લખાણ પર જાઓ

જખ બોંતેરા

વિકિપીડિયામાંથી
જખ બોંતેરાનું મંદિર, કકટભીટ ટેકરી

જખ બોંતેરા, જખદાદા, જખ બૌંતેરા, ૭૨ યક્ષ કે બોંતેર યક્ષ એ ગુજરાતના કચ્છ વિસ્તારમાં વિસ્તૃત રૂપે પૂજાતા લૌકિક દેવ છે.

દંતકથા[ફેરફાર કરો]

જખ બોંતેરાની પ્રતિમાઓ, કકડભીટ
કકડભીટ પરના મંદિરમાં મધ્યસ્થ મૂર્તિઓ

જખ બોંતેરાના મૂળ વતન વિષે કોઈ માહિતી ચોક્કસ મળતી નથી. કથાઓ અનુસાર તેમનું જહાજ દરિયામાં તૂટી પડતા તેઓ કચ્છને કિનારે આવ્યા હતાં. તેઓ જે સ્થળે ઉતર્યા ત્યાં આજે જખૌ બંદર છે. વર્ણન અનુસાર તેઓ ઊંચા, ગોરા, આધુનિક સંસ્કૃતિમાંથી આવેલ હતા. તેઓની કુલ સંખ્યા ૭૨ હતી જે પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી હતી.[૧][૨]

દંતકથાઓ જખ બોંતેરાને પુંવર અથવા પુંવર્ણોગઢ સાથે જોડે છે. આ ગઢના અવશેષો આજે પણ કચ્છ જિલ્લાનાં મંજલ ગામની ઈશાન દિશામાં બે માઈલ પર આવેલા છે.[૩]

પુંવર્ણોગઢ ઈ.સ. ૮૭૮માં કચ્છમાં આવેલા કેરાના સરદાર ઘા અથવા ઘાવના પુત્ર પુંવર અથવા પુંવર્ણે બંધાવ્યો હતો. શક્યત: તે લાખો ફુલાણીનો ભત્રીજો હતો. કુંટંબ સાથે વિખવાદ થતાં પુંવર્ણે નવું નગર બાંધવાનો નિર્ણય કર્યો, જેનું નામકરણ પોતાના નામ ઉપરથી કર્યું. એવું કેહવાય છે કે જ્યારે આ નગરનું બાંધકામ પુરું થયું ત્યારે તેના શિલ્પીના હાથ કાપી નાખવામાં આવ્યા જેથી તે આવું નગર ફરી બીજા કોઈ માટે ન બનાવી શકે. તેના અમુક સમય પછી, રુમ-સામથી ( જે કદાચ શક્યતઃ ઍનાટોલિયા અને સિરિયા અથવા બાયઝેન્ટાઈનમાં આવેલું હતું) આવેલા, પોતાના સદ્ગુણો અને ચમત્કારને માટે જાણીતા એવા જખના સાત ભક્ત ઓલિયાઓ આ શહેરની નજીક આવેલી ટેકરીઓમાં આવી વસ્યા. તેમની નામના સાંભળી સંતતિ જંખતી પુંવર્ણની રાણીએ મહેલથી ટેકરી સુધી પહોંચવા જમીન નીચે સુરંગ ખોદાવી. છ મહિના સુધી રાણીએ તે ઓલિયાઓની અને તેમના જખોની સેવાપૂજા કરી અને ત્યાર બાદ તેણે પુત્રની થવાની માંગણી કરી. જખના ભ્સ્ક્તોએ જણાવ્યું કે રાણી તેના પતિના પાપ કર્મોને કારણે માતા બનતી નથી અને જ્યાં સુધી મહેલમાં બલિદાન નહિ આપવામાં આવે ત્યાં સુધી તેણીની ઈચ્છા પૂરી થશે નહિ. રાણીની વિનંતિથી તે ઓલિયાઓ સુરંગ દ્વારા મહેલમાં આવ્યાં અને રાણીના ઓરડામાં બલિદાનની વિધિ કરવા લાગ્યાં. આ વાતની પુંવર્ણને જાણ થઈ અને તે ક્રોધે ભરાયો. તે મહેલમાં આવ્યો અને ઓલિયાઓને પકડી લીધા. તેણે તે ઓલિયાઓને ખુલ્લે પગે હળના દાંતા ધરાવતા ખળા પર મકાઈના દાણા ઝુડવા કહ્યું. તેમની ઉપર દયા આવતાં અને તેમને ઉગારી લેવા બાબરા નામનો હજામે તે કામ પોતાને માથે લીધું અને બદલામાં ઓલિયાઓ પૈકી એક ઓલિયો મુક્ત થયો. ઓલિયો નજીકની લાખડિયાની ટેકરી પર પાછો ગયો અને તેમણે જખોનું મદદ માટે આહ્વાહન કર્યું. જેને પરિણામે ટેકરીમાં ભૂકંપ આવ્યો અને એકોતેર ભાઈઓ તેમની સાયરી (અથવા સાઈરી) નામની એક બહેન સાથે પ્રગટ થયાં. જખોએ હજામને છોડવા પુંવરને કહ્યું, પણ તે માન્યો નહિ. જખોએ તેની પર તીર વરસાવ્યા, પણ દેવોની સહાય ને જાદુઈ તાવીજને કારણે પુંવર પર કાંઈ અસર થઈ નહી. આથી સાયરી મચ્છરનું રૂપ ધારણ કરી, પુંવરને બાવડે ડંખ માર્યો. તેની પીડાથી પુંવરે તે તાવીજ કાઢ્યું. તે સાથે જ લડતા લડતા છત પરથી એક પથ્થર ગબડાતો આવ્યો અને પુંવરનું માથું ફૂટી ગયું અને તે મૃત્યુ પામ્યો. જખોએ તે નગરનો નાશ કર્યો અને ત્યારથી તે નગર નિર્જન છે. આ ઘટના બાદ લોકો જખને પુજવા લાગ્યા અને તેમના મંદિરો ગામોગામ બંધાવા લાગ્યા.[૩][૪][૫][૬]

