ધોકો (પંચાંગ)
ધોકો અથવા પડતર દિવસ અથવા ખાલી દિવસ એટલે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે આવતો વધારાનો દિવસ.[૧] એ દિવસે દિવાળી આગળના દિવસે પુરી થઇ ગયેલી હોય છે અને નવું વર્ષ અથવા બેસતું વર્ષ હજુ શરૂ નથી થયું હોતું. આવું થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથીઓને આધારીત મહીનાઓ અને દિવસો વડે થતી હોય છે. ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને ૩૦ ભાગમાં વહેચવામાં આવી છે જ્યારે હકીકતમાં ચંદ્ર એ ૩૦ કળાઓને ૩૦ દિવસ કરતા ઓછા સમયમાં પુર્ણ કરી લે છે. આથી દર મહીને પંચાંગમાં એકાદ તિથીનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. વ્યાવહારીક સરળતા ખાતર ચંદ્રની તિથી સુર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે. પણ શક્ય છે કે દિવસ દરમ્યાન તિથી બદલાઇ જતી હોય. ધોકાને દિવસે સુર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથી શરુ નથી થઇ હોતી. નવા વર્ષની શરૂવાત તો સવારે દેવ-દર્શનથી જ થવી જોઇએ એવી માન્યતા ને લીધે એ તર્ત જ પછીના દિવસે સવારે પહેલી તિથી ચાલુ હોય એ દિવસને નવા વરસનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ બે વરસની વચ્ચે બે માંથી એક પણ વરસનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય છે.
જો કે સ્થાનિક રીતે કેટલાંક વિસ્તારોમાં આ વધારાનો દિવસ ગણી નવું વર્ષ બીજે દિવસે ઉજવાય છે તો કેટલાંક વિસ્તારોમાં આ દિવસને અવગણી તેને જ નવા વર્ષના પ્રારંભનો દિવસ ગણી ઉજવણી કરાય છે. કેટલાંક જ્યોતિષીઓના મત પ્રમાણે ધોકો પાળવાની પ્રથા આધુનિક ગણતરીઓને કારણે ઉદ્ભવી છે, પ્રાચીન ગણતરીઓમાં આવી કોઈ પ્રથા જણાતી નથી. ધોકો પાળવો કે ન પાળવો એ સ્વૈચ્છીક ગણાવાય છે.[૨][૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ સંદેશ અખબાર (નવેમ્બર ૧૧, ૨૦૧૨). "આજથી પ્રકાશપર્વ દિપાવલી પર્વસમૂહનો પ્રારંભ". મેળવેલ જુલાઈ ૩, ૨૦૧૫. Check date values in:
|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ દિવ્યભાસ્કર અખબાર (ઓક્ટોબર ૨૮, ૨૦૧૦). "'ધોકો' ફરજિયાત નથી". મેળવેલ જુલાઈ ૩, ૨૦૧૫. Check date values in:
|access-date=
(મદદ) - ↑ દિવ્યભાસ્કર અખબાર (નવેમ્બર ૬, ૨૦૧૦). "ધોકો પણ દિવાળીની જેમ જ ઉજવાશે". મેળવેલ જુલાઈ ૩, ૨૦૧૫. Check date values in:
|access-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ૨૦૧૦ના વર્ષમાં દિવાળી પછી આવેલા પડતર દિવસ વિષેનો લેખ
- ૨૦૧૦ના વર્ષમાં દિવાળી પછી આવેલા પડતર દિવસ વિષેનો એક અન્ય લેખ
- ઘોકા વિષય પરનો હાસ્ય લેખ સંગ્રહિત ૨૦૧૫-૦૬-૨૨ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |