લખાણ પર જાઓ

ખુદીરામ બોઝ

વિકિપીડિયામાંથી
ખુદીરામ બોઝ
ক্ষুদিরাম বসু
ખુદીરામ બોઝ
ખુદીરામ બોઝ (૧૯૦૫માં)
જન્મની વિગત૩ ડિસેમ્બર ૧૮૮૯
મોહોબની, મિદનાપુર, પશ્ચિમ બંગાળ, ભારત
મૃત્યુ૧૧ ઓગસ્ટ ૧૯૦૮
ખુદીરામ બોઝ રેલવે સ્ટેશન
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયસ્વાતંત્ર્ય સેનાની
પ્રખ્યાત કાર્યભારતીય સ્વતંત્રતા સંગ્રામ
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

ખુદીરામ બોઝ (૩ ડિસેમ્બર ૧૮૮૯ – ૧૧ ઓગસ્ટ ૧૯૦૮) ભારતીય ક્રાંતિકારી હતા.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ખુદીરામ બોઝનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૮૯ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના મોહોબની ગામે થયો હતો. તેમના પિતા ત્રૈલોક્યનાથ મારજોલ રાજની જાગીરમાં મહેસુલ અધિકારી હતા.[૧][૨][૩]

ખુદીરામ ત્રણ બહેનો બાદ તેમના પરિવારનું ચોથું સંતાન હતા.[૪] તેમના જન્મ પૂર્વે તેમના માતાપિતા ત્રૈલોક્યનાથ બોઝ અને લક્ષ્મીપ્રિયા દેવીને બે પુત્રો હતા પરંતુ તેમનું અકાળે અવસાન થયું હતું. પ્રચલિત પારંપરીક રીતિ-રિવાજો અનુસાર નવજાત શિશુને ટૂંકી આયુમાં મૃત્યુથી બચાવવા માટે પ્રતિકાત્મક રીતે ત્રણ મુઠ્ઠી અનાજના (સ્થાનિક ભાષામાં ખુદ) બદલામાં તેમની મોટી બહેનને વેચી દેવાયા. આ રીતે તેમનું નામ ખુદીરામ પડ્યું.[૫]

છ વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું. તેના એક વર્ષ બાદ જ તેમના પિતાનું પણ અવસાન થયું. આ પરિસ્થિતિમાં તેમની મોટી બહેન અપરૂપા રોય બાળક ખુદીરામને પોતાના ઘરે લઈ ગઈ. ત્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ માટે હેમિલ્ટન હાઇસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.[૩]

ક્રાંતિકારી પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

વર્ષ ૧૯૦૨–૦૩માં શ્રી અરવિંદ અને સિસ્ટર નિવેદિતા મિદનાપુરના પ્રવાસે હતા. તેમણે સ્વતંત્રતા માટે સંઘર્ષરત ક્રાંતિકારી જૂથ-સમૂહો સાથે સાર્વજનિક વ્યાખ્યાનો અને વ્યક્તિગત સત્રોની શૃંખલાઓનું આયોજન કર્યું હતું. કિશોર વયના ખુદીરામ આ ક્રાંતિની ચર્ચાઓમાં સક્રીય ભાગીદાર હતા.

બાદમાં તેઓ અનુશીલન સમિતિ સાથે જોડાયા. ત્યાં તેઓ બિરેન્દ્રકુમાર ઘોષના સંપર્કમાં આવ્યા. ૧૫ વર્ષની ઉંમરે તેઓ સ્વયંસેવક બન્યા અને બ્રિટીશ રાજ વિરુદ્ધ ચોપાનિયાં વહેંચવાના ગુનામાં ધરપકડ કરાયા.[૬] ૧૯૦૬માં મિદનાપુરમાં એક કૃષિ અને ઔદ્યોગિક પ્રદર્શનીમાં બંગાળના ક્રાંતિકારી નેતા સત્યેન્દ્રનાથ લિખિત સોનાર બાંગ્લાની પ્રત વહેંચવાના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી. સરકાર વિરુદ્ધ રાજદ્રોહ કરવાના ગુનામાં તેમના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. પરંતુ પુરાવાઓના અભાવે ખુદીરામ નિર્દોષ છૂટી ગયા. ૧૬ વર્ષની ઉંમરે તેમણે પોલીસ સ્ટેશનો પાસે બોમ્બ લગાવવામાં ભાગ લઈ કેટલાક સરકારી અધિકારીઓને નિશાન બનાવ્યા.[૭]

૧૯૦૫ના બંગાળ વિભાજનના વિરોધ પ્રદર્શનોમાં તેમણે સક્રિય ભાગ લીધો. ૬ ડિસેમ્બર ૧૯૦૭ ના રોજ ખુદીરામે બંગાળના ગવર્નરની વિશેષ ટ્રેન પર હુમલો કર્યો. ૧૯૦૮માં બે અંગ્રેજ અધિકારીઓ વોટસન અને બેમ્ફિલ્ડ પર બોમ્બથી હુમલો કર્યો.[૧]

ન્યાયાધીશ કિંગ્સફોર્ડને મારવાની યોજના[ફેરફાર કરો]

૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કર્યા તેના વિરોધમાં સડક-રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનોમાં ઉતરેલા અનેક ભારતીયોને કલકત્તાના તત્કાલીન ન્યાયાધીશ કિંગ્સફોર્ડે આકરી સજાઓ ફરમાવી. પરિણામે કિંગ્સફોર્ડની પદોન્નતિ કરીને તેને મુજફ્ફરનગરના સત્ર ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી. અહીં પણ ઘણા કિસ્સાઓમાં તેમણે ક્રાંતિકારીઓને આકરી સજા આપી.

