ટ્વેન્ટી20

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

15 જૂન 2006ના રોજ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રોઝ બાઉલ ખાતે રમાઇ રહેલી ટ્વેન્ટી20 મેચનું દ્રશ્ય.

ટ્વેન્ટી20ક્રિકેટનું એક સ્વરૂપ છે, જેને સૌપ્રથમ 2003માં ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (ઇસીબી (ECB)) ઇંગ્લેન્ડની વ્યવસાયિક આંતર-કાઉન્ટી સ્પર્ધામાં દાખલ કર્યું હતું. ટ્વેન્ટી20 રમતમાં બે ટીમો હોય છે, દરેક ટીમને એક દાવ રમવાનો હોય છે, જેમાં મહત્તમ 20 ઓવરો માટે બેટિંગ કરવાની હોય છે. ટ્વેન્ટી20 ક્રિકેટ ટી20 ક્રિકેટ તરીકે પણ ઓળખાય છે.

ટ્વેન્ટી20 રમત આશરે સાડા ત્રણ કલાકમાં પૂરી થાય છે, જેમાં દરેક દાવ લગભગ 75 મિનિટ ચાલે છે, અને એ રીતે આ રમત અન્ય લોકપ્રિય ટીમ રમતોના સમય જેટલો જ સમય લે છે. મેદાનમાં આવતાં પ્રેક્ષકો અને ટેલિવિઝન પર દર્શકોને આકર્ષક લાગે તે માટે આ સ્વરૂપને રમતના જીવંત સ્વરૂપ તરીકે દાખલ કરવામાં આવ્યું હતું, અને તે ઘણું સફળ પણ રહ્યું છે. ઇસીબી (ECB) એવું ઇચ્છતું હતું કે ટ્વેન્ટી20 ક્રિકેટના અન્ય સ્વરૂપોની જગ્યા ન લઇને એ સ્વરૂપોની સાથે સાથે જ રમાય.

આ સ્વરૂપની શરૂઆત પછી તે સમગ્ર ક્રિકેટ વિશ્વમાં ફેલાઇ ચૂક્યું છે. મોટાભાગના આંતરરાષ્ટ્રીય પ્રવાસો વખતે ઓછામાં ઓછી એક ટ્વેન્ટી20 મેચ તો રમાય જ છે અને તમામ ટેસ્ટ-રમતાં દેશોમાં તેની સ્થાનિક કપ સ્પર્ધા યોજાય છે. પ્રથમ આઇસીસી (ICC) વિશ્વ ટ્વેન્ટી20 દક્ષિણ આફ્રિકામાં 2007માં રમાઇ હતી, જેની ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે પાંચ રનથી વિજયી રહ્યું હતું.[૧] 2009 આઇસીસી (ICC) વિશ્વ ટ્વેન્ટી20 પાકિસ્તાને શ્રીલંકાને આઠ વિકેટથી હરાવીને જીતી હતી.[૨] જ્યારે 2010 આઇસીસી (ICC) વિશ્વ ટ્વેન્ટી20 ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે પરાજય આપીને જીતી હતી.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઉદ્ભવ[ફેરફાર કરો]

મિડલસેક્સ તરફથી સરે વિરૂદ્ધ રમતો ઇંગ્લેન્ડનો બેટ્સમેન એન્ડ્રુ સ્ટ્રોસ.

' વ્યવસાયિક ધોરણે ક્રિકેટની રમતના ટૂંકા સ્વરૂપનાં વિચારની ચર્ચા સૌપ્રથમ વખત ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી (ECB)) 1998 અને 2001માં કરી હતી.[૩]

2002માં બેન્સન એન્ડ હેજીસ કપ પૂરો થયા પછી, ઇસીબી (ECB)ને તેના સ્થાને અન્ય એક દિવસીય સ્પર્ધાની જરૂર હતી. ઘટતાં જતાં પ્રેક્ષકો અને ઓછી થયેલી સ્પોન્સરશીપના સંદર્ભે ક્રિકેટની વિવિધ સત્તાઓ આ રમતની લોકપ્રિયતાને યુવાન પેઢીમાં વધારવા માગતી હતી. ક્રિકેટના લાંબા સ્વરૂપને લીધે તેનાથી દૂર થઇ ગયેલા હજારો પ્રસંશકોને ઝડપી અને ઉત્સાહપૂર્ણ ક્રિકેટ પૂરું પાડવાના હેતુથી આ નવા સ્વરૂપની શરૂઆત કરવામાં આવી હતી. ઇસીબી (ECB)ના માર્કેટિંગ મેનેજર સ્ટુઅર્ટ રોબર્ટ્સને 2001માં કાઉન્ટી ચેરમેનને દરેક દાવમાં 20 ઓવર ધરાવતી રમતની દરખાસ્ત કરી, જેને નવા સ્વરૂપનાં પક્ષમાં 11-7 મતોથી વધાવી લેવામાં આવી હતી.[૪] નવી રમતના યોગ્ય નામની વિચારણા માટે એક મીડિયા જૂથને આમંત્રણ આપવામાં આવ્યું અને ટ્વેન્ટી20 નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો. ટ્વેન્ટી20 ક્રિકેટ ટી20 ક્રિકેટ તરીકે પણ ઓળખાય છે. પર્થ, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના એક ગણિતશાસ્ત્રી ડો.જ્યોર્જ ક્રિસ્ટોસ પણ દાવો કરે છે કે તેમણે 1997માં આઇસીસી (ICC) અને ઇસીબી (ECB)ને આ જ સ્વરૂપની દરખાસ્ત કરી હતી.

જોકે, આઇસીસી (ICC)એ આ નવા ખ્યાલને વિકસાવવામાં પોતાની કોઇ પણ ભૂમિકાને નકારી કાઢી છે.[૫] 

ટ્વેન્ટી20 ક્રિકેટને 2003માં ઇસીબી (ECB) આયોજિત ટ્વેન્ટી20 કપની સાથે ઔપચારિક રીતે દાખલ કરવામાં આવ્યું, આ કપનું માર્કેટિંગ 10cc ગીત "ડ્રેડલોક હોલિડે"માંથી લેવાયેલા "આઇ ડોન્ટ લાઇક ક્રિકેટ, આઇ લવ ઇટ" સૂત્રથી કરવામાં આવ્યું હતું.[૩]

ટ્વેન્ટી20 કપ[ફેરફાર કરો]

ટ્વેન્ટી20ની સત્તાવાર મેચો સૌપ્રથમ વખત 13 જૂન 2003ના રોજ ટ્વેન્ટી20 કપમાં ઇંગ્લિશ કાઉન્ટીઓ વચ્ચે રમાઇ હતી.[૬] ઇંગ્લેન્ડમાં ટ્વેન્ટી20ની પ્રથમ સીઝન સફળ રહી હતી, જેની ફાઇનલમાં સરે લાયન્સે વોર્વિકશાયર બેઅર્સને 9 વિકેટથી પરાજય આપીને ટ્વેન્ટી20 કપ પર કબજો કર્યો હતો.[૭]

15 જુલાઇ 2004ના રોજ મિડલસેક્સ વિ. સરે (લોર્ડસ ખાતે યોજાયેલી પ્રથમ ટ્વેન્ટી20 મેચ) મેચમાં 26,500 પ્રેક્ષકો આવ્યા હતાં, જે 1953 પછી એક-દિવસીય ફાઇનલ મેચ સિવાય કોઇ પણ કાઉન્ટી ક્રિકેટ મેચમાં આવેલી સૌથી મોટી સંખ્યા હતી.

વિશ્વમાં ટ્વેન્ટી20[ફેરફાર કરો]

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટ્વેન્ટી20 મેચ 10 જાન્યુઆરી 2005ના રોજ વાકા (WACA) મેદાન ખાતે વેસ્ટર્ન વોરિયર્સ અને વિક્ટોરીઅન બુશરેન્જર્સ વચ્ચે રમાઇ હતી. જેમાં બધી સીટો વેચાઇ જતાં 20,700 જેટલું વિશાળ પ્રેક્ષકગણ ઉપસ્થિત રહ્યું હતું.[૮]

વેસ્ટ ઇન્ડિઝમાં 11 જુલાઇ 2006થી શરૂ થયેલી સ્ટેનફોર્ડ 20/20 ટુર્નામેન્ટમાં 19 સ્થાનિક ટીમો વચ્ચે ટક્કર થઇ હતી. બિલિયનર એલેન સ્ટેનફોર્ડ દ્વારા આ સમગ્ર સ્પર્ધાને ફાઇનાન્સ કરવામાં આવી હતી, જેમાં એલેને ઓછામાં ઓછો 28,000,000 યુએસ$ (US$)નો ફાળો આપ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના દંતકથા સમાન ખેલાડીઓએ પણ આ કાર્યક્રમને પીઠબળ પૂરું પાડ્યું હતું, અને કેટલાકે તો એન્ટિગુઆની આસપાસ જ મુકામ બનાવીને ટીમોનું ધ્યાન રાખ્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. આ સ્પર્ધા વાર્ષિક ધોરણે યોજાય તેવો હેતુ પણ જાહેર કરવામાં આવ્યો હતો. ગુયાનાએ ટ્રિનિદાદ એન્ડ ટોબેગોને 5 વિકેટથી હરાવીને આ સ્પર્ધા જીતી લીધી હતી.[૯] વિજેતા ટીમ માટે 1,000,000 યુએસ$ (US$)નું ઇનામ હતું પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પ્લે ઓફ ધ મેચ (10,000 યુએસ$ (US$)) અને મેન ઓફ ધ મેચ (25,000 યુએસ$ (US$)) જેવા ઇનામો પણ આપવામાં આવ્યાં હતા.[૧૦]

1 નવેમ્બર 2008ના રોજ સુપરસ્ટાર્સ વેસ્ટ ઇન્ડિઝ ટીમે (101-0/12.5 ઓવર) ઇંગ્લેન્ડને (99/ઓલ આઉટ) 10 વિકેટે પરાજય આપ્યો હતો. ઇંગ્લેન્ડ શરૂઆતમાં જ 33-4ના સ્કોરે અને બાદમાં 15 ઓવરોમાં 65-8ના સ્કોરે લથડી ગયું હતું, જોકે બાદમાં સમિત પટેલે 22 રન કરીને ટીમને 19.5 ઓવરોમાં 99ના સન્માનજનક સ્કોરે પહોંચાડ્યુ હતું. આ ઇંગ્લેન્ડનો અત્યાર સુધીનો સૌથી ઓછો ટ્વેન્ટી20 જુમલો છે. ક્રિસ ગેઇલ આકર્ષક 65 રન ફટકારીને નોટ આઉટ રહ્યો હતો.

