રાહુલ સાંકૃત્યાયન

વિકિપીડિયામાંથી
રાહુલ સાંકૃત્યાયન
રાહુલ સાંકૃત્યાયન
દાર્જિલિંગમાં સાંકૃત્યાયનની પ્રતિમા
જન્મકેદારનાથ પાંડે
(1893-04-09)9 April 1893
પન્દહા, આઝમગઢ, સંયુક્ત પ્રાંત (આગ્રા અને અવધ), બ્રિટીશ ભારત
મૃત્યુ14 April 1963(1963-04-14) (ઉંમર 70)
દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ, ભારત
વ્યવસાય
  • લેખક
  • નિબંધકાર
  • વિદ્વાન
રાષ્ટ્રીયતાભારતીય
વિષયબૌદ્ધ ધર્મ, સામ્યવાદ, ઇતિહાસ, ઇન્ડોલોજી, ભાષાશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, તિબેટવિજ્ઞાન
નોંધપાત્ર સર્જનોવોલ્ગા સે ગંગા, મધ્ય એશિયાકા ઇતિહાસ, મેરી જીવનયાત્રા, ઘુમક્કડશાસ્ત્ર
નોંધપાત્ર પુરસ્કારો૧૯૫૮: સાહિત્ય અકાદમી પુરસ્કાર
૧૯૬૩: પદ્મભૂષણ
જીવનસાથીસંતોષી, એલેના નાર્વેતોવના કોઝેરોવ્સ્કાયા, કમલા સાંકૃત્યાયન

રાહુલ સાંકૃત્યાયન (જન્મ: કેદારનાથ પાંડે; ૯ એપ્રિલ ૧૮૯૩ – ૧૪ એપ્રિલ ૧૯૬૩) એક ભારતીય લેખક, નિબંધકાર, નાટ્યકાર, ઇતિહાસકાર, બૌદ્ધ ધર્મના વિદ્વાન હતા જેમણે હિંદી અને ભોજપુરી ભાષામાં લેખનકાર્ય હતું. "હિન્દી પ્રવાસ સાહિત્યના પિતા" તરીકે ઓળખાતા સાંકૃત્યાયનને હિન્દી પ્રવાસવર્ણનને સાહિત્યિક સ્વરૂપ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતના સૌથી વ્યાપકરૂપે પ્રવાસ કરનારા વિદ્વાનોમાંના એક હતા, જેમણે તેમના જીવનના પિસ્તાલીસ વર્ષ તેમના ઘરથી દૂર રશિયા, તિબેટ, ચીન, મધ્ય એશિયા વગેરે સ્થળોએ પ્રવાસ કરવામાં ગાળ્યા હતા.[૧]

સાંકૃત્યાયને ઇન્ડોલોજી, સામ્યવાદ, બૌદ્ધ ધર્મ અને ભાષાશાસ્ત્ર જેવા વિવિધ વિષયો તેમજ વિવિધ ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને નાટકો સહિત ૧૦૦થી વધુ પુસ્તકોમાં વિસ્તૃત રીતે લખ્યું છે. તેમને "મધ્ય એશિયા કા ઇતિહાસ" પુસ્તક (બે ખંડ) માટે ૧૯૫૮નો સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૨][૩] ભારત સરકારે તેમને ભારત સરકાર દ્વારા ૧૯૬૩માં દેશના ત્રીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૪] તે જ વર્ષે, ૭૦ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

બાળપણ[ફેરફાર કરો]

રાહુલ સાંકૃત્યાયનનો જન્મ કેદારનાથ પાંડે તરીકે એક બ્રાહ્મણ પરિવારમાં[૫] ૯ એપ્રિલ ૧૮૯૩ના રોજ પંન્દહા ગામમાં થયો હતો.[૬] પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આઝમગઢ જિલ્લાનું, કનૈલા ચક્રપાણપુર તેમનું પૈતૃક ગામ હતું.[૭]

જીવનદર્શન[ફેરફાર કરો]

