સદ્‌ગુરુ

વિકિપીડિયામાંથી
(જગ્ગી વાસુદેવ થી અહીં વાળેલું)
સદ્‌ગુરુ
જન્મમૈસૂર Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • મૈસુર વિશ્વવિદ્યાલય Edit this on Wikidata
વ્યવસાયMystic Edit this on Wikidata
પુરસ્કારો
વેબસાઇટhttp://isha.sadhguru.org Edit this on Wikidata

જગ્ગી વાસુદેવ (જન્મ: ૩ સપ્ટેમ્બર ૧૯૫૭) એક યોગી, યોગ શિક્ષક અને આધ્યાત્મિક વક્તા છે. તેમના અનુયાયીઓ તેમને સદ્ગુરુ તરીકે સંબોધે છે. તેઓ ઈશા ફાઉન્ડેશન (અંગ્રેજી: Isha Foundation) નામની સ્વૈચ્છિક માનવ સેવા સંસ્થાના સ્થાપક છે. ઈશા ફાઉન્ડેશન ભારત સહિત સંયુક્ત રાજ્ય અમેરિકા, ઇંગ્લેન્ડ, લેબેનાન, સિંગાપુર અને ઑસ્ટ્રેલિયામાં યોગ કાર્યક્રમ શીખવે છે તેમજ અનેક સામાજિક અને સામુદાયિક વિકાસ યોજનાઓ પર પણ કામ કરે છે. તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજિક કાઉન્સીલ (અંગ્રેજી: ECOSOC)માં ખાસ સલાહકારની પદવી આપવામાં આવેલ છે.[૧] તેમણે ૮ ભાષાઓમાં ૧૦૦થી વધુ પુસ્તકોની રચના કરી છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

જગ્ગી વાસુદેવનો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૯૫૭ના રોજ કર્ણાટક રાજ્યના મૈસૂર શહેરમાં થયો. તેમના પિતા ડૉક્ટર હતા. બાળક જગ્ગીને પ્રકૃતિ સાથે અત્યંત લગાવ હતો. ઘણી વખત એવું થતું કે તેઓ થોડા દિવસ માટે જંગલમાં ગાયબ થઈ જતા હતા, જ્યાં તેઓ વૃક્ષની ઊંચી ડાળ પર બેસી હવાનો આનંદ લેતા અને અચાનક જ ઊંડા ધ્યાનમાં ચાલ્યા જતા. જ્યારે તેઓ ઘરે આવે ત્યારે તેમની ઝોળી સાપોથી ભરેલી રહેતી, કે જેને પકડવામાં તેઓ કાબેલ છે. ૧૧ વર્ષની ઉંમરે જગ્ગી વાસુદેવે યોગનો અભ્યાસ શરૂ કર્યો. એમના યોગ શિક્ષક હતા શ્રી રાઘવેન્દ્ર રાવ, જેઓ મલ્લાડિહલ્લિ સ્વામીના નામથી જાણીતા છે. મૈસુર વિશ્વવિદ્યાલય ખાતેથી તેમણે અંગ્રેજી ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી.[૨]

આધ્યાત્મિક અનુભવ[ફેરફાર કરો]

૨૫ વર્ષની ઉંમરમાં અનાયાસે જ એકદમ વિચિત્ર રીતે એમને ગહન આત્મ-અનુભૂતિ થઈ, જેથી એમના જીવનની દિશા જ બદલાઈ ગઈ. એક બપોરે, જગ્ગી વાસુદેવ મૈસુર ખાતે ચામુંડા હિલ પર ચડ્યા અને એક પથ્થર પર બેઠા. ત્યાં સુધી તેમની આંખો સંપૂર્ણપણે ખુલ્લી હતી. અચાનક, એમને શરીરમાંથી બહાર નીકળ્યાનો અનુભવ થયો. તેમને લાગ્યું કે તેઓ પોતાના શરીરમાં નથી, પણ બધે ફેલાય ગયા છે, ખડકોમાં, વૃક્ષોમાં, પૃથ્વીમાં. આગામી થોડા દિવસોમાં તેમને આ અનુભવ ઘણી વખત થયો અને દરેક સમયે તે તેમને પરમ આનંદની સ્થિતિમાં જતા રહેતા. આ ઘટનાથી તેમની જીવન શૈલીને સંપૂર્ણપણે બદલાઈ ગઈ. જગ્ગી વાસુદેવે આ અનુભવો વહેંચવા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો. ઈશા ફાઉન્ડેશનની સ્થાપના અને ઈશા યોગ કાર્યક્રમોની શરૂઆત આ હેતુથી કરવામાં આવી જેથી આ સંભાવના વિશ્વને અર્પણ કરી શકાય.

