વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો
આ પાનું વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો (પ્રશ્નો)નો સમાવેશ કરે છે.
હું કોઇ લેખ કેવી રીતે શોધી શકું?
[ફેરફાર કરો]સામાન્ય રીતે વિકિપીડિયા શોધો લખેલા ખાનામાં આપનો ઇચ્છિત શબ્દ લખતા તે શબ્દથી શરુ થતા બધાં લેખો ક્કકાવારી પ્રમાણે દેખાશે. તે શબ્દનાં શીર્ષક વાળો લેખ શોધવા માટે પરિણામ પર ક્લિક કરો અને તે શબ્દ ધરાવતા બધાજ લેખ શોધવા માટે શોધો ઉપર ક્લિક કરો.
હું ગુજરાતીમાં કેવી રીતે લખી શકું?
[ફેરફાર કરો]ગુજરાતીમાં લખવા માટે તમારે ડાબી બાજુ રહેલ ચક્ર પર ક્લિક કરી ઇનપુટ (Input) પર જઇને ગુજરાતી પસંદ કરીને તેમાંથી ગમતી લખવાની પદ્ધતિ (કી-બોર્ડ લેઆઉટ) પસંદ કરવાની રહેશે. આ દરેક લેઆઉટ કે પદ્ધતિ વિશે વિગતે મદદ 'કેવી રીતે વાપરવું' પર ક્લિક કરીને મેળવી શકાશે.
કોઇ પણ લેખમાં ફેરફાર કરવા માટે જ્યારે તમે ફેરફાર કરો ઉપર ક્લિક કરશો ત્યાર બાદ, વિન્ડોની નીચે કી-બોર્ડનાં ચિહ્નની સાથે તમે પસંદ કરેલ પદ્ધતિ દેખાશે. Ctrl + M દબાવીને તમે અંગ્રેજીમાં કી-બોર્ડ ફેરવી શકશો. ફરીથી Ctrl + M દબાવતાં ગુજરાતીમાં લખી શકાશે. તેમાં વિવિધ પ્રકારના કી-બોર્ડ અને તેની મદદ આપેલી જ છે.
લિપ્યાંતર પદ્ધતિ લખવા માટે અત્યંત સરળ છે, તેમ છતાંયે તમે તમને ગમતી પદ્ધતિ વાપરી શકશો. ફોનેટિક કી બૉર્ડ પણ વિકિપીડીયામાં ગુજરાતી લખાણ સરળ રીતે લખી શકાશે. જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવી જોડણી.
દાખલા તરીકે તમારે અમદાવાદ લખવું હોયતો કી બૉર્ડ પર amadaavaada લખવાથી, શાંતિ લખવા માટે shaaMti, ઝરૂખો લખવા માટે Zaruukho અથવા jharookho, કૃષ્ણ લખવા માટે kRSNa અને એ જ રીતે ઋષિ લખવા માટે RSi, યજ્ઞ માટે yajna, ઉંદર માટે uMdara, ઊંટ માટે UMTa અને રુદ્રાક્ષ લખવા માટે rudraaxa અથવા rudraakSa ટાઇપ કરવાથી તમને ગુજરાતી વંચાશે. થોડો મહાવરો કરવાથી તમે ભૂલ કર્યા વગર લખી શકશો.
વધુ માહિતી માટે અંગ્રેજી વિકિપીડીયા પર એક સરસ લેખ છે, તે વાચી શકો છો. હાલ તુરત તેનો ગુજરાતી અનુવાદ છે નહીં. પરંતુ ભવિષ્યમાં આપણે તેવો જ લેખ અહિંયા બનાવી શકીએ છીએ.
નવો લેખ કેવી રીતે શરૂ કરવો?
[ફેરફાર કરો]નવો લેખ શરૂ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ છે, ડાબી બાજુ, વિકિપીડિયા શોધો ખાનામાં તમે જે વિષય પર લેખ લખવા માંગો છે, તે શબ્દ શોધી જુઓ, ધ્યાન રાખજો કે જોડણી સાચી હોય. શક્ય છે કે કોઈકે ભળતી સળતી કે ખોટી જોડણીવાળું શીર્ષક વાપરીને પણ પાનું બનાવ્યું હોય, માટે કોઈ પણ વિષય પર નવું પાનું બનાવતાં પહેલાં આપ વિચારી શકો તેટલી વિવિધ જોડણીઓ વાપરીને શબ્દ શોધી જુઓ. જો આમાંના કોઈ પણ શબ્દ હેઠળ પાનું ના મળે તો, સાચી જોડણી વાપરીને ફરી એક વખત વિકિપીડિયા શોધો ખાનામાં શબ્દ/મુહાવરો લખી શોધો પર ક્લિક કરો. કેમકે આ વિષય પર કોઈ લેખ ઉપલબ્ધ નથી, માટે તમને પરિણામ પાનાં પર લાલ કડીમાં "આ વિકિ પર ... પાનું બનાવો!" એવું જોવા મળશે, બસ, તેના પર ક્લિક કરો અને લખવાનું શરૂ કરો, જ્યારે તમે પાનું પ્રકાશિત કરો બટન ઉપર ક્લિક કરશો, ત્યારે તમારું નવું પાનું તૈયાર હશે.