શરૂઆતમાં તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના આર્ય સમાજના અનુયાયી હતા. બાદમાં બૌદ્ધ ધર્મનો તેમના જીવન પર પ્રભાવ રહ્યો. શ્રીલંકામાં દીક્ષા લીધા બાદ તેઓએ રાહુલ (બુદ્ધના પુત્ર) નામ ધારણ કર્યું. અને બુદ્ધના ગોત્ર 'સાંકૃત્ય'નો ઉપયોગ તેમના નામ સાથે કરતા હોવાથી તેમને "રાહુલ સાંકૃત્યાયન" કહેવામાં આવ્યા હતા. પાછળથી તેઓ સમાજવાદી બન્યા અને પુનર્જન્મ અને મૃત્યુ પછીના જીવનની વિભાવનાઓને નકારી કાઢી. વિશ્વ ફિલસૂફીનો એકત્રિત ઇતિહાસ, દર્શન-દિગ્દર્શનના બે ગ્રંથો તેમની ફિલસૂફીનો સંકેત આપે છે જ્યાં બીજો ગ્રંથ ધર્મકિર્તીના પ્રમાણ વર્તિકાને સમર્પિત છે.[સંદર્ભ આપો]

પ્રવાસ[ફેરફાર કરો]

રાહુલ સાંકૃત્યાયનનો યાત્રા ઇતિહાસ ૧૯૧૦માં શરૂ થયો હતો, જ્યારે તેમણે હિમાલય જવા પ્રસ્થાન કર્યું. શરૂઆતમાં તેમણે ભિક્ષુઓ (સાધુઓ) સાથે પ્રવાસ કર્યો, પરંતુ બાદમાં તેમણે એકલ યાત્રા શરૂ કરી. સાંકૃત્યાયનનો પ્રવાસ તેમને લદ્દાખ, કિન્નૂર અને કાશ્મીર[૮] સહિત ભારતના જુદા જુદા ભાગોમાં લઈ ગયો. તેમણે નેપાળ, તિબેટ, શ્રીલંકા,[૯] ઈરાન, ચીન અને ભૂતપૂર્વ સોવિયેટ યુનિયન સહિત અન્ય કેટલાક દેશોની યાત્રા પણ કરી હતી. તેમણે બિહારના સારન જિલ્લાના પારસા ગઢ ગામમાં ઘણાં વર્ષો વિતાવ્યાં. મુસાફરી કરતી વખતે, તે મોટે ભાગે જમીની પરિવહનનો ઉપયોગ કરતા હતા. તેમણે કેટલાક દેશોમાં ગુપ્ત રીતે પ્રવાસ કર્યો હતો. તેમણે બૌદ્ધ ભિક્ષુ તરીકે તિબેટમાં પ્રવેશ કર્યો હતો. તિબેટની ઘણી યાત્રાઓ દરમિયાન તેઓ મૂલ્યવાન ચિત્રો, પાલી અને સંસ્કૃત હસ્તપ્રતો ભારત પાછા લાવ્યા.[સંદર્ભ આપો] આમાંની મોટા ભાગની સામગ્રી વિક્રમશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયના પુસ્તકાલયોનો એક ભાગ હતી. બારમી અને તે પછીની સદીઓ દરમિયાન જ્યારે આક્રમણકારી મુસ્લિમ સૈન્યોએ ભારતના વિશ્વવિદ્યાલયોનો નાશ કર્યો હતો ત્યારે બૌદ્ધ સાધુઓ દ્વારા આ વસ્તુઓ તિબેટમાં લઈ જવામાં આવી હતી.[સંદર્ભ આપો] કેટલાક અહેવાલો જણાવે છે કે રાહુલ સાંકૃત્યાયને તિબેટથી આ સામગ્રીને ભારત લાવવા માટે બાવીસ ખચ્ચરોનો ઉપયોગ કર્યો હતો. પટના સંગ્રહાલયમાં તેમના માનમાં આ સામગ્રીઓનો એક વિશેષ વિભાગ છે, જ્યાં આમાંની કેટલીક તેમજ અન્ય વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે.[સંદર્ભ આપો]

સાહિત્ય સર્જન[ફેરફાર કરો]