બીજી કથા અનુસાર, આઠમી સદીમાં, પુંવર રાજા સંઘાર જાતિના લોકો પર દમન કરતો હતો. તેમણે જખોની મદદ માંગી. પરિણામે બોંતેર જખો આવ્યા અને તેમણે પુંવર્ણોગઢથી ૩ માઈલ દૂર આવેલી ટેકરીમાં પડાવ નાખ્યો અને પુંવર્ણોગઢ અને પુંવરનો નાશ કર્યો. સંઘાર લોકોએ જખોના સરદાર કકડ ના સન્માનમાં તે ટેકરીને કકડગઢ કે કકડભીટ નામ આપ્યું. તેમને આ ગોરા ઘોડેસવાર લડવૈયાઓ દૈવી યક્ષ સમાન લાગતાં હતાં આથી તેમને યક્ષ કહ્યા જેનું અપભ્રંશ પછીથી જખ થયું. તેમના માનમાં સંઘાર લોકોએ ૭૨ ઘોડેસવારોની મૂર્તિ દક્ષિણા દિશા સામે મુકી, તેને પુંવર્ણોગઢમાં એક ઓટલા પર સ્થાપી અને ત્યાં વાર્ષિક મેળો શરૂ કર્યો.[૩][૫]

અન્ય કથા અનુસાર તેઓ પરોપકારી વ્યક્તિઓ હતાં તેઓ ઘોડા પર પ્રવાસ કરતાં, ગરીબોની સેવા કરતાં અને તેમને ઈશ્વરીય દૂત માનવામાં આવતા. તેઓ લોકોમાં ખૂબ પ્રિય હોવાથી પુંવરને તે પસંદ ન હતાં અને પુંવરે તેમને મારી નખાવ્યા. તેમના બલિદાનની યાદમાં લોકોએ કકડભીટમાં મંદિર ઊભું કર્યું.[૭]

