લખાણ પર જાઓ

અંગ્રેજી સાહિત્ય

વિકિપીડિયામાંથી

અંગ્રેજી સાહિત્યના પ્રાચીન સમયથી લઈને વર્તમાન સુધીના સમયગાળાને ઘણા પરિમાણોમાં વિભાજિત કરી શકાય છે. આ વિભાગ અભ્યાસને સરળ બનાવવા માટે કરવામાં આવે છે. તેના મુખ્ય ત્રણ યુગ મનાય છે: (૧) આંગ્લસેકસન (૨) નોર્મન વિજયથી ચોસર સુધી અને (૩) ચોસરથી નવ જાગૃતિ સુધી.[]

જૂનું અંગ્રેજી સાહિત્ય(c.૪૫૦-૧૦૬૬)

[ફેરફાર કરો]
બેઆવુલ્ફ મહાકાવ્યનું પ્રથમ પાનુ

બેઆવુલ્ફએ જૂની અંગ્રેજી એંગ્લો-સેકસન ભાષામાં લખાયેલું સૌથી પ્રાચીન વીરકાવ્ય છે. જેમાં છઠ્ઠી સદીની જર્મન પ્રજાના શૌર્યયુગનું વર્ણન કરે છે. એંગ્લો-સેકસન ગદ્ય સાહિત્યના પિતા તરીકે રાજા આલ્ફ્રેડ (૮૪૯-૮૯૯) ઓળખાય છે.[] રાજા અલ્ફ્રેડના કાર્યકાળ દરમિયાન લેટિન ધર્મકથાઓના ભાષાંતરથી ગદ્ય સાહિત્યનો વિકાસ થયો.[]

ફ્રાંસના નોર્મન રાજા વિલિયમે ઇ.સ. ૧૦૬૬માં ઈંગ્લેન્ડ પર આક્રમણ કરી જીત મેળવી, જેના પરિણામે ફ્રેંચનો પ્રભાવ અંગ્રેજ સાહિત્ય પર પડ્યો અને તેના કારણે અંગ્રેજી સાહિત્યમાં એક નવી સંસ્કૃતિનો સંચાર થયો.[]

મધ્યકાલીન અંગ્રેજી સાહિત્ય (૧૦૬૬-૧૫૦૦)

[ફેરફાર કરો]

અંગ્રેજી સાહિત્યનો વિકાસ ચૌદમી સદીના ઉતરાર્ધમાં થયો. ૧૩૫૦માં અંગ્રેજી રાજભાષા બની.[] જ્યોફ્રે ચોસર અંગ્રેજી સાહિત્યના પ્રથમ સર્જક છે. જેમણે દુનિયાના વિવિધ દેશ-વિદેશોના પ્રવાસ ખેડયા, તેઓ ઈટાલીના કવિ પેટ્રાર્કના પણ સંપર્કમાં આવ્યા. આ સમયગાળામાં તેમણે વિવિધ સાહિત્ય રચનાઓ કરી જેમાં ‘ધ હાઉસ ઓફ ફેઇમ’,‘ધ પાર્લામેન્ટ ઓફ ફાઉલ્સ’, તથા ‘ટ્રોઇલ્સ એન્ડ ક્રિસિડા’નો સમાવેશ થાય છે. તેમની સૌથી વધુ લોકપ્રિય કૃતિ ‘કેન્ટબરી ટેલ્સ’ છે.[]

ચોસરના અવસાન બાદ બે સદી સુધી સાહિત્યમાં કોઈ નામાંચીન સર્જક જવા મળતો નથી. આ સમય દરમ્યાન ધાર્મિક, બૌધિક તથા બાઇબલ પર આધારિત નાટક ભજવવાવમાં આવતા હતા, જેમાં સમયસાથે મનોરંજને સ્થન લીધું. નીતિપ્રધાન નાટકોમાં ‘ધ કેસલ ઓફ પર્સિવિયરન્સ’ અને ‘મેકમાઇન્ડ' નોધપાત્ર છે. ‘એવરીમેન’ પણ કલાની દદ્રષ્ટિએ એક શ્રેષ્ઠ કૃતિ છે, જેની રચના ઇ.સ. ૧૫૦૯-૧૫૧૯માં થઈ જેને નીતિપ્રધાન નાટકો સાથે એક નવો દરબારી નાટ્યપ્રયોગ ‘ઇન્ટરલ્યૂડ’ વિકસાવ્યો.[]

વિલિયમ કેકસ્ટને (૧૪૨૨-૧૪૯૧) અંગ્રેજી લોકોને મુદ્રણાલયની ભેટ આપી જેના લીધે લોકોની વાંચન ભૂખ સંતોષવા લાગી. ટોમસ મેલરી (મૃત્યુ ૧૪૭૧)એ લોકોના મનોરંજન માટે રાજા આર્થરની કથાઓ રચી.[]

પુનરુત્થાન (Renaissance) યુગ

[ફેરફાર કરો]

જ્યારે તુર્કી ઇ.સ. ૧૪૫૩માં કોન્સ્ટેન્ટિનોપલ જીત્યું ત્યારે ત્યાનાં વિદ્વાનો અને ધર્મગુરુઓ તેમના ગ્રંથભંડારની સાથે યુરોપના દેશમાં પલાયન કરી ગયા. સાહિત્ય ગ્રંથોનો અનુવાદ અંગ્રેજીમાં થવાનો શરૂ થયો. આ સમયમાં વાસ્કો ડી ગામા અને કોલંબસે કરેલી દરિયાઈ યાત્રાઓ અને શોધખોળોએ અંગ્રેજી પ્રજામાં રોમાંચ જગાડયો. ટોમસ મોરે(૧૪૭૭-૧૫૩૫) રેચલ ‘યુટોપિયા’એ નવજાગૃતિ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. તેની સાથે સાથે ફ્રાંસના ટોમસ વેટ (૧૫૦૩-૧૫૪૨) અને સરે (૧૫૧૭-૧૫૪૭)કાવ્યો અને સોનેટની રચના કરી લોકોને કવિતા પ્રત્યે ઉત્સુક કર્યા.[]

એલિઝાબેથ યુગ(૧૫૫૮-૧૬૦૩)

[ફેરફાર કરો]