ઈશા ફાઉન્ડેશન[ફેરફાર કરો]

ગ્રીન હેન્ડ્સ પરિયોજના, છોડની નર્સરી

સદ્‌ગુરુ દ્વારા સ્થાપિત ઈશા ફાઉન્ડેશન, બિન-નફાકારક માનવ સેવા સંસ્થા છે, જે લોકોની શારીરિક, માનસિક અને આંતરિક કુશળતા માટે સમર્પિત છે. તે બે લાખ પચાસ હજાર કરતાં વધુ સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવે છે. તેનું મુખ્ય મથક ઈશા યોગ કેન્દ્ર, કોઇમ્બતુર ખાતે આવેલ છે. ગ્રીન હેન્ડ્સ પ્રોજેક્ટ (અંગ્રેજી: Project GreenHands) ઈશા ફાઉન્ડેશનની પર્યાવરણ સંબધિત પ્રસ્તાવ છે. સમગ્ર તામિલનાડુમાં ૧૬ કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનું આ પ્રોજેક્ટનું ઘોષિત ધ્યેય છે. અત્યાર સુધીમાં ગ્રીન હેન્ડ્સ પ્રોજેક્ટ હેઠળ તામિલનાડુ અને તિરૂપતિ ખાતે ૧૮૦૦થી વધુ સમુદાયોમાં, ૨૦ લાખથી વધુ લોકો દ્વારા ૮૨ લાખ છોડ રોપવા માટે આયોજન કરેલ છે. આ સંસ્થા દ્વારા ઓક્ટોબર ૧૭, ૨૦૦૬ના દિવસે તામિલનાડુના ૨૭ જિલ્લાઓમાં એક સાથે ૮.૫૨ લાખ છોડ રોપીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પર્યાવરણ સુરક્ષા માટે કરવામાં આવેલ એમના મહત્વપૂર્ણ કાર્યો માટે એમને વર્ષ ૨૦૦૮માં ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર આપવામાં આવ્યો.[૩]

ઈશા યોગ કેન્દ્ર[ફેરફાર કરો]

ઈશા યોગ કેન્દ્ર ધ્યાનલિંગ યોગ મંદિર પ્રવેશદ્વાર

ઈશા યોગ કેન્દ્ર, ઈશા ફાઉન્ડેશનના રક્ષણ હેઠળ સ્થાપિત છે. તે વેલિંગિરિ પર્વતોના ખીણપ્રદેશમાં ૧૫૦ એકર લીલીછમ જમીન પર આવેલ છે. ગાઢ જંગલો દ્વારા ઘેરાયેલ ઈશા યોગ કેન્દ્ર નીલગિરિ જૈવિક મંડળનો એક ભાગ છે, જ્યાં સમૃદ્ધ વન્યજીવન હાજર છે. આંતરિક વિકાસ માટે રચાયેલ આ શક્તિશાળી સ્થાન યોગના ચાર મુખ્ય માર્ગ - જ્ઞાન, કર્મ, ક્રિયા અને ભક્તિને લોકો સુધી પહોંચાડવા સમર્પિત છે. તેના પરિસરમાં ધ્યાનલિંગ યોગ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.

ધ્યાનલિંગ યોગ મંદિર[ફેરફાર કરો]

૧૯૯૯ના વર્ષમાં સદ્ગુરુ દ્વારા પ્રતિષ્ઠિત ધ્યાન લિંગ એવું પ્રથમ લિંગ છે, જેની પ્રતિષ્ઠતા પૂરી થઈ છે. યોગ વિજ્ઞાનનો સાર ધ્યાનલિંગ ઊર્જાનો એક શાશ્વત અને અનન્ય આકાર છે. ૧૩ ફુટ ૯ ઇંચ ઊંચાઇ ધરાવતું આ ધ્યાનલિંગ વિશ્વનું સૌથી મોટું પારદ-આધારીત જીવિત લિંગ છે. તે કોઈ ચોક્કસ સંપ્રદાય અથવા મત સાથે સંબધિત નથી કે ન તો અહીં કોઇ વિધિ-વિધાન, પ્રાર્થના અથવા પૂજાની જરૂર હોય છે. જે લોકો ધ્યાનના અનુભવથી વંચિત રહે છે, તેઓ પણ આ ધ્યાનલિંગ મંદિરમાં માત્ર થોડી મિનિટ સુધી મૌન બેસી ધ્યાનની ઊંડી અવસ્થાનો અનુભવ કરી શકે છે. તેના પ્રવેશદ્વાર પર સર્વ-ધર્મ સ્તંભ છે, જેમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, શીખ, તાઓ, પારસી, યહૂદી અને શિન્તો ધર્મના પ્રતીકો અંકિત છે, તે ધાર્મિક મતભેદોથી વધુ ઉપર જઈ સમગ્ર માનવતાને આમંત્રિત કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "ईशा फाउंडेशन प्रतिष्ठित 1mm $ ऑनलाइन प्रतियोगिता जीत". મૂળ માંથી 2011-08-13 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-08.
  2. Subramaniam, Arundhathi (2010). Sadhguru, More Than a Life (અંગ્રેજીમાં). Penguin Books India. ISBN 978-0-670-08512-5.
  3. ईशा फाउंडेशन को इंदिरा गाँधी पर्यावरण पुरस्कार

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]