5 જાન્યુઆરી 2007ના રોજ ક્વીન્સલેન્ડ બુલ્સ અને ન્યૂ સાઉથ વેલ્સ બ્લુઝ વચ્ચે ગાબ્બા, બ્રિસ્બેન ખાતે મેચ રમાઇ હતી. મેચ પહેલાના ટિકિટ વેચાણના આધારે 11,000 જેટલા પ્રેક્ષકો હાજર રહેવાની અપેક્ષા હતી. જોકે, તે દિવસે અપેક્ષાથી વધારે 16,000 જેટલા પ્રેક્ષકો ટિકિટ લેવા માટે ઉમટી પડ્યાં હતાં, જેનાથી અરાજકતા અને ગૂંચવણ સર્જાતા આશ્ચર્યમાં મૂકાયેલા ગાબ્બાના કર્મચારીઓએ કેટલાય પ્રેક્ષકોને મફત પ્રવેશ માટે મેદાનનાં દરવાજા ખોલી નાખવાની ફરજ પડી હતી. મેદાનમાં હાજરી છેક 27,653 પર પહોંચી ગઇ હતી.[૧૧]


1 ફેબ્રુઆરી 2008ના રોજ મેલબોર્ન ક્રિકેટ મેદાન ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ટ્વેન્ટી20 મેચ જોવા માટે 84,041[૧૨] લોકો ઉમટ્યા હતાં, જેમાં એક તરફ ટ્વેન્ટી20 વર્લ્ડ ચેમ્પિયન્સ હતું તો બીજી બાજુ વન-ડે (ઓડીઆઇ (ODI)) વર્લ્ડ ચેમ્પિયન્સ હતું. ઇન્ડિયન પ્રીમિયર લીગ દ્વારા પણ ટ્વેન્ટી20એ ક્રિકેટના ઘણા પ્રસંશકોને આકર્ષ્યા છે. 2008માં ભારતમાં યોજાયેલી પ્રથમ ઇન્ડિયન પ્રીમિયર લીગે તો ક્રિકેટનો ચહેરો જ બદલી નાખ્યો છે. આ લીગમાં સેંકડો ખેલાડીઓ સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યાં અને બિલિયન ડોલર્સથી વધુનું રોકાણ પણ તેમાં થયું હતું.લીગમાં રાજસ્થાન રોયલ્સ ટીમ વિજેતા બની હતી, જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ રનર્સ-અપ રહી હતી. તેની બીજી આવૃત્તિ દક્ષિણ આફ્રિકામાં યોજાઇ હતી, જેમાં ડેક્કન ચાર્જર્સ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સને હરાવીને વિજેતા રહ્યું હતું.ઘણાં પડકારો અને વિવાદો છતાં ત્રીજી વખત આ ટુર્નામેન્ટ ભારતમાં રમાઇ હતી. જેમાં ચેન્નઇ સુપર કિંગ્સ વિજેતા બની હતી અને મુંબઇ ઇન્ડિયન્સ રનર્સ-અપ રહી હતી.

આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી20[ફેરફાર કરો]

ઓકલેન્ડના ઇડન પાર્કમાં 17 ફેબ્રુઆરી 2005ના રોજ રમાયેલી પુરુષોથી પ્રથમ સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. આ મેચ હળવી શૈલીમાં રમાઇ હતી - જેમાં બંને ટીમોએ 1980ના વર્ષોમાં પહેરાતી કિટ પહેરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે તો બીજ બ્રિગેડ દ્વારા પહેરાતી કિટની નકલ જ કરી હતી. બીજ બ્રિગેડની વિનંતીને પગલે કેટલાક ખેલાડીઓએ તો 1980ના વર્ષોમાં લોકપ્રિય હોય તેવા દાઢી/મૂછ અને વાળની સ્ટાઇલ રાખીને શ્રેષ્ઠ રેટ્રો દેખાવ સ્પર્ધામાં ભાગ પણ લીધો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું, અને પરિણામ જેમ ન્યુઝીલેન્ડની હાર તરફ જતું ગયું, તેમ ખેલાડીઓ અને એમ્પાયરો રમતને હળવાશથી લેવા લાગ્યાં હતાં. ગ્લેન મેકગ્રાથે મજાકમાં 1981ની બંને ટીમો વચ્ચેની મેચનાં ટ્રેવર ચેપલનાં અન્ડરઆર્મ બનાવની નકલ કરી હતી, જેના જવાબમાં એમ્પાયર બિલી બોડને તેને લાલ કાર્ડ (ક્રિકેટમાં સામાન્ય રીતે લાલ કાર્ડનો ઉપયોગ નથી થતો) બતાવ્યું હતું.

ઇંગ્લેન્ડમાં પ્રથમ ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હેમ્પશાયરના રોઝ બાઉલ ખાતે 13 જન 2005ના રોજ રમાઇ હતી, જેમાં ઇંગ્લેન્ડ 100 રનના વિક્રમી ગાળાથી જીત્યું હતું.

