નાઈજર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નાઈજરનો ધ્વજ.
દુનિયાના નકશા ઉપર નાઈજર.

નાઈજર, સાંવિધાનીક નામ નાઈજર ગણતંત્ર, ચારે બાજુથી જમીની સીમા ધરાવતો પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે જેનું નામ નાઈજર નદી પરથી પડ્યું છે. તેની દક્ષિણ સીમાએ નાઈજેરીયા અને બેનિન, પશ્ચિમમાં બુર્કિના ફાસો અને માલી, ઉત્તરમાં એલજીરિયા અને લિબીયા અને પૂર્વ સીમા પર ચૅડ નામના દેશો આવેલા છે. તેનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૧૨,૭૦,૦૦૦ ચો. કી. છે જેના લીધે તે પશ્ચિમ આફ્રિકાનો સૌથી મોટો દેશ છે. તેની જનસંખ્યા ૧,૩૩,૦૦,૦૦૦ની છે ને જેમાના મોટાભાગના લોકો તેના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં વસે છે. નિયામે નામનું શહેર ત્યાંની રાજધાની છે.

નાઈજર દુનિયામાં સૌથી ગરીબ તેમજ ઓછા વિકસિત દેશોમાંનો એક છે કે જ્યાંની ૮૦% ભૂમિ સહારાના રણ હેઠળ ઢંકાયેલી છે અને બાકીની જમીન નિયમિત દુષ્કાળ તેમજ રણ પ્રદેશ બનવાના ખતરા હેઠળ છે. ત્યાંનું અર્થતંત્ર મોટાભાગે જીવન નિર્વાહની જરૂરિયાતો, દક્ષિણી વિસ્તારની ફળદ્રુપ જમીન ઉપર ઊગતા અનાજની થોડીઘણી નિકાસ તેમજ કાચાં યુરેનિયમ ધાતુની નિકાસ ઉપર કેંદ્રીત છે. નાઈજર તેની ચારે બાજુ જમીની સીમા હોવાને કારણે તેમજ દુર્બળ શિક્ષા વ્યવસ્થા, આધાર માળખું, આરોગ્ય સેવા અને વાતાવરણને થતા નુકસાનને લીધે વિકલાંગતાનો અનુભવ કરી રહ્યું છે.

નાઈજેરીય સમાજમાં ખૂબ વિવિધતા છે કે જે ત્યાંના ઘણી કોમો અને પ્રદેશોના લાંબા સ્વતંત્ર ઇતિહાસને અને એક દેશ તેરીકે ઓછા સમયથી રહ્યા હોવાના લેખે જાય છે. અત્યારે જે નાઈજર દેશ તરીકે ઓળખાય છે તે ભૂતકાળમાં બીજા મોટા રાજ્યોના કિનારાનો વિસ્તાર રહ્યો છે. ફ્રેન્ચ પાસેથી સ્વતંત્રતા મેળવ્યા બાદ ત્યાંની પ્રજાએ પાંચ બંધારણો અને સૈન્ય શાસનના ત્રણ ગાળાઓ જોયા હોવા છતાં તેમણે ૧૯૯૯થી બહુપક્ષીય ચુંટાયેલી સરકાર જાળવી રાખી છે. આ દેશમાં મોટાભાગના લોકો ઈસ્લામ ધર્મ પાળે છે અને મોટાભાગના લોકો ગ્રામીય વિસ્તારમાં રહે છે કે જ્યાં તેમને વિકસીત શિક્ષણ વ્યવસ્થા ઓછી પ્રાપ્ત થાય છે.