ઇ.સ. ૧૫૫૮માં રાણી એલિઝાબેથ સત્તામાં આવ્યા. સ્પેનના નૌકાકાફલાએ આપેલ હાર બાદ અંગ્રેજ પ્રજામાં દેશપ્રેમ વધ્યો. આ સમય દરમ્યાન એડમંડ સ્પેનસરે (૧૫૫૨-૧૫૯૯) ‘ ફાઇરી ક્વીન’કાવ્યકૃતિની રચના કરી. ‘આર્કેડિયા’ અને ‘એસ્ટ્રોફેલ એંડ સ્ટેલ’ની રચના ફિલિપ સિડની (૧૫૫૪-૧૫૮૬)એ કરી. તેમણે ‘ડિફેન્સ ઓફ પોએટ્રી’ની પણ રચના કરી જેથી તેમણે એક વિવેચકની નામના મળી.જોન ડન (૧૫૭૨-૧૬૩૧)ના કાવ્યોએ 'મેટાફિજિકલ' (અધ્યાત્મવાદી) કવિતામાં નવો સંચાર કર્યો.[]

લોકો પણ નાટક પ્રત્યે આકર્ષાયા જેના પરિણામે સંખ્યાબંધ નાટકકંપનીઓ અને નાટ્યગૃહોની સ્થાપના થઈ. જોન લિલી (૧૫૫૪-૧૬૦૬), જ્યોર્જ પીલ (૧૫૫૮-૧૫૫૬), ટોમસ કિડ (૧૫૫૮-૧૫૯૪) વગેરેએ નાટ્યક્ષેત્રે મોટું યોગદાન આપ્યું. નિકોલસ યુડલની (૧૫૦૪-૧૫૫૬) ‘રાલ્ફ રોઈસ્ટર ડોઈસ્ટર’જે પ્રથમ અંગ્રેજી કોમેડી છે.[]

શેક્સપિયરના પહેલા ક્રિસ્ટોફર માર્લો(૧૫૬૪-૧૫૯૩)એ પોતાના નાટકોથી એલિઝાબેથ યુગનું થિયેટર જીવંત બનાવ્યું. તેમની ખ્યાતનામ કૃતિઓમાં ‘ટેમ્બરલેન’,‘ડોકટર ફોસ્ટસ’,‘ધ જ્યૂ ઓફ માલ્ટા’ અને ‘એડવર્ડ ધ સેકન્ડ’નો સમાવેશ થાય છે.[]

શેકસપિયર યુગ

[ફેરફાર કરો]
વિલિયમ શેક્સપીયર

વિલિયમ શેક્સપીયર એટ્લે રાણી એલિઝાબેથનો યુગ. આ યુગને સુવર્ણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં સંપતિ તેમજ સાહિત્યસમૃદ્ધિને વેગ મળ્યો. આ સમયમાં શેકસપિયરે વિવિધ નાટકોની રચના કરી જે વિશ્વભરમાં અમર થયા.[]

શેકસપીયરનો જન્મ સ્ટ્રેટફર્ડ-ઑન-એવનમાં થયો, માતા મેરી અને પિતા જોનની નબળી પરિસ્થિતિના કારણે નસીબ અજમાવવા લંડન ગયા અને ખૂબ રઝળપાટ પછી અંતે નાટયમંડળીમાં જોડાયા. થોડા સમયમાં તેમણે નાટયક્ષેત્રે નામના મેળવી. તેમણે શરૂઆતમાં ઐતિહાસિક નાટકો રચ્યા. ઇ.સ. ૧૫૯૫માં ‘રોમિયો જુલિયટ’ જેવી કરૂણ નાટયકૃતિની રચના કરી. તેમણે ૩૭ નાટકો અને ૧૫૪ સોનેટની રચના કરી.[]

તેમની ખ્યાતનામ કાવ્યો ‘વિનસ અને એડોનિસ’ અને ‘રેપ ઓફ લ્યુક્રિસ’ છે. તેમની ચાર જાણીતી કરુણાંતિકાઓ ‘ઓથેલો’, ‘મેકબેથ’ , ‘કિંગ લિયર’ અને ‘હેમલેટ’ છે. તેમના નાટકોમાં તેમણે ‘બ્લેન્ક વર્સ’નો પ્રયોગ કર્યો છે. તેમની સર્જનશક્તિએ તેમણે વિશ્વના મહાન નાટયકાર બનાવ્યા છે. તેમના નાટકો દુનિયાની વિવિધ ભાષાઓમાં અનુવાદિત થયા છે.[]

જેકોબિયન યુગ

[ફેરફાર કરો]

કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્વાન બેન જોન્સન (૧૫૭૩-૧૬૩૭) વિલિયમ શેકસપિયરના સમકાલીને રંગભૂમિને પોતાના મહેનતથી નવી દિશા આપી. તેમના નાટકો ‘એવરી મેન ઇન હિઝ હ્યુમર ’ (૧૫૯૮), ‘એવરી મેન આઉટ ઓફ હિઝ હ્યુમર’ , ‘વોલ્પોન’ અને 'એલ્કેમિસ્ટ’ પ્રખ્યાત છે.[]

પુનુરુત્થાન યુગમાં સાહિત્યક્ષેત્રમાં કવિતાનું પ્રભુત્વ જોવા મળે છે. ગદ્યસાહિત્યમાં પણ ૧૬૧૧માં થયેલ બાઈબલનો અનુવાદ એક મહત્વનો બનાવ હતો.[]

સોળમી સદીના ઉતરાર્ધમાં ફ્રાન્સિસ બેકન(૧૫૬૧-૧૬૨૬) તત્વચિંતનક્ષેત્રે નિબંધો દ્વારા નવી શરૂઆત કરી. તેમના પહેલા ફ્રાંસમાં મોન્ટેઇને પણ આ ક્ષેત્રમાં યોગદાન આપ્યું. નિબંધોમાં કેન્દ્રનો વિષય માનવની સામાજિક અને નૈતિક જવાબદારી હતો. તેમના કેટલાય વિધાનો અંગ્રેજી ભાષામાં અમર બની ગયા. આજ સમયમાં રોબર્ટ બર્ટને (૧૫૭૬-૧૬૪૦) ‘ધી એર્નટૉમી ઓફ મેલેન્કલી’ જ્ઞાનકોશરૂપ ગ્રંથને પ્રકાશિત કર્યો.[]

પ્યુરિટનવાદ

[ફેરફાર કરો]

રાજા ચાર્લ્સના વધ પછી ઇ.સ. ૧૬૪૯માં ક્રોમવેલ ગાદી પર આવ્યા અને પ્યુરિટનવાદ-મરઝાદીપણાનું પ્રભુત્વ વધ્યું. સાહિત્યસંગીતકાલાનો વિકાસ અટક્યો.[]