અન્ય વિકિપીડિયામાંથી ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવા માટે ભાષાંતર સાધનની મદદ લઇ શકાય છે. જોકે, ખાસ ધ્યાન રાખો કે સંપૂર્ણરીતે મશીન ભાષાંતર ધરાવતા લેખો કે સુધાર્યા વગરના લેખો માન્ય નથી તેમજ તે તમને પ્રતિબંધ તરફ દોરી શકે છે.
વિકિપીડિયા પર કોણ કામ કરે છે?
[ફેરફાર કરો]આપણે બધાં જ! જી હા! :) વિકિપીડિયાના લગભગ બધાં જ લેખોને આપણે બધા જ સુધારી - વધારી શકીએ છીએ. વિકિપીડિયાની વૃદ્ધિ કરવાની આ જ એક બુદ્ધિશાળી યોજના છે.
પણ મને ખબર નથી હું શું કરું
[ફેરફાર કરો]કરવા લાયક કામ તો ઘણા છે, પણ તમને શું ગમે છે તેની પર આધાર છે. સૌ પ્રથમ તો અહિંયા પોતાનું એક યુઝ઼ર નેમ ઉભું કરો જેથી તેના દ્વારા તમે કામ કરી શકો અને અન્ય લોકો સાથે વાર્તાલાપ કરી શકો. પછી કશી સુઝ ન પડે ચોતરા પર લોકોને પુછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ત્યાં થોડા દિવસ સુધી જો જવાબ ન મળે તો વિકિપીડિયાના પ્રબંધકો પૈકિ કોઇ એક નો સંપર્ક કરી જુઓ.
એનો અર્થ એ કે વિકિપીડિયા પર ગમે તે વ્યક્તિ તોડફોડ કરી શકે છે?
[ફેરફાર કરો]વિકિપીડિયા નો કોઇ પણ લેખ કોઇ પણ વ્યક્તિ બદલી શકે છે. પણ અહિંયા સ્વયં સેવકો હાજર જ રહેતા હોય છે જેઓ કોઇ વ્યક્તિના ખરાબ લેખન ને સુધારવા કે કોઇ પણ પ્રકારની તોડફોડને અવળી કરી લેખોની કક્ષા સાચવી રાખે છે. તમે પણ તેમાં મદદરૂપ થઇ શકો છો. દરેક લેખનો "ઇતિહાસ" તમે જોઇ શકો છો. આ લેખનો પણ "ઇતિહાસ" છે. આ લેખના મથાળે જ્યાં "ઇતિહાસ" લખ્યું છે ત્યાં અથવા અહીં ક્લિક કરો અને જુઓ ઇતિહાસમાં કેવી રીતે માહિતી મળે છે.
લેખમાં ચિત્રો કેમ નથી દેખાતા?
[ફેરફાર કરો]પ્રશ્નઃ અંગ્રેજી કે હિંદી વિકિપીડિયા પરથી કોપી કરીને અહીં લાવેલા અમુક લેખોમાં ક્યારેક અમુક ચિત્રો દેખાતા નથી, આનું કારણ શું હોઈ શકે?
- ઉત્તરઃ આનું કારણ એ હોઈ શકે કે, જે તે વિકિપીડિયાનાં લેખમાં રહેલા ચિત્રો તે વિકિમાં સ્થાનિક રીતે ચઢાવેલા હોય અને તે ચિત્રો વિકિ કોમન્સમાં ઉપલબ્ધ ના હોય. સામાન્ય રીતે કોઇ પણ ફાઇલ વિકિ કોમન્સમાં અપલોડ કરવી હિતઘ છે, કેમકે તેમ કરવાથી તેને વિવિધ વિકિમાં સ્થાનિક રીતે અપલોડ કરવી પડતી નથી અને સીધે-સીધી તેને કોઈપણ વિકિનાં પ્રકલ્પમાં સરળતાથી ઉમેરી શકાય છે.
કોમન્સમાં ના હોય તેવા ચિત્રો માટે શું કરવું
[ફેરફાર કરો]પ્રશ્નઃઆપે ઉપર જણાવ્યું તેમ, જો તે લેખ જે તે વિકિમાં જ હોય અને કોમન્સમાં ન હોય, તો આવા ચિત્રોને અંગ્રેજી/હિંદી વિકિમાંથી વિકિ કોમન્સમાં કેવી રીતે લઈ આવવું?