ઓસ્ટ્રેલિયામાં 9 જાન્યુઆરી 2006ના રોજ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી20 મેચ રમાઇ હતી. આ મેચમાં પ્રથમ વખત ગણવેશની પાછળ અટકને બદલે દરેક ખેલાડીનું હુલામણું નામ લખવામાં આવ્યું હતું. ગાબ્બા ખાતેની આ આંતરરાષ્ટ્રીય મેચમાં 38,894 પ્રેક્ષકો આવ્યાં હતાં. મેન ઓફ ધ મેચ ડેમિયન માર્ટીનના 96 રનની મદદથી ઓસ્ટ્રેલિયા આ મેચમાં વિજેતા રહ્યું હતું.

16 ફેબ્રુઆરી 2006ના રોજ એક ટાઇ-બ્રેકિંગ બોલ-આઉટ મેચમાં ન્યુઝીલેન્ડે વેસ્ટ ઇન્ડિઝને 3-0થી હરાવ્યું હતું; મેચમાં બંને ટીમોએ 126 રન કર્યા હતાં. આ મેચ ક્રિસ કેઇર્ન્સની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી - જેમાં એનઝેડસી (NZC)એ ચાહકોને મેદાનમાં પ્રવેશતાં જ કેઇર્ન્સના ચહેરાનાં વિશાળ કાર્ડબોર્ડ મુખવટા (માસ્ક) આપ્યાં હતાં.

ટીકા[ફેરફાર કરો]

આ સ્વરૂપ સફળ પુરવાર થયું છે છતાં, તેવી દલીલો થાય છે કે ટ્વેન્ટી20 મૂળ ટેક્નિકલ ક્રિકેટથી તમને દૂર દોરી જાય છે. જે યુવાનો ક્રિકેટને અપનાવવામાં માંગે છે તેમને ટ્વેન્ટી20, ક્રિકેટ એટલે ચોગ્ગા અને છગ્ગા મારવું, પછી ભલે તમે ગમે તે રીતે મારો, તેમ સમજાવીને ગેરમાર્ગે દોરી રહ્યું છે.[૮]

રમત પર અસર[ફેરફાર કરો]

ટ્વેન્ટી20 મેચોમાં કેટલાક અદભૂત દ્રશ્યો જોવા મળી શકે છે, જેમ કે બેટ્સમેન પિચ સુધી રન આઉટ થાય ત્યારનું દ્રશ્ય.

ટ્વેન્ટી20 ક્રિકેટ વધુ વ્યાયામને લગતાં અને "વિસ્ફોટક" ક્રિકેટનાં સ્વરૂપમાં પરિણમ્યું છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ભારતીય ફિટનેસ કોચ રામજી શ્રીનિવાસનને ભારતીય ફિટનેસ વેબસાઇટ તાકાત.કોમ પરની મુલાકાતમાં જાહેર કર્યું છે કે ફિટનેસના સંદર્ભે ટ્વેન્ટી20એ તમામ ખેલાડીઓ સામે "અવરોધો ઊભા" કર્યા છે, અને આ રમતમાં ટીમમાં ખેલાડીની ભૂમિકા કરતા ઊચ્ચ કક્ષાની તાકાત, ઝડપ, ચપળતા અને પ્રતિક્રિયાનો ગાળો વગેરેને વધુ મહત્વ આપવામાં આવે છે.[૧૩] આ મત સાથે દરેક સહમત પણ નથી, કેમ કે, શેન વોર્ન જેવા નિવૃત્ત ખેલાડી પણ આ પ્રકારની આઇપીએલ (IPL) જેવી ટુર્નામેન્ટમાં સફળ રહ્યા છે.

શેન વોર્ન તેની ફિટનેસને કારણે જાણીતો નથી થયો. જોકે, એડમ ગિલિક્રિસ્ટ અને મેથ્યુ હેડન જેવા નિવૃત્ત સફળ ખેલાડીઓ તેમની ફિટનેસને કારણે જાણીતા બન્યા છે. તેમાં પણ પોતાની સામાન્ય રમત અને ખાસ કરીને આઇપીએલ (IPL)ની ફિટનેસને લીધે હેડનની તો નિવૃત્તિ વખતે કદર કરવામાં આવી.[૧૪]

જૂન 2009માં, લોર્ડસ ખાતે વાર્ષિક કાઉડ્રે લેક્ચરમાં બોલતાં પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એડમ ગિલિક્રિસ્ટે તો ટ્વેન્ટી20ને ઓલિમ્પિક રમત બનાવવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "આ રમતને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો સારો, ઝડપી અથવા સસ્તો રસ્તો જોવો ખરેખર મુશ્કેલ છે."[૧૫]

મેચનું માળખું અને નિયમો[ફેરફાર કરો]

માળખું[ફેરફાર કરો]

ટ્વેન્ટી20 મેચનું માળખું મર્યાદિત ઓવરના ક્રિકેટ જેવું જ છે, જેમાં બે ટીમો હોય છે અને દરેકને એક દાવ રમવાનો હોય છે પરંતુ ચાવીરૂપ તફાવત એ છે કે આમાં દરેક ટીમ મહતમ 20 ઓવરો જ રમી શકે છે. દેખાવનાં માળખાની દ્રષ્ટીએ જોઇએ તો, બેટિંગ ટીમના સભ્યોએ પરંપરાગત રીતે ડ્રેસિંગ રૂમમાંથી આવ-જા કરવાને બદલે, મેદાન વિસ્તારમાં મૂકાયેલી "બેન્ચ" (ખુરશીઓની હરોળ) પરથી આવ-જા કરવાની હોય છે. આ પ્રક્રિયા એસોસિએશન ફૂટબોલના "ટેક્નિકલ એરિયા" અથવા બેઝબોલના "ડગઆઉટ"માં થતી પ્રક્રિયા જેવી જ છે.