રૅસ્ટોરેશન યુગ

[ફેરફાર કરો]

ક્રોમવેલ પછી ૧૬૬૦માં ચાર્લ્સ બીજો ગાદી પર આવ્યો અને બે દાયકાથી બંધ પડેલા નાટ્યગૃહો ફરીથી ધમધમતાં થયા. ઈથરેજ (૧૬૩૪-૧૬૯૧), વાઇકરલી (૧૬૪૧-૧૭૧૫) અને કોનગ્રીવ (૧૬૭૦-૧૭૨૯)ના હાસ્યનાટકો (comedies) રંગભૂમિ પર પ્રગટ થયા.[]

જોન મિલ્ટને પેરડાઈઝ લોસ્ટ ૧૬૬૭માં પ્રકાશિત કર્યું હતું

જોન મિલ્ટન (૧૬૦૮-૧૬૭૪) શેક્સપિયર પછીના કવિ છે. તેમનું શિક્ષણ કેમ્બ્રિજમાં થયું. તેમણે યુરોપનો પ્રવાસ પણ કર્યો હતો. તેમની પ્રથમ કૃતિઓ ‘કોમસ ’ (૧૬૩૭) , ‘લિસીડસ ’ (૧૬૨૭) છે. પરંતુ તેમની લોકપ્રિયતા ‘પેરડાઈઝ લોસ્ટ’ ના લીધે વધી હતી. ‘પેરડાઈઝ લોસ્ટ’ના વિષયવસ્તુમાં આદમ અને ઇવનું ઈશ્વર આજ્ઞાના ભંગ બદલ પૃથ્વી પર પાપ અને મૃત્યુનો શાપ મળે છે અને તેમના અધઃપતન વર્ણવતો બાઇબલનો પ્રસંગ છે. આ કૃતિનો જવાબ ‘પેરડાઈઝ રેગેઇન્ડ ’ (૧૬૭૧)માં છે. જેમાં શેતાન અને ઈશુ ખ્રિસ્ત બે પ્રમુખ પાત્રો છે.[]

આત્મકથાના તત્વની ઝાંખી કરાવતી ‘સેમ્સન એગોનિસ્ટીસ ’ (૧૬૭૧) પણ બાઇબલ પર આધારિત છે. મિલ્ટનને અંધાપો આવતા તેમની પુત્રીવએ તેમનો ખ્યાલ રાખ્યો હતા સતરમી સદીના મધ્યમાં અંગ્રેજી સાહિત્યમાં તાત્વિક પરીવર્તન આવ્યું. લોકોનું વાંચન પ્રત્યે આકર્ષણ વધ્યું. આ સમયમાં કટાક્ષકાળામાં સિદ્ધ જોહન ડ્રાયડનના નાટકો ‘એબ્સેલમ અને એચિટોફેલ ’ (૧૬૮૧) અને ‘ધ હાઉન્ડ એન્ડ ધ પાન્થર' (૧૬૮૭) પ્રકાશિત થયા. સેમ્યુઅલ બટલરે(૧૬૧૩-૧૬૮૦) પણ ‘હ્યુડિબ્રાસ ’ (૧૬૬૩) નામની કટાક્ષકૃતિની રચના કરી.[]

ડ્રાયડનના સમકાલીન એલેક્ઝાંડર પોપ(૧૬૮૮-૧૭૪૪) પણ પુનઃસ્થાપન યુગના સાહિત્યસર્જક છે. ‘એસે ઑઁ ક્રિટીસિઝમ ’ (૧૭૧૧) તેમનું પ્રસિદ્ધ પુસ્તક છે. ૧૮મી સદીમાં પ્રવર્તતી કૃત્રિમ અને દંભી રીત રસમો પર ‘ધ રેપ ઓફ ધ લોક ’ (૧૭૧૪)માં અને ‘ડન્સિયાડ ’ (૧૭૨૮) કૃતિમાં સમકાલીન જડતા પર કટાક્ષકરી છે. તેમની ‘એસે ઓન મેન’ કાવ્યકૃતિ પણ પ્રખ્યાત છે.[]

રેસ્ટોરશન કૉમેડી પર બેન જોન્સનનો પ્રભાવ વધારે જોવા મળે છે. તેમાં વાક્ચાતુર્ય, તીક્ષ્ણ, ચાબરાકીભર્યા વાક્યુદ્ધ અને લગ્નની સંસ્થાઓ પરના પ્રત્યાઘાતના વિષયો કેન્દ્રમાં હતા. તેમાં ફલેચર અને બોમાંની અસર પણ જોવા મળે છે.[]

હાસ્યનાટક

[ફેરફાર કરો]

રેસ્ટોરશન યુગના નાટ્યલેખકોમાં ડ્રાયડનનું નામ પહેલું છે. તેમની પહેલી કૉમેડી ‘ધ વાઇલ્ડ ગેલાન્ટ ’ (૧૬૬૩) હતી. ત્યારબાદ ‘ધ રાઈવલ લેડિઝ’ અને 'સિક્રેટ લવ’ પણ રચાઇ. જ્યોર્જ એથરિજ રેસ્ટોરેશન કોર્ટના રંગીલા, વિલાસચતુર વર્તુળના પ્રતિનિધિરૂપ હતા. ‘ધ કમર્શિયલ રિવેંજ ઓર લવ ઇન અ ટબ ’ (૧૬૬૪) તેમનું પહેલું નાટક હતું. ત્યારબાદ તેમણે ‘શી વૂડ ઇફ શી કૂડ ’ (1688) અને ‘ધ મેન ઓફ મોડ' , ઓર ધ ફોપ્લિંગ ફટલર ’ (1676) રજૂ થઈ. વિલિયમ વિશર્લી(1640-1716) પણ એક નાટ્યકાર હતા. તેમની કુલ ચાર કૉમેડી ‘લવ ઇન અ વૂડ’ , 'ધ જેન્ટલમેન ડાન્સિગ માસ્ટર’ , ‘ ધ કન્ટ્રી વાઈફ’ અને ‘ધ પ્લેન ડીલર’ પ્રકાશિત થઈ. વિલિયમ કૉન્ગ્રીવ(૧૬૭૦-૧૭૨૯) પણ ચાર કૉમેડીની રચના કરી: ‘ધ ઓલ્ડ બેચલર’ , ‘ધ ડબલ ડીલર’ , ‘લવ ફોર લવ’ અને 'ધ વે ઓફ ધ વર્લ્ડ’.[]