- ઉત્તરઃ આને માટે આપે કોમન્સમાં જઈને અપલોડ ફાઇલ પર ક્લિક કરવાનું રહેશે, જે આપણા ગુજરાતી વિકિની જેમજ ડાબી બાજુના હાંસીયામાં જોવા મળશે. હવે જે પાનું ખુલે તેમાં ૪થો પર્યાય It is from another Wikimedia project (Wikipedia, Wikibooks, Wikinews, etc.) ની કડી પર ક્લિક કરવાથી એક ફોર્મ ખુલશે. તે ફોર્મ વાળા પાનાંમાં ઉપરનાં લખાણના બીજા ફકરામાં CommonsHelper tool છે, તેનો ઉપયોગ કરીને જે તે વિકિપીડિયાનાં પ્રકલ્પમાંથી ફાઈલની માહિતી લેવી, તેને કોપી કરી, Transfer a work from another Wikimedia project વાળા ફોર્મમાં Summary: નાં ખાનામાં મુકવાથી તેની બધીજ માહિતી આપોઆપ ઉમેરાઈ જશે. આ સાથે તમારે જે તે વિકિમાંથી ફાઇલ તમારા કોમ્યુટર પર ડાઉનલોડ કરવી પડશે, હવે આ ડાઉનલોડ કરેલી ફાઇલને Local filenameનાં Browse બટનની મદદથી પસંદ કરો, જેથી Destination filename:માં જે તે નામ આપોઆપ દેખાશે. મારા મતે આ નામ યથાવત રહેવા દેવું, કેમકે તે નામથી જ તે ફાઇલ અન્યત્ર જોડાયેલી હોવાથી જો નામ બદલવામાં આવે તો તકલીફ થઈ શકે છે. છતાં જરૂર જણાય તો તમે ત્યાં તેને નવું નામ આપી શકો છો. આ જ રીતે જ્યારે તમે કોમન્સ હેલ્પર ટૂલની મદદથી સમરિ લાવ્યા હશો તો, Categories: પણ આપોઆપ આવી ગઈ હશે, છતાં તમારે જો ફાઈલને કોઈ વિશેષ શ્રેણીમાં મુકવી હોય તો, Categories: ખાનામાં તે શ્રેણી/શ્રેણીઓનું નામ ઉમેરી શકો છો. અ બધું જ થઈ ગયા પછી, નીચે અપલોડ ફાઇલનું બટન છે તેના પર ક્લિક કરવાથી આપની ફાઇલ અપલોડ થઈ જશે.
આ મદદ પાનું પણ જુઓ.
લેખ જે શ્રેણીને અનુરૂપ હોય તે શ્રેણીમાં કઈ રીતે ઉમેરવો?
[ફેરફાર કરો]લેખને અનુરૂપ શ્રેણીમાં મુકવા માટે જે તે લેખને અંતે [[શ્રેણી:_________]] ઉમેરી દો. દર્શાવેલી ખાલી જગ્યામાં તે શ્રેણીનું નામ લખો. દા. ત. શ્રેણી:રાસાયણિક તત્વો
ઢાંચો શું હોય છે? એનો ઉપયોગ કઇ સ્થિતીમાં કરાય?
[ફેરફાર કરો]ઢાંચો એ પહેલેથી નિશ્ચિત કરાયેલા કમાન્ડની માલિકા છે. જે કાર્યો વારંવાર કરવા પડે તેને ટાળવા ઢાંચા વપરાય છે. દા.ત. એક કોઠો બનાવવો હોય. તે દરેક લેખમાં આવતો હોય. તો દર વખતે કોઠા બનાવવાની પળોજણ માં પડી સમય બગાડતો અટકાવવા ઢાંચા વપરાય છે. આ ઢાંચાને બે છગડિયા {{ અને }} કૌંસમાં લખાય છે. આવો એક ઘણો ઉપયોગી ઢાંચો છે, "માહિતીચોકઠું" નામનો. વિશ્વના વિવિધ દેશને લાગતા લેખમાં "માહિતીચોકઠું દેશ" વપરાયો છે. તે બનાવવો ઘણો અટપટો છે પણ મહાવરાથી ઢાંચા વાપરી શકાય છે.
ચોતરા પર ચર્ચા કેવી રીતે શરૂ કરવી?
[ફેરફાર કરો]ચોતરા પર નવી ચર્ચા ચાલુ કરતી વખતે, આખાં પાનાંમાં ફેરફાર કરીને છેડે નવો વિષય ઉમેરવાને બદલે વિકિપીડિયા:ચોતરો પર રહેલા નવી ચર્ચા શરૂ કરો બટન પર ક્લિક કરીને અથવા તો જમણા ખૂણે રહેલા ચોકઠામાં નવો વિષય કડી પર ક્લિક કરીને નવી ચર્ચા શરુ કરવા વિનંતિ છે. આમ કરવાથી ચોતરાનું સુવ્યવસ્થિત માળખું જળવાઈ રહેશે.