લખાણ પર જાઓ

પાનકી

વિકિપીડિયામાંથી
પાનકી

પાનકીએ એક પારંપારિક ગુજરાતી વાનગી છે. શહેરી વાતાવરણમાં વિવિધ રૂપી ખાદ્ય પદાર્થોની ભરમાળમાં તે નામશેષઃ થતી જાય છે. આ વાનગીને મળતી આવતી એક અન્ય વાનગી પંડોળી પણ ગુજરાતનાં અમુક ભાગોમાં પ્રચલિત છે. બંને વાનગીઓમાં ફરક એટલો છે કે, પંડોળી મગની દાળમાંથી બને છે, જ્યારે પાનકી ચોખાના લોટની બને છે. આ વાનગી પચવામાં હલકી ગણાય છે. માંદા માણસને પણ આપી શકાય તેવી છે. તેને બનાવવા માટે પાંદડા (પાન)નો ઉપયોગ થતો હોવાથી તેનું નામ પાનકી પડ્યું છે.

પાનકી માટે: મગની દાળને બરાબર ધોઈને ૨-૩ કલાક માટે પાણીમાં પલાળી રાખો. હવે આ દાળને વાટીને જાડું ખીરૂં બનાવી લો.
પંડોળી માટે: ચોખાનો કરકરો લોટ કે બે કલાક પાણીમાં ભીંજવી (વાટેલા ચોખાનું ખીરું પણ વાપરી શકાય) રાખો.

હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, હિંગ, હળદર, આદુ-મરચાં, થોડું દહી અને મોણ નાંખવું.

હવે ખાખરાના બે મોટા પાન લેવા, તેના પર તેલ કે ઘી લગાડી તૈયાર કરેલ ખીરું પાથરો. બીજું પાન તેના પર વાળી તવા પર બંને બાજુ એ ધીમા તાપે શેકી લો. પાન ઉખેડીલો અને પાનકી પીરસો.

પાનકીની વિવિધતા

[ફેરફાર કરો]

ઘણી વખત દાળવડાનાં ખીરામાંથી પણ આ પાનકી બનાવવામાં આવે છે. આ પાનકીને કેળના પાંદડા પર પણ બનાવી શકાય અથવા તો બાફીને પણ બનાવી શકાય છે. બાફીને બનાવવા માટે, એક મોટા તપેલામાં પાણી ઉકાળવા મુકો, પાણી બરાબર ઉકળવા માંડે ત્યારે, તેની ઉપર બરાબર બંધબેસતા માપની થાળી કે તાસક લઈ, તેની એક તરફ આ ખીરૂં થપથપાવી દેવું (ખીરૂં ખુબ જ જાડું હોવું જોઈએ). હવે આ ખીરા વાળો ભાગ નીચેની તરફ (તપેલીની અંદરની તરફ) રહે તે રીતે થાળી/તાસક તપેલી પર ઢાંકી દો. ખીરૂં તપેલી અને તાસકની વચ્ચે સીલ તરિકે વર્તશે, અને અંદરની વરાળને કારણે બફાઈ જશે. જ્યારે વરાળ તપેલીની બહાર નિકળવા લાગે ત્યારે, સાવચેતીથી થાળી ઉપાડી, તૈયાર થયેલી પાનકીનાં ઢોકળાની જેમ ટુકડા કરી તેને કાચા તેલ સાથે ખાવાની મઝા કાંઇક ઓર જ છે.