૧૮મી સદી

[ફેરફાર કરો]

૧૮મી સદી ને તર્ક અને રીતિવાદી યુગ જ્યારે ૧૯મી સદીને રોમેન્ટિક યુગ તરીકે ઓળખવામાં આવે છે.[]

ઑગસ્ટન યુગ

[ફેરફાર કરો]

ચાર્લ્સ બીજો ઇ. ૧૬૬૦માં ઈંગ્લેન્ડની ગાદીએ આવ્યો તે સાથે જ લંડન શહેરના બૌદ્ધિક વર્ગમાં અને તત્કાલીન સાહિત્યમાં એક મોટું પરીવર્તન આવ્યું. ડ્રાયડન, ડીફો, પોપ, સ્વિફ્ટ વગેરે કવિઓએ અંગ્રેજી સાહિત્યને વિષયવસ્તુ અને રીતિ બંને રીતે સારી પેઠે સમૃદ્ધ કર્યું. આ આખા યુગને ઑગસ્ટન યુગ તરીકે ઓળખાય છે.[]

ઑગસ્ટન યુગના કવિઓએ પ્રકૃતિ કાવ્યો અને ગોપકાવ્યો રચ્યા. ડેન્હામનું ‘કુપર્સ હિલ’, પોપનું ‘વિન્ડસર ફોરેસ્ટ’ જાણીતા કાવ્યો હતા. તેમનું કેન્દ્રનું સૂત્ર હતું, “The proper study of mankind was man.” []

૧૮મી સદીમાં પ્રકૃતિ એક સ્વતંત્ર વિષય તરીકે કવિતામાં આવ્યો. જેમ્સ થોમ્સન (૧૭૦૦-૧૭૪૮) તેના ‘સીઝન્સ ’ (૧૭૨૬-૧૭૩૦) કાવ્યથી લોકપ્રિય બન્યો. વિલિયમ કાઉપર(૧૭૩૧-૧૮૦૦)ની કવિતાઓના કેન્દ્રમાં માનવતા પ્રત્યેનું લોકસમુદાય ઢળતું વલણ જોવા મળે છે.આ સદીના સર્જકોમાં ઊર્મિલતા, વેવલાઈ, ઉન્માદ, નિરાશા અને ઉદાસીનતા વધારે જોવા મળે છે. આ પ્રકારની રચનાઓમાં વિલિયમ બ્લેઈકનું (૧૭૫૭-૧૮૨૭) નામ એમાં મોખરે છે. તેઓ એક ચિત્રકાર હતા. તેમની ‘ધી એવરલાસ્ટિંગ ગોસપેલ ’ (૧૮૧૮) ખ્યાતનામ કૃતિ છે.[]

એલેક્ઝાંડર પોપના અનુગામી કવિઓ ઓલિવર ગોલ્ડસ્મિથ (૧૭૩૦-૧૭૭૪) તથા સેમ્યુઅલ જોહન્સન (૧૭૦૫-૧૭૮૪) હતા. ગોલ્ડસ્મિથના ‘ધ ટ્રાવેલર’ (૧૭૬૪), અને ‘ધ ડેઝર્ટડ વિલેજ’ (૧૭૭૬)માં સમકાલીન આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડમાં વર્તતા સામાજિક તથા આર્થિક દૂષણોનું ચિત્રણ જોવા મળે છે. જોનસનની ‘લંડન’ (૧૭૩૮) અને ‘ધ વેનિટી ઓફ હ્યુમન વિશિઝ’ (૧૭૪૯) રચનાઓ જુવેનલના કટાક્ષ પટ આધારિત છે.[]

ગદ્ય સાહિત્ય

[ફેરફાર કરો]
જોનાથન સ્વિફ્ટ

૧૮મી સદીમાં રચાયેલ સેમ્યુઅલ જોન્સન (૧૭૦૯-૧૭૮૪)નો ‘શબ્દકોશ ’ (૧૭૪૭-૫૫) રમુજ વ્યાખ્યાઓને કારણે પ્રચલિત બન્યો. ‘લાઈવ્ઝ ઓફ પોએટ્સ’ (૧૭૭૯-૮૧) પણ તેમની પ્રખ્યાત કૃતિ છે. જોન્સનની જીવનકથા ‘લાઈફ ઓફ જોન્સન’ તેના મિત્ર જેમ્સ બોઝવેલ દ્વારા લખવામાં આવી.[]

ગોલ્ડસ્મિથના ‘શી સ્ટુપ્સ ટુ કોંકર ’ (૧૭૭૩), શેરીડન(૧૭૫૧-૧૮૧૬)નું ‘ધ રાઈવલ્સ ’ (૧૭૭૫) અને ‘ધ સ્કૂલ ફોર સ્કેન્ડલ’ પણ ખૂબ ચર્ચિત નાટકો રહ્યા. શેરીડનમાં ૧૮મી સદીના અંગ્રેજી સમાજનું ચિત્રણ કરવામાં આવ્યું છે.[]

ગદ્યક્ષેત્રમાં ડેનિયલ ડિફો, એડિસન અને સ્ટીલ જેવા બીજા સમર્થ લેખકોએ નોધપાત્ર પ્રદાન કર્યું.[]

જોસેફ એડિસન(૧૬૭૨-૧૭૧૯) અને રિચાર્ડ સ્ટીલે(૧૬૭૨-૧૭૨૯) શરૂ કરેલ સામાયિકથી ફ્રાન્સિસ બેકને સોળમાં સૌકામાં શરૂ કરેલ નિબંધમાં વિસ્તાર થયો. ત્યારબાદ તેમણે ‘સ્પેક્ટેટર’ શરૂ કર્યું. તેમણે મિતભાષી, હળવું, કટાક્ષયુક્ત અને ઉપદેશાત્મક વિષયવસ્તુ પર લખ્યું જે મધ્યમવર્ગને પસંદ પડ્યું. જેથી નિબંધક્ષેત્ર વિકાસ પામ્યું.[]

ડેનિયલ ડિફો(૧૬૦૦-૧૭૩૧)ની પ્રખ્યાત કૃતિ ‘રોબિન્સન ક્રૂઝો’ પણ પ્રકાશિત થઈ. જોનાથન સ્વિફ્ટ(૧૬૬૭-૧૭૪૫)ની ‘મોડેસ્ટ પ્રપોઝલ ’ (૧૭૨૯), ‘ધ બેટલ ઓફ બુક્સ’ અને ‘ધ ટેલ ઓફ ટબ’ તેમની નિબંધકળા અને કટાક્ષવૃતિનો પરિચય આપે છે રાજકારણ પરની કટાક્ષકૃતિ ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ તેમની પ્રખ્યાત કૃતિ છે.[]

