છોટુભાઈ પુરાણી
છોટુભાઈ પુરાણી | |
---|---|
જન્મ | છોટુભાઈ બાલકૃષ્ણ પુરાણી ૧૩ જુલાઇ ૧૮૮૫ |
મૃત્યુ | ૨૨ ડિસેમ્બર ૧૯૫૦ મુંબઈ |
છોટુભાઈ પુરાણી (૧૩ જુલાઇ ૧૮૮૫ - ૨૨ ડિસેમ્બર ૧૯૫૦) ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા, સ્વતંત્રતા સેનાની અને સાહિત્યકાર હતા.[૧]
જીવન
[ફેરફાર કરો]પ્રાંરભિક જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૧૩ જુલાઇ ૧૮૮૫ના રોજ તેમના મોસાળ ડાકોર ખાતે બાલકૃષ્ણ નરભેરામ પુરાણી અને પ્રસન્નલક્ષ્મીને ત્યાં થયો હતો.[૨] તેમના માતા તેઓ માત્ર બે વર્ષની વયના હતા, ત્યારે મૃત્યુ પામ્યા હતાં.[૩]
શિક્ષણ
[ફેરફાર કરો]એમણે પ્રાથમિક શિક્ષણ ડાકોર ખાતે લીધું હતું. પછી તેઓ પિતા સાથે જામનગર ગયા હતા અને ત્યાં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા. ઇતર પ્રવૃત્તિઓમાં ઘેલું લાગવાને કારણે તેઓ ઇન્ટરમાં પાસ થઈ શક્યા ન હતા અને આથી અમદાવાદ છોડી વડોદરાની કોલેજમાં દાખલ થયા હતા. ત્યાંથી તેઓ મુંબઈની કોલેજમાંથી જીવવિજ્ઞાનના સ્નાતક થયા હતા અને નારાયણ વાસુદેવ પુરસ્કાર મેળવ્યો હતો.[૩][૨]
કુટુંબ
[ફેરફાર કરો]તેમના લગ્ન ઇ.સ. ૧૯૦૨માં નડિઆદમાં ચંચળલક્ષ્મી સાથે થયા હતા.[૨] તેમના નાના ભાઇ અંબુભાઈ પુરાણી મહર્ષિ અરવિંદના અનુયાયી અને સ્વતંત્રતા સેનાની હતા.
કારકિર્દી
[ફેરફાર કરો]૧૯૦૮માં તેમણે વડોદરામાં ગુજરાતની સૌ પ્રથમ વ્યાયામ શાળા 'શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળા' શરૂ કરી હતી.[૪][૧][૫] તેમના ભાઈ અંબાલાલ પુરાણી સાથે મળીને તેમણે ગુજરાતમાં વિવિધ સ્થળોએ અખાડાની સ્થાપના કરી હતી. ૧૯૧૦માં તેઓ લાહોરની દયાનંદ એંગ્લો વૈદિક કોલેજમાં જીવવિજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. આ દરમિયાન તેઓ પંજાબના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા.[૪] ૧૯૧૬માં તેઓ વડોદરા પરત આવ્યા હતા.[૪][૨] ૧૯૧૮માં તેમણે ભરૂચમાં કેળવણી મંડળની સ્થાપના કરી અને નાગરિકો માટે ઉદ્યોગ દ્વારા કેળવણીનો પ્રયોગ શરૂ કર્યો. તેઓ રમત દ્વારા કેળવણીના ચુસ્ત હિમાયતી હતા.[૪] ૧૯૩૭માં અમદાવાદમાં તેમણે કાંકરિયા તળાવ પાસે વ્યાયામ વિદ્યાલય શરૂ કરેલું. રાજપીપળામાં તેમણે સૌપ્રથમ વ્યાયામ દ્વારા સ્નાતક થવાનો અભ્યાસક્રમ ધરાવતી કોલેજની સ્થાપના કરી હતી.
તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય પણે ભાગ લીધો હતો.[૧] ૧૯૦૮માં તેઓ ક્રાંતિકારીઓના સંગઠનમાં જોડાયા હતા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે ૧૯૩૦ની સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો હતો અને કારાવાસમાં ગયા હતા. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો અને ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં ભૂગર્ભમાં રહી વ્યાયામ પ્રવૃત્તિના યુવકોને માર્ગદર્શન આપીને ભાંગફોડની પ્રવૃત્તિની દોરવણી કરી હતી. તેમણે બ્રિટિશ સરકાર સામે ચળવળ માટે રાજદ્રોહ નામની પત્રિકાનું સંચાલન કર્યું હતું.[૪]
તેઓ સામાજિક સુધારણા, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામોદ્વાર, કેળવણી, સમાજસેવા જેવી સામાજીક પ્રવૃતિઓમાં જીવનભર સંકળાયેલા રહ્યા હતા.[૪]
સાહિત્ય સર્જન
[ફેરફાર કરો]તેમણે વ્યાયામ પ્રવૃત્તિની સાથે સાહિત્ય સર્જન પણ કર્યું હતું.[૨]
- ઉષ્મા (૧૯૦૭)
- આર્થિક દ્રષ્ટિએ વનસ્પતિ શાસ્ત્ર (૧૯૧૨)
- મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ (૧૯૧૭)
- ગુજરાતી વાચનમાળા (૧૯૨૫)
- પ્રાકૃતિક ભૂગોળ (૧૯૨૫)
- હિન્દનો પ્રાચીન ઇતિહાસ (૧૯૩૨)
અવસાન
[ફેરફાર કરો]તેમનું અવસાન ૨૨ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.[૪]
સન્માન
[ફેરફાર કરો]વડોદરા ખાતે અકોટા વિસ્તારમાં આવેલા રમત-ગમતના મેદાનનું નામકરણ 'શ્રી છોટુભાઈ પુરાણી પેવિલિયન' કરવામાં આવ્યું છે.[૪] રાજપીપળામાં તેમણે સ્થાપેલી કોલેજને તેમના અવસાન પછી 'છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય' નામ અપાયું હતું.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ પટેલ, ચંદ્રકાંત (2019-04-06). "પરિવર્તનના પ્રણેતાઃ છોટુભાઈ". www.gujarat-samachar.com. મેળવેલ 2019-10-20.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ પારેખ, હીરાલાલ ત્રિભુવનદાસ (૧૯૩૨). ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી. પૃષ્ઠ 24. OCLC 16984085.
- ↑ ૩.૦ ૩.૧ "એકલવ્યની એકનિષ્ટ્રા : છોટુભાઈ પુરાણી ( 1885- 1950 )". દિવ્ય ભાસ્કર. 2019-07-13. મેળવેલ 2019-10-20.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ ૪.૭ શાહ, ચિનુભાઈ (1999). "પુરાણી, છોટુભાઈ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૧ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૫૧. OCLC 248967709.
- ↑ Yagnik, Achyut (2005-08-24). Shaping Of Modern Gujarat (અંગ્રેજીમાં). Penguin UK. ISBN 9788184751857.