રકરણ ૧ ધારાઓ ૧ થી ૫ પ્રસ્તાવના
પ્રકરણ ૨ ધારાઓ ૬ થી ૫૨ સામાન્ય ખુલાસાઓ
પ્રકરણ ૩ ધારાઓ ૫૩ થી ૭૫ સજાઓ વિશે
પ્રકરણ ૪ ધારાઓ ૭૬ થી ૧૦૬ સમાન્ય અપવાદો

આત્મરક્ષણના હક્ક વિશે (ધારાઓ ૯૬ થી ૧૦૬)

પ્રકરણ ૫ ધારાઓ ૧૦૭ થી ૧૨૦ ગુનામાં સહાય અથવા પ્રોત્સાહન વિશે
પ્રકરણ ૫અ ધારાઓ ૧૨૦અ અને ૧૨૦બ અપરાધિક ષડયંત્ર
પ્રકરણ ૬ ધારાઓ ૧૨૧ થી ૧૩૦ રાષ્ટ્ર વિરુદ્ધના અપરાધ
પ્રકરણ ૭ ધારાઓ ૧૩૧ થી ૧૪૦ ભૂમિસેના, નૌસેના અને વાયુસેનાને લગતા અપરાધો માટે
પ્રકરણ ૮ ધારાઓ ૧૪૧ થી ૧૬૦ જાહેર શાંતિભંગના ગુનાઓને માટે
પ્રકરણ ૯ ધારાઓ ૧૬૧ થી ૧૭૧ સરકારી કર્મચારીઓ દ્વારા અથવા તેમને લગતા અપરાધો માટે
પ્રકરણ ૯અ ધારાઓ ૧૭૧એ થી ૧૭૧આઇ સુધી ચૂંટણીને લગતા અપરાધો
પ્રકરણ ૧૦ ધારાઓ ૧૭૨ થી ૧૯૦ સરકારી કર્મચારીઓની કાયદેસરની સત્તાઓનો વિરોધ
પ્રકરણ ૧૧ ધારાઓ ૧૯૧ થી ૨૨૯ જાહેર ન્યાય વિરુદ્ધ ખોટા પુરાવા અને ગુના
પ્રકરણ ૧૨ ધારાઓ ૨૩૦ થી ૨૬૩ સરકારી મહોર અને સિક્કાઓને લગતા અપરાધો
પ્રકરણ ૧૩ ધારાઓ ૨૬૪ થી ૨૬૭ વજન માપકો અને અન્ય માપકો લગતા અપરાધો
પ્રકરણ ૧૪ ધારાઓ ૨૬૮ થી ૨૯૪ જાહેર સ્વાસ્થ્ય, સલામતી, સુગમતા, શિષ્ટાચાર અને નૈતિક મૂલ્યોને લગતા અપરાધો
પ્રકરણ ૧૫ ધારાઓ ૨૯૫ થી ૨૯૮ ધર્મને લગતા અપરાધો
પ્રકરણ ૧૬ ધારાઓ ૨૯૯ થી ૩૭૭ માનવ શરીરને અસર કરતા અપરાધો.
 • જીવનને અસર કરતા અપરાધો જેમાં હત્યા, ગુનાહિત મનુષ્યવધનો સમાવેશ (ધારાઓ ૨૯૯ થી ૩૧૧)
 • ભ્રુણહત્યા, જન્મ્યા વિનાના બાળકને ઇજા પહોંચાડવી, નવજાત બાળકનો ત્યાગ, બાળજન્મને છુપાવવો વગેરે (ધારાઓ ૩૧૨ થી ૩૧૮)