રોમેન્ટિક કવિતા (Romantic poetry)

[ફેરફાર કરો]
વિલિયમ બ્લેક

ઇ.સ ૧૭૮૦ થી ૧૮૩૦ના અડધી સદીના ગાળામાં સંખ્યાબંધ કવિઓની એક નવી લહેર આવી જે રોમેન્ટિસીઝમ તરીકે ઓળખાઈ. અંગ્રેજી કવિતામાં રોમેન્ટિક વલણ પાછળ માત્ર અંગ્રેજી વિચારધારા જ ન હતી. જર્મનીમાં પણ રોમેન્ટિક વિચારધારા પ્રભાવિત હતી.[]

રોબર્ટ બર્ન્સ(૧૭૫૯-૧૭૯૬) રોમેન્ટિક ચળવળના મુખ્ય કવિ હતા. તેમની સાહિત્ય કૃતિઓ ૧૭૮૯ થી ૧૭૯૬ના ગાળામાં પ્રકાશિત થઈ. વિલિયમ બ્લેક(૧૭૭૪-૧૮૧૦) એક સ્વપ્નદ્રષ્ટા કવિ હતા. 'પોયેટિકલ સ્કેચીઝ' (૧૭૮૩) તેમનું પુસ્તક છે જે તેમના મિત્રની આર્થિક મદદથી પ્રકાશિત થયું.[]

કવિ વર્ડ્સવર્થ માનવી માટે ખૂબ મોટી આશાઓ રાખી પણ તે નિષ્ફળ નિવડતા નિરાશ થયા. તેઓ ખૂબ સંવેદનશીલ હતા. ‘ધ પ્રિલ્યુડ’ તથા ‘લિરિકલ બેલડ્ઝ ’ (૧૭૯૮)માં તેમણે ગામડાના મનોરમ્ય દ્રશ્યો પ્રગટ કર્યા. ‘ટીંટર્ન એબી ’ (૧૭૯૮) અને ‘મોર્ટાલિટી ઓડ’ તેમની અન્ય જાણીતી રચનાઓ છે કોલરિજ અને વર્ડ્ઝવર્થ એકબીજાના મિત્રો હતા.[]સેમ્યુઅલ ટેલર કોલરિજ શિક્ષકના પુત્ર હતા. તેમની પ્રખ્યાત કૃતિઓમાં 'ધી એન્શન્ટ મરીનર' અને 'કુબ્લા ખાન' નો સમાવેશ થાય છે.[૧૦]

બીજી પેઢીના કવિઓ

[ફેરફાર કરો]

પર્શી બાઈસી શેલી એક આદર્શવાદી કવિ હતા. તેમની કવિતાઓમાં પણ પયગંબરી સંદેશ જોવા મળે છે. ‘પ્રોમિથીયસ અનબાઉન્ડ ’ (૧૮૨૦) શેલીની ઉર્મિપ્રધાન નાટ્ય રચના છે. ‘ટુ એ સ્કાયલાર્ક ’ (૧૮૨૦), 'ધ કલાઉડ ’ (૧૮૨૦), ‘ઓડ ટુ ધ વેસ્ટ વિન્ડ ’ (૧૮૨૦) તેમની ખ્યાતનામ કૃતિઓ છે.[]

જોહન કીટસ(૧૭૯૫-૧૮૨૧)ના કાવ્યવિષયમાં દંતકથાઓનો આશરો લીધો, તેમની જાદુઇશક્તિ સ્પેનસર અને શેક્સપિયર પર આભારી છે. તેમની બે કૃતિઓ ‘ઇઝાબેલ ’ (૧૮૨૦) અને ‘ધ આઇવી ઓફ સેંટ એગ્નિસ ’ (૧૮૨૦) જાણીતી છે. તેમની કાવ્યપંક્તિ ‘A thing of beauty is a joy for ever ’ (સૌંદર્યનો આનંદ શાશ્વત હોય છે.) ખૂબ સ્મરણીય છે.[]

રોબર્ટ બ્રાઉનિંગ(૧૮૧૨-૧૮૮૯) બાળપણથી કવિતા પ્રેમી હતા. ૧૮૫૫માં ‘મેન એન્ડ વિમેન’ કૃતિ પ્રકાશિત થઇ. ‘ડોમેસ્ટિક પર્સન ’ (૧૮૬૪) અને ‘રિંગ એન્ડ ધ બ્રુક ’ (૧૮૬૯)ની રચનાથી તેમનું નામ પહેલી હરોળના કવિઓમા સ્થાન પામ્યું. ઓગણીસમી સદીના ઉતરાર્ધમાં મેથ્યુ આર્નોલ્ડ(૧૮૨૨-૧૮૮૮) નો ઉદય થયો. તેમની કવિતાઓ કરતાં વિવેચનો ખૂબ જાણીતા છે. ‘ધ સ્કૉલર જિપ્સી’ અને 'સોહરાબ એન્ડ રુસ્તક’ તેમની જાણીતી રચનાઓ છે.[]

રોમેન્ટિક નવલકથા

[ફેરફાર કરો]

સર વોલ્ટર સ્કોટ (૧૭૧૧-૧૮૩૨) ઐતિહાસિક નવલકથાઓ લખવાનું શરૂઆત કરી. જેમાં તેઓ ભૂતકાલીન સમાજનાં વર્ણનો અને પાત્રચિત્રણ કલા દ્વારા તેમણે ભૂતકાળની સ્થિતિને લોકો પ્રત્યક્ષ કરાવે છે. તેમની પ્રખ્યાત નવલકથાઓમાં ‘વેવર્લી ’ (૧૮૧૪), ‘આઈવેન્હો ’ (૧૮૧૯), ‘કેનિલવર્થ ’ (૧૮૨૧) અને ‘કવેન્ટિન' નો સમાવેશ થાય છે.[]

જેન ઓસ્ટીને(૧૭૦૫-૧૮૧૭)નવા જ વિષય સાથે નવલકથામાં પ્રવેશ કર્યો. ‘નોર્ધંન્જર એલી ’ (૧૮૧૮) એક કટાક્ષ નવલકથા છે. તેમની સર્વોતમ નવલકથા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યૂડાઈસ ’ (૧૮૧૩) છે. તેમની અન્ય નવલકથાઓ ‘સેન્સ એન્ડ સેન્સિબિલિટી ’ (૧૮૧૧), ‘મેન્સફિલ્ડ' (૧૮૧૪) ‘એમ્મા ’ (૧૮૧૬) અને ‘નોધેન્ગર એબી’ વગેરે વર્તમાનમાં પણ એટલીજ પ્રચલિત છે.[]