લોર્ડસ ખાતે 28,000ના વિશાળ પ્રેક્ષણગણ વચ્ચે મિડલસેક્સ સરે વિરૂદ્ધ રમી રહ્યું છે.

સામાન્ય નિયમો[ફેરફાર કરો]

કેટલાક અપવાદોને બાદ કરતાં ટ્વેન્ટી20ને ક્રિકેટના કાયદા જ લાગુ પડે છે:

 • દરેક બોલર મહતમ એક દાવની કુલ ઓવરોના પાંચમા ભાગની ઓવર જ નાખી શકે છે. સંપૂર્ણ અને નિર્વિઘ્ને પૂરી થનારી મેચમાં બોલર 4 ઓવર ફેંકી શકે છે.
 • પોપિંગ ક્રીઝને પાર કરીને જો બોલર નો બોલ નાખે છે, તો ટીમને એક રનનો દંડ થાય છે અને તે પછીના બોલને "ફ્રી-હિટ" તરીકે જાહેર કરાય છે. આ સ્થિતિમાં બેટ્સમેન માત્ર રન આઉટ, બોલને બે વખત ફટકારવાથી, ફીલ્ડિંગમાં અવરોધ પેદા કરવાથી અથવા તો હેન્ડલિંગ ધ બોલથી જ આઉટ ગણાય છે.
 • મેચમાં નીચે મુજબની ફીલ્ડિંગની મર્યાદાઓ હોય છે:
  • કોઇ પણ સમયે ડાબી બાજુ પાંચથી વધારે ફીલ્ડરો ન હોઇ શકે.
  • પ્રથમ છ ઓવરો દરમિયાન, 30-યાર્ડ સર્કલની બહાર મહતમ બે જ ફીલ્ડરો રહી શકે (કેટલીક વખત આને પાવરપ્લે પણ કહે છે).
  • પ્રથમ છ ઓવરો બાદ, ફીલ્ડિંગ સર્કલ બહાર મહતમ પાંચ ફીલ્ડરો જ હોઇ શકે.
 • જો ફીલ્ડિંગ ટીમ 75 મિનિટની અંદર તેમની 20મી ઓવર શરૂ ન કરે, તો બેટિંગ કરતી ટીમને 75મી મિનિટ પછી ફેંકાતી દરેક ઓવરદીઠ છ વધારાના રન આપાવામાં આવશે; એમ્પાયરને એમ લાગે કે બેટિંગ ટીમ વધુ સમય બગાડી રહી છે તો આ મર્યાદામાં એમ્પાયર વધુ સમય ઉમેરી શકે છે.

ટાઇ નિર્ણાયકો[ફેરફાર કરો]

હાલમાં, જો મેચ સરખાં સ્કોર પર સમાપ્ત થાય અને વિજેતા નક્કી કરવો ફરજિયાત હોય, તો ટાઇને દરેક ટીમને "એલિમીનેટર"[૧૬] અથવા "સુપર ઓવર" આપીને તોડવામાં આવે છે:[૧૭][૧૮]

દરેક ટીમ ત્રણ બેટ્સમેન અને એક બોલરની એક-ઓવરની આ "મિનિ-મેચ"ને રમવા માટે પસંદગી કરે છે, જેને ક્યારેક "વન1"પણ કહે છે.[૧૯][૨૦] બાદમાં, દરેક ટીમ વિરોધી ટીમના પસંદ કરાયેલા એક બોલરની ઓવર પર બેટિંગ કરે છે, જેમાં જો તેઓ ઓવર પૂરી થયા પહેલા બંને વિકેટ ગુમાવી દે તો તેમનો દાવ પૂરો થયેલો ગણાય છે. સુપર ઓવરમાં વધુ રન કરનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે.

પહેલાં ટાઇ પડેલી ટ્વેન્ટી20 મેચોનો નિર્ણય "બોલ-આઉટ"થી લેવામાં આવતો હતો.

આંતરરાષ્ટ્રીય[ફેરફાર કરો]

ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય મેચો 2005થી રમાવામાં આવે છે. અત્યાર સુધી 20 દેશો આ સ્વરૂપથી ક્રિકેટ રમ્યા છે, જેમાં તમામ ટેસ્ટ રમતાં દેશોનો સમાવેશ પણ થાય છે.