 • ઇજા પહોંચાડવી (ધારાઓ ૩૧૯ થી ૩૩૮)
 • અપરાધિક અટકાયત અને અંકુશ (ધારાઓ ૩૩૯ થી ૩૪૮)
 • અપરાધિક બળપ્રયોગ અને માર મારવો (ધારાઓ ૩૪૯ થી ૩૫૮)
 • અપહરણ, ગુલામી અને બળજબરીપૂર્વકની મજૂરી (ધારાઓ ૩૫૯ થી ૩૭૪)
 • બળાત્કાર સહિતના યૌન સંબંધિત અપરાધો (ધારાઓ ૩૭૫ થી ૩૭૬)
 • અકુદરતી અપરાધો (ધારા ૩૭૭)
પ્રકરણ ૧૭ ધારા ૩૭૮ થી ૪૬૨ સંપત્તિ વિરુદ્ધના અપરાધ
 • ચોરી (ધારાઓ ૩૭૮ થી ૩૮૨)
 • ખંડણી (ધારાઓ ૩૮૩ થી ૩૮૯)
 • લૂંટ અને ધાડ (ધારાઓ ૩૯૦ થી ૪૦૨)
 • સંપત્તિ પર અપરાધિક કબ્જો (ધારાઓ ૪૦૩ અને ૪૦૪)
 • અપરાધિક વિશ્વાસભંગ (ધારાઓ ૪૦૫ થી ૪૦૯)
 • ચોરીની સંપત્તિ સ્વીકારવી (ધારાઓ ૪૧૦ થી ૪૧૪)
 • છેતરપિંડી (ધારાઓ ૪૧૫ થી ૪૨૦)
 • છેતરપિંડી ધરાવતા કરાર અને સંપત્તિની વેંચણી (ધારાઓ ૪૨૧ થી ૪૨૪)
 • ઉપદ્રવ (ધારાઓ ૪૨૫ થી ૪૪૦)
 • અપરાધિક ઘૂસણખોરી (ધારાઓ ૪૪૧ થી ૪૬૨)
પ્રકરણ ૧૮ ધારા ૪૬૩ થી ૪૮૯ ઈ દસ્તાવેજો અને સંપત્તિના નક્શાને લગતા અપરાધો
 • દસ્તાવેજને લગતા ગુના (ધારાઓ ૪૬૩ થી ૪૭૭ અ)
 • સંપત્તિ અને તેના નક્શાને લગતા અપરાધો (ધારાઓ ૪૭૮ થી ૪૮૯)
 • ચલણી નાણાં અને બેંકના નાણાંને લગતા અપરાધો (ધારાઓ ૪૮૯ એ થી ૪૮૯ ઈ)
પ્રકરણ ૧૯ ધારાઓ ૪૯૦ થી ૪૯૨ સેવાને લગતા કરારનો અપરાધિક ભંગ
પ્રકરણ ૨૦ ધારાઓ ૪૯૩ થી ૪૯૮ લજ્ઞસંસ્થાને લગતા અપરાધ
પ્રકરણ ૨૦અ ધારા ૪૯૮અ પતિ અથવા તેના સગાં દ્વારા ક્રૂરતા
પ્રકરણ ૨૧ ધારા ૪૯૯ થી ૫૦૨ બદનક્ષી
પ્રકરણ ૨૨ ધારાઓ ૫૦૩ થી ૫૧૦ અપરાધિક ધાક-ધમકી, અપમાન અને કનડગત
પ્રકરણ ૨૩ ધારા ૫૧૧ ગુના કરવાનો પ્રયાસ