નવલકથા

[ફેરફાર કરો]

અંગ્રેજી સાહિત્યમાં અઢારમી સદીના ચોથા દાયકાના અંતે નવલકથા નો ઉદ્ભવ એ એક મહત્વની ઘટના બની.[૧૦]

૧૯મી સદીમાં રંગદર્શી(Romantic) સર્જકોનું ધ્યાન નવલકથા લેખન પર પડ્યું. ‘પામેલા ’ (૧૭૪૦-૪૧)એ રિચાર્ડસન દ્વારા લખાયેલી પ્રથમ નવલકથા છે. આ નવલકથા પત્ર સ્વરૂપમાં પ્રગટ થઈ હતી. તેમની અન્ય બે રચનાઓ ‘કેલેરિસા ’ (૧૭૪૭-૪૮) અને ‘સર ચાર્લ્સ ગ્રાન્ડિયન ’ (૧૭૫૩-૫૪) પણ પ્રસિદ્ધ છે.‘જોસેફ એન્ડ્ર્ઝ ’ (૧૭૪૨) રિચર્ડસનના પ્રયોજનની મજાક કરવાના ઈરાદા સાથે હેન્રી ફિલ્ફિંગે(૧૭૦૭-૧૭૫૪) લખી હતી. ‘ટોમ જોન્સ’ પણ તેમની પ્રખ્યાત કૃતિ છે. જેના નાયકનું પાત્રચિત્રણ અદભૂત છે.[]

આ સદીના અન્ય સર્જકોમાં બુલવર લિટન(૧૮૦૩-૧૮૭૩), ચાર્લ્સ રીડ(૧૮૧૪-૧૮૮૪), મિસિસ ગસ્કેલ(૧૮૧૦-૧૮૩૫) અને વિલ્કી કૉકલિન્સ(૧૮૨૪-૧૮૮૯)ની ગણના થાય છે. ‘શાર્લોટ બ્રોન્ટ(૧૮૧૬-૧૮૫૫) અને એમિલી બ્રોન્ટ(૧૮૧૮-૧૮૪૮)ની નવલકથાના પાત્રો મધ્યમ વર્ગના જોવા મળે છે. એમિલીની ‘વુધરિંગ હાઈટસ ’ (૧૮૪૭) અને શાર્લોટની ‘જેન આયર’ ખૂબ પ્રચલિત નવલકથાઓ છે. તેમની સમકાલીન લેખિકા મેરી એવાન્સે ‘જ્યોર્જ એલિયટ ’ (૧૮૧૯-૧૮૮૦) પુરુષનામ ધારણ કરીને યોગદાન આપ્યું. ‘ધ મિલ ઓન ધ ફ્લોર્સ ’ (૧૮૬૦)માં ભાઈ-બહેનનાં પ્રેમનું આલેખન અને ‘મિડલ માર્ચ’માં મેરીની સર્જનશક્તિ અને બુદ્ધિનું ઉપયોજન જોવા મળે છે.[]

સ્મોલેટ (૧૭૨૧-૧૭૭૧)એ હેન્રી ફિલ્ડિંગના સમકાલીન નવલકથાકાર છે. તેમની ચિત્ર સાથેની દરિયાઈ જીવનની નવલકથા ‘રોડરિક રેન્ડમ ’ (૧૭૪૮) ખૂબ લોકપ્રિય છે. ‘ધ એક્સપિડિશન ઓફ હમ્ફી કીલ્નકર ’ (૧૭૭૧) તેમની પત્રાત્મક નવલકથા છે. તેમની નવલકથાઓના વિષયવસ્તુમાં જોવા મળે છે કે રખડું નાયક સદગુણી કન્યાને પરણે એટલે સુધરી જાય છે.[]

લોરેન્સ સ્ટર્ન (૧૭૧૩-૧૭૬૮) પણ ૧૮મી સદીના એક પ્રખ્યાત સર્જક છે. તેમની નવલકથા ‘ટ્રિસ્ટમ શેન્ડી ’ (૧૭૫૮-૬૭)માં માનવીના આંતરપ્રવાહનું આલેખન કર્યું છે. ‘સેન્ટિમેન્ટલ જર્ની ’ (૧૭૬૧)એ એક હાસ્ય નવલકથા છે. આ સમયમાં પ્રકાશિત અન્ય જોન્સનની ‘રેસિલસ ’ (૧૭૫૯), ગોલ્ડસ્મિથની ‘વિકાર ઓફ વેકફિલ્ડ ’ (૧૭૬૬) અને હૉરેસ વોલ્પોલે (૧૭૧૭-૧૭૯૭)ની ‘ ધ કેસલ ઓફ ઓટ્રેન્ટો ’ (૧૭૬૪) ‘ગોથિક’ નવલકથાએ એક નવી દિશા ઉઘાડી.[]

ઓગણીસમી સદીના છેલ્લા તબક્કામાં ટોમસ હાર્ડીએ ‘વેસેક્સ’ કાલ્પનિક સ્થળને કેન્દ્રમાં રાખીને નવલકથાઓ લખી. તેમાં કેન્દ્રમાં ભાગ્ય અને વિધિવક્રતા જોવા મળે છે. હાર્ડીની અન્ય નવલકથાઓ ‘ધ રિટર્ન ઓફ ધી નેટિવ ’ (૧૮૭૮), ‘જ્યુડ ધી ઓબ્સક્યોર ’ (૧૮૪૫), ‘ધ મેયર ઓફ કેસ્ટર બ્રિજ ’ (૧૮૮૬) તથા ‘ટેસ ઓફ ટર્બરવિલે ’ (૧૮૯૧) વગેરે છે.[]

ઓગણીસમી સદીના અંતમાં ઓસ્કાર વાઈલ્ડે(૧૮૫૪-૧૯૦૦) નાટ્યક્ષેત્રમાં અદભૂત યોગદાન આપ્યું. ‘ઇમ્પોર્ટન્ટ ઓફ બીઇંગ અર્નેસ્ટ ’ (૧૮૯૫) અને ‘એન આઇડિયલ હસબન્ડ ’ (૧૮૯૫) લખી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું.[]