સાંકૃત્યાયન ભોજપુરી, હિન્દી, સંસ્કૃત, પાલી, મગધી, ઉર્દૂ, ફારસી, અરેબિક, તમિલ, કન્નડ, તિબેટીયન, સિંહાલી, ફ્રેન્ચ અને રશિયન સહિત અનેક ભાષાઓ સમજતા હતા.[૧] તેઓ ઇન્ડોલોજિસ્ટ, માર્ક્સવાદી સિદ્ધાંતશાસ્ત્રી અને સર્જનાત્મક લેખક પણ હતા.[૧] તેમણે તેમના વીસના દાયકા દરમિયાન લખવાનું શરૂ કર્યું હતું અને તેમની કુલ મળીને ૧૦૦થી વધુ રચનાઓ સમાજશાસ્ત્ર, ઇતિહાસ, તત્વજ્ઞાન, બૌદ્ધ ધર્મ, તિબેટોલોજી, લેક્સિકોગ્રાફી, વ્યાકરણ, પાઠ્ય સંપાદન, લોકસાહિત્ય, વિજ્ઞાન, નાટક અને રાજકારણ સહિતના વિવિધ વિષયોને આવરી લેતી હતી.[૧] આમાંના ઘણા અપ્રકાશિત હતા.[૧] તેમણે પ્રાકૃતમાંથી મજ્જીમા નિકાયનો હિન્દીમાં અનુવાદ કર્યો હતો.[૧]

તેમના હિન્દી પુસ્તકો પૈકી વોલ્ગા સે ગંગા (વોલ્ગાથી ગંગા સુધીની સફર) યુરેશિયાના મેદાનોમાંથી વોલ્ગા નદીની આસપાસના પ્રદેશોમાં આર્યોના સ્થળાંતર અને ત્યારબાદ હિન્દુકુશ, હિમાલય અને તેના પેટાપ્રદેશોમાં તેમની હિલચાલ; તેમજ ભારતીય ઉપમહાદ્વીપના ગંગાના મેદાનોમાં તેમના ફેલાવાને લગતી ઐતિહાસિક કૃતિ છે. આ પુસ્તકની શરૂઆત ઇ.સ. પૂર્વે ૬૦૦૦માં થાય છે અને તેનો અંત ૧૯૪૨માં આવે છે, જે વર્ષે ભારતીય રાષ્ટ્રવાદી નેતા મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનની હાકલ કરી હતી. તેનું પ્રકાશન ૧૯૪૨માં થયું હતું. વિક્ટર કિએરનાને આ કૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો જે ૧૯૪૭માં 'ફ્રોમ વોલ્ગા ટુ ગંગા' નામથી પ્રકાશિત થયો હતો.[૧૦]

તેમના પ્રવાસવર્ણન સાહિત્યમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • તિબ્બત મેં સવા વર્ષા (૧૯૩૩)
  • મેરી યુરોપ યાત્રા (૧૯૩૫)
  • અથાતો ઘુમક્કડ જીગ્યાસા
  • વોલ્ગા સે ગંગા
  • એશિયા કે દુર્ગમ ભૂખંડો મેં
  • યાત્રા કે પન્ને
  • કિન્નર દેશ મેં

તેમના દસથી વધુ પુસ્તકોનો બંગાળીમાં અનુવાદ અને પ્રકાશિત થયો છે.

અંગત જીવન[ફેરફાર કરો]

૧૯૯૩ની ભારતીય ટપાલ ટિકિટ પર સાંકૃત્યાયન

તેમના લગ્ન બાળવયમાં જ થઈ ગયા હતા પરંતુ તે તેમની બાળપત્ની સંતોષી વિશે અજાણ હતા. તેમની આત્મકથા, મેરી જીવન યાત્રા અનુસાર કદાચ તેમણે ૪૦ના દાયકામાં તેમની પત્નીને ફક્ત એક જ વાર જોઈ હતી. સોવિયેટ રશિયામાં બીજી વખતના તેમના રોકાણ દરમિયાન, લેનિનગ્રાડ યુનિવર્સિટીમાં બૌદ્ધ ધર્મ શીખવવા માટેનું આમંત્રણ સ્વીકારતી વખતે, તેઓ મોંગોલિયન વિદ્વાન લોલા (એલેના નર્વરતોવના કોઝેરોવસ્કાયા)ના સંપર્કમાં આવ્યા હતા. તે ફ્રેન્ચ, અંગ્રેજી અને રશિયન ભાષા બોલી શકતી હતી અને સંસ્કૃત પણ લખી શકતી હતી. તિબેટીયન-સંસ્કૃત શબ્દકોશ પર કામ કરવામાં તેણીની તેમણે મદદ કરી. તેમનો પરસ્પરનો લગાવ લગ્નમાં પરિણમ્યો હતો અને તેણીએ એક પુત્ર ઇગોર રાહુલોવિચને જન્મ આપ્યો હતો. સાંકૃત્યાયનનું અસાઈન્મેન્ટ પૂર્ણ થયા પછી માતા અને પુત્ર તેમની સાથે ભારત આવ્યા ન હતા.

