માઈકલસન ઈન્ટરફેરોમીટર
માઈકલસન ઈન્ટરફેરોમીટર પ્રકાશના વ્યતિકરણના સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે, જેની શોધ અમેરિકન ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ માઈકલસન કરવામાં આવી હતી. આ ઉપકરણનો ઉપયોગ અનેક પ્રયોગોમાં થાય છે, પણ એ માઈકલસન અને એમના સાથીદાર એડવર્ડ મોર્લે દ્વાર કરવામાં આવેલ 'માઈકલસન-મૉર્લે પ્રયોગ' માટે વધારે જાણીતું છે.[૧]
બંધારણ
[ફેરફાર કરો]માઈકલસન ઈન્ટરફેરોમીટર પ્રકાશના વ્યતિકરણના સિદ્ધાંત પર રચાયેલું ઉપકરણ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એમાં M1 અને M2 બે સમતલ અરીસા છે. M1 અરીસાની સાથે એક માઈક્રોમીટર સ્ક્રૂ જોડેલો હોય છે. તેની મદદથી M1 અરીસાનું સ્થાન ચોકસાઈપૂર્વક નોંધી શકાય છે, અને M2 અરીસાની પાછળ ત્રણ સ્ક્રૂ હોય છે, તેની મદદથી અરીસાના સમતલમાં ફેરફાર કરી શકાય છે.[૧]
M એ પ્રકાશીય સમતલ કાચનો લંબચોરસ છે. તેની પાછળની બાજુ ઉપર ચાંદીનો પાતળો ઢોળ ચઢાવેલો હોય છે તેથી તેના પર આપત થતા પ્રકાશનું અંશત: પરાવર્તન અને અંશત: પારગમન થઈ શકે છે. પ્રકાશના વિસ્તૃત ઉદગમસ્થાન (S) માંથી નીકળતું એક કિરણ M લંબચોરસ ઉપર આપાત થાય છે. આ કિરણ M ની પાછળની સપાટી પર પડતાં તેનું પરાવર્તિત અને પારગમન કિરણોમાં વિભાજન થાય છે. આ બંને કિરણ M1 અને M2 અરીસા ઉપર લગભગ લંબરૂપે આપત થઈ અને પરાવર્તન પામે છે. આ બંને કિરણ M ની પાછલી સપાટી આગળ સંપાત થઈ વ્યતિકરણ શલાકાઓ રચે છે. આ વ્યતિકરણ શલાકાઓ ડિટેક્ટર E મારફતે જોઈ શકાય છે. M1 અને M2 સ્ક્રૂના થોડા ફેરફારથી સુરેખ અથવા વર્તુળાકાર આકારની શલાકાઓ જોઈ શકાય છે.[૧]
ઉપયોગો
[ફેરફાર કરો]આ ઉપકરણના અનેક ઉપયોગો છે, જેમ કે[૧][૨]
- આપાત થતા પ્રકાશની તરંગલંબાઈ માપવા માટે
- તરંગલંબાઈઓના નાના નાના તફાવતોનું મૂલ્યાંકન નક્કી કરવા માટે
- પાતળી તકતીના અપવર્તનાંકનું મૂલ્ય નક્કી કરવા માટે
- માઈકલસન ઈન્ટરફેરોમેટ્રીનો ઉપયોગ ગુરુત્વાકર્ષણ તરંગોની ભાળ મેળવવા માતે થાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ નાયક, સુમંતરાય ભીમભાઈ (૧૯૮૩). "માઈકલસન ઈન્ટરફેરોમીટર". ભૌતિકવિજ્ઞાન (વિજ્ઞાન અને યંત્રવિદ્યા કોશ). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ ૩૧૮.
- ↑ "What is an Interferometer?". LIGO Lab | Caltech. મેળવેલ ૩ મે ૨૦૧૮.