કિંગ્સફોર્ડે અલીપુર પ્રેસીડેન્સી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભુપેન્દ્ર દત્તા તથા જુગાંતરના અન્ય સંપાદકોના મુકદ્દમાની સુનાવણી કરી હતી અને તેમને કઠોર કારાવાસની સજા ફરમાવી હતી.[૮] ઉપરાંત એક બંગાળી યુવક સુશીલ સેનને જુગાંતર કેસના ચુકાદાના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ સજાનો આદેશ આપ્યો. આ પ્રકારે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કિગ્સફોર્ડ યુવા રાજનૈતિક કાર્યકર્તાઓ પર કઠોર અને ક્રૂર સજા કરવા બદલ રાષ્ટ્રવાદીઓમાં અપ્રિય થઈ પડ્યા હતા.[૩]

૧૯૦૭માં બિરેન્દ્રકુમાર ઘોષે તેમના એક સહયોગી હેમચંદ્ર કાનૂનગોને બોમ્બ બનાવવાની તકનીક શીખવા માટે દેશનિકાલ પામેલા રશિયન ક્રાંતિકારી નિકોલસ સફ્રાન્સ્કી પાસે પેરિસ મોકલ્યા.[૯] બંગાળ પાછા ફર્યા બાદ હેમચંદ્ર અને બિરેન્દ્રકુમારે ડગલસ કિંગ્સફોર્ડને નિશાન બનાવવાનું નક્કી કર્યું.

એપ્રિલ ૧૯૦૮માં અનુશીલન સમિતિની એક ગુપ્ત બેઠકમાં કિંગ્સફોર્ડની હત્યા માટે ખુદીરામના સાથીદાર તરીકે પ્રફુલકુમાર ચાકીની પસંદગી કરવામાં આવી. આ દરમિયાન પોલીસને અરવિંદ ઘોષ, બિરેન્દ્રકુમાર ઘોષ તથા તેમના સાથીઓની ગતિવિધિઓ શંકાસ્પદ લાગી.[૧૦] કલકત્તા પોલીસને કિંગ્સફોર્ડની સુરક્ષાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી. મુજ્જફરનગરના પોલીસ અધિક્ષકે કમિશ્નર દ્વારા અપાયેલી વિશેષ સૂચનાને હળવાશથી લઈ મેજીસ્ટ્રેટના ઘરની સુરક્ષા માટે ચાર સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા કરી.[૧૧] આ દરમિયાન, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ક્રમશ: હરેન સરકાર અને દિનેશ ચંદ્ર નામ ધારણ કરી કિશ્વરમોહન બંદોપાધ્યાય સંચાલિત ધર્મશાળામાં આશરો લીધો. તેમણે નિશાના પર રહેલા કિંગ્સફોર્ડની દૈનિક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી. બન્ને ક્રાંતિકારીઓ ત્રણ સપ્તાહ સુધી પોતાની ઓળખ છુપાવવામાં સફળ રહ્યા.[૧૦]

એકવાર કિંગ્સફોર્ડ તેમની પત્ની અને પુત્રી સાથે બ્રિજ રમીને સાંજે લગભગ સાડા આઠ વાગે ઘરે પરત ફરી રહ્યાં હતા.[૧૨] જ્યારે તેમની ગાડી યુરોપીય ક્લબના પૂર્વ દરવાજે પહોંચી, બન્ને ક્રાંતિકારીઓએ દોડીને ગાડી પર બોમ્બ ફેંકી દીધા. આ ભયાનક વિસ્ફોટમાં કિંગ્સફોર્ડની પત્ની અને પુત્રીનું અવસાન થયું.[૧]

ઘટના બાદ ખુદીરામ ૨૫ માઇલ સુધી ચાલીને વૈની સ્ટેશને પહોંચ્યા જ્યાં તેમની શંકાસ્પદ હિલચાલને પગલે કોન્સ્ટેબલ દ્વારા પૂછપરછ કરાઇ. જડતીમાં તેમની પાસેથી ૩૭ રાઉન્ડ દારૂગોળો, ૩૦ રૂપિયા રોકડા, રેલવેનો નકશો તથા ટ્રેનનું સમયપત્રક હાથ લાગ્યું અને તેમની ધરપકડ કરવામાં આવી.[૧૨]

ફાંસી[ફેરફાર કરો]

પહેલી મે ના દિવસે ખુદીરામને મુજ્જફરનગરના જિલ્લાધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા. મેજીસ્ટ્રેટ સમક્ષ તેમણે પોતાના ગુનાની કબુલાત કરી. તેમના આ કાર્ય બદલ તેમને ફાંસીની સજા ફરમાવવામાં આવી. ૧૧ ઓગસ્ટ ૧૯૦૮ના રોજ તેમને ફાંસી આપવામાં આવી ત્યારે તેમની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ શુક્લ, જયકુમાર (૨૦૦૧). "બોઝ, ખુદીરામ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬. OCLC 248968405.
 2. "Khudiram Bose". midnapore.in. મેળવેલ 2017-08-25.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ "Khudiram Bose". midnapore.in. મેળવેલ 2017-08-25.
 4. Agarwal 2006
 5. "Khudiram Bose". iloveindia.com. મેળવેલ 2017-08-25.
 6. Samaddar 2005
 7. "Khudiram Bose". midnapore.in. મેળવેલ 2017-08-25.
 8. Sanyal 2014, pp. 91–92
 9. Popplewell 1995, p. 104
 10. ૧૦.૦ ૧૦.૧ Patel 2008
 11. Heehs 2008, p. 156
 12. ૧૨.૦ ૧૨.૧ Heehs 2008, p. 157

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]