વિવાદો[ફેરફાર કરો]

ભારતીય દંડ સંહિતાની કેટલીક ધારાઓને વિવાદાસ્પદ માનવામાં આવે છે. તેને ભારતના બંધારણની વિરુદ્ધ ગણી અને ન્યાયાલયોમાં પડકારવામાં આવી છે. વધુમાં કેટલીક વિવાદાસ્પદ ધારાઓને સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ્દ કરવા માંગ કરવામાં આવી છે.

અકુદરતી અપરાધો- ધારા ૩૭૭[ફેરફાર કરો]

જે કોઈપણ સ્વેચ્છાએ પુરુષ, સ્ત્રી અથવા પ્રાણી સાથે અકુદરતી યૌન સંબંધો બાંધશે તેને દંડ સ્વરુપે આજીવન કારાવાસ અથવા નિશ્ચિતકાલીન કારાવાસ જે ૧૦ વર્ષ સુધી લંબાવી શકાય સહિત નાંણાકીય દંડનો પણ પાત્ર હશે.

ખુલાસો - ધારામાં વર્ણવાયેલ અપરાધ અનુસાર અકુદરતી યૌનસંબંધને વ્યાખ્યાયિત કરવા પ્રવેશ માત્ર પૂરતો છે.

 • જુલાઈ ૨, ૨૦૦૯ના રોજ દિલ્હી વડી અદાલતે આ ધારાને ઉદારવાદી વિચાર સાથે વ્યાખ્યાયિત કરી અને જણાવ્યું કે આ ધારાનો ઉપયોગ કરી અને સ્વેચ્છાએ સમલૈંગિક સંબંધ બાંધનાર લોકોને દંડિત ન કરી શકાય.[૮]
 • ડિસેમ્બર ૧૧, ૨૦૧૩ના રોજ ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા દિલ્હી વડી અદાલતના ૨૦૦૯ના હુકમ વિશે સ્પષ્ટતા કરી કે ધારા ૩૭૭ ગેરબંધારણીય નથી અને વડી અદાલતના ફરમાનને કાયદાની દૃષ્ટિએ માન્ય ન ગણી શકાય. જોકે સક્ષમ ધારાસભા અદાલતોના હુકમને અવગણતાં ધારાની જરુરિયાતને મૂલવી દંડ સંહિતામાંથી રદ કરી શકે છે.[૯]
 • જાન્યુઆરી ૨૦૧૮માં સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણય બાબતે ફેરવિચારણા કરવા સહમતી આપી અને ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ધારા ૩૭૭ના સ્વૈચ્છિક સમલૈંગિક સંબંધોને દંડપાત્ર કરતા વિભાગો રદ કરવા હુકમ આપ્યો.[૧૦][૧૧]

આત્મહત્યાનો પ્રયાસ[ફેરફાર કરો]

ભારતીય દંડ સંહિતાની ધારા ૩૦૯ આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસ સાથે જોડાયેલ છે. આ ધારા અનુસાર આત્મહત્યાના પ્રયાસ અથવા તેમ કરવાની પ્રક્રિયા માટે એક વર્ષની સજાની જોગવાઈ છે. લાંબા સમયથી કરાઈ રહેલ માંગ અને ભારતના કાયદા પંચની ધારા રદ કરવાની અનેક ભલામણને ધ્યાનમાં લેતાં ડિસેમ્બર ૨૦૧૪માં ભારત સરકારે આ ધારાને રદ્દ કરવા નિર્ણય કર્યો. આ નિર્ણય સાથે મોટાભાગના રાજ્યોએ સહમતી દર્શાવી પણ કેટલાકે વિરોધ કર્યો અને જણાવ્યું કે તે આમરણાંત ઉપવાસ કરનાર, આત્મદાહનો પ્રયાસ વગેરે સામે કાયદાપાલન કરનાર સંસ્થાઓને લાચાર બનાવશે.[૧૨] ફેબ્રુઆરી ૨૦૧૫માં કાયદો અને ન્યાય મંત્રાલયને સરકારે આ બાબતમાં ખરડાનો મુસદ્દો તૈયાર કરવા આદેશ આપ્યો.[૧૩]

ઓગષ્ટ ૨૦૧૫માં રાજસ્થાન વડી અદાલતે ધારા ૩૦૬ અને ૩૦૯ અંતર્ગત જૈન ધર્મની ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના જીવનનો અંત આણવાની પ્રથા જે સંથાર તરીકે ઓળખાય છે તેના પર પ્રતિબંધ મૂક્યો. તે નિર્ણય વિવાદનું કારણ બન્યો અને જૈન સમુદાયના કેટલાક વર્ગોએ ભારતના વડાપ્રધાનને ન્યાયલયના આદેશ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવા વિનંતી કરી.[૧૪][૧૫]

ધારા ૪૯૭[ફેરફાર કરો]

આ ધારાની કથિત રીતે સ્ત્રીને તેના પતિની સંપત્તિ ગણવા માટે આલોચના કરવામાં આવે છે જ્યારે બીજી તરફ સ્ત્રીને વ્યભિચાર વિરુદ્ધની સજાથી સંપૂર્ણ રક્ષણ આપવા માટે પણ તેની આલોચના કરવામાં આવે છે.[૧૬][૧૭]

મૃત્યુ દંડ[ફેરફાર કરો]

ધારા ૧૨૦બી (આપરાધિક ષડયંત્ર), ૧૨૧ (ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ), ૧૨૨ (બળવો), ૧૯૪ (મૃત્યુ દંડ અપાવવા માટે ખોટા પુરાવા ઉભા કરવા), ૩૦૨, ૩૦૩ (હત્યા), ૩૦૫ (આત્મહત્યા માટે પ્રોત્સાહન), ૩૬૪એ (હત્યા સહિત લૂંટ), ૩૭૬એ (બળાત્કાર) અનુસાર મૃત્યુદંડની જોગવાઈ છે. મૃત્યુદંડ બાબતમાં ચર્ચા ચાલી રહી છે.[૧૮]

અપરાધિક ન્યાય સુધારો[ફેરફાર કરો]

