લખાણ પર જાઓ

અન ટુ ધિસ લાસ્ટ

વિકિપીડિયામાંથી

અન ટુ ધિસ લાસ્ટ એ અંગ્રેજ સંસ્કૃતિચિંતક અને કળામીમાંસક જ્હોન રસ્કિન (૧૮૧૯–૧૯૦૦) દ્વારા લિખીત સુપ્રસિદ્ધ ગદ્યકૃતિ છે. આ કૃતિ દ્વારા રસ્કિન કહેવા માંગે છે કે આર્થિક ઉત્કર્ષ અને સામાજિક નીતિનિયમોનાં ધોરણો વચ્ચે સંવાદ હોવો અનિવાર્ય છે. મહાત્મા ગાંધીની રાજકીય, આર્થિક તેમજ સામાજિક વિચારસરણી ઉપર આ કૃતિમાં વ્યક્ત થયેલો નીતિમૂલક અભિગમનો નિર્ણાયક પ્રભાવ રહેલો છે.[૧]

પ્રચલિત આર્થિક સિદ્ધાંતોમાં રહેલી વિસંગતિઓ પ્રગટ કરતા રસ્કિનના ચાર નિબંધો અન ટુ ધિસ લાસ્ટમાં સંગ્રહાયેલા છે. પહેલા નિબંધ 'ધ રૂટ્સ ઑફ્ ઑનરમાં રસ્કિને દર્શાવ્યું છે કે આધુનિક રાજકીય અર્થશાસ્ત્ર વિજ્ઞાન નથી, પણ ભ્રમ છે. બીજો નિબંધ 'વેનસ ઑફ્ વેલ્થ દર્શાવે છે કે અમુક વર્ગની સમૃદ્ધિમાં જ ગરીબીનું મૂળ રહેલું છે. મિલના આર્થિક સિદ્ધાંતને રસ્કિન વ્યાપારી અર્થકારણ તરીકે ઓળખાવે છે. ત્રિજા નિબંધ ક્વિજ્યુડિકેટીસમાં રસ્કિન જણાવે છે કે સરકાર અને સહકાર જીવનના સિદ્ધાંતો છે, જ્યારે અરાજકતા અને સ્પર્ધા મૃત્યુના સિદ્ધાંતો છે. ચોથા નિબંધ ઍડ્ વેલૉરમ'માં તેમણે ચીજવસ્તુઓના ઉપભોગના પ્રશ્નને કેન્દ્રમાં રાખી ચર્ચા કરી છે. અહીં રસ્કિન મિલના અર્થશાસ્ત્ર અને નીતિમત્તાને કોઈ સંબંધ નથી એવા મતની તીવ્ર ટીકા કરી છે. આ નિબંધો દ્વારા રસ્કિનનો પ્રયત્ન સમૃદ્ધ વર્ગ અને અકિંચન વર્ગ વચ્ચે સંવાદ અને શાંતિ સ્થાપવાનો હતો. તેમની દ્રષ્ટિએ જ્યાં ઉમદા મનુષ્યોનું પ્રમાણ વધુમાં વધુ હોય તે દેશ સમૃદ્ધ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ દાવર, આરમઇતી (૨૦૦૧). "અન ટુ ધિસ લાસ્ટ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧ (અ - આ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૨૯. OCLC 165646268.