દેશ ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય પદાર્પણ
ઓસ્ટ્રેલિયા 17 ફેબ્રુઆરી 2005
ન્યૂઝીલેન્ડ 17 ફેબ્રુઆરી 2005
ઈંગ્લેન્ડ 13 જૂન 2005
દક્ષિણ આફ્રિકા 21 ઓક્ટોબર 2005
વેસ્ટ ઇન્ડિઝ 16 ફેબ્રુઆરી 2006
શ્રીલંકા 15 જૂન 2006
પાકિસ્તાન 28 ઓગસ્ટ 2006
બાંગ્લાદેશ 28 નવેમ્બર 2006
ઝિમ્બાબ્વે 28 નવેમ્બર 2006
ભારત 1 ડીસેમ્બર 2006
કેન્યા 1 સપ્ટેમ્બર 2007
સ્કોટલેન્ડ 12 સપ્ટેમ્બર 2007
નેધરલેન્ડ્સ 2 ઓગસ્ટ 2008
આયર્લેન્ડ 2 ઓગસ્ટ 2008
કેનેડા 2 ઓગસ્ટ 2008
બર્મ્યુડા 3 ઓગસ્ટ 2008
યુગાન્ડા 30 જાન્યુઆરી 2010
અફઘાનિસ્તાન 2 ફેબ્રુઆરી 2010
યુએઇ (UAE) 9 ફેબ્રુઆરી 2010
યુએસએ (USA) 9 ફેબ્રુઆરી 2010

આસીસી (ICC) વર્લ્ડ ટ્વેન્ટી20 ટુર્નામેન્ટ[ફેરફાર કરો]

દર બે વર્ષે આઇસીસી (ICC) વર્લ્ડ ટ્વેન્ટી20 સ્પર્ધા યોજાય છે, જો તે જ વર્ષે આઇસીસી (ICC) ક્રિકેટ વર્લ્ડ કપ યોજાવાનો હોય તો આ સ્પર્ધા એક વર્ષ પહેલા યોજાય છે. પ્રથમ સ્પર્ધા 2007માં દક્ષિણ આફ્રિકામાં યોજાઇ હતી, જેમાં ભારત ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને વિજેતા બન્યું હતું.

બીજી સ્પર્ધા પાકિસ્તાન જીત્યું હતું. ઇંગ્લેન્ડમાં 21 જૂન 2009ના રોજ યોજાયેલી આ મેચમાં શ્રીલંકા 8 વિકેટે હાર્યું હતું. 2010 આઇસીસી (ICC) વર્લ્ડ ટ્વેન્ટી20 સ્પર્ધા વેસ્ટ ઇન્ડિઝમાં મે 2010માં યોજાઇ હતી, જેમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી પરાજય આપ્યો હતો.

સ્થાનિક[ફેરફાર કરો]

ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં ચેન્નઇના ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે ટક્કર.

ક્રિકેટ રમતાં દરેક દેશમાં રમાતી મુખ્ય ટ્વેન્ટી20 સ્થાનિક સ્પર્ધાની યાદી આ પ્રમાણે છે.

દેશ સ્થાનિક સ્પર્ધાઓ
ઓસ્ટ્રેલિયા કેએફસી (KFC) ટ્વેન્ટી20 બિગ બેશ
બાંગ્લાદેશ બાંગ્લાદેશ ટ્વેન્ટી20 લીગ
કેનેડા સ્કોટિઆબેંક નેશનલ ટી20 ચેમ્પિયનશિપ
ઈંગ્લેન્ડ ફ્રેન્ડ્સ પ્રોવિડન્ટ ટી20
ભારત ડીએલએફ (DLF) ઇન્ડિયન પ્રીમિયર લીગ, ઇન્ડિયન ઇન્ટર-સ્ટેટ ટી20 ચેમ્પિયનશિપ
કેન્યા નેશનલ એલીટ લીગ ટ્વેન્ટી20
ન્યૂઝીલેન્ડ એચઆરવી (HRV) કપ
પાકિસ્તાન પાકિસ્તાન સુપર લીગ એન્ડ આરબીએસ (RBS) ટ્વેન્ટી-20 કપ
સ્કોટલેન્ડ મર્જિટ્રોય્ડ ટ્વેન્ટી20
દક્ષિણ આફ્રિકા સ્ટાન્ડર્ડ બેંક પ્રો 20 સીરિઝ
શ્રીલંકા ઇન્ટર-પ્રોવિન્સિઅલ ટ્વેન્ટી20
યુ.એસ.એ. (U.S.A.) અમેરિકન પ્રીમિયર લીગ એન્ડ એનવાયપીડી (NYPD) ક્રિકેટ લીગ
વેસ્ટ ઇન્ડિઝ સ્ટેનફોર્ડ 20/20
ઝીમ્બાબ્વે મેટ્રોપોલિટન બેંક ટ્વેન્ટી20

ચેમ્પિયન્સ ટ્વેન્ટી20 લીગ[ફેરફાર કરો]

ચેમ્પયન્સ લીગ ટ્વેન્ટી20 મોટેભાગે સીએલટી20 (CLT20) તરીકે ઓળખાય છે, જે ટ્વેન્ટી20 આધારિત ક્રિકેટ સ્પર્ધા છે. આ સ્પર્ધામાં ભારત, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ દેશોની ટીમો ભાગ લે છે. જોકે આ સ્પર્ધામાં દરેક દેશમાંથી સરખી સંખ્યા ધરાવતી ટીમો ભાગ લેતી નથી.

પાકિસ્તાન, ભારત, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સ્થાનિક લીગના વિજેતાઓ અને રનર્સ-અપ ઉપરાંત બાકીના 4 દેશોના ચેમ્પિયન્સ આ સ્પર્ધામાં ભાગ લે છે. 