૨૦૦૩માં માલીમથ સમિતિએ તેમના અહેવાલમાં અનેક ભલામણો કરી જે મોટાપાયે સુધારાઓ સૂચવતી હતી. તેમાં મુખ્યત્ત્વે તપાસ અને કાર્યવાહીને અલગ કરવાની ભલામણ હતી.[૧૯] આ અહેવાલ અપરાધિક ન્યાય વ્યવસ્થા પ્રતિકૂળતાને બદલે સુક્ષ્મ તપાસ તરફ ઝુકાવ ધરાવતી બને તે પ્રમાણેના સુધારાઓ પર વધુ ધ્યાન આપતો હતો. સંથાનમ સમિતિએ આર્થિક અપરાધો પર પોતાનો અહેવાલ બહાર પાડ્યો હતો. તેમની વિશિષ્ટ ભલામણ અનુસાર આર્થિક અપરાધના કિસ્સામાં અપરાધી સહિત તેણે ગુનામાં આધાર અથવા સલાહ આપનાર વિવિધ સેવા પૂરી પાડનારા વ્યવસાયિકોને પણ સજાની જોગવાઈ કરાઈ હતી. આ વ્યવસાયિકોમાં વકીલ, ઍકાઉન્ટટ, દાક્તર, ઇજનેર વગેરે સામેલ કરાયા હતા.[૧]

આ સિવાય ૧૯૭૨માં સરકાર સમક્ષ દંડ સંહિતામાં જોગવાઈ ધરાવતી સજાઓ સિવાય વધુ પ્રકારની સજાઓ જેમ કે સમાજસેવા, જાહેરનિંદા, હોદ્દા-ધોરણ માટેની ગેરલાયકાત અને વળતર માટે ભલામણ કરવામાં આવી હતી. પરંતુ આ સજાઓ પર સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નહોતો.[૧]

સુધારો અને સંશોધન[ફેરફાર કરો]

સંહિતામાં ઘણા સુધારા અને ફેરફારો કરવામાં આવ્યા છે. હાલ સુધીમાં ૭૬ જેટલા ફેરફાર કરવામાં આવ્યા છે.[૨૦][૨૧]

પ્રશંસા[ફેરફાર કરો]

દંડ સંહિતાને લગભગ તમામ નિષ્ણાતો દ્વારા પોતાના સમય પહેલાં કરાયેલું સચોટ સંપાદન ગણવામાં આવે છે. તે સંખ્યાબંધ અધિકારક્ષેત્રોમાં ૧૫૦ વર્ષો સુધી મોટા ફેરફારો વિના તે ટકી રહી છે. ભારતીય દંડ સંહિતાના ૧૫૦ વર્ષના માનમાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત યુનાઇટેડ કિંગ્ડમના સર્વોચ્ચ ન્યાયાલયના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ નિકોલસ ફિલિપ્સે દંડ સંહિતાને તેની અસરકારકતા અને પ્રસ્તુતતા માટે વખાણી હતી.[૨૨] સંહિતાના સંપાદનની વ્યાપકતાને કારણે આધુનિક સમય સાથે સાતત્ય ધરાવતા નવા અપરાધિક કાયદાઓ પણ આસાનીથી દંડ સંહિતાનો ભાગ બની શક્યા છે.

અન્ય માધ્યમોમાં[ફેરફાર કરો]