જીવનના ઉત્તરાર્ધમાં, તેમણે કમલા સાંકૃત્યાયન સાથે લગ્ન કર્યા હતા, જેઓ ભારતીય લેખક, સંપાદક અને હિંદી અને નેપાળીમાં વિદ્વાન હતા. તેમને એક પુત્રી જયા સાંકૃત્યાયન,[૧૧] અને એક પુત્ર જેતા હતો. જેતા ઉત્તર બંગાળ વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક છે.[૧૨]

અવસાન[ફેરફાર કરો]

સાંકૃત્યાયને શ્રીલંકાની એક યુનિવર્સિટીમાં અધ્યાપકની નોકરી સ્વીકારી હતી, જ્યાં તેઓ મધુપ્રમેહ, ઉચ્ચ રક્તચાપ અને હળવા હૃદયરોગથી ગંભીર રીતે બીમાર પડ્યા હતા.[સંદર્ભ આપો] ૧૯૬૩માં દાર્જિલિંગમાં તેમનું અવસાન થયું હતું.[સંદર્ભ આપો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Sharma, R. S. (2009). Rethinking India's Past. Oxford University Press. ISBN 978-0-19-569787-2.
  2. Kumar, Kuldeep (21 April 2017). "A forgotten genius". The Hindu.
  3. Upadhyaya, Bhagavat Sharan (April–September 1959). "Madhya Asia ka Itihas". Indian Literature. 2 (2): 81 – JSTOR વડે.CS1 maint: date format (link)
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 ઑક્ટોબર 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015. Check date values in: |archive-date= (મદદ)
  5. Mishra, Girish; Pandey, Braj Kumar (1996). Sociology and Economics of Casteism in India: A Study of Bihar (અંગ્રેજીમાં). University of Michigan. પૃષ્ઠ 162. ISBN 978-81-7307-036-5.
  6. Meri Jeevan Yatra. 1. પૃષ્ઠ 1–4, 465–488.
  7. Prabhakar Machwe (1 January 1998). Rahul Sankrityayan (Hindi Writer). Sahitya Akademi. પૃષ્ઠ 12–. ISBN 978-81-7201-845-0.
  8. "Rahul Sankrityayan's Tibet Story". The Wire. મેળવેલ 2023-10-25.
  9. "Remembering Rahul Sankrityayan, the traveller who invented Hindi travelogue and knew more than 30 languages". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2023-10-25.
  10. Rahul Sankrityayana From Volga to Ganga, Rahula Publication, Mussoorie, 1947.
  11. Sankrityayan’s daughter protests shifting of Patna Museum Collection, Times of India, Sept 13, 2017
  12. Roles of Rahul Sankrityayan in Nepalese Cultural Tourism is an analysis of Nepalese, BP Badal, Nepal Journal of Development Studies, 2019]

પૂરક વાંચન[ફેરફાર કરો]

  • Ram Sharan Sharma, Rahul Sankrityayan and Social Change, Indian History Congress, 1993.
  • Himalayan Buddhism, Past and Present: Mahapandit Rahul Sankrityayan centenary volume by D. C. Ahir (ISBN 978-81-7030-370-1)
  • Prabhakar Machwe: "Rahul Sankrityayan" New Delhi 1978: Sahitya Akademi. [સાંકૃત્યાયનની કૃતિઓની સૂચિ સહિત એક ટૂંકું જીવનચરિત્ર]
  • Bharati Puri, Traveller on the Silk Road: Rites and Routes of Passage in Rahul Sankrityayan’s Himalayan Wanderlust, China Report (Sage: New Delhi), February 2011, vol. 47, no. 1, pp. 37–58.
  • Alaka Atreya Chudal, A Freethinking Cultural Nationalist: A Life History of Rahul Sankrityayan, Oxford University Press, 2016. (ISBN 978-01-9946-687-0)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]