ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર
ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર | |
---|---|
જન્મની વિગત | સુરત, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત | 3 August 1863
મૃત્યુ | 16 July 1920 બોમ્બે, બ્રિટીશ ભારત | (ઉંમર 56)
રાષ્ટ્રીયતા | બ્રિટીશ ભારતીય |
શિક્ષણ સંસ્થા | એલ્ફિન્સ્ટન કોલેજ, બોમ્બે |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | રસાયણાશાસ્ત્ર |
કાર્ય સંસ્થાઓ |
|
ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર, (૩ ઓગસ્ટ ૧૮૬૩ – ૧૬ જુલાઈ ૧૯૨૦) જેઓ ટી. કે. ગજ્જર તરીકે પણ જાણીતા હતા, ભારતના એક ઔદ્યોગિક રસાયણશાસ્ત્રી, કેળવણીકાર અને ઉદ્યોગપતિ હતા. તેઓ બ્રિટિશ ભારતના પશ્ચિમી ક્ષેત્રમાં આધુનિક ઔદ્યોગિક રસાયણ ઉદ્યોગના પ્રણેતા અને સમર્થક હતા. તેમણે ભારતીય કાપડ ઉદ્યોગમાં જર્મન સિન્થેટિક રંગોની શરૂઆત કરી, મોટા પાયે આલ્કોહોલનું ઉત્પાદન શરૂ કર્યું અને ટેકનિકલ શિક્ષણમાં પ્રગતિ કરી. તેમણે વડોદરાના કલાભવન અને ત્યાર બાદ વિલ્સન કોલેજ, મુંબઈમાં અધ્યાપન કર્યું હતું. તેઓ રસાયણશાસ્ત્ર પ્રયોગશાળાઓના સ્થાપક અને એલેમ્બિક કેમિકલ વર્કસના સહ-સ્થાપક હતા.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
[ફેરફાર કરો]ત્રિભુવનદાસ ગજ્જરનો જન્મ ૩ ઓગસ્ટ ૧૮૬૩માં સુરત, ગુજરાતમાં પરંપરાગત રીતે સુથારીકામ સાથે સંકળાયેલી વૈશ્ય સુથાર જ્ઞાતિમાં થયો હતો.[૧][૨][૩] તેમના પિતા, કલ્યાણદાસ, (૧૮૨૯-૧૯૧૫) જાણીતા સિવિલ ઇજનેર અને ઉદ્યોગપતિ હતા, તેઓ સુરત અને અમદાવાદમાં લાકડાની દુકાન ધરાવતા હતા. તેમના પિતાએ પરંપરાગત સ્થાપત્ય પર પુસ્તકો લખ્યાં હતાં.[૪] તેમની માતાનું નામ ફુલકોરબેન હતું.[૨] ગજ્જરે બાળાવયે જ તૂટેલા પ્રયોગશાળાના સાધનોનો પ્રયોગ કરવામાં અને તેમના પિતાની વર્કશોપમાં સુથારીકામની કુશળતામાં નિપુણતા મેળવી પ્રારંભિક યાંત્રિક યોગ્યતા દર્શાવી હતી.[૪] તેમને વિજ્ઞાન અને ગણિત સહિતના અનેક વિષયોમાં રસ હતો.[૧]
૧૮૭૯માં મેટ્રિકમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યા બાદ ગજ્જર મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા અને ૧૮૮૨માં રસાયણશાસ્ત્રમાં બી.એસસી.ની પદવી મેળવી અને પોતાના વર્ગમાં પ્રથમ ક્રમે આવ્યા. ૧૮૮૪માં તેમણે રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતક (એમ.એ.)નો અભ્યાસ પૂર્ણ કર્યો.[૪][૧][૩] તેમણે તેમના મિત્ર સાથે ગ્રાન્ટ મેડિકલ કોલેજ ખાતે ચિકિત્સા તેમજ કાયદાનો ટૂંકો અભ્યાસ કર્યો હતો.[૧] તેઓ થોડા સમય માટે કરાચીમાં રહ્યા હતા.[૨]
કારકિર્દી
[ફેરફાર કરો]ગજ્જર તાપીદાસ શેઠની મદદથી સુરતમાં પોલિટેકનિક શરૂ કરવા માંગતા હતા, જેઓ ફંડ આપવા માટે તૈયાર થયા હતા, પરંતુ તાપીદાસના અવસાનને કારણે આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો.[૪][૧]