2008 સીઝન[ફેરફાર કરો]

પ્રથમ આવૃત્તિ ભારતમાં 8 ટીમો સાથે યોજાવાની હતી. પ્રથમ સ્પર્ધામાં માત્ર ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમોને જ ભાગ લેવા દેવાશે તેવી અફવાઓ વચ્ચે પાકિસ્તાનની સિઆલકોટ સ્ટેલિઅન્સ ટીમને તેમાં રમવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે આ સ્પર્ધા પાછળ ઠેલાઇ હતી અને બાદમાં 2008 મુંબઇ હુમલાને પગલે તેને રદ કરવામાં આવી હતી.

2009 સીઝન[ફેરફાર કરો]

પ્રથમ આવૃત્તિ રદ થયા પછી આ સ્પર્ધામાં ચાહકો વધારવાના હેતુથી કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં. લીગમાં ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાંથી બે ટીમો તેમજ વેસ્ટ ઇન્ડિઝ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાનમાંથી એક ટીમ રમવાની હતી. ટ્વેન્ટી20 વર્લ્ડ કપની સરખામણીએ તેના માળખામાં પણ ફેરફાર કરવામાં આવ્યાં. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજનૈતિક તનાવને કારણે પાકિસ્તાનની સિઆલકોટ સ્ટેલિઅન્સની ટીમને સ્પર્ધામાં પ્રવેશ ન અપાયો, જેને બદલે આઇપીએલ (IPL)ની લીગ ટોપર ટીમ દિલ્હી ડેરડેવિલ્સને રમાડવામાં આવી. એનએસડબલ્યુ (NSW) બ્લુઝે ટ્રિનિદાદ એન્ડ ટોબેગોને હરાવીને આ ટ્રોફી જીતી હતી.

2010 સીઝન[ફેરફાર કરો]

2010 ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી20 સપ્ટેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકામાં યોજાઇ હતી. આ સ્પર્ધામાં 12ને બદલે માત્ર 10 જ ટીમ હતી, કારણ કે ઇંગ્લેન્ડની બે ટોચની ટીમ તેમાં ભાગ લઇ શકી ન હતી. 10 ટીમોને બે જૂથમાં મૂકવામાં આવી હતી. આ સ્પર્ધાની ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સે દક્ષિણ આફ્રિકાની શેવરોલે વોરિયર્સને હાર આપી હતી.

2011 સીઝન[ફેરફાર કરો]

2011 ચેમ્પિયન્સ લીગ આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાશે. ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાંથી કોઇ એક દેશ તેની યજમાની કરી શકે છે.

વિક્રમો[ફેરફાર કરો]

આ આંકડાઓ 14 ઓક્ટોબર 2010 સુધીના છે અને તેમાં તમામ મુખ્ય ક્રિકેટ કક્ષાની ટ્વેન્ટી20 મેચોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ ટ્વેન્ટી20 રન

ખેલાડી મૅચો રન હાઇએસ્ટ સ્કોર (HS) કારકિર્દીનો ગાળો
ઑસ્ટ્રેલિયા ડેવિડ હસ્સી 131 3,364 100* 2004–2010
ઑસ્ટ્રેલિયા બ્રેડ હોજ 102 3,107 106 2003–2010
ન્યૂઝીલેન્ડ બ્રેન્ડન મેકકુલમ 98 2,695 158* 2005–2010
ન્યૂઝીલેન્ડ રોસ ટેલર 97 2,459 111* 2006–2010
દક્ષિણ આફ્રિકા હર્ષેલ ગિબ્સ 101 2,380 105 2004–2010

(*) = નોટ આઉટ

સૌથી વધુ ટ્વેન્ટી20 વિકેટો

ખેલાડી મૅચો વિકેટો બીબીઆઇ (BBI) કારકિર્દીનો ગાળો
ઑસ્ટ્રેલિયા ડર્ક નેન્સ 91 123 4/11 2007–2010
પાકિસ્તાન યાસિર અરાફાત 84 106 4/17 2006–2010
દક્ષિણ આફ્રિકા એલ્બી મોર્કેલ 131 106 4/30 2004–2010
દક્ષિણ આફ્રિકા ઓલ્ફેન્ઝો થોમસ 82 99 4/27 2004–2009
શ્રીલંકા મુથૈયા મુરલીધરન 72 95 4/16 2005–2010

અન્ય વિક્રમો:[ફેરફાર કરો]