વિકટોરિયા યુગ

[ફેરફાર કરો]
આલ્ફ્રેડ લૉર્ડ ટેનિસન, 1863

ટેનિસન વિકટોરિયા યુગના એક ખ્યાતનામ કવિ હતા. તેમણે ઊર્મિકાવ્યોની રચના કરી. ‘યુલિસિસ’માં તે વિરયુગનું ચિત્રણ કરે છે. ‘ઇન મેમોરિયમ ’ (૧૮૩૪), ‘લોકસ્લે હૉલ’, ‘ઈડિલ્સ’ , ‘ઇનાર્ક આર્ડન’ જેવી લાંબી રચનાઓ તેમણે લખી.[]

નવલકથા

[ફેરફાર કરો]

એચ.જી.વેલ્સ (૧૮૬૬-૧૯૪૬) એ વિજ્ઞાનલક્ષી નવલકથાઓ રચી. ‘ધ ટાઈમ મશીન ’ (૧૮૯૫), ‘ધ ઇનવિઝિબલ મેન ’ (૧૮૯૭) ‘ધ ન્યુ મેકયાવલી ’ (૧૯૧૧) એન્ડ ‘ધ ફર્સ્ટ મેન ઇન ધ મૂન ’ (૧૯૦૧) વગેરે તેમની પ્રખ્યાત રચનાઓ છે. ‘ધ હિસ્ટ્રી ઓફ મિસ.પોલી’ની રચના કરી તેમણે પોતાની હાસ્યકાર તરીકેની શક્તિનો પણ પરિચય આપ્યો. જોસેફ કોનરાર્ડ (૧૮૭૫-૧૯૨૪)પોલેન્ડના વતની હતા. તેમણે દરિયાઈ સાહસસૃષ્ટિનું આલેખન કરતી માનસશાસ્ત્રીય વિશ્લેષણવાળી નવલકથાઓ રચી. ‘નિગર ઓફ ધ નર્સિસસ ’ (૧૯૯૮), ‘લોર્ડ જિમ ’ (૧૯૦૦) વગેરે તેમની અન્ય રસપ્રદ નવલકથાઓ રચાઇ.[૧૧]

વિલિયમ થેકરે(૧૮૧૧-૧૮૬૩) એક નવલકથાકાર હતા. ‘વેનિટી ફેર ’ (૧૮૪૭-૫૦) તેમની પ્રખ્યાત કૃતિ છે. જેમાં બેકી શર્પનું વાસ્તવિક પાત્રાલેખન અને ‘ધ હિસ્ટી ઓફ હેન્રી એસમન્ડ ’ (૧૮૫૨)માં ઐતિહાસિક તત્વોનું અદભૂત આલેખન કર્યું.[]

ચાર્લ્સ ડિકન્સ

ચાર્લ્સ ડિકન્સ(૧૮૧૨-૧૮૭૦) ઓગણીસમી સદીના પ્રખ્યાત નવલકથાકાર હતા. તેમની નવલકથા સમચારપત્રમાં છપાતી જેથી અખબારનો ફેલાવો વધ્યો હતો. ‘પિકવિક પેપર્સ ’ (૧૮૩૬-૩૭) તેમની હાસ્ય નવલકથા છે. જ્યારે ‘ઓલિવર ટવીસ્ટ ’ (૧૯૩૭-૩૮) અને 'નિકોલસ નિકલબી ’ (૧૮૩૮-૩૯) ઈંગલેન્ડનાં નિમ્નકક્ષાનાં લોકોના દુખને આલેખતી કરૂણકથાઓ છે. તેમના જીવનનું પ્રતિબિંબ તેમની કૃતિ ‘ડેવિડ કોપરફીલ્ડ ’ (૧૮૫૦)માં જોવા મળે છે.[]

૨૦મી સદી

[ફેરફાર કરો]

૨૦મી સદીના નાટકોમાં બૌદ્ધિક તત્વ અને વાસ્તવવાદને કેન્દ્રમાં રાખવામાં આવ્યો. જે જોહન અરવિન (૧૮૮૩-૧૯૦૧) અને જોન મેસફિલ્ડ (૧૮૧૮-૧૮૮૭)ની કૃતિઓમાં જોવા મળે છે. ૨૦મી સદીના સમર્થ અને વિલક્ષણ નાટયકાર જ્યોર્જ બર્નાર્ડ શો (૧૮૫૬-૧૯૫૦) હતા. તેમના સાહિત્યિક જીવનની શરૂઆત ઇ.સ ૧૮૯૨માં ‘વિડોઅર્સ હાઉસિસ’થી કરી. તેઓ એક કટાક્ષકાર હતા. શોએ નાટકો બે ભાગમાં વહેચ્યાં (૧) ‘પ્લેઝ પ્લેઝન્ટ’ અને (૨) 'પ્લેઝ અનપ્લેઝન્ટ’. તેમણે કુલ ૫૨ જેટલા વિવિધ પ્રકારના નાટકો રચ્યા.[૧૧]

ટી.એસ.એલિયટ (૧૮૮૮-૧૯૬૫)નો જન્મ અમેરીકામાં થયો પણ તેમણે બ્રિટિશનું નાગરિકત્વ અપનાવ્યું. એલિયટ કવિ હતા.કવિતા સાથે તેમણે નાટકમાં રસ પડ્યો અને ત્રીજા દાયકમાં પદ્યનાટકોનું સફળ પ્રયોજન કર્યું. ‘મર્ડર ઇન ધ કથીરડલ ’ (૧૯૩૫), ‘ફેમિલી રિયુનિયન ’ (૧૯૩૯), ‘ધ કોકટેલ પાર્ટી’ તેમની ખ્યાતનામ કૃતિઓ છે. બીજા વિશ્વયુદ્ધની દુખદ પરિસ્થિતિના વર્ણનની અસર તેમની રચનામાં પડી. ડબલ્યુ.એચ.ઓર્ડન(૧૯૦૭-૭૫) પદ્યનાટકોમાં સાથ આવે છે. ‘એસેન્ટ ઓફ એફ.સિક્સ’ની રચનાએ અલગ અસર ઉપજાવી.બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી ‘રોયલ કોર્ટ થિયેટર મંડળ’ની સ્થાપના થઈ જેમાં જોન ઓસબોર્નનું ‘લુક બેક ઇન એંગર’ (૧૯૫૬) ભજવાયું.[૧૧] તેમને સાહિત્ય માટે નોબલ પારિતોષિક પણ એનાયત થયો. 'ધ વેસ્ટલેન્ડ' (૧૯૨૨), 'ધ હોલો મેન' (૧૯૨૫), 'ધ ફોર ક્વાટર્સ' (૧૯૪૩) તેમના કાવ્યસંગ્રહો છે. તેમની અસર ઓર્ડન, સ્ટીફન, સ્પેન્સર અને સેસિલ ડે લુઈસ વગેરે પર જોવા મળે છે. જેમણે કાવ્યક્ષેત્રે મોટું યોગદાન આપ્યું.[૧૧]