તેઓ ૧૮૮૬માં બરોડા કોલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા.[૪][૨] તેમણે વડોદરામાં મુદ્રણ (પ્રિન્ટિંગ) રંગવિધાન (ડાઇંગ) પ્રયોગશાળા શરૂ કરી હતી.[૨] તેમણે રંગવિધાન વિશે ગુજરાતી ત્રિમાસિક રંગ રહસ્ય પ્રકાશિત કર્યું હતું.[૧][૨] વિજ્ઞાનમાં પ્રાયોગિક શિક્ષણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, તેમણે પોલિટેકનિક સંસ્થાની દરખાસ્ત કરી, જેના પરિણામે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સહયોગથી ૧૮૯૦માં કલા ભવનની સ્થાપના થઈ. આચાર્ય તરીકે ગજ્જરે સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ, ટેક્સટાઈલ કેમિસ્ટ્રી અને ડાઇંગના અભ્યાસક્રમો શરૂ કર્યા હતા.[૪][૩] તેમણે દેશી (સ્થાનિક) ભાષાઓના શિક્ષણ પર ભાર મૂક્યો અને આ હેતુને પ્રોત્સાહન આપવા માટે વર્નાક્યુલર એકેડેમીની સ્થાપના કરી. યશવંત બી. એથલી સાથે મળીને તેમણે ગુજરાતી અને મરાઠી ભાષામાં વૈજ્ઞાનિક અને શૈક્ષણિક પુસ્તકો તૈયાર કરવાનું આયોજન કર્યું હતું, જે માટે સયાજીરાવ દ્વારા રૂ. ૫૦,૦૦૦નું અનુદાન મળ્યું હતું. આ પ્રયાસને પરિણામે ગજ્જરની દેખરેખ હેઠળ 'સયાજી જ્ઞાનમંજુશા' અને 'સયાજી લઘુ જ્ઞાનમંજુશા' એમ બે પુસ્તકોની શ્રેણીઓ પ્રકાશિત થઈ. તેમણે બહુભાષી પર્યાય શબ્દકોશની પણ કલ્પના કરી હતી પરંતુ તે ક્યારેય પૂર્ણ થઈ ન હતી.[૧] કલા ભવનને ઔદ્યોગિક વિશ્વવિદ્યાલયમાં રૂપાંતરિત કરવાનો તેમનો વિચાર સફળ ન થયો અને અમલદારશાહીથી હતાશાને કારણે તેમણે કલાભવનમાંથી રાજીનામું આપ્યું અને ૧૮૯૬માં તેઓ મુંબઈ ચાલ્યા ગયા.[૪][૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Kothari, Urvish (2023-10-17). "Tribhuvandas K. Gajjar, the Gujarati chemist who cleaned Queen Victoria's marble statue". ThePrint (અંગ્રેજીમાં). મેળવેલ 2024-12-01.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ Trivedi, J. P. "ગજ્જર, ત્રિભુવનદાસ કલ્યાણદાસ". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2024-12-01.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Bhattacharya, Nandini (2023-07-01), "The Bazaar and the Indigenous Pharmaceuticals Industry" (in en), Disparate Remedies: Making Medicines in Modern India (McGill-Queen’s University Press), https://www.ncbi.nlm.nih.gov/books/NBK592786/, retrieved 2024-12-01
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ Kochhar, Rajesh (2013-04-25). "Tribhuvandas Kalyandas Gajjar (1863-1920): The pioneering industrial chemist of Western India" (PDF). Current Science. 104 (8): 1093–1097.