દંડ સંહિતાની કેટલીક ધારાઓ અને તેમને લગતા ઉલ્લેખો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રોજબરોજના લોકપ્રિય ઉપયોગમાં આવી છે. તેમાં ધારા ૪૨૦ પર આધારિત ૪૨૦ જે છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાય છે.[૨૩] તેવી જ રીતે ધારા ૩૦૨ જે હત્યા માટે મૃત્યુદંડ ધરાવે છે તેના માટે ચોક્કસ ઉલ્લેખ લોકબોલીમાં સામાન્ય ગણવામાં આવે છે. તે બોલીવુડ સિનેમા અને સામયિકોમાં મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે.[૨૪][૨૫] ૧૯૭૫માં પ્રસ્તુત બોલીવુડ સિનેમા દફા ૩૦૨,[૨૬] ૧૯૫૫નું રાજ કપૂર તારાંકિત શ્રી ૪૨૦,[૨૭] ૧૯૯૭નું કમલ હસન અભિનિત ચાચી ૪૨૦, દંડ સંહિતા પરથી કરાયેલ નામકરણનાં દૃષ્ટાંતો છે.[૨૮]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ઠાકર, ધીરુભાઈ (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૨૯-૫૩૩.
 2. Universal's Guide to Judicial Service Examination. Universal Law Publishing. પૃષ્ઠ 2. ISBN 93-5035-029-7.
 3. ૩.૦ ૩.૧ Lal Kalla, Krishan. The Literary Heritage of Kashmir. Jammu and Kashmir: Mittal Publications. પૃષ્ઠ 75. મેળવેલ 19 September 2014.
 4. "Law Commission of India - Early Beginnings". Law Commission of India. મૂળ માંથી 26 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 September 2014.
 5. "Historical Introduction to IPC (PDF)" (PDF). મૂળ (PDF) માંથી 2018-07-29 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-13.
 6. "Preamble of IPC (download IPC in PDF)". મૂળ માંથી 2018-07-29 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-13.
 7. B.M.Gandhi. Indian Panel Code (Paper Back) |format= requires |url= (મદદ) (2013 આવૃત્તિ). EBC. પૃષ્ઠ 1–832. ISBN 81-7012-892-7.
 8. "Delhi High Court reinterprets the Sec. 377".
 9. "Supreme Court sets aside Delhi HC verdict decriminalising gay sex".
 10. "SC decriminalises Section 377: A timeline of the case". Times of India. 6 September 2018. મેળવેલ 7 September 2018.
 11. "Supreme Court's decision on Section 377: Separate decision of 5 Judges [Read Judgement]". www.lawji.in. મૂળ માંથી 2018-09-09 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-09.
 12. "Government decriminalizes attempt to commit suicide, removes section 309". The Times of India. 10 December 2014. મેળવેલ 15 August 2015.
 13. "Attempt to Suicide". Press Information Bureau. Ministry of Home Affairs, Government of India. મેળવેલ 15 August 2015.
 14. "Rajasthan HC says Santhara illegal, Jain saints want PM Modi to move SC". The Indian Express. મેળવેલ 15 August 2015.
 15. "Rajasthan HC bans starvation ritual 'Santhara', says fasting unto death not essential tenet of Jainism". IBN Live. CNN-IBN. 10 August 2015. મેળવેલ 15 August 2015.
 16. "Wife is private property, so no trespassing". The Times of india. 17 July 2015. મેળવેલ 15 August 2015.
 17. "Adultery law biased against men, says Supreme Court". The Times of India. 3 December 2011. મેળવેલ 15 August 2015.
 18. [૧]
 19. "IPC Reform Committee recommends separation of investigation from prosecution powers (pdf)" (PDF). મેળવેલ 2012-05-23.
 20. Parliament of India. "The Indian Penal Code" (PDF). childlineindia.org.in. મૂળ (PDF) માંથી 16 જૂન 2015 પર સંગ્રહિત. મેળવેલ 7 June 2015.  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
 21. The Indian Penal Code, 1860. Current Publications. 7 May 2015. મેળવેલ 8 June 2015.
 22. "IPC's endurance lauded". મૂળ માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-13.
 23. Henry Scholberg, The return of the Raj: a novel, NorthStar Publications, 1992, https://books.google.com/books?id=_0BbAAAAMAAJ, "... People were saying, 'Twenty plus Four equals Char Sau Bees.' Char Sou Bees is 420 which is the number of the law that has to do with counterfeiting ..." 
 24. Star Plus, The Great Indian Laughter Challenge – Jokes Book, Popular Prakashan, ISBN 978-81-7991-343-7, https://books.google.com/books?id=yiwV7dMOdhwC, "... Tazeerat-e-hind, dafa 302 ke tahat, mujrim ko maut ki saza sunai jaati hai ..." 
 25. Alok Tomar; Monisha Shah; Jonathan Lynn, Ji Mantriji: The diaries of Shri Suryaprakash Singh, Penguin Books in association with BBC Worldwide, 2001, ISBN 978-0-14-302767-6, https://books.google.com/books?id=9FduAAAAMAAJ, "... we'd have the death penalty back tomorrow. Dafa 302, taaziraat-e-Hind ... to be hung by the neck until death ..." 
 26. D. P. Mishra, Great masters of Indian cinema: the Dadasaheb Phalke Award winnersGreat Masters of Indian Cinema Series, Publications Division, Ministry of Information and Broadcasting, Government of India, 2006, ISBN 978-81-230-1361-9, https://books.google.com/books?id=whtmAAAAMAAJ, "... Badti Ka Naam Dadhi ( 1975), Chhoti Si Baat ( 1975), Dafa 302 ( 1 975), Chori Mera Kaam ( 1975), Ek Mahal Ho Sapnon Ka (1975) ..." 
 27. Shree 420 on IMDB
 28. Haasan, Kamal; Puri, Amrish; Puri, Om; Tabu (1997-12-19), Chachi 420, https://www.imdb.com/title/tt0233422/, retrieved 2017-04-03