 • સૌથી વધુ વ્યક્તિગત સ્કોર - ન્યૂઝીલેન્ડ બ્રેન્ડન મેકકુલમ (કોલકાત્તા) 158* (73) (2008 આઇપીએલ (IPL))
 • સૌથી વધુ ટીમ ટોટલ -  શ્રીલંકા દ્વારા 260/6 (20 ઓવર) વિ.  કેન્યા 88/10 (19.3 ઓવર) (2007 આઇસીસી (ICC) વિશ્વ ટ્વેન્ટી20)
 • એક દાવમાં સૌથી વધુ છગ્ગા - ઇંગ્લેન્ડ ગ્રેહામ નેપીયર (એસેક્સ) 16 (2008 ટ્વેન્ટી20 કપ)
 • કારકિર્દીમાં સૌથી વધુ છગ્ગા - ન્યૂઝીલેન્ડ રોસ ટેલર 112
 • સૌથી ઝડપી સદી - ઑસ્ટ્રેલિયા એન્ડ્રુ સાયમન્ડ્સ (કેન્ટ) 34 બોલ (2004 ટ્વેન્ટી20 કપ)
 • સૌથી ઝડપી અડધી સદી - ભારત યુવરાજસિંહ 12 બોલ (20ટ્વેન્ટી વર્લ્ડ કપ 2007)
 • સૌથી વધુ સદીઓ - ન્યૂઝીલેન્ડ બ્રેન્ડન મેકકુલમ (ઓટેગો વોલ્ટ્સ, કોલકાત્તા નાઇટ રાઇડર્સ અને ન્યુઝીલેન્ડ) 3
 • દાવમાં શ્રેષ્ઠ બોલિંગનો દેખાવ (આંતરરાષ્ટ્રીય) - પાકિસ્તાન ઉમર ગુલ (પાકિસ્તાન) 5/6 (2009 ટી20)
 • દાવમાં શ્રેષ્ઠ બોલિંગનો દેખાવ (સ્થાનિક) - પાકિસ્તાન સોહૈલ તનવિર (રાજસ્થાન રોયલ્સ) 6/14 (2008 આઇપીએલ (IPL))
 • એક ઓવરમાં સૌથી વધુ રન - ભારત યુવરાજસિંહ 36, 6 બોલમાં 6 છગ્ગા (2007 આઇસીસી (ICC) વર્લ્ડ ટ્વેન્ટી20) ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય વિક્રમોની યાદી
 • ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય રમતની યાદી

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "India hold their nerve to win thriller". Cricinfo.com. 24 September 2007. Check date values in: |date= (મદદ)
 2. "Afridi fifty seals title for Pakistan". Cricinfo.com. 21 June 2009. Check date values in: |date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ હિસ્ટરી ઓફ ટ્વેન્ટી20 ક્રિકેટ ઓલ આઉટ ફોર નથિંગ. સુધારો 9 જૂન 2008.
 4. ન્યૂમેન, પોલ; મીટ ધ મેન હુ ઇન્વેન્ટેડ ટ્વેન્ટી20 ક્રિકેટ - ધ મેન મિસિંગ આઉટ ઓન મિલિયન્સ; ડેઇલી મેઇલ; 11 જૂન 2008. સુધારો 6, જાન્યુઆરી 2009
 5. પર્થ મેન સીક્સ ક્રેડિટ ફોર ટ્વેન્ટી20; ધ વેસ્ટ ઓસ્ટ્રેલિયન; 6 જાન્યુઆરી 2009. સુધારો 6, જાન્યુઆરી 2009
 6. મેચીસ પ્લેય્ડ 13 જૂન 2003 ક્રિકઇન્ફો. સુધારો 9 જૂન 2008.
 7. ટ્વેન્ટી20 કપ, 2003, ફાઇનલ - સરે વિ. વોર્વિકશાયર ક્રિકઇન્ફો. સુધારો 9 જૂન 2008.
 8. ૮.૦ ૮.૧ "Twenty20: Past, Present and Future". India Twenty20.
 9. "Guyana crowned Stanford 20/20 champions". Cricinfo.com. 14 August 2006. Check date values in: |date= (મદદ)
 10. "Dates for Stanford Twenty20 announced". The Jamaica Observer. 9 February 2006. the original માંથી 26 September 2007 પર સંગ્રહિત. Check date values in: |date=, |archivedate= (મદદ)
 11. "Gabba fans let in for free". Cricket20.com.
 12. "India crash to nine-wicket defeat". Cricinfo.com. 1 February 2008. Check date values in: |date= (મદદ)
 13. "An interview with Ramji Srinivasan". Takath.com. 19 June 2009. Check date values in: |date= (મદદ).
 14. "Hayden heroics shining light of IPL". Canberra Times. 13 May 2009. Check date values in: |date= (મદદ)
 15. બૂથ, લોરેન્સમાં જણાવાયું છે. "મીથસ; એન્ડ સ્ટીરીઓટાઇપસ." ધ સ્પિન , 30 જૂન 2009.
 16. "One-over eliminator could replace bowl-out". cricinfo.com cricinfo.com. 27 June 2008. Retrieved 26 December 2008. Check date values in: |accessdate=, |date= (મદદ)
 17. "Windies edge NZ in Twenty20 thriller". www.abc.net.au Australian Broadcasting Corporation. 26 December 2008. Retrieved 26 December 2008. Check date values in: |accessdate=, |date= (મદદ)
 18. "Benn stars in thrilling tie". cricinfo.com cricinfo.com. 26 December 2008. Retrieved 26 December 2008. Check date values in: |accessdate=, |date= (મદદ)
 19. "Vettori opposes Super Over". www.cricinfo.com cricinfo.com. 26 December 2008. Retrieved 5 February 2009. Check date values in: |accessdate=, |date= (મદદ)
 20. The Explainer (13 January 2009). "One1". www.cricinfo.com cricinfo.com. Retrieved 5 February 2009. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Forms of cricket ઢાંચો:Twenty20 leagues ઢાંચો:Team Sport