આજુબાજુની ટેકરીઓના નામ જખો સામે તેમને ધ્રુજારી અનુસાર રાખવામાં આવ્યા છે જેમ કે, નાનાઓ (ડુબાડનાર), ધ્રબવો (ધ્રુજાવનાર), લાખડિયો (લથડાતો, પાણી સમાન અસ્થિર ), અધો ચીની (ચીરાયેલો) વગેરે. તેમાંની એક ટેકરી કકડભીટ કે કકડભટ તરીકે ઓળખાય જે ૭૨ પૈકી સૌથી નાના જખનું નામ હતું.[૩][૮]

ઉદ્ગમ[ફેરફાર કરો]

યક્ષ એ શબ્દનો કાળક્રમે અપભ્રંશ થઈ જખ શબ્દ બન્યો. આ જખોનું ઉદ્ગમ અજ્ઞાત છે પણ તેમની એક ઐતિહાસિક પાત્ર તરીકે ગણના થાય છે. તેઓનું વર્ણન ગોરા, સુંદર અને ઘોડા પર સવાર એવા દૈવી કે અલૌકિક પુરુષો તરીકે કરવામાં આવે છે. પ્રચલિત મતો અનુસર જખો હિંદુ અથવા આરબ મૂળના હતા. જખોની ભક્ત એવી સાંઘાર જાતિના લોકોના રીતિરિવાજો હિંદુ અને મુસલમાન ધર્મના મિશ્રણ જેવા હોય છે.[૫] પશ્ચિમેથી આવેલા ગોરા ઘોડેસવારો એવું પરંપારિક લોકવર્ણન અને એમને લાગતા પુરાવા દરિયા કિનારાના સ્થાને મળ્યા હોવાથી એવું માનવામાં આવે છે કે તેઓ સમુદ્ર માર્ગે આવ્યા હોવા જોઈએ. આ કારણે જખો ગ્રીક, શક કે શ્વેત હુણ કુળના હોવાની શક્યતા નથી, કારણ કે તે સર્વે જમીન માર્ગે આવ્યા હતાં. તેમને બાદ કરતાં ભારતમાં બહારથી આવનારા લોકોમાં રોમનો (પહેલી સદીમાં), પર્શિયનો (છઠ્ઠી સદીમાં) અને આરબો (આઠમી સદીમાં) બાકી રહ્યાં. તેમાંથી રોમનોને સરળતાથી બાદ કરી શકાય છે કેમકે તેઓએ કચ્છ ઉપર હુમલો કર્યો હોવાની વાત શંકાસ્પદ અને તે સમયે તેઓ ઘોડા લાવ્યાં હોય તે વાત પણ શક્ય લાગતી નથી.

તેઓ આરબ હોવાની શક્યતા ઓછી છે. આરબ લોકો કચ્છની જનતાને ગોરા નહી પણ રાતા લાગ્યા હોત. વળી આરબોએ સિંધ અને પશ્ચિમ ભારત પર કરેલા આક્રમણોને કારણે આરબો ખૂબ જાણીતા હતા અને તેઓ દંતકથાના વીર નાયક તરીકે સ્વીકારાયા ન હોત. આથી એવો મત છે કે આ યક્ષો, મોટે ભાગે પર્શિયાના લોકો હતા. છઠ્ઠી સદી દરમ્યાન હિન્દ મહાસાગરમાં પર્શિયા મુખ્ય દરિયાખેડુ દેશ હતો. તેઓએ સિંધુના નીચલા ક્ષેત્ર પર જીત પણ મેળવી હતી પરંતુ સ્થાનિક રાજાએ ખંડણી આપવાનું કબુલ કરતા તેઓ અહીં સ્થાયી થયા નહીં અને ચાલ્યા ગયાં. ૧૮૩૦માં મંજલ ખાતે મળેલા કુશાન (ઈંડો-સસાનિયન) સિક્કાઓ પરથી તેઓ ઈરાની-પર્શિયન મૂળના વાતને સમર્થન મળે છે.[૩]