ટૂંકી રચનાઓ

[ફેરફાર કરો]

આ સમયગાળામાં ટૂંકી રચનાઓ રચાવાની ચાલુ થઈ. રોબર્ટ લુઈ સ્ટીવન્સન(૧૮૫૦-૧૮૯૪)ની ‘ટ્રેઝર આઇલેન્ડ ’ (૧૮૮૩)માં વાંચકોની બદલાતી અભિરુચિ જોવા મળે છે. ‘ડોં.જેકીલ એન્ડ મી. હાઈડ ’ (૧૮૮૬) દ્વારા સ્ટીવન્સે નવા પ્રકારની લઘુનવલકથાઓ રચી. કોનન ડોઈલે(૧૮૫૯-૧૯૩૦) ડોં. શેરલોક હોમ્સના પાત્ર દ્વારા નવલકથામાં નવી રાહ આપી. રૂડ્યાર્ડ કિપ્લિંગ(૧૮૬૫-૧૯૩૬)નો જન્મ ભારતમાં થયો હતો. તેમણે ભારત દેશ પર આધારિત સંખ્યાબંધ વાર્તાઓ રચી. સાહિત્ય માટે નોબલ પારિતોષિક(૧૯૦૭) મેળવનાર તેઓ પ્રથમ અંગ્રેજ હતા. ‘પ્લેઇન ટેલ્સ’ , 'ફ્રોમ હિલ્સ’ , ‘ધ જંગલ બુક’ અને ‘કિમ’ તેમની પ્રખ્યાત નવલકથાઓ છે.[૧૧]

વીસમી સદીની શરૂઆતમાં સમાજિક નવલકથાકાર જોન ગલ્સવર્ધી (૧૮૬૭-૧૯૩૦)એ ‘ફોરસાઇટ સાગા ’ (૧૯૨૨) શિર્ષકના ૬ ગ્રંથની ગ્રંથમાળા રચી. જેમાં મધ્યમ અને ઉચ્ચ વર્ગના જીવનનું આલેખન કર્યું. તેમણે નાટકો પણ લખ્યા. ગાલ્સવર્ધીને ૧૯૩૨માં નોબલ પારિતોષિક એનાયત થયો. [૧૧]

વીસમી સદીની પ્રખ્યાત નવલકથામાં સમરસેટ મૉમ (૧૮૭૪-૧૯૬૫)ની ‘અ પેસેજ ટુ ઈન્ડિયા ’ (૧૯૨૪) અને ‘ઓફ હ્યુમન બોન્ડજ’ (૧૯૧૫), ડી.એચ.લોરેન્સ (૧૮૮૫-૧૯૩૦)ની ‘લેડી ચેટર્લીઝ લવર’ અને 'સન્સ એન્ડ લવર્સ’ તથા આલ્ડસ હક્સલી (૧૮૮૪-૧૯૬૩)ની ‘બ્રેવ ન્યુ વર્લ્ડ ’ (૧૯૩૨)નો સમાવેશ થાય છે. જેમ્સ જોઈસે (૧૮૮૨-૧૯૪૧) નવલકથાક્ષેત્રમાં નવા પ્રયોગો કર્યા. જેના પરિણામે તેમણે ‘યુલિસસ’ રચાઇ.[૧૧]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ શુક્લ, બંસીધર (૨૦૦૯). પ્રસન્નિકા જ્ઞાનકોશ. . અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૭૭-૭૮.
  2. ૨.૦૦ ૨.૦૧ ૨.૦૨ ૨.૦૩ ૨.૦૪ ૨.૦૫ ૨.૦૬ ૨.૦૭ ૨.૦૮ ૨.૦૯ ૨.૧૦ ૨.૧૧ ૨.૧૨ પારેખ, મધુસૂદન (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોશ. . અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૫૨-૭૫૩.
  3. ૩.૦૦ ૩.૦૧ ૩.૦૨ ૩.૦૩ ૩.૦૪ ૩.૦૫ ૩.૦૬ ૩.૦૭ ૩.૦૮ ૩.૦૯ ૩.૧૦ ૩.૧૧ ૩.૧૨ ૩.૧૩ ૩.૧૪ પારેખ, મધુસૂદન (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોશ. . અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૫૩-૭૫૪.
  4. પારેખ, મધુસૂદન (૨૦૦૨). અંગ્રેજી સાહિત્યનું રેખાદર્શન. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૭૦-૭૬.
  5. ૫.૦ ૫.૧ પારેખ, મધુસૂદન (૨૦૦૨). અંગ્રેજી સાહિત્યનું રેખાદર્શન. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૧૪-૨૦.
  6. ૬.૦ ૬.૧ પારેખ, મધુસૂદન (૨૦૦૨). અંગ્રેજી સાહિત્યનું રેખાદર્શન. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૮૧-૮૨.
  7. પારેખ, મધુસૂદન (૨૦૦૨). અંગ્રેજી સાહિત્યનું રેખાદર્શન. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૬૩.
  8. ૮.૦ ૮.૧ પારેખ, મધુસૂદન (૨૦૦૨). અંગ્રેજી સાહિત્યનું રેખાદર્શન. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૧૩૦-૧૩૬.
  9. ૯.૦૦ ૯.૦૧ ૯.૦૨ ૯.૦૩ ૯.૦૪ ૯.૦૫ ૯.૦૬ ૯.૦૭ ૯.૦૮ ૯.૦૯ ૯.૧૦ ૯.૧૧ ૯.૧૨ પારેખ, મધુસૂદન (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોશ. . અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૫૫-૭૫૬.
  10. ૧૦.૦ ૧૦.૧ પારેખ, મધુસૂદન (૨૦૦૨). અંગ્રેજી સાહિત્યનું રેખાદર્શન. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૧૫૦.
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ ૧૧.૫ ૧૧.૬ પારેખ, મધુસૂદન (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોશ. . અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૫૭-૭૫૯.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]