ઘણી વખત તેમની ગોરી ત્વચાને કારણે તેમને યુરોપિયન પણ માનવામાં આવે છે.[૪] રશબ્રુક વિલિયમ નામના અંગ્રેજ ઇતિહાસકારે "બ્લેક હીલ્સ ઑફ કચ્છ" નામના તેમના પુસ્તકમાં લખ્યું છે કે જખો જરથોસ્તી એટલે કે પારસી હોઇ શકે. પર્શિયા છોડી ભાગતાં તેમનું વહાણ કચ્છ નજીક ભાગી ગયેલું હોવાનો તેમનો મત છે. એક અન્ય મત પ્રમાણે જખો બાયઝૅન્ટાઈન (ઉત્તર આફ્રિકા અને દક્ષિણ યુરોપના ક્ષેત્રમાં ફેલાયેલું સામ્રાજ્ય) કે એસ્સિરિયા (પર્શિયાના અખાતની ઉત્તર તરફ આવેલ એક દેશ)ના હોઈ શકે.[૬][૭][૨] પર્શિયાના ઈરાનશાહી (સસાનીદ) રાજાઓને ઈઝરાયલના જેકોબાઇટ લોકો કે નેસ્ટોરીયન લોકો સાથે સંબંધ હતો જેથી તેઓ પણ કચ્છમાં ઉતરી આવ્યા હોઈ શકે.[૫]

નામ[ફેરફાર કરો]

કકડભીટ ટેકરી પરના મંદિરમાં જખોની પ્રતિમાઓ

કચ્છ રજવાડાના રાવ દેશળજી દ્વિતીયના રાજકવિ હમીરજી ગઢવીએ ૧૮મી સદીમાં લંકી ટેકરી પર જખોના નામ શોધી કાઢ્યા હતાં.[૯][૮] તે આ મુજબ છે:

 1. સાહુ
 2. બેરિયો
 3. જીંડિયો
 4. જખ્ખ સચો
 5. જખ્ખ શિણાગરો
 6. દેવપુરી
 7. સોમપુરી
 8. સાંહેરી
 9. દાતાર
 10. કંડેરો
 11. વિક્લસેન
 12. મેષારોળ
 13. મંદ્રકાળ
 14. જખ્ખ દેવ
 15. અભદેવ
 16. અભેવાન
 17. આદમજખ્ખ
 18. અદેપાળ
 19. ઓલિયો
 20. રતન્ન
 21. સિધાત
 22. પદ્મનાગ
 23. સેત્રનાગ
 24. મકેસરી
 25. વડ જખ્ખ
 26. મકડ
 27. કકડ
 28. સિદ્ધ
 29. સાહડ
 30. ચાહડ
 31. મેઘા
 32. બિંબર
 33. પિંગડ
 34. સાહ
 35. ઝમુટ
 36. બલુક
 37. વિસોત
 38. વેયાસગુરુ
 39. જસગુરુ
 40. વછરાજ
 41. મેલાષ
 42. બેલાષ
 43. જખ્ખ અજિત
 44. મહુક
 45. સિધારથ
 46. સમરથ
 47. ભરત
 48. ઉત્તમસેન
 49. પરતાપી
 50. ગૌપાળ
 51. ભુપાળ
 52. નીપાળ
 53. હથારણ
 54. ગંગેસર
 55. ધરમ
 56. ગૌતમરાજ
 57. બુધવંત
 58. તેજવંત
 59. મકરંદ
 60. તાનસેન
 61. ધજાબંધ
 62. રિષભાણ
 63. દિગભાણ
 64. દ્વિજભાણ
 65. મધુવાન
 66. રૂપમાલ
 67. મકત
 68. સકતમાલ
 69. સુરચંદ
 70. વીરચંદ
 71. આણંદ
 72. સધીર

મંદિર[ફેરફાર કરો]

મોટા યક્ષ (કકડભીટ) ગામનો મુખ્ય દરવાજો

જખ બોંતેરાની મૂર્તિઓને પ્રાયઃ ઘોડેસવાર લડવૈયા તરીકે દર્શાવવામાં આવે છે. તેઓ હંમેશા ૭૨ની સંખ્યામાં જ હોય છે તથા તેમના ક્દ જુદા હોય છે.

જખ બોંતેરાના દેવસ્થાનને સ્થાનીય ભાષામાં "થડા" કહેવામાં આવે છે. તેમનું મુખ્ય દેવસ્થાન ભુજથી ૩૫ કિમી દૂર, મંજલથી અમુક કિલોમીટર દૂર મુખ્ય રસ્તા પર નાનકડી ટેકરી પર આવેલું છે.[૧૦] આ સિવાય સમગ્ર કચ્છમાં જખોના બીજા ઘણાં મંદિરો બાંધયા છે. તેમને માનનારી સંઘાર જાતિ સિવાય અન્ય લોકો પણ જખની પૂજા કરે છે. સંત મેકણ દાદા અને કચ્છ રાજ્યના રાજા દેશળજી દ્વિતીયએ જખોના ઘણાં મંદિરો બંધાવ્યા છે.

મેળો[ફેરફાર કરો]

કકડભીટ ખાતે યોજાતો મોટા યક્ષનો મેળો

દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારે કકડભીટની તળેટીમાં જખ બોંતેરાને સમર્પિત એક મેળાનું આયોજન કરવામાં આવે છે, તેને જખબોંતેરાનો મેળો અથવા મોટા જખનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. આ મેળો બે કે ત્રણ દિવસ ચાલે છે અને હજારો યાત્રિઓ તે સમયે અહીં આવે છે.[૭][૩][૫][૪] આ મેળાને કચ્છનો સૌથી મોટો મેળો ગાણવામાં આવે છે. આ સિવાય ભુજ નજીક નાના યક્ષોનો મેળો નામે એક અન્ય મેળો પણ ભરાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Simpson, Edward (૨૦૦૯). "Chapter 1. Texts, Machinations and the Past". Muslim Society and the Western Indian Ocean: The Seafarers of Kachchh. London: Routledge. પૃષ્ઠ 40. ISBN 978-0-415-54377-4.
 2. ૨.૦ ૨.૧ K. S. Dilipsinh (૧ જાન્યુઆરી ૨૦૦૪). Kutch in Festival and Custom. Har-Anand Publications. પૃષ્ઠ ૫૯-૬૦. ISBN 978-81-241-0998-4.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૩૨૪-૨૩૭.
 4. ૪.૦ ૪.૧ ૪.૨ "Liberating 'gora' gods of rural Kutch". The Times of India. ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૬. મેળવેલ ૨૭ જુલાઈ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ Olikara (૨૯ ડિસેમ્બર ૨૦૧૩). "Jakhs of Kutch-Were they Jacobite Syrian Christians ?". Nasranis. મેળવેલ ૨૭ જુલાઈ ૨૦૫. Check date values in: |access-date= (મદદ)
 6. ૬.૦ ૬.૧ Anjali H. Desai (૨૦૦૭). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ ૩૨૫. ISBN 978-0-9789517-0-2.
 7. ૭.૦ ૭.૧ ૭.૨ Roshen Dalal (૧૮ એપ્રિલ ૨૦૧૪). Hinduism: An Alphabetical Guide. Penguin Books Limited. પૃષ્ઠ ૫૬૩. ISBN 978-81-8475-277-9.
 8. ૮.૦ ૮.૧ Siddhapura, Mayur (2017-09-06). "શ્રી જખ્ખબૌંતેરા - કચ્છ" [Shri Jakhkh Botera - Kutch]. Share in India. મૂળ માંથી 2017-09-15 પર સંગ્રહિત. મેળવેલ 2017-09-15.
 9. "File:Jakh Botera Kakadbhit Kutch folk deities list in Gujarati.jpg". Wikimedia Commons. ૨૧ એપ્રિલ ૨૦૧૬. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૬.
 10. "Kakkad Bhit Yaksha". NRI Gujarat. મૂળ માંથી 2016-08-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જુલાઈ ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૬-૦૮-૧૯ ના રોજ વેબેક મશિન